Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંધ દરવાજા, બહારથી આંકડી અને અંદર લાશ:શરીરે ઘા નહીં, લોહીના ટીપાં નહીં, પોલીસ પણ કન્ફ્યૂઝ થઇ, સ્નીફર ડોગ આગળ જઇને અટકી ગયો

    1 week ago

    11મી એપ્રિલની એ સવાર એક ઘરના બંધ દરવાજા પાછળ ધરબાયેલી હત્યાનો પર્દાફાશ કરવાની હતી. બહેને ખાટલામાં સૂતેલા ભાઇને જોયો પણ તેને ખબર નહોતી કે વ્હાલો વીરો કાયમ માટે પોઢી ગયો છે. શરીરે કોઇ ઇજા નહોતી. લોહીના કોઇ ડાઘ નહોતા તો પછી એ યુવાન કેવી રીતે મૃત્યુ પામ્યો હતો? પોલીસની એન્ટ્રી થયા બાદ આ કેસ અકસ્માતે મોતમાંથી હત્યાના ગુનામાં ફેરવાઇ ગયો. અત્યારના સમયમાં પતિ, પત્ની ઓર વોના કિસ્સા સૌથી વધુ બની રહ્યાં છે. આડા સબંધોને કારણે ઘણીવાર પતિ કે પત્નીનું મર્ડર થાય છે અને આખા પરિવાર પર અસર થાય છે. આ કિસ્સો પણ આવો જ છે. દોઢ વર્ષના આડા સંબંધો, રાતે થયેલો કકળાટ અને આવેશમાં આવીને ભરાયેલા એક પગલાંએ 3 માસૂમ બાળકોની છત્રછાયા છીનવી લીધી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત કાતિલ પ્રેમ કહાનીની. જેનો અંતે જેલના સળિયા પાછળ આવ્યો છે. સવારે સાતેક વાગ્યાનો સમય હશે. સાણંદના પરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસમાં પણ સામાન્ય રીતે જ દિવસ શરૂ થયો હતો. એક યુવતી એના ઘરેથી નીકળીને ચાલતી ચાલતી જતી હતી. રસ્તામાં તેના ભાઇ સંજયનું ઘર આવ્યું. બહારથી આંકડી મારેલી હતી. તેણે મનોમન વિચાર્યું કે આટલી વહેલી સવારે આંકડી? ભાઇ સંજય અને પાયલ ભાભી ક્યાં ગયા? લાવ, ઘરમાં જઇને જોવા દે.. આ યુવતીના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા પરંતુ તેને પતિ સાથે બનતું ન હોવાથી એ છેલ્લા કેટલાય સમયથી માતા પિતા સાથે રહેતી હતી. જેના ઘરની બહાર આંકડી મારેલી હતી તે સંજયના લગ્ન પાયલ સાથે થયા હતા. તેને સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર હતા. સંજયની 2 પુત્રીઓ દાદા-દાદી સાથે જ રહેતી હતી. આમ તો સંજય દરરોજ સવારે કામ પર નીકળી જતો એટલે ઘર પર તાળું હોય પણ આ વખતે ફક્ત આંકડી મારેલી હતી. જે શંકાસ્પદ લાગતા એ યુવતી દરવાજો ખોલીને અંદર ગઇ. સંજય હજી ખાટલામાં સૂતો હતો. જે જોઇને યુવતીને આશ્ચર્ય થયું અને મનમાં સવાલ- અત્યારમાં પાયલ ભાભી ક્યાં ગયા હશે? મનમાં ચાલતા વિચારો અને સવાલોને એકબાજુ મૂકીને તે સંજયની નજીક ગઇ અને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગ્યો નહીં. સંજય... સંજય... બૂમ પાડીને 2-3 વાર હલબલાવ્યો પણ ફરીથી નિષ્ફળતા મળી. હવે તે ગભરાઇ ગઇ. તરત જ પિતાને ફોન કર્યો અને સંજયની સ્થિતિ વિશે વાત કરી. તેના માતા-પિતા પણ નજીકમાં જ રહેતા હતા. દીકરાની હાલત વિશે જાણીને તે હાંફળા-ફાંફળા થતા તરત ત્યાં પહોંચી ગયા. માતા-પિતાએ પણ સંજયને જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે ન જાગ્યો. આગલી રાતે તો ઘરે બનાવેલાં ભજિયાં લઇને સંજય પિતાના ઘરે આપવા ગયો હતો. ત્યારે તેને કશું નહોતું પણ બીજા દિવસની સવારે તેની આ હાલત જોઇને પરિવારને ફાળ પડી. સૌએ બૂમાબૂમ કરી મૂકી. જે સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા. હવે એક જ ઉપાય હતો સંજયને જેમ બને તેમ જલ્દી દવાખાને લઇ જવો કેમ કે ત્યાં પહોંચ્યા પછી જ કંઇક ખબર પડે તેમ હતું એટલે બધા ભેગા મળીને સંજયને CHC સેન્ટર લઇ ગયા. જો કે કોઇને ખબર નહોતી કે તે ક્યારનોય મૃત્યુ પામ્યો છે. CHC સેન્ટરમાં ફરજ પરના ડૉક્ટરે તપાસ કરીને જાહેર કર્યું કે સંજય તો મૃત્યુ પામ્યો છે. સૌથી મોટો સવાલ એ હતો કે તેના શરીરે ઇજાના કોઇ નિશાન નહોતા તો મોત થયું કેવી રીતે? ડૉક્ટરને આ કેસ શંકાસ્પદ લાગતા રૂટિન કાર્યવાહી પ્રમાણે પોલીસને જાણ કરી અને FSL દ્વારા તપાસ કરવાનું પણ સૂચવ્યું. ડૉક્ટર તરફથી જાણ થયા બાદ સાણંદ પોલીસનાં કેટલાક જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોલીસ અને પરિવાર વચ્ચે કંઇક આ રીતનો સંવાદ થયો. ‘કોણ છે આ’ ‘અમારો દીકરો છે,સાહેબ.’ ‘શું નામ છે?’ ‘સંજય’ ‘શું થયું છે?’ ‘અમને ખબર નથી.’ જેમ જેમ પોલીસ પોતાની સ્ટાઇલમાં પરિવારને સવાલો પૂછતી ગઇ તેમ તેમ ઘટના સ્પષ્ટ થતી ગઇ. હોસ્પિટલમાં હાજર પોલીસ જવાનોએ તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે PI સહિત પોલીસ સ્ટેશનનો વધારાનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. આખો મામલો જાણી લીધો. FSL રિપોર્ટ કરવાનો આદેશ અપાયો અને પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસની એક ટીમ સંજયના ઘરે પહોંચી. સૌથી પહેલા સંજયને જોનાર બહેનની પૂછપરછ કરી. જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા. ઘરનો દરવાજો બહારથી બંધ હતો જેથી એટલું તો સ્પષ્ટ થયું કે મરનાર કોઇ દિવસ ઘરનો દરવાજો બહારથી બંધ ન કરે. બીજું, મૃતકની પત્ની પાયલ દેખાતી નહોતી. પોલીસે પાડોશમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પાયલનું બાજુમાં જ રહેતા રાહુલ નામના યુવાન સાથે અફેર ચાલતું હતું. આ માહિતીએ રાહુલને પોલીસના રડાર પર લાવી દીધો. હવે પોલીસને રાહુલની શોધ હતી. તપાસ કરી તો રાહુલ ઘરે નહોતો. આ તપાસ ચાલતી જ હતી ત્યાં એક નવો જ ટ્વીસ્ટ આવ્યો. પાયલની માતાએ કડીના બાવલુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે મારી દીકરીને તેનો પતિ અને સસરા બન્ને હેરાન કરે છે. બીજીતરફ સાણંદ પોલીસે ફટાફટ 4 ટીમ બનાવી દીધી. એક ટીમ પાયલ અને રાહુલને શોધવામાં લાગી હતી. બીજી ટીમ બાવલુ પોલીસ સ્ટેશનમાં મોકલી આપી. ત્રીજી ટીમને CCTVની તપાસમાં લગાવી હતી. ચોથી ટીમ ટેકનિકલ સોર્સિસ માટે હતી. આમ સાણંદ પોલીસના તમામ 50 જવાનોનો સ્ટાફ આ કેસનું કોકડું ઉકેલવામાં લાગી ગયો હતો. પોલીસ કોઇ જોખમ લેવા માગતી નહોતી કેમ કે મોટાભાગે કેસમાં એવું બનતું હોય છે કે આરોપીને પકડવામાં જેટલું મોડું થાય એટલો જ આરોપી પોલીસની પકડથી દૂર થતો જાય છે. સૌથી મોટી વાત એ હતી કે સંજય અને પાયલને 2 છોકરી અને એક છોકરા સહિત 3 નાના સંતાનો હતા. ડર એ વાતનો હતો કે જો પાયલ નહીં મળે તો એ સંતાનોનું શું થશે? પોલીસે FSLની ટીમ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. ડોગને સંજયના ઘરે લઇ ગયા. જ્યાંથી તે સીધો રાહુલના ઘરે ગયો. રાહુલના ઘરમાં થઇને પાછળના રસ્તેથી બહાર નીકળીને પીપળ પાટિયા તરફ ગયો પણ આગળ કંઇ પગેરૂં ન મળ્યું. આ કેસમાં પ્રાથમિક તથ્યોના આધારે પાયલ અને રાહુલ બન્ને શંકાના ઘેરામાં હતા પરંતુ ચોક્કસ કારણ જાણવા ન મળે ત્યાં સુધી કોઇના તરફ આંગળી ચિંધી શકાય તેમ નહોતી કારણ કે સામાન્ય ઝઘડામાં પણ ક્યારેક કોઇને ડરના માર્યા એટેક આવી જાય તો બાકીના ગભરાઇને ભાગી જતાં હોય છે. સાણંદ PI ગોહિલ બોપલમાં હતા એ સમયે આવો જ એક બનાવ બન્યો હતો. બધા મિત્રો વોલીબોલ રમવા ગયા હતા, ત્યાં CCTV હતા. એક યુવાનને વોલીબોલ રમતા-રમતા એટેક આવી ગયો. જોકે અન્ય લોકો હાજર હતા. જેમની સામે આ ઘટના બની હતી. આવી ઘટનામાં કોઇ સાક્ષી ન હોય તો તરત ખબર ન પડે કે માણસ કેવી રીતે મર્યો. ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી એવું ચોક્કસ ન કહી શકાય કે મર્ડર જ છે. જો કે સંજયના મોતનું કારણ સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ ગયું. FSLને તપાસ આપ્યા બાદ એક ટીમ સતત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખડેપગે હતી ત્યાંથી સાંજે રિપોર્ટ પણ આવી ગયો. જેમાં સંજયના મોતનું કારણ સ્પષ્ટ હતું કે ગળું દબાવવાથી આ મોત થયું છે. પાયલ અને રાહુલ ગાયબ હતા એટલે પોલીસે કોલ ડિટેલ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એ તમામના ફોન નંબર બંધ આવતા હતા. જેથી કઇ દિશામાં ગયા હશે એની ખબર પડી શકે એમ નહોતી. મૂંઝવણમાં મૂકાયેલી પોલીસ હવે શું કરવું તેનો વિચાર કરતી હતી તેવામાં જ CCTVની તપાસ કરતી ટીમને પહેલી સફળતા મળી. બાવળા તરફ જતાં માર્ગ પર લાગેલા એક CCTVમાં પાયલ, રાહુલ દેખાઇ ગયા ત્યાંથી આગળ તેમને ટ્રેક કરવામાં આવ્યા. CCTVમાં બન્ને ક્યારેક રિક્ષા, ક્યારેક ડમ્પર તો ક્યારેક ચાલીને જતાં દેખાયા. એમની સાથે 3 વર્ષનો છોકરો હતો. પોલીસની ટીમે બન્નેને ટ્રેક કરવાનું ચાલુ જ રાખ્યું. આમ કરતા કરતા પોલીસ થાનગઢ સુધી પહોંચી ગઇ. થાનગઢ અને રાહુલને એક કનેક્શન ખૂલ્યું. અહીં તેના મામાનું ઘર હતું. પોલીસ રાહુલના મામાના ઘરે પહોંચી તો ત્યાં પાયલ, રાહુલ અને રાહુલના માતા-પિતા, ભાઇ, દાદા સહિત આખો પરિવાર ત્યાંથી મળી આવ્યો. અચાનક પહોંચેલી પોલીસને જોઇને સૌ સ્તબ્ધ થઇ ગયા. તેમના ચહેરાએ પોલીસને એ વાતની સાબિતી આપી દીધી કે હવે કેસ સોલ્વ થઇ ગયો છે. પોલીસ તમામને પકડીને સાણંદ લઇ આવી. અહીં પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં પાયલ અને રાહુલ કહેતા રહ્યાં કે અમને કંઇ ખબર નથી પણ જ્યારે પોલીસે તેમને અમૂક પુરાવા બતાવ્યા તો બન્ને ભાંગી પડ્યા. બન્નેએ પોલીસ સામે જે કબૂલાત કરી તે ચોંકાવનારી હતી. તેમણે કહ્યું, હા, સાહેબ અમે જ સંજયને મારી નાખ્યો છે. અમારે રોજનો કકળાટ થતો હતો. પોલીસ જે કેસને સવારથી ચેઝ કરી રહી હતી તેનો અંત આ શબ્દોએ લાવી દીધો. અકસ્માતે મોતનો દાખલ થયેલો ગુનો હવે મર્ડરના ગુનામાં ફેરવાઇ ગયો હતો. બન્નેના મોં પર પસ્તાવાનો ભાવ હતો. તેમને ખબર હતી કે પોતાના કારણે 3 કુટુંબ વિખેરાઇ ગયા છે પણ હવે પોલીસે એ ઉકેલવાનું હતું કે આખરે ઘટના કેવી રીતે ઘટી. એવું તો શું બની ગયું કે પાયલે પોતાના જ પતિની હત્યા કરી નાખી? આવા સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.
    Click here to Read More
    Previous Article
    ગુરુ-ચંદ્રની કૃપાથી સર્જાયો 'ગજકેસરી રાજયોગ':મિથુન-સિંહ સહિત પાંચ રાશિના જાતકોનો સુખનો સૂરજ ઊગશે, ચારેબાજુથી ધન લાભની શકયતા
    Next Article
    રિવાબાના કોન્ફિડન્સ પર નયનાબા ભડક્યાં:EVMમાં સેટિંગની વાત કરીને સંભળાવ્યું; MLA ટણીમાં બોલ્યા, ‘હું ધારું તો કેટલીય સીટ બીનહરીફ કરાવી દઉં’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment