Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પીડબ્રેકર પરથી પછડાયેલા નાગરિકે અન્યના જીવ બચાવવા સ્વખર્ચે પટ્ટા માર્યા:મનપાના તંત્ર સામે જાગૃત નાગરિકનો પડકાર, 'જુનાગઢ વાસીઓએ પોતાના જીવની ચિંતા જાતે જ કરવી પડશે'

    13 hours ago

    ​જૂનાગઢના ચોબારી ફાટકથી ઝાંઝરડા રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ રસ્તા પર લાંબા સમયથી એક કદાવર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કોઈ પણ પ્રકારના સફેદ પટ્ટા કે સાવચેતીના ચિહ્નો ન હોવાને કારણે તે 'મોતનું સ્પીડ બ્રેકર' બની ગયું હતું. આ સ્પીડ બ્રેકર અંધારામાં કે દૂરથી વાહનચાલકોને દેખાતું ન હોવાથી રોજબરોજ ત્રણથી ચાર અકસ્માતો અહીં સામાન્ય બની ગયા હતાં. દિવ્ય ભાસ્કર દ્વારા બે દિવસ પહેલા આ સમસ્યા અંગે અહેવાલ રજૂ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. અંતે, તંત્રની રાહ જોયા વગર એક જાગૃત નાગરિકે પોતે જ આ જવાબદારી ઉપાડી લીધી છે. સ્વખર્ચે કલર લાવીને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાનું કામ કર્યું ​જૂનાગઢના જાગૃત નાગરિક ચેતનભાઈ પરમાર પોતે પણ આ સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે અચાનક ઝટકો લાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે જોયું કે આ રસ્તે અનેક વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને શાળાઓએ જતા બાળકો પસાર થાય છે, જેમના જીવ પણ જોખમમાં છે. તંત્રની નિષ્ક્રિયતા જોઈને ચેતનભાઈએ નિશ્ચય કર્યો કે, જે પીડા તેમણે ભોગવી છે તે અન્ય કોઈ નાગરિકે ન ભોગવવી પડે. આ ઉમદા હેતુ સાથે તેમણે પોતાના 2થી 3 હજાર રૂપિયાના વ્યક્તિગત ખર્ચે કલર લાવીને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાનું કામ શરૂ કર્યું છે. ચેતનભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આમાં તેમનો કોઈ રાજકીય હેતુ નથી અને તેઓ માત્ર એક જાગૃત નાગરિક તરીકે બીજાના જીવ બચાવવા આ કામગીરી કરી રહ્યા છે. ​ટ્રેક્ટરમાં બેઠેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો આ સેવાકાર્યમાં સ્થાનિકોનો પણ પૂરો સહયોગ સાંપડ્યો છે. નજીકમાં જ આવેલી મહાદેવ મોટર્સના માલિક બબન પંડિતે આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રોડ પર અકસ્માતોની હારમાળા સર્જાય છે. બે દિવસ પહેલા જ એક ટ્રેક્ટર પસાર થતી વખતે બમ્પના કારણે જોરદાર ઉછળ્યું હતું અને તેમાં બેઠેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો હતો. આ વિસ્તારમાં હોસ્પિટલો અને શાળાઓ વધુ હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, છતાં મનપાના અધિકારીઓ તેમની એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ પર જ કળા કરી રહ્યા હોય તેવું લાગે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર અકસ્માત થાય ત્યારે હોસ્પિટલે ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ અકસ્માત અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેતા નથી. એક વૃદ્ધ મહિલા બાઈક પરથી નીચે પછડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અન્ય એક સ્થાનિક નાગરિક નિલેશભાઈએ પણ તંત્રની નીંભરતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે કામ મહાનગરપાલિકાએ કરોડોના બજેટમાંથી કરવાનું હોય તે કામ આજે એક સામાન્ય નાગરિકે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને કરવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા જ અહીં એક વૃદ્ધ મહિલા બાઈક પરથી નીચે પછડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડા મહિનાઓ પહેલા બે યુવકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આટલી જાનહાનિ અને અકસ્માતો પછી પણ જો તંત્ર ન જાગે તો જૂનાગઢના લોકોએ હવે પોતાના જીવની ચિંતા જાતે જ કરવી પડશે અને દરેક અસુવિધા સામે જાતે જ લડવું પડશે. સ્પીડ બ્રેકરની કામગીરીમાં પણ બેદરકારી! ​જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રોડ, ગટર અને પાણી માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ નાની એવી સ્પીડ બ્રેકરની કામગીરીમાં પણ અણઆવડત અને બેદરકારી છતી થઈ રહી છે. અત્યારે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે જો આ નીંભર તંત્ર ગંભીર ઘટનાની રાહ જોઈને બેસી રહેશે, તો આગામી સમયમાં જૂનાગઢના રસ્તાઓ હોસ્પિટલના ખાટલામાં ફેરવાઈ જશે તેવી ભીતિ છે. ચેતનભાઈ પરમાર જેવા જાગૃત નાગરિકોની આ કામગીરી તંત્રના મોઢા પર લપડાક સમાન છે અને તે સાબિત કરે છે કે હવે જનતાએ પોતાના રક્ષણ માટે પોતે જ રસ્તા પર ઉતરવું પડશે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત:આજના ટ્રેડિંગ સેશનમાં મિશ્ર પરંતુ મંદી તરફી ટ્રેન્ડ સાથે મૂવમેન્ટ જોવા મળી
    Next Article
    ખેતરમાં કામ કરતા યુવકનો કાન છૂટો પડ્યો:કાલોલના વાટા રીછીયા ગામે લોખંડની એંગલ વાગતા ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment