Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યુઝીલેન્ડમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી:બાળકોએ સપ્તઋષિ અને સપ્ત ચિરંજીવીના જીવનબોધને વાચા આપી

    4 days ago

    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અપ્રતિમ તેજના પ્રતીક એવા ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ‘બ્રાહ્મણ સમાજ (ગુજરાતી) ન્યુઝીલેન્ડ’ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન Aucklandના બાલમોરલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ અને પરિવારોએ હાજર રહીને ઉત્સવની શોભા વધારી હતી. નવી પેઢીને શાસ્ત્રોક્ત જ્ઞાનનું ભાથું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ જ્ઞાનવર્ધક સત્રો હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર સાત અમર પાત્રો— અશ્વત્થામા, હનુમાનજી, બલિરાજા, વેદ વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને માર્કંડેય ઋષિ સહિત ભગવાન પરશુરામ એટલે કે ‘સપ્ત ચિરંજીવી’ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સપ્તઋષિઓના જીવન અને તેમના દ્વારા અપાયેલા બોધપાઠને વર્તમાન જીવનમાં કેવી રીતે ઉતારવો જોઈએ, તે અંગે બાળકોએ ખૂબ જ પ્રભાવશાળી વક્તવ્ય (સ્પીચ) આપ્યા હતા. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેને ફોરમભાઇ રાવલ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. મેનેજમેન્ટથી લઈને આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારુ જીવનનો સંગમ કાર્યક્રમના દ્વિતીય ચરણમાં સમાજના વિદ્વાન વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેણે શ્રોતાઓમાં નવો વૈચારિક ઉત્સાહ જગાડ્યો હતો. બ્રાહ્મણત્વ અને આધુનિક મેનેજમેન્ટનો સમન્વય બિનલ નાગરે ભગવાન પરશુરામના શસ્ત્ર અને શાસ્ત્રના સંતુલનને આજના ‘લીડરશિપ’ અને ‘મેનેજમેન્ટ’ સાથે સાંકળીને એક અદભૂત વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે સમજાવ્યું કે બ્રાહ્મણ એટલે માત્ર જન્મથી નહીં પણ જે બ્રહ્મને જાણે અને સમાજને જ્ઞાનનો માર્ગ બતાવે તે. આજના કોર્પોરેટ અને સામાજિક યુગમાં પણ ‘શિસ્ત, નિષ્ઠા અને જ્ઞાનનું સંચાલન’ કેવી રીતે પરશુરામ ભગવાનના જીવનમાંથી શીખી શકાય છે, તેના પર તેમણે ઊંડો પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ ભાર મૂક્યો કે બ્રાહ્મણ સંસ્કારો એ વાસ્તવમાં આત્મ-વ્યવસ્થાપન (Self-Management) ની સર્વોત્તમ પદ્ધતિ છે. રાજ શુકલા: સુખ-દુઃખનું સંતુલન અને જીવન જીવવાની કળા રાજ શુકલાએ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી માનવ જીવનના બે અનિવાર્ય ચક્રો સુખ અને દુઃખ વિશે મનની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે; સુખ આપણને આભાર માનતા શીખવે છે, જ્યારે દુઃખ આપણને આત્મમંથન અને ધૈર્યની શક્તિ આપે છે. જીવનની સાચી કળા કોઈ પણ પરિસ્થિતિમાં ‘સ્થિતપ્રજ્ઞ’ રહીને આનંદમય જીવન કેવી રીતે જીવવું, તે અંગે તેમણે ખૂબ જ પ્રેરણાદાયી છણાવટ કરી હતી. તેમણે સુખ અને દુઃખ પરની કવિતાની ઉપસ્થિત લોકોએ ચોતરફથી પ્રસંશા કરી હતી. સપ્ત ચિરંજીવીનું શાશ્વત અસ્તિત્વ ચિંતનભાઇએ આપણા પુરાણોમાં વર્ણવાયેલા ‘સપ્ત ચિરંજીવી’ (સાત અમર પાત્રો)ના અસ્તિત્વ પાછળના રહસ્યો અને તેમના ગુણો વિશે વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે, આ સાતેય પાત્રો માનવ સ્વભાવના અલગ-અલગ ગુણોના પ્રતીક છે. આ પાત્રો આજે પણ આપણા વિચારો અને સંસ્કારોમાં કેવી રીતે જીવંત છે અને તેમના જીવનના આદર્શોને વર્તમાન સમયના પડકારો સામે લડવા માટે કેવી રીતે પ્રાસંગિક બનાવી શકાય, તે અંગે તેમણે અત્યંત મનનીય પ્રવચન આપ્યું હતું. નિલય જાની: હનુમાનજીની ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાનો મહિમા નિલય જાનીએ રામભક્ત હનુમાનજીના જીવનના ઉદાહરણો આપીને ‘સેવા અને સમર્પણ’ની શક્તિ સમજાવી હતી. તેમણે શ્રોતાઓને જણાવ્યું કે હનુમાનજી માત્ર શક્તિના જ નહીં, પણ બુદ્ધિ અને ચાતુર્યના પણ દેવ છે. તેમની ભક્તિમાં અહંકારનો અભાવ અને સ્વામી પ્રત્યેની જે અગાધ નિષ્ઠા છે, તે દરેક મનુષ્ય માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમના પ્રવચને શ્રોતાઓને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા અને સેવાનો સાચો અર્થ સમજાવ્યો હતો. તાલીમ અને પ્રોત્સાહન બાળકોના પ્રદર્શનને નિખારવા માટે હિમાલય શુકલા દ્વારા સપ્તઋષિઓના જીવન વિશે કેવી રીતે વક્તવ્ય આપવું અને મંચ પર કેવી રીતે રજૂઆત કરવી, તે અંગે સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ તાલીમનું પરિણામ બાળકોના આત્મવિશ્વાસપૂર્ણ પર્ફોમન્સમાં જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે, બાળકોના ઉત્સાહને વધારવા માટે તેમને ઇનામો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક એકતા અને સંસ્કાર સિંચન કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મનુરેવા શિવ મંદિરના મહારાજશ્રી નીરજભાઇએ તેમના આશીર્વચન પાઠવતા ભગવાન પરશુરામના જીવનના આદર્શોને વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા હતા. તેમણે અત્યંત પ્રભાવશાળી રીતે સમજાવ્યું કે, સામાજિક એકતાનું મહત્વ: મહારાજે જણાવ્યું કે, ભગવાન પરશુરામનું જીવન ન્યાય અને ધર્મની સ્થાપના માટે સમર્પિત હતું. આજના વિખરાયેલા જમાનામાં બ્રાહ્મણ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજમાં ‘એકતા’ હોવી કેટલી અનિવાર્ય છે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સમાજ સંગઠિત હોય છે ત્યારે જ તે પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સંગઠિત શક્તિ: તેમણે પરશુરામજીના ‘પરશુ’ (શસ્ત્ર) અને ‘શાસ્ત્ર’ના સંતુલનને સમજાવતા કહ્યું કે, જ્ઞાનની સાથે સમાજમાં એકબીજા પ્રત્યેનો સહકાર અને સંગઠિત શક્તિ જ આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે. બાળકો દ્વારા હનુમાન ચાલીસાના ગાનથી ભક્તિમય વાતાવરણ મહારાજની પ્રેરણાથી કાર્યક્રમમાં એક અત્યંત દિવ્ય ક્ષણ ત્યારે આવી જ્યારે હોલના વાતાવરણમાં નાના-નાના બાળકોના મુખે ‘હનુમાન ચાલીસા’ ના પાઠ ગુંજી ઉઠ્યા. નીરજભાઇએ સ્વયં બાળકોને આ પાઠ કરાવ્યા હતા. શુદ્ધ ઉચ્ચારણ અને નિર્દોષ ભાવે ગવાયેલી હનુમાન ચાલીસાએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધું હતું. આ સત્ર દ્વારા તેમણે સંદેશ આપ્યો કે જો બાળકોને નાનપણથી જ આવા પાઠ અને મંત્રોનું શિક્ષણ આપવામાં આવે, તો તેમનામાં સાહસ અને સંસ્કારના બીજ આપોઆપ રોપાય છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભાજપના ઉમેદવારને જોતા જ મહિલા બરાબરની ભડકી, HCના ક્લાસ-1 અધિકારીના પાઉંમાં ફૂગ નીકળી
    Next Article
    સિગારેટના ભાવ મુદ્દે ખૂની ખેલ ખેલનાર ઝડપાયો:ગાંધીનગરમાં પાર્લર ચલાવતા 16 વર્ષીય કિશોર પર આડેધડ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment