Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:આટઆટલા જડબેસલાક પ્રતિબંધો છતાં ઈરાન આટલું શસ્ત્રસમૃદ્ધ કઈ રીતે બની ગયું?

    5 days ago

    ધૈવત ત્રિવેદી લગભગ 40 દિવસના યુદ્ધ પછી આખરે અમેરિકા અને ઈરાન પાકિસ્તાનની મધ્યસ્થીથી મંત્રણા કરવા માટે સંમત થયા. ઈસ્લામાબાદની મશહૂર ‘સેરેના હોટેલ’ ખાતે બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે 21 કલાક લાંબી સઘન મંત્રણા થઈ, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. કારણ કે, અમેરિકા ઈરાનના શુદ્ધ યુરેનિયમની જપ્તી ઈચ્છે છે અને ઈરાન એ આપવા માગતું નથી. યુદ્ધમાં તો હવે જે થાય તે ખરું, પરંતુ અમેરિકાને જો ખરેખર ઈરાન પાસેના યુરેનિયમનો જ વાંધો હોય તો તેણે એ દેશનો જ કાંઠલો પકડવો જોઈએ, જે અહીં મધ્યસ્થી કરી રહ્યો હતોઃ પાકિસ્તાન..! ઈરાન કંઈ આજકાલનું અમેરિકાનું શત્રુ નથી. એંશીના દાયકામાં રુહૈલ્લાહ ખોમૈનીએ ઈસ્લામિક ક્રાંતિ કરીને પહેલવી વંશના શાસનને ઉથલાવી દીધું. એ પછી અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને બંધક બનાવીને વિખ્યાત હોસ્ટેસ ક્રાઈસિસ સર્જી. ત્યારથી બંને દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. અલબત્ત, ખનીજતેલથી સમૃદ્ધ બનેલું ઈરાન કદી જ શસ્ત્રસમૃદ્ધ ન થાય તેની અમેરિકાએ પૂરતી તકેદારી રાખી અને તેના પર જાતભાતના પ્રતિબંધો લાદી દીધા. તેને ક્યાંયથી આધુનિક ટેક્નોલોજી ન મળે, મશીનો માટે સરંજામ ન મળે, જરૂરી ઓજારો, ધાતુઓ કે રસાયણો સુધ્ધાં ન મળે એવી તમામ તકેદારી છતાં યુદ્ધમાં તો ઈરાને અમેરિકા, ઈઝરાયેલને હંફાવ્યા જ, 400 કિલોથી વધુ શુદ્ધ યુરેનિયમ પણ તેની પાસે તૈયાર છે જેના વડે તે સાત અણુબોમ્બ બનાવી શકે છે. આટઆટલા જડબેસલાક પ્રતિબંધો છતાં ઈરાન આટલું શસ્ત્રસમૃદ્ધ કઈ રીતે બની ગયું? તેની પાસે અત્યાધુનિક ડ્રોન તો છોડો, હાઈપરસોનિક મિસાઈલની ટેક્નોલોજી કેવી રીતે આવી? જેનાં એક એક મિલિગ્રામનોય અમેરિકા હિસાબ રાખે છે એ યુરેનિમનો આટલો તગડો જથ્થો ઈરાને કેવી રીતે મેળવ્યો? જો કોઈ દેશે તેને શસ્ત્રો વેચવાના જ નથી, ટેક્નોલોજી આપવાની નથી તો કોણ તેની સાથે આ વેપાર કરી ગયું? આ દરેકના સવાલનો જવાબ છે શસ્ત્ર સોદાગરોની અંધારી દુનિયા, જેનો મહત્વનો હિસ્સો પાકિસ્તાન પણ રહી ચૂક્યું છે અને ઈરાનને મળેલી યુરેનિયમ શુદ્ધિકરણની ટેક્નોલોજી તો પાકિસ્તાનની જ દેણ છે, જે આજે મધ્યસ્થી તરીકેનો ડાહ્યોડમરો મુખવટો ચડાવીને ફરે છે. પારકા મુલકમાં જઈને જાનના જોખમે કારનામાં કરનારાં કાલ્પનિક જાસૂસોની કહાની પરથી બબ્બે ભાગમાં ફિલ્મ બને અને અબજો રૂપિયા રળી આપે, તો આ એક એવી સાચુકલી કહાની છે જેના પરથી માતબર વેબસિરીઝ બની શકે. એમાં ગોરખધંધાની આંતરરાષ્ટ્રીય અંધારીઆલમ પણ છે અને ઊજળા બનીને ફરતાં દેશોના કાળા કરતૂતો પણ છે. એમાં આતંકવાદ પણ છે અને આતંકવાદ પોષીને વ્યવસાય કરનારા પણ છે. વાતની શરૂઆત થાય છે 2001થી... દુબઈથી કોઈ અજાણી વ્યક્તિ અમેરિકાની જાસુસી સંસ્થા સીઆઈએના મુખ્યાલય પર એક ઈ-મેઈલ મોકલે છે. એ જમાનામાં ઈ-મેલનું ચલણ હજુ મર્યાદિત હતું છતાં સીઆઈએને રોજના સેંકડો ઇ-મેલ આવતા હતા અને દરેક મેલ પર ધ્યાન આપવાની સ્પષ્ટ સૂચના હતી. આ ઇ-મેલ પણ ધ્યાને લેવાયો, અને એવો ધ્યાને લેવાયો કે ઇ-મેલ વાંચીને ટોચના અધિકારીઓની મીટિંગ બોલાવવી પડી. એ ઇ-મેલમાં દુબઈની કેટલીક એવી કંપનીઓના નામ હતાં જે વારંવાર વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ ખરીદતી હતી અને અન્ય કંપનીને વેચતી હતી. આટલી બાતમી પછી ઇ-મેલ કરનારે ચોખ્ખી તાકીદ કરી દીધી હતી, ‘ખરીદનાર અને વેચનાર કંપનીઓની તપાસ કરો, તમે ચોંકી ઊઠશો.’ યોગાનુયોગે ખાડીના દેશો પર બાજનજર રાખતા સીઆઈએના યુનિટે આવી શંકા વ્યક્ત કરેલી જ હતી. એટલે નનામો ઇ-મેલ હોવા છતાં સીઆઈએ તરત હરકતમાં આવી ગઈ. દુબઈનો મામલો હતો. દુબઈના શેખ સાથે અમેરિકાને મૈત્રીપૂર્ણ સંબંધો હતા. એટલે ગરબડ થાય એ પાલવે તેમ ન હતું. સીધી રીતે દુબઈથી થતાં ટ્રેડ બિઝનેસની માહિતી મળી શકે તેમ ન હતી. એટલે સીઆઈએએ અલગ ટ્રિક અજમાવી. દુબઈના અખબારોમાં વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ જોઈએ છે એવાં મતલબની જાહેરાત આપી. જવાબમાં અનેક કંપનીઓએ રસ દાખવ્યો, પણ એમાં એ કંપનીઓ ન હતી જેમનાં નામ પેલા ઇ-મેલમાં શંકાસ્પદ ગણાવાયાં હતાં. ધંધો કરનારા બિઝનેસ મેળવવાની તક જ ન ઝડપે એ વળી કેવું? સંદેહનું આ પહેલું પગથિયું...... દુબઈની બેન્કમાં અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ટ્રેડમાં એ કંપનીઓ ક્યાંય નોંધાયેલી ન હતી. એ કંપની વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ સિવાય બીજી કશી ખરીદી જ કરતી ન હતી. આવું તો કેવી રીતે શક્ય બને? કોઈ કંપની એક જ પ્રોડક્ટ ખરીદે અને વેચે અને એવું પાછું વર્ષમાં એકાદ-બે વાર જ કરે? ફક્ત આટલાં માટે કોઈ ધંધો કરતું હોય? સંદેહનું આ બીજું પગથિયું બન્યું. હવે છાનબીન વધુ ગંભીરતાથી આગળ ચાલી. દુબઈની કંપની કોની પાસેથી ખરીદે છે એ તપાસો. એ દિશામાં આગળ વધતાં એક નામ જાણવા મળ્યુઃ ‘બી. એસ. એ. તાહિર એન્ડ સન્સ.’ આ ‘તાહિર એન્ડ સન્સ’ની તપાસ કરી તો જાણવા મળ્યું કે એય વર્ષે એક-બે વખત દુબઈની કંપની મગાવે ત્યારે વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ મોકલે છે. બસ, એ સિવાય એય બીજો કશો કારોબાર કરતી જ નથી. બેઉ કંપની ક્યાંય નોંધાયેલી નથી. આ વળી તાજુબી... બબ્બે કંપની એક જ પ્રોડક્ટ પર ધંધો કરે અને એય મર્યાદિત. સંદેહના પગથિયાની ત્રીજી ઈંટ મુકાઈ. ઓકે, હવે એ તપાસો કે તાહિરની કંપની દુબઈની બેનામી કંપનીઓને વોટર પ્લાન્ટ મોકલે છે, પણ દુબઈની એ કંપનીઓ કોને મોકલે છે? એ પછી જે જાણવા મળ્યું એ ભારે ચોંકાવનારું હતું. દુબઈની કંપની વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટના નામે જે કંઈ મગાવે છે પણ એકસાથે કોઈ એક જગ્યાએ નથી મોકલતી. એ તાન્ઝાનિયા, નાઈજિરિયા, યમન અને અન્ય કેટલાક દેશોમાં ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ તરીકે શિપમેન્ટ રવાના કરે છે. એક જ પ્યોરિફિકેશન પ્લાન્ટ આ રીતે છૂટાછવાયા પૂર્જાઓમાં મોકલી શકાય? મોકલો તોય અલગ અલગ દેશોની અલગ અલગ કંપનીઓને મોકલવાનો શું મતલબ? એ રીતે કોઈ વોટર પ્લાન્ટનો ઉપયોગ કરી શકે? જવાબ હતો સરાસર ના. સીઆઈએના જાસૂસોએ કાયદેસર વોટર પ્લાન્ટ બનાવતી કંપનીઓની મુલાકાતો લીધી. તેનું મેન્યુફેક્ચરિંગ અને એક્સ્પોર્ટ પેકેજિંગ સમજ્યા. મોકલતી વખતે એ અલગ અલગ પૂર્જાઓમાં જરૂર હોય, પણ દરેક પૂર્જાને એકસાથે જોડવામાં આવે ત્યારે જ એ પ્લાન્ટ બને અને તો જ એ કામનો. અલગ પૂર્જા અલગ જગ્યાએ કદી મોકલી શકાય નહીં અને મોકલાતા હોય તો એ નકામા જ ઠરે. સંદેહનું આ પગથિયું એકદમ નક્કર હતું. જરૂર એ કંપનીઓ વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટની આડમાં કશાંક ભેદી માલસામાનનો વેપલો કરી રહી હતી. આ તગડું અને તિલસ્મી નેટવર્ક હતું. હવે ‘તાહિર એન્ડ સન્સ’નું પગેરું દબાવવું જ રહ્યું. કોણ હતો આ તાહિર, એની કુંડળી કઢાવો. તો પહેલી માહિતી મળી કે તેનું ખરું નામ બુહારી સૈયદ અબુ તાહિર. એ શ્રીલંકાનું નાગરિકત્વ ધરાવતો હતો અને અબુધાબી, કતાર તેમજ એડનમાં તેનાં ઘર તેમજ ઓફિસ હતાં. વેપારી પેઢી તરીકે ‘તાહિર એન્ડ સન્સ’ નામ હતું, પણ હકીકતે એ પરણેલો જ ન હતો, તો સન્સ તો ક્યાંથી હોય? એ પણ જાણવા મળ્યું કે તાહિરની ઓફિસોમાં ગણ્યાગાંઠ્યા બે-ચાર લોકો જ નોકરી કરતા હતા અને તેમનું કામ પણ સાફસફાઈ અને ઓફિસના વિવિધ બિલ ભરવા પૂરતું જ હતું. કારોબાર ખરેખર શું હતો એ તો સમજાતું જ ન હતું. મતલબ કે હવે તાહિર ક્યાંથી વોટર પ્લાન્ટના નામે જે કંઈ ખરીદી છે એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે અને એમ તપાસની દિશા ફંટાઈ મલેશિયા તરફ. મલેશિયાના કાયદા મુજબ આયાત કરનાર કંપનીએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું એટલે અહીંથી ‘તાહિર એન્ડ સન્સ’નું અસલી પગેરું મળ્યું. ‘તાહિર એન્ડ સન્સ’ કંપની જ્યાંથી ખરીદી કરતી હતી એ કંપનીનું નામ હતું ‘સ્કોમી પ્રિસિઝન એન્જિનિયરિંગ’ અને એ કંપનીને વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ સાથે સ્નાનસૂતકનોય કોઈ સંબંધ ન હતો. તો પછી તાહિર શું મગાવતો હતો? દુબઈની કંપની કોને શું મોકલતી હતી? આ આખાય નેટવર્કનો અસલી માસ્ટર માઈન્ડ કોણ હતો? (વધુ આવતા રવિવારે)
    Click here to Read More
    Previous Article
    83 and thriving: Why Shenaz Treasury’s father swears by functional training for healthy aging
    Next Article
    મરક મરક:પોતાના ‘કૂકડે-કૂક’ બોલવાથી જ દુનિયા ટકી છે એવો વહેમ ધરાવતા માણસો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment