Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીવી શૉમાં દીકરીએ ટ્રિપલ મર્ડરનો ભેદ ખોલ્યો:એક રાક્ષસે સગીરાને પીંખી, દીકરીનું જાતીય શોષણ કર્યું, ત્રણ હત્યાઓ કરીને ઘરની પાછળ દાટી દીધી

    5 days ago

    17 મે 2012ની એ સાંજ કદાચ ‘ઝી તમિળ’ સ્ટુડિયોમાં કામ કરતી કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂલી શકશે નહીં. ચેન્નાઈના ટી. નગરના તે ચકાચક ટીવી સ્ટુડિયોમાં એક લોકપ્રિય તમિળ રિયાલિટી શો ‘સોલ્વાથેલમ ઉનમાઈ’ (જે પણ કહીશ, સાચું જ કહીશ)નું શૂટિંગ ચાલી રહ્યું હતું. શોની પ્રખ્યાત એન્કર નિર્મલા પેરિયાસ્વામીની સામે બે યુવાન ચહેરાઓ બેઠા હતાઃ 17 વર્ષીય ભાર્ગવી અને તેનો 22 વર્ષીય બોયફ્રેન્ડ સતીશ કુમાર. બંનેના ચહેરા પરથી થાક અને ડરની સાથોસાથ આશાનું એક ઝાંખું કિરણ પણ ડોકાતું હતું. રિયાલિટી શૉમાં પ્રેમીપંખીડાં આવ્યાં અને… પહેલી નજરે એમણે વર્ણવેલી સ્ટોરી સિમ્પલ લાગતી હતી. તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના એક નાનકડા ગામડામાંથી આ બંને બે પ્રેમીપંખીડાં ભાગીને આવ્યાં હતાં. લગ્નની ઉંમર થતાં બંને એકબીજા સાથે પરણીને સંસાર વસાવવા માગતાં હતાં. પરંતુ તેમના પરિવારોને આ સંબંધ મંજૂર નહોતો. આ પ્રકારના ફેમિલી કોન્ફ્લિક્ટની રિયલ સ્ટોરીઝ આ શોમાં અવારનવાર બતાવવામાં આવતી હતી. ઘણીવાર જંગે ચડેલા પરિવારજનો અને લોહીના સંબંધે બંધાયેલા સંબંધીઓને પણ એકબીજાની સામે સ્ટુડિયોમાં બેસાડવામાં આવતા હતા અને એન્કર તમામની દલીલો સાંભળીને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરતી હતી. આ વખતે પણ ભાર્ગવી અને તેના પ્રેમીની સાથોસાથ ભાર્ગવીનાં માતા-પિતા પણ આ શૉમાં હાજર હતાં. ‘મારા પિતાએ ત્રણ હત્યા કરીને લાશો દાટી દીધી હતી’ પરંતુ આજે સ્ટોરી કંઇક અલગ હતી. જ્યારે શૉની એન્કરે ભાર્ગવીને પૂછ્યું, ‘તું ઘરે કેમ નથી જતી? તારા માતા-પિતા તને બોલાવી રહ્યાં છે…’ એ ત્યારે છોકરીની આંખો અચાનક ભીની થઈ ગઈ. તેના હોઠ ધ્રૂજવા લાગ્યા. કેમેરા આ બધું જ કેપ્ચર કરી રહ્યા હતા, પ્રેક્ષકો જોઈ રહ્યા હતા, અને પછી ભાર્ગવીએ જે કહ્યું તેનાથી આખા સ્ટુડિયોમાં હાજર રહેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. ભાર્ગવીએ રડતાં રડતાં કહ્યું, ‘કેવી રીતે ઘરે જાઉં, મેડમ? મારા પિતાએ ચાર વર્ષ પહેલાં આ જ રીતે પ્રેમમાં પડેલાં બે પ્રેમીઓ અને તેના પિતાની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, ઘરની પાછળની જગ્યામાં ત્રણેયની લાશો દાટી દીધી હતી.’ *** TV શૉમાં કેસ સોલ્વ થયાનો પહેલો કિસ્સો આજના ‘ખાખી કવર’માં વાત કરીએ તમિલનાડુના વિલ્લુપુરમના ટ્રિપલ મર્ડર કેસની. જેમાં 2008માં ત્રણ વ્યક્તિઓ તડકામાં બરફ ઓગળે તેમ ગાયબ થઈ ગઈ અને ક્યારેય તેમની ભાળ મળી નહીં. આ લોકો ગાયબ થઈ ગયાંનાં ચાર વર્ષ પછી 2012માં આખી દુનિયાની સામે એક ટીવી ચેનલના રિયાલિટી શૉમાં આ હત્યાઓનો ભાંડો ફૂટ્યો અને આખા દેશમાં સનસનાટી ફેલાઈ ગઈ. ટેલિવિઝન શૉમાં ટ્રિપલ મર્ડરનો ભેદ ખૂલ્યો હોય તેવો આ દુનિયાનો પહેલો અને એકમાત્ર કિસ્સો હતો. *** વિલ્લુપુરમઃ શાંત ગામમાં ધરબાયેલું ખોફનાક સત્ય તમિલનાડુમાં પાટનગર ચેન્નઈથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલો વિલ્લુપુરમ જિલ્લો એક શાંત, પરંપરાગત પ્રદેશ છે. અહીંના લોકો ખેતી, મજૂરી અને નાના વ્યવસાયોમાં રોકાયેલા છે. વિખ્યાત ઐતિહાસિક ગિન્ગી કિલ્લા પાસે આવેલા નાલ્લમપાલયમ ગામમાં ઇ. મુરુગન નામનો સુથાર રહેતો હતો. 45 વર્ષનો મુરુગન એક સામાન્ય માણસ હતો. તે ફર્નિચરનો નાનો વ્યવસાય ચલાવતો હતો, તેની પત્ની રાજેશ્વરી અને એક નાની પુત્રી ભાર્ગવી હતી. ગામમાં તેનાં ઠીક ઠીક માનપાન હતાં. પાડોશીઓ પણ તેના માટે ક્યારેય કોઈ ઘસાતો શબ્દ બોલતા નહોતા. કૂવો ખોદનારે પોતાની જ કબર ખોદી મુરુગનનો એક બિઝનેસ પાર્ટનર હતો શેખર. શેખર પ્રોફેશનલી એક કૂવો ખોદનાર શ્રમિક હતો. તેને ખબર નહોતી કે તે પોતે પણ ભવિષ્યમાં આવી જ એક જગ્યાએ દટાઈ મરવાનો હતો. આ શેખરનું જીવન પણ સાદું હતું. તેને 16 વર્ષની એક દીકરી હતી, લાવણ્યા. દરેક પિતા ઇચ્છે તેમ શેખર પણ પોતાની દીકરીને એક ઉજ્જ્વળ ભવિષ્ય આપવા માટે દિવસ-રાત મહેનત કરતો. પરંતુ તેની નજર બહાર એક નવો જ ઘટનાક્રમ આકાર લેવા માંડ્યો હતો. 16 વર્ષની સગીરા અને 45 વર્ષના પુરુષનો અનૈતિક સંબંધ થયું એવું કે મુરુગને લાવણ્યાને પોતાની ફર્નિચરની દુકાનમાં નોકરી પર રાખી. દીકરી કરિયરમાં આગળ વધે તે પહેલાં પ્રેમપથ પર આગળ વધી ગઈ. 16 વર્ષની લાવણ્યા અને 45 વર્ષનો મુરુગન પ્રેમમાં પડ્યાં. બંને વચ્ચે કાયદો અને સમાજ બંનેને મંજૂર ન હોય તેવો અનૈતિક સંબંધ બંધાયો. લાવણ્યા એક સગીરા હતી. જ્યારે મુરુગન લાવણ્યા કરતાં ઉંમરમાં લગભગ ત્રણગણો મોટો અને એક દીકરીનો બાપ હતો. આ સંબંધ જ આવનારી આફતનું મૂળ બન્યો. ત્રણ વર્ષ સુધી આ અનૈતિક સંબંધ ચાલતો રહ્યો. પિતાએ ના પાડી, ને દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ ઓગસ્ટ 2008માં લાવણ્યાના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તે 20 વર્ષના રામ સિલમ્બરસન નામના બીજા એક યુવાનના પ્રેમમાં પડી ગઈ. આ વખતે તે પોતાની રિલેશનશિપ વિશે ખાસ્સી સિરિયસ હતી. લાવણ્યાએ ઘરમાં રામને પરણવા વિશે વાત કરી, પરંતુ પરિવાર તૈયાર થયો નહીં. આખરે આ પ્રેમીપંખીડાં ભાગી ગયાં અને પરિવારની સંમતિ વિના લગ્ન કરી લીધાં. અનૈતિક સંબંધના સરનામે ફરી પાછી ગઈ અને મોત માગ્યું હવે બંનેએ પ્રેમના આવેગમાં ભાગીને લગ્ન તો કરી લીધાં, પણ પ્રશ્ન એ હતો કે આપણે રહેવું ક્યાં? કશું ન સૂઝતાં બંનેએ પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી. લાવણ્યા અને તેનો પતિ સિલમ્બરાસન મુરુગન પાસે ગયા અને તેના જ ઘરે આશરો લીધો. આ એ જ મુરુગન હતો, જેની સાથે અગાઉ લાવણ્યાને અનૈતિક સંબંધ હતો. મુરુગનના મનમાં પોતાના મિત્ર-પાર્ટનરની દીકરી સાથે બાંધેલા અનૈતિક સંબંધનો અપરાધભાવ હોય કે ગમે તે, પણ તેણે આ નવા પરણેલાં દંપતીને દિલ ખોલીને પોતાના ઘરમાં આવકાર્યાં. ચાર મહિના સુધી આ નવદંપતી મુરુગનના છાપરા નીચે તેના ઘરમાં રહ્યાં. પરંતુ તે ચાર મહિનામાં ઘણાં રહસ્યો ખૂલ્યાં. પરણેતરનું અફેર ખૂલ્યું, પિતાનો પિત્તો ગયો ઘરમાં થતી વાતચીત, અણસાર અને વર્તણૂક પરથી લાવણ્યાના પતિ સિલમ્બરાસનને ખબર પડી કે તેની નવી પરણેતરને લગ્ન પહેલાં ત્રણગણી ઉંમરના મુરુગન સાથે અફેર હતું. આ ખુલાસાથી ઘરનું વાતાવરણ વધુ ઝેરી થઈ ગયું. આ દરમિયાન શેખર એટલે કે લવણ્યના પિતાને પણ આ સંબંધની ખબર પડી ગઈ. તેને પોતાની દીકરી પર બેવડો ગુસ્સો હતોઃ એક તો દીકરીએ પોતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યાં હતાં અને તે અગાઉ સાવ નાની વયે એણે પોતાના જ બિઝનેસ પાર્ટનર અને ઉંમરમાં ખાસ્સા મોટા મુરુગન સાથે અનૈતિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ શેખરનો ગુસ્સો માનભંગ અને દીકરીએ કરેલા વિશ્વાસઘાત પૂરતો જ સીમિત નહોતો, તેના ગુસ્સાનું બીજું પણ એક કારણ હતું. તેણે મુરુગનને 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને તે પાછા માગી રહ્યો હતો. ત્રણ દિશાએથી મુશ્કેલીઓ આવી આ બાજુ મુરુગન હવે ત્રણ બાજુથી ફસાયો હતો. એક, લાવણ્યા, જેની સાથે તેના ભૂતકાળમાં અનૈતિક સંબંધો હતા, જે પોતાના લગ્નજીવનમાં આગ લગાડી શકે તેમ હતી. બીજું, લાવણ્યાનો પતિ સિલામ્બરસન, જેને આ ભૂતકાળના પાપ વિશે ખબર પડી ગઈ હતી. અને ત્રીજું, લાવણ્યાનો બાપ શેખર, જે પોતાની દીકરી માટે અને પોતાને ઉછીના આપેલા પૈસા માટે ભયંકર ગુસ્સે ભરાયો હતો. લોહિયાળ આઇડિયાનો જન્મ થયો આ વિશે વિચાર કરતાં કરતાં મુરુગનના શેતાની દિમાગમાં એક ખતરનાક વિચારે જન્મ લીધોઃ આ ત્રણેય જણાને એકસાથે કાયમ માટે ખામોશ કરી દઉં તો? હંમેશ માટે શાંતિ અને એકઝાટકે ત્રણ-ત્રણ મુશ્કેલીઓથી છૂટકારો. હવે આ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે તેનું દિમાગ કામે લાગી ગયું. સપ્ટેમ્બર 2008: ટ્રિપલ મર્ડરની પહેલી હત્યા સપ્ટેમ્બર 2008માં એક સાંજે મુરુગને શેખરને તેના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. બંનેએ બેઠક જમાવી. વાતોનાં વડાં કર્યાં અને જમ્યાં. પરંતુ વાતો વાતોમાં મુરુગને શેખરને આગ્રહ કરી કરીને ચિક્કાર દારૂ પીવડાવી દીધો. એ હદે કે શેખર બેભાન થઇને પડી ગયો. જ્યારે શેખર દારૂના નશામાં બેહોશ થઇને પડ્યો હતો ત્યારે મુરુગને ઇશારો કર્યો કે તરત જ તેનો મૂર્તિ નામનો એક માણસ પ્રગટ થયો અને શેખરના ગળામાં દોરડાનો ગાળિયો નાખીને ભીંસ આપી દીધી. દોરડાની ભીંસ એટલી મજબૂત હતી કે થોડીવારમાં જ શેખરનો દેહ તરફડીને શાંત થઇ ગયો. એને પોતાનો જીવ બચાવવા માટે પ્રતિકાર કરવાની તક પણ મળી નહીં. કૂવો ખોદનારાની લાશ કૂવામાં જ દાટી દીધી મૂર્તિની સાથે આ હત્યામાં મદદ કરનારો બીજો પણ એક માણસ હતો, જેનું નામ હતું સિલામ્બરસન. યસ્સ, લાવણ્યાનો પતિ. મુરુગને તેને પૈસાની લાલચ અને પોતાના લવ મેરેજમાં આડખીલી બનતા સસરાનું કાસળ કાઢી નાખવામાં સાથ દેવા માટે મનાવી લીધો હતો. એટલે શેખરની હત્યા અને તેની લાશને સગેવગે કરવામાં સિલામ્બરસનની સક્રિય ભૂમિકા હતી. રાતના અંધારામાં મુરુગન અને તેના સાગરીત મૂર્તિએ ઘરના પાછળના ભાગમાં આવેલા એક ત્યજી દેવાયેલા સૂકા કૂવાના તળિયે ખાડો ખોદીને તેમાં દફનાવી દીધી. એ માણસ, જેણે પોતાની આખી જિંદગી લોકોનાં ઘરે કૂવા ખોદવામાં વીતાવી, તે આખરે એ જ ગામના એક કૂવામાં નિશ્ચેષ્ટ હાલતમાં દટાયેલો પડ્યો હતો અને વર્ષો સુધી કોઇને તેની ભાળ સુદ્ધાં મળવાની નહોતી. એક અઠવાડિયા બાદ લાવણ્યાનો વારો આવ્યો હવે મુરુગનની નજર તેના આગલા શિકાર લાવણ્યા પર હતી. અહીં એણે વધુ ઝેરીલી મોડસ ઓપરેન્ડી અપનાવી. મુરુગને નોટિસ કર્યું કે લાવણ્યા પોતાના પિતાના અચાનક ગાયબ થવા વિશે ભારે ચિંતિત હતી. ભલે, પિતા તેનાં લગ્નથી ગુસ્સામાં હતા, પણ આખરે એક દીકરીનું હૃદય પિતા સાથે કશુંક અમંગળ થયું હોવાની ધાસ્તી સાથે તરફડી રહ્યું હતું. પતિ પાસે જ પત્નીની હત્યા કરાવી! સાથોસાથ શિયાળ જેવા ચાલાક મુરુગને એ વસ્તુ પણ નોટિસ કરી કે છેલ્લા થોડા સમયથી લાવણ્યા અને તેના પતિ સિલામ્બરસન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. બંને વચ્ચે નાની નાની વાતોએ ઝઘડા થવા માંડ્યા હતા. આ આગમાં મુરુગને પેટ્રોલ રેડવાનું શરૂ કર્યું. એને ખ્યાલ આવ્યો કે લાવણ્યા અને મુરુગન વચ્ચેના ભૂતકાળના અનૈતિક સંબંધોને કારણે એ પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ હતી. મુરુગને પૈસાની લાલચ આપીને અને શેખરની હત્યાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સિલામ્બરસનને પોતાની જ પત્નીની હત્યા કરવા માટે તૈયાર કરી લીધો! એક રાત્રે લાગ જોઇને એમણે લાવણ્યાને ઝેર નાખેલું પીણું પીવડાવી દીધું અને પછી કામ તમામ કરવા માટે દોરડાથી ગળું ભીંસીને લાવણ્યાનો પણ જીવ લઈ લીધો. માણસના સ્વભાવની આ વિચિત્રતા કહો કે જે સિલામ્બરસને પ્રેમ કરીને જેની સાથે લગ્ન કર્યાં હતાં, તેની જ હત્યા કરી નાખી. આખરે લાવણ્યાની લાશને પણ એ જ રીતે તે સૂકા કૂવાના તળિયે દસ ફૂટ ઊંડો ખાડો ખોદીને તેના પિતાની લાશની બાજુમાં દફનાવી દેવામાં આવી. તેની ઉપર ઝાડી, ઝાંખરાં, નાળિયેરીનાં સૂકાં પાંદડાં વગેરે કચરો નાખી દેવાયો, જેથી કોઇને શંકા ન જાય. પરંતુ સિલામ્બરસનને ખબર નહોતી, કે થોડા દિવસોમાં તેની પોતાની સાથે પણ એ જ થવાનું છે. 40 દિવસ પછી ત્રીજી હત્યા અને કેસ બંધ લાવણ્યાની હત્યાને લગભગ એક મહિનો થયો હશે કે સિલામ્બરસનની વર્તણૂકમાં ફેરફાર આવવા લાગ્યો. તે વાતે વાતે રડી પડતો અને પોતાની પત્નીની હત્યા કરવા બદલ ભારોભાર પસ્તાવો વ્યક્ત કરવા માંડતો. આ બધું જોઇને મુરુગનના પેટમાં ફાળ પડી. તેને લાગ્યું કે સિલામ્બરસન ગમે ત્યારે વટાણા વેરી નાખશે અને પોતે કરેલી હત્યાઓનો ભાંડો ફોડી નાખશે. એટલે એણે નક્કી કરી નાખ્યું કે સિલામ્બરસનનો પણ કાંટો નાખવો. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. 40 દિવસ પછી એક રાત્રે લાગ જોઇને એ સિલામ્બરસનને નજીકના શેરડીના ખેતરમાં લઈ ગયો. ત્યાં બેધ્યાનપણે ચાલી રહેલા સિલામ્બરસનના ગળામાં દોરડું નાખીને તેનો ટોટો પીસી નાખ્યો. આ વખતે તેની સાથે હત્યામાં મુરુગનનો ભાઈ મથિયારસન સામેલ હતો. પાઇપલાઇન બદલવાના નામે ઘરની પાછળ લાશ દાટી દીધી હત્યા પછી બંનેએ સિલામ્બરસનની લાશ એક કોથળામાં નાખી અને મુરુગનના ઘરના એક ખૂણે મૂકી રાખી. બીજા દિવસે ઘરની પાછળની બાજુએ પાઇપલાઇન બદલવાની છે એવું બહાનું કાઢીને એક પ્લમ્બરને બોલાવી આવ્યો અને પાછળના ભાગે ઊંડો ખાડો ખોદાવ્યો. પછી તેમાં સિલામ્બરસનની લાશ દાટીને માટી વગેરેથી પૂરી દીધી. ત્રણ લોકોની ઠંડા કલેજે હત્યા કરીને તેમની લાશો સગેવગે કરી દીધી. વક્રતા જુઓ કે બેએક મહિનાના અંતરે ત્રણ જણા ગાયબ થઇ ગયા તેની ગંધ સુદ્ધાં કોઇને ન આવી. આ બાજુ પર્ફેક્ટ મર્ડર કર્યાની ખાંડ ખાતો મુરુગન ફરી પાછો પોતાના ફર્નિચરના બિઝનેસમાં લાગી ગયો. ત્રણ-ત્રણ લાશોની ઉપર થોડા ફીટ છેટે જ જીવતો મુરુગન જાણે કશું થયું જ નથી એ રીતે જીવવા લાગ્યો. ચાર વર્ષ લાંબી ખામોશી 2008માં આ ત્રણ હત્યાઓ થયા પછી શેખરની પત્ની જીવાએ પોતાના પતિ, દીકરી અને જમાઈ ગાયબ થઇ ગયાની ફરિયાદ નોંધાવી. પરંતુ આ દેશમાં ગરીબ ગાયબ થાય તેની કોઇને ખાસ પડી હોતી નથી. પોલીસે મને-કમને તપાસ આદરી, પરંતુ કોઈ પુરાવા મળ્યા નહીં. ધીમે ધીમે આ કેસ પર સમયની ધૂળ ચડતી ગઈ અને પોલીસની ભાષામાં આ કેસ ‘કોલ્ડ કેસ’ની કેટેગરીમાં આવી ગયો. ગામમાં બધા લોકો માનતા હતા કે એ ત્રણેય જણા ક્યાંક જતાં રહ્યાં હશે. કર્મનું ચક્કર ફર્યું, સ્ટોરી ત્યાં જ આવીને ઊભી રહી આમ કરતાં કરતાં ચાર વર્ષ વીતી ગયાં અને 2012નું વર્ષ આવ્યું. ક્રિમિનોલોજીની ભાષામાં કહેવાય છે કે ‘ક્રાઇમ નેવર પેય્ઝ’. યાને કે ગુનો ક્યારેય ફળતો નથી, આજે નહીં તો કાલે તેનું પરિણામ અચૂક ભોગવવું જ પડે છે. બીજી એક કહેવત છે કે ‘પર્ફેક્ટ ક્રાઇમ ડઝ નોટ એક્ઝિસ્ટ’, એટલે કે ગુનેગાર ક્યારેય પકડાય જ નહીં, તેવો પર્ફેક્ટ ક્રાઇમ વાસ્તવિક જિંદગીમાં શક્ય જ નથી. મુરુગન અને તેણે કરેલી ત્રણ હત્યાઓની બાબતમાં પણ એવું જ થયું. પિતાનું પાપ છાપરે ચડીને પોકાર્યું 2012નું વર્ષ આવ્યું અને સમયનું ચક્કર એક આખું સર્કલ ફરીને ત્યાં જ આવી ગયું. હત્યારા મુરુગનની દીકરી ભાર્ગવી, જે હત્યા વખતે ટીનએજર હતી, તે જુવાન થઈ અને તેને સતીશ કુમાર નામના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો. તેણે પોતાના પ્રેમી વિશે ઘરમાં વાત કરી, તો મુરુગન ગુસ્સાથી કાળઝાળ થઇ ગયો. એણે જાતિનું અને ઉંમરનું કારણ આપીને દીકરીનાં પ્રેમને સ્વીકૃતિ આપવાની ના પાડી દીધી. દીકરી ભાગી ગઈ, અને આખી દુનિયા સામે પાપનો ઘડો ફોડ્યો પિતાની જોહુકમી જોઇને ભાર્ગવીએ પણ એ જ કર્યું, જે ચાર વર્ષ પહેલાં લાવણ્યાએ કર્યું હતુંઃ એ પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ. એના પિતા મુરુગનને સપનેય ખ્યાલ નહોતો કે ઘરેથી ભાગી ગયેલી ભાર્ગવી પોતાનાં ભૂતકાળનાં પરાક્રમોની પોલ પણ ખોલી નાખશે. કારણ કે મુરુગને એ વાત પર ક્યારેય ગંભીરતાથી વિચાર નહોતો કર્યો કે પોતે કરેલી ત્રણ હત્યાઓ વિશે તેની પત્ની રાજેશ્વરી જાણતી હતી, અને રાજેશ્વરીએ પોતાની દીકરી ભાર્ગવીને તેના વિશે વાત કરી હશે. 15 મે 2012ના રોજ ભાર્ગવી અને સતીશ ભાગીને ચેન્નઈ પહોંચ્યાં. તેમને ખ્યાલ હતો કે ‘ઝી તમિળ’ ચેનલ પર ‘સોલ્વથેલ્લમ ઉન્મઈ’ નામનો પ્રોગ્રામ આવે છે, જેમાં તેના જેવા કિસ્સાઓને સ્થાન મળે છે અને તેનું સોલ્યુશન પણ લાવવામાં આવે છે. આ પ્રેમીપંખીડાં સરનામું પૂછીને સીધાં તે શોના સ્ટુડિયો પર પહોંચી ગયાં. તેમણે શોની એન્કર નિર્મલા પાસે મદદ માગી. નિર્મલાએ તેની વાત સાંભળીને વાજબી સલાહ આપી કે ભાર્ગવી હજુ પુખ્ત વયની નથી થઇ, એટલે તે લગ્ન કરી શકે નહીં. જો તેના પિતા પોલીસ ફરિયાદ કરશે તો સતીષ પણ મુશ્કેલીમાં આવી જશે. એના કરતાં બંને પોતપોતાનાં ઘરે જતાં રહે અને પરણવાની ઉંમર થાય ત્યાં સુધી ધીરજ રાખે. પરંતુ ભાર્ગવીએ ઘરે જવાની ધરાર ના પાડી. શોની ટીમને આ સ્ટોરીમાં મસાલો દેખાયો અને તેના પર એક એપિસોડ કરવાનું નક્કી કર્યું. તે ટીવી શોના ફોર્મેટ પ્રમાણે મેકર્સે યુવક અને યુવતી બંનેનાં માતા-પિતાને સ્ટુડિયોમાં બોલાવ્યાં અને શૂટિંગ ચાલુ કર્યું. ‘મારા પિતા વર્ષોથી મારું જાતીય શોષણ કરે છે’ બે દિવસ પછી એટલે કે 17 મે 2012ના દિવસે શૂટિંગ થયું. ચાલુ શૂટિંગે એન્કર નિર્મલાએ ભાર્ગવીને સવાલ પૂછ્યો, ‘બેટા, તારે ઘરે પાછા કેમ નથી જવું?’ ત્યારે ભાર્ગવીએ નવો જ બોમ્બ ફોડ્યો, ‘કારણ કે મારા પિતા વર્ષોથી મારું જાતીય શોષણ કરે છે અને તે એક નંબરના હત્યારા છે.’ સ્ટુડિયોમાં હાજર એકેએક વ્યક્તિ સ્તબ્ધ થઇ ગઇ. આવું શૉકિંગ સત્ય ક્યારેય તેમના શૉ પર બહાર નહોતું આવ્યું. ભાર્ગવીની વાત સાંભળીને ત્યાં હાજર રહેલા તેના પિતા મુરુગને બરાડો પાડીને આખી વાતનો ઇનકાર કર્યો અને ભાર્ગવીને મોઢું બંધ કરવા આદેશ કર્યો. ભાર્ગવીને ખ્યાલ હતો કે જો અત્યારે તે નહીં બોલે તો તેને ફરી ક્યારેય આવો ચાન્સ નહીં મળે. ‘આ પહેલાં પણ મારા પિતાએ ત્રણ જણને મારી નાખ્યા છે’ ભાર્ગવી રડતી ગઈ અને બોલતી ગઈ, ‘નાની હતી ત્યારથી જ પપ્પા મારું જાતીય શોષણ કરતા આવ્યા છે. હું સમજણી થઇ ત્યારે મને આ વાતથી ઘૃણા થવા લાગી. હું નવમા ધોરણમાં હતી ત્યારે પપ્પાએ ફરી પાછું મારી સાથે ગંદું કરવાનો પ્રયાસ કર્યો. મેં વિરોધ કર્યો તો પપ્પાએ મને ગાળો ભાંડી. હું રડીને ત્યાંથી જતી રહી. જ્યારે પપ્પા ઘરેથી બહાર ગયા ત્યારે મારી માતા રાજેશ્વરીએ મને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું કે તું તારા પપ્પા સાથે વધુ ઝઘડો કરીશ તો એ તને પણ મારી નાખશે. તને ખબર નથી, એણે આ પહેલાં પણ ત્રણ જણાને મારી નાખ્યા છે, જેની લાશો આજે પણ આપણા ઘરની પાછળ દટાયેલી છે.’ ચેનલના સ્ટુડિયોમાં કોઇને કાપો તોય લોહી ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાર્ગવીનો પિતા મુરુગન દીકરીની વાતનો વિરોધ કરતો રહ્યો. શોના અંતે મુરુગને અચાનક પોતાની શકુનિ ચાલ ચાલી. એણે ઊભા થઇને દીકરીએ પસંદ કરેલા યુવાન સતીશ સાથે હાથ મિલાવ્યા અને ભેટી પડ્યો. એણે ટીવી કેમેરાની સામે જાહેરાત કરી કે દીકરી પુખ્ત વયની થાય એટલે તે સતીશને પોતાનો જમાઈ બનાવવા માટે તૈયાર છે. શોનું શૂટિંગ પૂરું થયું. પરંતુ તે ટેલિકાસ્ટ થાય તે પહેલાં તે ટીવી શોના મેકર્સે પોતાની એક ટીમ મુરુગનના ગામે મોકલી. તે દરમિયાન મુરુગન-રાજેશ્વરી અને ભાર્ગવી, સતીષ અને તેનાં માતા-પિતાને એક હોટેલમાં ઉતારો આપ્યો. ‘હા, ત્રણ જણા ચાર વર્ષથી ગાયબ છે’ ટીવી શોની ટીમે મુરુગનના ગામે જઇને પૂછપરછ કરી તો તેમને ખબર પડી કે ખરેખર ચાર વર્ષ પહેલાં 2012માં શેખર, તેની દીકરી લાવણ્યા અને તેનો પતિ સિલામ્બરસન ચાર વર્ષથી ભેદી રીતે ગાયબ હતાં. 28 મે 2012ના રોજ આ એપિસોડ ટેલિકાસ્ટ થયો અને આખા તમિલનાડુ રાજ્યમાં ચકચાર મચી ગઈ. પહેલીવાર કોઈ ટીવી શોમાં ટ્રિપલ મર્ડરનો ખુલાસો થયો હતો. આ બાજુ શેખરની પત્ની અને લાવણ્યાની માતા જીવા પોતાના ઘરે ટીવી પર આ શો જોઈ રહી હતી ત્યારે તેના હાથમાંથી કોળિયો નીચે પડી ગયો. ટીવી પર સત્તર વર્ષની એક છોકરી રડતાં રડતાં કહી રહી હતી કે તેનો પતિ, દીકરી અને જમાઈની હત્યા થઈ ચૂકી છે. આ એપિસોડ ટેલિકાસ્ટ થયો તેના ત્રણ દિવસ બાદ જીવા વિલ્લુપુરમના સુપ્રિન્ટેન્ડેન્ટ આનંદ બાસ્કરન પાસે પહોંચી અને સત્તાવાર રીતે મર્ડરની ફરિયાદ નોંધાવી. હવે આ મુદ્દો નેશનલ લેવલે વાઇરલ થઈ ચૂક્યો હતો, એટલે તેમને એક્શન લીધા વિના છૂટકો નહોતો. જેસીબીથી માટી ઊલેચાઈ અને હાડપિંજરો નીકળવા માંડ્યાં 1 જૂન 2012ના રોજ મુરુગનન ઘરની બહાર પોલીસ અધિકારીઓની ટીમ, જેસીબી મશીન, ડઝનબંધ મીડિયાકર્મીઓ, ફોરેન્સિક એક્સપર્ટ્સ અને સેંકડો લોકોની ભીડ જામી હતી. જેસીબી મશીન દ્વારા ઊલેચાઈ રહેલી માટી પર ચેનલોના કેમેરા તકાયેલા હતા. થોડીવારમાં જ ચાર વર્ષથી દટાયેલું લોહિયાળ સત્ય બહાર આવી ગયું. પહેલાં સિલામ્બરસન અને ત્યારબાદ બાજુના સૂકા કૂવાની અંદરથી શેખર તથા લાવણ્યાનાં હાડકાં, ખોપરીઓ અને તેમણે પહેરેલી થોડી વસ્તુઓના અવશેષો મળી આવ્યા. ફોરેન્સિક તપાસમાં સ્પષ્ટ થઇ ગયું કે આ અવશેષો શેખર, લાવણ્યા અને સિલામ્બરસનના જ હતા. પોલીસે મુરુગનના ભાઈ મથિયારસન, મુરુગનની પત્ની રાજેશ્વરી અને મુરુગનના માણસ મૂર્તિની ધરપકડ કરી. મુરુગન ફરાર થઈ ગયો હતો. બે અઠવાડિયાં સુધી ભાગતા ફર્યા બાદ પોલીસે તેને પણ પકડી પાડ્યો. ટીવી ચેનલે પોલીસને ફરિયાદ કેમ ન કરી? પોલીસના ઇન્ટરોગેશનમાં ચારેય આરોપીઓએ પોતાના ગુના કબૂલી લીધા. પોલીસે તે ટીવી શો અને મુરુગનની દીકરી ભાર્ગવીની બહાદુરીનાં વખાણ કર્યાં, જેની મદદથી ચાર વર્ષ જૂનો આ ‘કોલ્ડ કેસ’ અચાનક સોલ્વ થઈ ગયો. અલબત્ત, પોલીસે એવી પણ ટકોર કરી કે તે એપિસોડના શૂટિંગ અને તેના ટેલિકાસ્ટ વચ્ચે 11 દિવસનો સમય હતો, તે દરમિયાન તેમણે પોલીસને જાણ કરવી જોઇતી હતી. જો આ દિવસો દરમિયાન આરોપીએ પુરાવાનો નાશ કરી નાખ્યો હોત, કે તે ભાગી ગયો હોત કે પછી તેણે આપઘાત કરી લીધો હોત તો તેની જવાબદારી કોણ લેત? ન્યાયની ચક્કીએ ધીમું દળ્યું, પણ બારીક દળ્યું આ કેસ વિલ્લુપુરમ મહિલા અદાલતમાં આઠ વર્ષ ચાલ્યો. આખરે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. ત્રણેય હત્યાઓના માસ્ટરમાઇન્ડ મુરુગનને ટ્રિપલ આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી. તેના ભાઈ મથિયારસનને આજીવન કારાવાસ અને 25 હજાર રૂપિયાનો દંડ કરાયો. મુરુગનની પત્ની રાજેશ્વરી અપૂરતા પુરાવાને કારણે નિર્દોષ છૂટી ગઈ. જ્યારે મુરુગનનો માણસ મૂર્તિ કોર્ટની કાર્યવાહી દરમિયાન જ મૃત્યુ પામ્યો. મુરુગન અત્યારે તમિલનાડુની કુડ્ડાલોર સેન્ટ્રલ પ્રિઝનમાં પોતાની જિંદગીનાં બાકીનાં વર્ષો કાઢી રહ્યો છે. આશા રાખીએ કે તેને પોતાનાં કૃત્યોનો પસ્તાવો થતો હશે.
    Click here to Read More
    Previous Article
    124 બેઠકો પર મમતાને નુકસાન પહોંચાડશે બાબરી મસ્જિદ?:મુસ્લિમો બોલ્યા- પોતાનો ધંધો ચમકાવ્યો, મસ્જિદથી ખુશ છે પરંતુ હુમાયુ કબીર સ્વાર્થી
    Next Article
    83 and thriving: Why Shenaz Treasury’s father swears by functional training for healthy aging

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment