Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાંસીની સજાનો આરોપી દોઢ વર્ષે નિર્દોષ છૂટ્યો:સેશન્સ કોર્ટનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો, પ્રેમિકાના પતિ અને તેની સાસુને કુહાડીના ઘા મારીને હત્યા કરવાનો આક્ષેપ હતો

    13 hours ago

    2017માં પ્રેમ સંબંધમાં પ્રેમિકાના પતિ અને સાસુની હત્યા કરવાના આરોપસર આરોપી બળદેવ ઠાકોરને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે સપ્ટેમ્બર, 2024માં ફાંસીની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સેશન્સ કોર્ટનો હુકમ રદ કરીને આરોપીને નિર્દોષ છોડ્યો છે. આમ ફાંસીની સજા પડયાના દોઢ વર્ષમાં આરોપી નિર્દોષ છૂટ્યો છે. 'મહત્વના સાક્ષીઓ જુબાનીથી ફરી ગયા હતા' હાઇકોર્ટે આરોપીને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે, આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત પુરાવા પર આધારિત હતો. જે મહત્વના સાક્ષીઓ હતા તેઓ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી ગયા હતા. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી, કારણ કે તેની સાથે કાયદા મુજબનું જરૂરી 65Bનું સર્ટિફિકેટ જોડવામાં આવ્યું નહોતું. હથિયારોની રિકવરી અને ગુનાના સ્થળનું પંચનામું કાયદાકીય રીતે સાબિત કરી શકાયું નથી. તપાસ અધિકારી આરોપીએ પોલીસ કસ્ટડીમાં આપેલું ચોક્કસ નિવેદન કોર્ટમાં સાબિત કરી શક્યા નથી. આરોપીના મૃતકની પત્ની સાથેના સંબંધો કે હત્યા પાછળનો હેતુ સાબિત કરવા માટે પણ પૂરતા પુરાવા મળ્યા નથી. આરોપીને તુરંત જેલમુક્ત કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો હાઇકોર્ટે જણાવ્યું છે કે, માત્ર શંકાના આધારે કોઈને સજા આપી શકાય નહીં. પ્રોસિક્યુશન આરોપી વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી સેશન્સ કોર્ટનો ફાંસીની સજાનો હુકમ રદ કરવામાં આવે છે અને આરોપીને તુરંત જેલમુક્ત કરવાનો આદેશ અપાયો છે. સેશન્સ કોર્ટે આરોપીને દેહાદંડની સજા ફટકારી હતી આ કેસને વિગતે જોતા 2017માં આરોપી બળદેવ ઠાકોર સામે ઓઢવ પોલીસ મથકે IPCની કલમ 302, 201 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે આરોપી પર અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. સરકારી પક્ષે એડવોકેટ આર.એફ.પટણીએ દલીલો કરી હતી. આ કેસમાં 38 સાક્ષીઓ અને 38 પુરાવા તપાસીને એડિશનલ સેશન્સ જજ ભરત જાદવે આરોપીને દેહાદંડની સજા ફટકારી હતી. પ્રેમિકાના પતિ અને તેની સાસુને કુહાડીના ઘા મારીને હત્યા કરી આરોપી ઉપર આક્ષેપ મુજબ ફરિયાદીએ પોતાના એક સગાને ઓઢવ ખાતે આવેલું પોતાનું મકાન ભાડે આપ્યું હતું. આ ભાડુઆતે છૂટાછેડા લીધેલ એક 26 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતાં. આ યુવતીને અગાઉના લગ્નથી એક પુત્રી પણ હતી. આ યુવતી પોતાના સાસુની દવા લેવા માટે તેમની સાથે એક હોસ્પિટલમાં જતી હતી. જ્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા આરોપી બળદેવ ઠાકોર સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અનૈતિક સંબંધો અને શરીર સંબંધો બંધાવા માંડ્યા હતા. જેની જાણ તેના પતિ અને સાસુને થતા ઘરમાં ઝઘડા થતા હતા. આથી યુવતીને તેના પતિ અને સાસુએ તેની દીકરી સાથે વતન મહારાષ્ટ્ર મોકલી દીધી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા તેના પ્રેમી બળદેવ ઠાકોરે ઘરમાં પ્રવેશીને પહેલા પોતાની પ્રેમિકાની સાસુ અને ત્યારબાદ તેના પતિના માથામાં કુહાડીના ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી. પ્લાસ્ટિકના થેલામાં સ્ત્રી અને પુરુષની વિકૃત લાશ મળી આવી હતી આ ઘટના બાદ ફરિયાદી એવા મકાન માલિકને ઘટના સ્થળેથી પડોશીનો ફોન આવ્યો હતો કે, તેમના ઘરમાંથી ખરાબ વાસ આવી રહી છે. જેથી મકાન માલિક ત્યાં પહોંચ્યા હતા. તેમાં કોઈએ પોલીસને પણ ફોન કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે મકાનનો દરવાજો ખોલીને જોતા મકાનમાં જુદી જુદી જગ્યાએ લોહીના ડાઘા અને લોહી મળી આવ્યું હતું. જ્યારે એક જગ્યાએ પ્લાસ્ટિકના થેલામાં એક સ્ત્રી અને પુરુષની વિકૃત તેમજ કીડા પડેલી લાશ મળી આવી હતી. મૃતક ભાડુઆતના મોટાભાઈ આવ્યા હતા અને તેને પોતાના ભાઈ અને માતાની લાશ ઓળખી બતાવી હતી. સાહેદ એવા એક પડોશીઓપણ કહ્યું હતું કે મૃતકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હતા. પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો આરોપીએ હત્યા કર્યા બાદ લોહીના ડાઘા હથિયાર ઉપર તેમજ ઘરમાંથી સાફ કરી નાખ્યા હતા. તેમ જ હથિયારને લઈને અંધારામાં પોતે જે હોસ્પિટલમાં કામ કરતો હતો તેની બાજુના કચરામાં નાખીને તેને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે FSL રિપોર્ટમાં હથિયાર ઉપર લોહીના ડાઘા મળી આવ્યા હતાં. શખસે આરોપીને મૃતકના ઘરની બહાર નીકળતા જતા જોયો આરોપી જ્યારે હત્યા કર્યા બાદ ઘરની બહાર નીકળ્યો ત્યારે કુતરા ભસતા હતાં. તે જ સમયે એક સાહેદે આરોપીને મૃતકના ઘરની બહાર નીકળતા જતા જોયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃતકોને માથામાં વાગવાથી હેમરેજના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પ્રેમિકાએ આરોપીને કોર્ટમાં ઓળખવાનો ઈનકાર કરી દીધો આશ્ચર્યજનક રીતે પ્રેમિકાએ પોતાના આરોપી પ્રેમીને કોર્ટમાં ઓળખવાથી ઇન્કાર કરી દીધો હતો. સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે પત્નીને પોતાની સાસુ અને પતિની હત્યા થયાની જાણ થવા છતાં તે મહારાષ્ટ્રથી અમદાવાદ ના આવી તે પોતાની જાતને બચાવવા તરફ નિર્દેશ કરી રહી છે. તે સમયે આરોપીની ઉંમર 33 વર્ષ હતી, સેશન્સ કોર્ટે સજા સંભળાવી ત્યારે તેની ઉમર 40 વર્ષનો હતી. 'અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિના જીવ લઈ લીધા છે' જો કે પોલીસ કોલ ડેટા રેકોર્ડ મેળવી શકી ન હતી. સેશન્સ કોર્ટે આરોપીને IPCની કલમ 302 મુજબ કોર્ટે દેહાંત દંડની સજા ફરમાવતા નોંધ્યું હતું કે, આ એક ઘાતકી કૃત્ય છે. અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિના જીવ લઈ લીધા છે. જો આરોપીને ફાંસી નહીં કરાય તો સમાજમાં આવા ગુનાઓ વધશે, ગુનેગારોમાં કાયદાનો દર જરૂરી છે. આરોપીએ પશુ તુલ્ય કૃત્ય કર્યું છે. જ્યારે રેરેસ્ટ ઓફ રેરની કેટેગરીમાં આવે છે. જો કે આરોપીને દેહાંત દંડની માટે હાઇકોર્ટની બહાલી જરૂરી હતી, જેનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે, વળી આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઈકો અને બલેનો કાર વચ્ચે ટક્કર:દમણના કડૈયામાં અકસ્માત, મુસાફરોનો ચમત્કારિક બચાવ
    Next Article
    ધ્રોલ તાલુકા પંચાયત: ભાજપે એક બેઠક બિનહરીફ જીતી:ચૂંટણી પહેલા જ ખાતું ખોલ્યું, કાર્યકરોમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment