Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:અવકાશયાત્રીઓ માટે ભોજન તૈયાર કરો, સાત કરોડનું ઈનામ મેળવો

    1 week ago

    લલિત ખંભાયતા 2035માં અવકાશયાત્રીઓ મંગળ પર પહોંચ્યા. મિશન આટોપીને ધરતી પર રવાના થયા. પછી ખબર પડી કે એક અવકાશયાત્રી તો મંગળ પર રહી ગયો છે! એને પરત લાવવા માટે રવાના થયેલા રોકેટને અડધેથી પાછું વાળવું કે ધરતી પરથી સ્વતંત્ર મિશન રવાના કરવું.. ગમે તે કરો દિવસો પસાર કરવા જ પડે. દિવસો પસાર કરવા પણ ત્યાં સુધી મંગળ પર ફસાયેલા અવકાશયાત્રીએ ખાવું શું? બે-ચાર-છ દિવસ માટેનો ખોરાક તો હતો જ, પણ મંગળ પર ફસાયા પછી કેટલા દિવસ થાય એ નક્કી ન હોયને! આખરે મંગળના 549 (ધરતીના 564) દિવસે અવકાશયાત્રીને મંગળ પરથી ઉગારી લેવાયો. *** 2015માં આવેલી ફિલ્મ ‘ધ માર્શિયન’ની આ કથા છે. એ તો ફિલ્મ હતી એટલે ડિરેક્ટર રિડલી સ્કોટે મંગળ પર બટાકા ઉગાડી દેખાડ્યા છે. બટાકા ઊગી ગયા પછી ફસાયેલો અવકાશયાત્રી ‘પોપટ ભૂખ્યોય નથી ને તરસ્યોય નથી’ની માફક મજાથી મંગળજિંદગી જીવતો હતો. વાસ્તવમાં એવું બનતું નથી. મંગળયાત્રા કરવી એ વાસ્તવમાં બનવાનું છે, પણ એ વખતે મંગળયાત્રીઓ ખાશે શું એ મોટી સમસ્યા છે. *** 1972 પછી પહેલી વાર ધરતી પરથી કોઈ માનવી ચંદ્ર પર પહોંચ્યો. ‘આર્ટમિસ મિશન’ હેઠળ ચાર અવકાશયાત્રીઓએ ચંદ્રની પરકમ્મા કરી. સમગ્ર સફર કુલ દસ દિવસની હતી. દસ દિવસ અને રોજનાં ત્રણ ટાણાં ગણીએ તો અવકાશયાત્રીઓ ત્રીસ વખત જમ્યા. એ જમણવાર માટે નાસાએ 189 ચીજ-વસ્તુઓ ભેગી કરીને વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કર્યાં હતા. એમાં કોફી, લીંબુપાણી જેવાં દસ પ્રકારનાં પીણાં, પાંચ જાતનાં સોસ, મીઠાઈ, ચોકલેટ, મેક્રોની, સલાડ વગેરે સામગ્રી હતી. પણ આપણે ધરતી પર થાળીમાં ગોઠવીએ એવી રીતે એ કોઈ ચીજ ત્યાં ખાઈ ન શકાય. અવકાશમાં ગુરુત્વાકર્ષણ ઘટતું ઘટતું ન્યૂનતમ થાય એટલે ખોરાક પણ સૂકવેલી સામગ્રી સ્વરૂપે અને પ્રવાહી તરીકે જ લેવાનો થાય. ધરતી પર ભોજનનો ખર્ચ આપણે ડિશ કે વાનગીના હિસાબે કરતાં હોઈએ છીએ. અવકાશમાં વજન મુજબ કરવો પડે. દસ હજાર ડૉલર, એક ડિશનો ભાવ! નાસાની ગણતરી મુજબ અવકાશમાં એક પાઉન્ડ વજન (એટલે 453 ગ્રામ) ખોરાકનો ખર્ચ દસ હજાર ડૉલર આવે. એક અવકાશયાત્રી એક ટાણે એક પાઉન્ડ સામગ્રી ખાય તો એ વખતની એની ડિશ 10 હજાર ડૉલરની થાય. ચાર અવકાશયાત્રી અને દસ દિવસના ત્રીસ ભોજન હિસાબે તેમના ફૂડ બિલની ગણતરી કરવી અઘરી નથી. અલબત્ત, નાસા કે કોઈ અવકાશયાત્રા યોજતી સંસ્થા-સરકારે ગણતરી કરવાની હોતી પણ નથી. આવા હિસાબ કર્યા કરે તો અવકાશયાત્રા કરી જ ન શકે. નાસા માટે અવકાશયાત્રા કંઈ નવી નથી. એટલે અવકાશમાં ભોજન સબંધિત સમસ્યાઓ પણ નવી નથી. 1969થી 1972 દરમિયાન ‘એપોલો મિશન’ વખતે ગયેલા અવકાશયાત્રીઓ માટે તો ફૂડ મેનું સાવ મર્યાદિત હતું. સમય જતાં ટેક્નોલોજી વિકસી એટલે વિકલ્પો વધ્યા. એમાંય ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જતાં અવકાશયાત્રીઓને ભોજનમાં ઘણા વિકલ્પો મળતા થયા, કેમ કે એ સ્ટેશન તો ધરતીથી સરેરાશ 450 કિલોમીટરના અંતરે છે અને વારંવાર ધરતી પરથી ત્યાં સામગ્રી પહોંચાડાય છે. એટલે અથાણાંની સિઝન આવે ત્યારે પિયરમાંથી દીકરીના ઘરે એકાદ બરણી આવી જાય એમ સમયેસમયે સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓને ખોરાક મળતો રહેતો હતો. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એટલે આજે તો મેનુમાં ખાવા-પીવાની થઈને 200 સામગ્રીનો સમાવેશ કરી શકાયો છે. ચંદ્રયાત્રામાં એવી સુવિધા શક્ય નથી, કેમ કે ચંદ્ર તો ધરતીથી સરેરાશ પોણા ચાર લાખ કિલોમીટરના અંતરે છે. એટલે દૂરનો પ્રવાસ લાંબો ચાલે. એ મુજબ ખોરાકનો સ્ટોક કરવા પડે. ચંદ્રયાત્રીઓએ જે ઓરાયન કેપ્સ્યૂલમાં ચંદ્રની પ્રદક્ષિણા કરી અને દિવસો કાઢ્યા એમાં ફ્રિજ જેવી સગવડ ન હોય. એટલે ખોરાક રૂમ ટેમ્પરેચરે સચવાઈ રહે એ રીતે જ તૈયાર કરવો પડે. નાસા માટે એ જોકે ખાસ મોટો પડકાર નથી. એ કામનો પણ અનુભવ તો છે. પડકાર હવે આવે છે અને એનું નામ છે, મંગળયાત્રા. ચંદ્રયાત્રા દિવસોમાં પૂરી થાય જ્યારે મંગળયાત્રા મહિનાઓમાં ગણવી પડે. નાસાની ધારણા મુજબ મંગળયાત્રા માટે સાત મહિના જોઈએ. એટલો વખત ચાલે એવડા જથ્થામાં સીધું-સામાન અવકાશયાનમાં ભરવા જાય તો વજન વધી જાય. મંગળ પ્રવાસનું રોકેટ બની જાય, મંગળ પર ટકી રહેવાની ટેક્નિકો વિકસી જાય…પણ એ બધા પછી મંગળયાત્રા તો જ શક્ય બને જો ખોરાકની બાબતમાં આત્મનિર્ભરતા આવે. મંગળ પ્રવાસ દરમિયાન રસ્તામાં પણ ખોરાક જોઈએ અને ત્યાં પણ જોઈએ. એ બધો પેક ન થઈ શકે. માટે નાસાએ ધરતી પરના આઠ અબજ માનવીઓને પડકાર આપ્યો છે. મંગળયાત્રા માટે રસોડાની વ્યવસ્થા કરી દો અને કુલ સાડા સાત લાખ ડૉલર સુધીના ઈનામો મેળવો. ‘ધ ડીપ સ્પેસ ફૂડ ચેલેન્જ’ નામની આ સ્પર્ધામાં હવે ‘માર્સ ટુ ટેબલ’ એવો વિભાગ ઉમેરાયો છે. જૂનાગઢમાં ભજિયાંની લારી ચલાવતા હોઈએ કે પછી સુરતમાં લોચાની દુકાન હોય…એનેય જો વિચાર આવે તો આ સ્પર્ધામાં એ ભાગ લઈ શકે છે, કેમ કે સ્પર્ધા આખી દુનિયાના નાગરિકો માટે ખુલ્લી છે. અલબત્ત, એ માટે ઘણી ટેક્નિકલ, વૈજ્ઞાનિક જાણકારી જોઈએ. મંગળના રસોડા માટેની શરતો મંગળયાત્રા (કે દૂરના બ્રહ્માંડની કોઈપણ યાત્રા) માટે ખોરાક સર્જન એ કપરું કામ છે. ‘માર્સ ટુ ટેબલ’ સ્પર્ધા માટેની જ શરતો વાંચીએ તો એનું અઘરાપણું સમજાઈ જાય. વાંચો… આવી શરતો અને અન્ય વિગતો નાસાએ પોતાની વેબસાઈટ https://www.deepspacefood.org/marstotable પર આપી છે. એટલે રસ પડે તો કોઈ પણ વ્યક્તિ એમાં ભાગ લઈ શકે છે. કેમ કે નામ નોંધાવાની અંતિમ તારીખ તો 31મી જુલાઈ, 2026 સુધીની છે. આ પ્રશ્ન એવો છે કે એનો ઉકેલ કોઈ એક વ્યક્તિ દ્વારા એક જ સમયે મળી જાય એવું શક્ય નથી. એટલે નાસાએ જે દિશામાંથી સારો આઈડિયા મળે તે દિશામાંથી તેને સ્વીકારી લીધો છે. નાસાએ તો 2021થી આ સ્પર્ધા શરૂ કરી દીધી છે. એક પછી એક તબક્કા આવતા જાય છે. જરૂર મુજબ સ્પર્ધા વિસ્તરતી જાય છે. આગલી સ્પર્ધાના ત્રણેય તબક્કા પૂરા થઈ ગયા છે. એમાં ઈન્ટરસ્ટેલર લેબ નામની કંપની અવકાશમાં શાકભાજી ઉગાડી શકાય એવું ખોખું તૈયાર કરી શકી છે. કેનેડિયન કંપની ‘ઈકોશન’એ કેટલીક વાનગીઓ તૈયાર કરી છે. ‘નોલક્સ’ નામની કંપનીએ વનસ્પતિ વિકાસ માટેની સુવિધા તૈયાર કરી છે. પરંતું અંતે તો એ ટીમ વર્ક છે અને ટીમ આખા જગતની બનેલી છે. માટે જેનું કામ સારું હશે એને નાસા ટીમનો ભાગ ગણી લેશે. નાસા પાસે વિવિધ પ્રયોગશાળા છે, એમાં હ્યુસ્ટન ખાતે એક ધ સ્પેસ ફૂડ સિસ્ટમ લેબોરેટરી છે અને બીજી ફૂડ સ્પેસ રિસર્ચ ફેસિલિટી છે. ત્યાંના સંશોધકોનું કામ અવિરતપણે અવકાશી ભોજન તૈયાર કરવાનું જ છે. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન ચંદ્ર પર પહોંચ્યા પછી પહેલું કામ કોફી પીવાનું અને સાથે લીધેલું ભોજન ખાવાનું કર્યું હતું, કેમ કે અવકાશયાન ચંદ્ર પર ઉતાર્યા પછી એમને ચંદ્ર પર પગલાં માંડવાનાં હતાં. એ ચાલ-ચલગત માટે શરીરમાં શક્તિ તો જોઈએને! વળી અવકાશયાત્રીઓ માટે ક્યારે, શું, કેટલું ખાવું એના પણ નિયમો છે. એનું પાલન કરવું રહ્યું. ધરતી પર ઓવર ઈટિંગ થાય તો ચાલે, અવકાશમાં મુશ્કેલી સર્જે. ગુરુત્વાકર્ષણનું પ્રમાણ સાવ ઓછું હોય ત્યાં (માઈક્રોગ્રેવિટી સ્થિતિમાં) હાડકાં બરાબર કામ કરતા રહે એટલે ખોરાકમાં સોડિયમનું પ્રમાણ મર્યાદિત હોય એ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. એવા તો ઘણા પડકારો પાર પડે ત્યારે અવકાશયાત્રીઓની થાળી તૈયાર થાય. ‘એપોલો મિશન’ વખતે ખોરાક ગરમ કરવા માટે હોટ વોટર ગન (ગરમ પાણીનો પ્રહાર) જેવી પદ્ધતિ વપરાતી હતી. હવે ફૂડ વોર્મર બની શક્યાં છે, જે ગરમ કરી આપે છે. તો પણ ભવિષ્યની અવકાશયાત્રાઓ માટે ઘણું કરવાનું છે. જે કોઈ કરી શકે એમ હોય એમની નાસા રાહ જુએ છે. દસ દિવસમાં શું ખાધું? આર્ટેમિસના અવકાશયાત્રીઓએ દસ દિવસ દરમિયાન બાજુમાં દેખાય એવો સુકવેલો-પેક થયેલો ખોરાક ખાધો. 189 સામગ્રીનો ઉપયોગ ચંદ્રયાત્રીઓ માટે નાસાએ 189 વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને ખોરાક બનાવ્યો હતો. 10થી વધુ પ્રકારના ડ્રિંક્સ કોફી, ગ્રીન ટી, મેંગો સ્મુધી, ચોકલેટ ડ્રિંક્સ, વેનિલા ડ્રિંક્સ, લિંબુપાણી, કોકા, સ્ટ્રોબરી વગેરેનો સમાવેશ થાય છે. પાંચ પ્રકારના સોસ પાંચ પ્રકારના સોસ વપરાયા હતા. મેપલ સીરપ, ચોકલેટ સ્પ્રેડ, મસ્ટાર્ડ, સ્ટ્રોબરી જામ, મધ, બદામનું માખણ વગેરે... પાંચ આઈટેમ, મેડ ફોર કેનેડા ચાર પૈકી એક અવકાશયાત્રી કેનેડિયન હોવાથી પાંચ કેનેડિયન પ્રોડક્ટ પણ મેનુમાં શામેલ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:તરાપાના સહારે મહાસાગર સાથે બાથ
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ, નિવૃત્તિમય પ્રવૃત્તિ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment