Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:મચ્છરોનું મહાભિનિષ્ક્રમણ

    12 hours ago

    ભાગ્યેશ જહા પ્રવેશતી વેળાએ અતિ પ્રસન્નતાથી અમે રંગ-રાગ વગરનું સ્મિત આપ્યું અને એ વિમાનમાં અમને ફાળવવામાં આવેલી સીટ પર કોઈ પણ સજ્જન નાગરિક બેસે એ રીતે બેઠા. આ આશ્ચર્ય જન્મે એ રીતે (ઍરહૉસ્ટેસ) નભપરિચારિકાઓ અવળી સુગંધથી આભૂષિત ઓડોમસના ‘પૅચ’ સીટને ચોંટાડતા હતા. નભપ્રવેશની ઘડીએ શ્વાસનું સાત્વિક નિયમન કરીને અમે ઑડોમસની એ સુગંધ ગ્રહણ કરી ત્યારે તીવ્ર અહંકારની, જે એક વખત દૂરથી આવતા લંકેશની આગળ આગળ વહી આવતી મંદોદરીને આવેલી તેવી, વાસ આવી. અમે કુતૂહલવશ નભપરિચારિકાને પૂછ્યું, તો એણે કહ્યું, ‘મચ્છરો હોવાની ફરિયાદ મળી છે અને ફરિયાદમાં તથ્ય હોવાથી અમે આ પ્રયોગ કરી મચ્છર અને માનવનું મિલન ના થાય એ માટે આ ઑપરેશન હાથ ધર્યું છે.’ અમે આંખનું રડાર સક્રિય કર્યું અને ‘સ્ટ્રેઇટ ઑફ મૉસ્ક્યુટૉઝ’ નામની હવામાં વહેતી એક ‘માર્ગિકા’ની શોધ આદરી. એ મળી આવી, સાંકડી, ધ્રૂજતી હવાથી આંદોલિત અને ઍરબસના આ બોગદામાં ફસાયેલી ના હોય એવા કાચા આત્મવિશ્વાસથી વહેતી હતી. બે મચ્છરો એમાં તરી રહ્યા હતા. એક મચ્છરની પીઠ પર ચોકડીઓ જોતાં અમને ખ્યાલ આવ્યો કે આ એક વિશિષ્ટ પ્રકારના ‘ફ્લ્યૂ’ ફેલાવનાર ‘અર્બન મચ્છર’ છે. અગાઉ એટલે કે કોરોના કાળ પહેલાં આ અર્બન મચ્છર શહેરની બાંધકામની સાઇટ પર જોવા મળતા. અમે સ્વારોગ્ય-ચિંતાથી એમની ભ્રમણકક્ષાઓ ચકાસેલી. સ્વભાવે‌ સાહિત્યકાર જેવા જલપ્રિય હોવા છતાં એ એમની મલિનવૃત્તિ ઢાંકી શકતા નહોતા.‌ એમનું ટૅક-ઑફ અને લેન્ડિંગને અમે ‘મહાભિનિષ્ક્રમણ’ની ઓળખ આપવા જતા હતા ત્યારે ઘણાએ અમને રોક્યા હતા. એવું કહેવાય છે કે મચ્છરો પોતાના હેતુ કે ગતિ-પ્રવાસમાં મેલા નથી હોતા અને ઇશ્વરે એમને અનેક શક્તિઓ, ‘ક્રિયેટિવિટી’ સિવાયની, આપી હોવાથી એમનામાં મનુષ્યનું લોહી પીવાનું એક વિશિષ્ટ કૌશલ્ય મળેલું છે. અમારા મિત્ર જેમની ‘નસ’ પકડીને લોહીનો નમૂનો (અથવા નમૂનાનું લોહી) લેવામાં સક્ષમ નર્સબહેનો નિષ્ફળ રહેતી ત્યાં આ મચ્છરમહોદય એમની લક્ષ્યગામિતાને કારણે ધારેલી જગાએ બેસીને લોહી પી શકતા. આમાં લેન્ડિંગ જેટલી આક્રમક-ચોકસાઇથી ‘રક્તવાહિની શોધવી જેવાં અસંખ્ય ઑપરેશન કરવામાં હોશિયાર આ મચ્છર પ્રજાતિનો કોઇ વીર-તવંગર-બૌદ્ધિક પ્રકારનો આ મચ્છર હશે એવા અહિંસક ઉદ્દેશ્યથી અમે આ વૈમાનિક મચ્છર તરફ નજર દોડાવી. એ ફરતો હતો, નિજમસ્તીથી, પોતે વિમાનમાં આવી પહોંચ્યો છે એ વિશે જરા પણ અહંકાર લાવ્યા સિવાય વિહરતો એ લઘુજીવ નભપરિચારિકાએ ગોઠવેલી ‘જાળ’ વિશે પોતે જાગૃત છે, એવા ભાવ સાથે, સમાંતરે મર્યાદિત અવકાશમાં, સ્ટ્રેઇટ ઑફ મૉસ્ક્યુટૉઝ’માં, પોતે તરી રહ્યો છે એવો ભાવ મનમાં લાવીને ગતિ કરતો હતો. અમારી નજરની, દૃષ્ટિની નહીં, મર્યાદાને કારણે અમે આ પ્રવૃત્તિ છોડીને અમે હારુકી મુરાકામીની નવલકથા ‘City and it's uncertain walls’ વાંચવા લાગ્યા. પછી અમને નાનકડું પ્રાયશ્ચિત કરવાનું સૂઝ્યું, ‘આવા કટોકટીના સમયે આવા ‘સિરિયસ’ સાહિત્યને બદલે ‘હાસ્ય-સાહિત્ય’નું સેવન કરવું જોઇએ.’ આવું ‘સેવન કરવું’ જોઇએ એવું ક્રિયાપદનો ઉપયોગ કરવાનો ભાવ કેટલીક દવાઓની વિફળતા પછી વૈદ્યમિત્રો સાથેની સઘન ચર્ચાથી અમારી ભાષામાં પ્રવેશેલા આયુર્વેદને કારણે આવા ‘ઑર્ગેનિક ભાવ’ પ્રગટતા અનુભવ્યા. ઘણા વિવેચક આવી વાતોને ‘અનુઆધુનિક મનોવળાંક’ ગણે એવી શંકાથી અમે મુરાકામીનાં પાંચ પાનાં વાંચ્યા પછી પે’લા મચ્છરની શોધમાં નજર દોડાવી. હવે ‘ઑડૉમસ’ની સુવાસ હવામાં ભળી ગઇ હતી. મચ્છર જે ‘હવાપ્રવાહ’માં (ગુજરાતીમાં એને સ્ટ્રેઇટસ્‌‌ ઑફ મૉસ્ક્યુટૉઝ કહેવાનો આધુનિક રિવાજ છે) સ્વૈરવિહાર કરતો હતો તે તરફ પુષ્કળ શોધ કર્યા પછી પણ એ દેખાતો નહોતો. નભપરિચારિકાઓના મુખમંડલ પર ‘પ્રોફેશનલ શાંતિ’ હતી એટલે હું નક્કી ના કરી શક્યો કે એ મચ્છર વીરગતિ પામ્યો હશે કે હજી ભવાટવીમાં ભટકતો હશે. ખરેખર, આવા નગણ્ય વિષયોની ખલેલથી મુસાફરોને કેવી માનસિક વિટંબણાઓનો સામનો કરવો પડે અને એનાથી ઊભા થતા મનોવિકારો અંગે મનોચિકિત્સકોને જોડવા જોઈએ એવા ભાવ મનમાં ઊઠવા લાગ્યા. માનવજાત અને મચ્છરોના સંબંધોમાં અનેક ચઢાવઉતાર આવ્યા પછી પણ મચ્છર-પ્રજાતિ પોતાની રક્તપિપાસુ વૃત્તિ છોડીને ‘નૉર્મલ’ જીવન તરફ વળી નથી. મચ્છર કરડ્યા પછી આવતા તાવમાં અત્યંત કડવી દવાઓ ખાવી પડે છે એના લીધે પણ માનવ-મચ્છર સંબંધ સાધારણ થઇ શકતા નથી. ખરેખર તો મચ્છરોની ‘વૈકલ્પિક પોષણ’ની યોજના વિચારાય તો જ સંબંધોની કડવાશ ઓછી થઇ શકે. આ ‘અર્બન-મચ્છર’ને બાંધકામ સાઇટ પરથી દૂર કરવામાં આવે અથવા દવાઓ છાંટીને આવી રીતે પોતાના કમ્ફર્ટ-ઝોનમાંથી બહાર કાઢવામાં આવે તો એ મનુષ્યના કમ્ફર્ટ-ઝોનમાં દખલ કરે છે. વિમાન જેવી સુરક્ષિત જગ્યાઓમાં પ્રવેશેલા મચ્છરો ભારે અનર્થ સર્જી શકે એમ છે એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. આમ હું જ્યારે વાંચવાનું છોડીને મચ્છરાચ્છાદિત વિચારોમાં વહી રહ્યો હતો તે જ વખતે કાન પાસે એક બીજા મચ્છરનું ગુંજન સંભળાયું. આ ‘સેલ્ફી’ પ્રકારનું આત્મનિવેદન હતું કે ‘હું અહીં જ છું’. માણસ તરીકે અત્યંત નિરાભિમાની નજરે ઑડોમસ-પૅચ સામે જોયું. મને એના નિરુપાય હોવાનો દેખાય ગમ્યો. હાથ ઉગામીને એક બૉમ્બ ફેંકી શકાય એટલી સહેલાઇથી તે મચ્છરની હત્યા કરવાનું મેં મુલતવી રાખ્યું. એને બદલે કોણ કોની દીવાલોમાં કાણાં પાડી રહ્યાં હતા એવું તાત્ત્વિક ચિંતન કરવાનું સ્વીકાર્યું. શું મચ્છરમાર્ગ પૂર્વનિર્ધારિત હશે કે એના મનમાં મહાભિનિષ્ક્રમણ જેવો કોઇ ભાવ હશે! છેલ્લે સમાધાન મળ્યું, મચ્છરોએ પણ માણસોની જેમ વિચારવાનું છોડી દીધું છે!
    Click here to Read More
    Previous Article
    મરક મરક:ચૂંટણી એટલે વાયદાઓનો થતો કમોસમી વરસાદ!
    Next Article
    IPLમાં આજે MI vs RCB:ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુએ 2, મુંબઈએ 1 મેચ જીતી; બંને રાજસ્થાનને હરાવી શક્યા નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment