Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઈમલાઈન:ઍરિનાએ આ પુસ્તક નીલ સુધી કેવી રીતે પહોંચાડ્યું?

    2 days ago

    અક્ષય બાવડા શેનો સમય આવી ચૂક્યો છે?’ ફરી આશ્ચર્ય અને ડરના મિશ્રિત ભાવ સાથે નીલે પૂછ્યું. હજુ તો નેફરતીતી આગળ કંઈ બોલે એ પહેલાં જ તેમની આસપાસ રહેલી કાચની દીવાલ પર હથિયારોના પ્રહાર કરતા લોકો સ્ક્રીન પર દેખાવા લાગ્યા અને અસંખ્ય લોકોના એક સાથે પ્રહાર કરતા જ કાચમાં પણ તિરાડ પાડવા લાગી. કાચની મજબૂત દેખાતી દીવાલની મજબૂતાઇ હવે ઓછી થવા લાગી અને તિરાડ મોટી થવા લાગી. આ સાથે જ તેઓ જ્યાં ઊભા હતા એ જગ્યાએ નીચેની જમીનમાંથી એક મોટી પેટી જેવું પ્રગટ થયું અને જરા પણ સમય બરબાદ કર્યા વગર નેફરતીતી નીલની એકદમ નજીક આવીને ઊભી રહી અને નીલ હજુ કંઇ પણ સમજે એ પહેલાં પોતાના ભરેલા અને ગુલાબની પાંખડી જેવા હોઠને નીલના હોઠ પર મૂકીને એક તસતસતું ચુંબન આપી દીધું. જોતજોતામાં પુસ્તકમાંથી જેવો સુવર્ણ પ્રકાશ ઉદભવ્યો હતો એવો જ પ્રકાશ એ રૂમમાં ઉત્સર્જિત થયો અને પેલી અચાનક પ્રગટ થયેલી પેટી સાથે નીલ અને નેફરતીતી બંને ત્યાંથી ગાયબ થઈ ગયા. ખાસા સમય સુધી મૂર્છિત થઈ પડેલા નીલ અને નેફરતીતી ભાનમાં આવ્યા અને નીલ પોતાની સામેનું દૃશ્ય જોઈને ખુશ થઈ ગયો. તેઓ બંને નીલના ઘરે એટલે કે એકવીસમી સદીમાં આવી પહોંચ્યા હતા. ટેબલ પર રાખેલી પેલી બુકમાંથી આછો કાળો ધુમાડો હજુ પણ નીકળી રહ્યો હતો. આ જોઈને નીલ તરત એ પુસ્તક તરફ દોડ્યો અને જોયું તો પુસ્તક સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયું હતું. આ દૃશ્ય જોઇને હજુ પણ અનેક સવાલો નીલના મગજમાં ઉદભવી રહ્યા હતા. તેણે તરત જ નેફરતીતીને પૂછ્યું,‘આ બધું શું હતું અને અચાનક આપણે ચૌદમી સદીમાંથી એકવીસમી સદીમાં કેવી રીતે આવી પહોંચ્યાં? તમે અહીં મારી સાથે કેમ આવ્યાં? અને આ પુસ્તક બળીને રાખ કેમ થઈ ગયું?’ ‘શાંત થઈ જા… નીલ. હવે આપણી પાસે ઘણો બધો સમય છે. હું તારા દરેક પ્રશ્નના જવાબ આપીશ.’ ‘મને શું થઈ રહ્યું છે, કશું નથી સમજાઈ રહ્યું. હું આ કોઈ સપનું તો નથી જોઈ રહ્યોને?’ અકળાઈને નીલ બોલ્યો. ‘આ પ્રશ્ન તેં તારી જાતને ગેમપાટેન ટેમ્પલમાં કેમ ન પૂછ્યો? નીલ આ જ હકીકત છે અને હું ખરેખર તારી સાથે તારા સમયમાં આવી પહોંચી છું.’ ‘પણ શા માટે? તમે અહીં શા માટે આવ્યાં?’ ‘મેં તને કહ્યું હતું ને કે અખેનાતેનની ભૂલનું પ્રાયશ્ચિત કરવા મેં આતેનની આરાધના કરી હતી? એ સમયે આતેન એટલે કે સૂર્ય દેવ મારી આરાધનાથી પ્રસન્ન થયા અને એમણે મને વરદાન આપ્યું હતું.’ ‘કેવું વરદાન?’ પોતાનું માથું ખંજવાળતા નીલે ફરી પૂછ્યું. ‘મેં જ્યારે આતેનને પ્રસન્ન કર્યા ત્યારે તેમણે મને કહ્યું કે પરિવર્તનની હવા વહેવાની શરૂ થઈ ચૂકી છે. થોડા જ સમયમાં આ ઉન્નત અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિનો અંત નિકટ છે, પરંતુ હું તારી આરાધનાથી પ્રસન્ન થયો છું એટલે તને હું આ વિનાશથી બચાવી શકું છું. જ્યારે આ ઉન્નત ટેકનોલોજીથી સજ્જ મિસ્ર સંસ્કૃતિનો અંત આવશે ત્યારે એક વ્યક્તિ ભવિષ્યમાંથી અહીં આવશે અને જ્યારે તું તેને તારાં તન અને મનથી પતિ સ્વરૂપે સ્વીકાર કરીશ ત્યારે તમે બંને ભવિષ્યના સમયમાં પહોંચી જશો તેમજ ભવિષ્યમાંથી આવેલી વ્યક્તિ પ્રાચીન ઇજિપ્તમાં આવી અહીંની એટલે કે તારી ભાષા સરળતાથી સમજી શકશે અને તું જ્યારે તેની સાથે જઈશ ત્યારે તું પણ એ લોકોની દરેક ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરીશ અને બધી જ ભાષા સમજી શકીશ.’ ‘ઓહ… માય ગોડ… મને હજુ વિશ્વાસ નથી થઈ રહ્યો. એટલે જ તમે અને ઍરિના બંને મને જોઈને કહી રહ્યાં હતાં કે આ એ જ છે. મતલબ ઍરિના આ વિશે બધું જ જાણતી હતી?’ ‘હા, અને જો સત્ય તારી સામે છે. આજથી હું તારી પત્ની છું. મેં તન અને મનથી તને મારો પતિ સ્વીકારી લીધો છે.’ ‘પણ તમારી સુંદરતાનો મુકાબલો અત્યારની કોઈ પણ સ્ત્રી નહીં કરી શકે. જો કોઈ તમને ઓળખી જશે તો?’ નેફરતીતીની ખરી ઓળખ લોકોની સામે ન આવે તેની ચિંતા વ્યક્ત કરતા નીલે કહ્યું. ‘તું એની ચિંતા ન કરીશ. મને કોઈ નહીં ઓળખી શકે. હું મારા મૂળ રૂપે ફક્ત તને જ દેખાઈશ, તારા સિવાય બીજી કોઈ પણ વ્યક્તિને હું કોઈ સામાન્ય સ્ત્રી જેવી જ દેખાઇશ. આવા આશીર્વાદ પણ મને આતેન દેવે આપ્યા હતા.’ ‘હવે મિસ્રનું શું થશે?’ અધીરાઈપૂર્વક નીલે પૂછ્યું. ‘એ જ જે લખાયેલું છે, અદ્યતન ટેક્નોલોજીનો ધ્વંસ થશે અને ફરી એકવાર જૂની પદ્ધતિઓ અમલમાં આવશે અને ટેક્નોલોજીને ત્યજી દેવામાં આવશે.’ સહજ રીતે નેફરતીતી બોલી. ‘અનુનાકી ગ્રહને બરબાદ નહીં કરે?’ ‘ના, આતેન દેવ મિસ્રની રક્ષા કરશે અને જ્યારે લોકોના ટોળાએ આતેન ટેમ્પલ નષ્ટ કરી નાખ્યું ત્યારથી જ અનુનાકી આ ગ્રહ પર પાછા નહીં ફરે. તું પૂછે એ પહેલાં જ કહી દઉં કે જો મેં આતેન ટેમ્પલ નષ્ટ કર્યું હોત તો કદાચ આ ગ્રહ ન બચ્યો હોત, પણ લોકોએ કર્યું હોવાથી આતેન દેવ અનુનાકીને સમજાવીને બળવા વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયા નહીં કરવા દે.’ ‘તમે ખરેખર મારી સાથે આ સદીમાં રહેશો?’ ‘આ શું તમે તમે લગાવી રાખ્યું છે. હું તારી પત્ની છું તું મને તમે તમે ના કર, તું કહીને બોલાવ. મને એ વધારે ગમશે અને હા હવે હું તારી સાથે જ અને આ જ સદીમાં મારા છેલ્લા શ્વાસ લઈશ.’ માદક સ્મિત રેલાવતા નેફરતીતીએ કહ્યું. ‘આ પુસ્તકે મને તમારી સંસ્કૃતિમાં પહોંચાડ્યો હતો પણ મને પ્રશ્ન એ થાય છે કે આ પુસ્તકની તો અનેક નકલ હશે તો બીજું કોઈ કેમ ત્યાં નહીં પહોંચ્યું હોય?’ ફરી નીલે પૂછ્યું. ‘ઍરિના બિલકુલ સાચી હતી, તારા પ્રશ્નો સતત ચાલુ છે અને પૂરા થવાનું નામ જ નથી લેતા અને મને તમે નહીં તું કહીને બોલાવ, કેટલી વાર કહું તને?’ હળવા સ્મિત સાથે નેફરતીતી બોલી અને ફરી નીલના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, ‘આ પુસ્તકની કોઈ નકલ નથી. ફક્ત તારી પાસે જ આ પુસ્તક પહોંચાડવામાં આવ્યું હતું. આને તું નિયતિ કહે કે નસીબ બધું આ જ છે.’ ‘એક મિનિટ પહોંચાડવામાં આવ્યું હતું એટલે? મને સમજાયું નહીં.’ ‘મને હતું જ કે હવે પછીનો પ્રશ્ન આ જ હશે. મારા એક પ્રશ્નનો જવાબ આપ. તારા એ પુસ્તકના લેખકનું નામ શું હતું?’ થોડીવાર વિચાર કરીને નીલે જવાબ આપ્યો, ‘નરીના ગેમપાટેન’ ‘હવે તમારી સદીની પ્રચલિત લિપિ અંગ્રજીમાં આ નામ લખ એટલે તને સમજાઈ જશે.’ તરત જ એક પેન અને પેપર લઈને નીલે અંગ્રેજીમાં લેખકનું નામ લખ્યું, NARINA GEMPAATEN.’ ‘હવે લાવ મને આપ.’ નેફરતીતીએ પેન અને પેપર હાથમાં લઈ લખવાનું ચાલુ કર્યું. ‘N-ARINA GEMPAATEN મતલબ N- NEFARTITI’S ARINA AT GEMPAATEN’ ‘ઓહ માય ગોડ… મતલબ આ બુક ઍરિનાએ લખી છે?’ ‘હા, નેફરતીતીની ઍરિના, સ્થળ: ગેમપાટેન’ ખડખડાટ હસતા નેફરતીતીએ કહ્યું. ‘હેલ… ખરેખર? પણ ઍરિનાએ આ બુક મારા સુધી કેવી રીતે પહોંચાડી?’ ‘આતેન દેવના આશીર્વાદથી અને તેમના કહ્યા મુજબ ઍરિનાએ ત્રણ પુસ્તકોનું નિર્માણ કર્યું અને એકવીસમી સદીના ગુલુગુલુ પર જે નેફરતીતી વારંવાર શોધે તેના સુધી આ પુસ્તક પહોંચાડવું એવું કંઈક એ કહી રહી હતી.’ ‘ગૂગલ, એનું નામ ‘ગૂગલ’ છે. હા, મેં અનેક વખત ગૂગલ પર તારું નામ સર્ચ કર્યું હતું અને અનેક લેખો પણ વાંચ્યા હતા. પરંતુ હાલ મિસ્રનો વિનાશ થઈ રહ્યો છે તો ઍરિનાએ આ બુક એકવીસમી સદી સુધી કેવી રીતે પહોંચાડી?’ ‘ઍરિનાએ બે પુસ્તક ખૂબ જ કંટાળાજનક લખ્યાં હતા અને જે વ્યક્તિ એ બે પુસ્તક વાંચે અને ત્રીજી સુધી પહોંચે એ જ વ્યક્તિ મારા એકાંતવાસ એટલે કે ગેમપાટેન ટેમ્પલ સુધી પહોંચી શકે. ત્રીજું પુસ્તક એકદમ ખાસ હતું એ બે સમયરેખાને જોડતું પુસ્તક હતું. એ પુસ્તક નહીં પણ એક યંત્ર હતું.’ ‘એટલે તું એવું કહેવા માગે છે કે એ બુક નહીં પણ એક ટાઈમ મશીન હતું અને તેની મદદથી એકવીસમી સદીની અને ચૌદમી સદીની ટાઇમલાઈન એક થઈ?’ ‘હા, તું એવું કહી શકે. હવે એક પણ સવાલ નહીં હું ખૂબ થાકી ગઈ છું.’ નેફરતીતી આળસ મરડતા બોલી ઊઠી. અચાનક નીલનું ધ્યાન પેલી પેટી પર પડતાં તેણે પેટી ખોલી અને ખોલતાંની સાથે જ તેની આંખો ચાર થઈ ગઈ. પેટીમાં અનેક સોનામહોર અને આભૂષણોનો ખજાનો હતો. તેણે તરત જ નેફરતીતી સામે જોયું અને નેફરતીતીએ ફરી માત્ર એક સ્મિત રેલાવ્યું. સમય વીતતો ગયો અને બંને સામાન્ય પતિ-પત્નીની જેમ પોતાનું જીવન નિર્વાહ કરવા લાગ્યાં. એક દિવસ ટીવી પર ન્યૂઝ ચેનલ પર દેખાડવામાં આવતા સમચારે નીલનું ધ્યાન ખેંચી લીધું. સમાચાર આપતી વ્યક્તિ બોલી રહી હતી, ‘મિસ્ર સંસ્કૃતિમાં તમામ રાજાઓની મમી પ્રાપ્ત થઈ છે પણ આજ સુધી દુનિયાની સૌથી સુંદર મહારાણી એવી નેફરતીતીની મમી નથી મળી અને હજુ પણ લોકો આ મમીની શોધમાં છે. નેફરતીતીની મમીનું રહસ્ય હજુ અકબંધ છે.’ આ સમાચાર સાંભળતાં જ નીલ અને નેફરતીતી એકબીજા સામે જોવાં લાગ્યાં અને બંનેએ એકબીજા સામે ખંધું સ્મિત રેલાવ્યું અને નેફરતીતીએ નીલના હોઠ પર ચુંબન આપતાં જ બંને એકમેકમાં ઓગળી ગયા.
    Click here to Read More
    Previous Article
    સફર:એપ્રિલ મહિનો એટલે ચેરી બ્લોસમની રંગીન ઋતુ
    Next Article
    જીવનના હકારની કવિતા:આદરનો દરકાર, સંગાથનો સાક્ષાત્કાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment