Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:ઉનાળાની એ બળબળતી બપોર એક જ મઝહબના બે ફિરકા વચ્ચે કાયમી ખુન્નસ ધખાવી ગઈ

    6 days ago

    ધૈવત ત્રિવેદી ઈરાનઃ આર્યભૂમિની અનંતકથા - લેખ: 5 ઈરાનની વાત માંડવી હોય તો સમગ્ર મધ્ય-પૂર્વ એશિયાને સમજવું પડે. એ ભૂમિના વંશિય મૂળિયા ઉખેળવા પડે. સમયની પર્ત હટાવીને ધાર્મિક શ્રદ્ધાનાં બદલાતાં પરિમાણોને, સમાજકારણ અને અર્થકારણનેય ઓળખવા પડે. પ્રથમ લેખમાં જોયું તેમ, આખીય ભૂમિમાં એક તરફ રખડતાં-ભટકતાં બેદુઈન આરબો હતા. બીજી તરફ સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસત ધરાવતા અને આર્ય પ્રજા સાથે નાતો ધરાવતા જરથોસ્તીઓ હતા. આરબોને ધર્મ કે પરંપરા સાથે કશી નિસબત ન હતી. એવામાં ઈસ્લામની સ્થાપના થઈ અને જ્વાળામુખીની જેમ ઈસ્લામનો પરચમ અહીં ફરી વળ્યો. ઈસ્લામ એ આ દરેક દેશોને જોડતી પહેલી અને સૌથી વધુ મજબૂત કડી. બીજી કડી બન્યું તુર્કી સામ્રાજ્ય, જેણે મધ્ય-પૂર્વની લગભગ તમામ ભૂમિ પર સૈકાઓ સુધી શાસન કર્યું. ત્યાં સુધી ઈરાનને બાદ કરતાં ભાગ્યે જ કોઈ દેશની પોતાની આગવી ઓળખ હતી. આરબોએ જીતેલું ઈરાન પણ આરંભે સુન્ની મુસ્લિમ જ હતું, પરંતુ સફવી વંશના શાસકોએ આરબો સામેના વિરોધના પ્રતીક સ્વરૂપે સુન્ની પંથ ત્યાગીને શિયા થવાનું પસંદ કર્યું. હવે વાત આવે છે અઢારમી સદીની, જ્યારે આ ભૂમિ પર બહુધા દેશો સુન્ની હતા પરંતુ શિયા બહુલ દેશ ઈરાન એકલોઅટૂલો હોવા છતાં પુરાતન સંસ્કારિતાના જોરે સૌથી માતબર હતો. અહીં દેશ તરીકે ઉલ્લેખ કર્યો છે એ સ્થાનિક કબીલાઈ કે વંશીય શાસન પૂરતો છે, પરંતુ છેવટે તો સૌ ઉસ્માની તુર્કી સામ્રાજ્યને જ આધીન હતા. એ વખતે ઈસ્લામને એક હજાર વર્ષ થઈ ચૂક્યાં હતાં. કોઈ પણ ધર્મ હોય કે રાજસત્તા, સમય વીતે, પ્રસાર વધે એટલે ઢીલાશ વધે, ચુસ્તી ઘટે. પરિણામે હજાર વર્ષમાં ઈસ્લામનો ફેલાવો વ્યાપક થયો પરંતુ ઈસ્લામિક આજ્ઞાઓના પાલન, અર્થઘટનો અને અમલમાં ઘણો વિરોધાભાસ આવી ચૂક્યો હતો. એ વખતે એક ધર્મગુરુએ અત્યંત ચુસ્ત અને કુર્રાનની આજ્ઞા મુજબના ઈસ્લામના પાલન માટે ઝુંબેશ જગાવી. તેનું નામ મહંમદ અલ વહાબ. તેના વિચારોની આક્રમકતા અને હઠાગ્રહ એવા આગઝરંતા હતા કે એકેય આરબ કબીલાને એ ધર્મગુરુ સોરવતા ન હતા. આખરે એક કબીલાના સરદારે તેમને શરણ આપ્યું. એ સરદારનું નામ મહંમદ બિન સાઉદ. ધર્મ અને સત્તાનું એ મિલન આખરે ઈસ્લામના બદલાતા વલણનું સૌથી ઉગ્ર વિરોધી અને અણીશુદ્ધ ઈસ્લામનું પ્રખર સમર્થક બની રહ્યું અને તેની પુરસ્કર્તા ભૂમિ એટલે આજનું સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા વહાબી વિચારધારા મુજબ ઈસ્લામની સુન્ની પરંપરાનું હઠાગ્રહી અને ઈરાન આખા મુલકમાં શિયા પંથને અનુસરતો એકમાત્ર દેશ. સ્વાભાવિક રીતે જ બંને વચ્ચે અંટસ સર્જાય. તેમાં ઉમેરો થયો ખનિજતેલની પ્રાપ્તિનો. ઈરાનમાં 1908માં ખનિજતેલ મળી આવ્યું પછી તો સમગ્ર મધ્ય-પૂર્વના પર્શિયન ખાડી આસપાસ વસેલાં દેશોમાં હોડ જામી. 1927માં ઈરાક, 1932માં બહેરિન અને 1938માં કુવૈત તેમજ સાઉદી અરેબિયા ખનિજતેલની લખલૂટ સંપત્તિ પર બેઠાં હોવાનું ફલિત થઈ ગયું. ધરતી અઢળક સમૃદ્ધિ રળી આપતી હતી એટલે વધેલી નવરાશ ઈસ્લામના એકમાત્ર પહેરેદાર સાબિત થવાની હોડમાં વપરાવા લાગી. સાઉદી અરેબિયા નવા જગફોજદાર બનેલાં અમેરિકાની સોડમાં બેઠું. ઈરાનનો શાહ તો બ્રિટન, અમેરિકાનો ખાંધિયો હતો જ. અહીં સુધી બેઉ દેશોની ચડસાચડસી મહાસત્તાઓના અંકુશમાં હતી પરંતુ ગત સદીના એંશીના દાયકામાં મોટું પરિવર્તન આવ્યું. ઈરાનના ધર્મગુરુ રૂહોલ્લાહ ખોમૈનીના વડપણ હેઠળ ક્રાંતિ સર્જાઈ અને શાહને નાસી છૂટવું પડ્યું. ખોમૈનીએ દેશમાં ચુસ્ત શિયા શાસન લાગુ કર્યું. ખોમૈનીના ત્રણ આદેશ હતા. 1. દુનિયાભરના શિયા મુસ્લિમોના રખેવાળ બની રહેવું. 2. અમેરિકા સાથે કદી મૈત્રી તો ન જ કરવી, નમતું પણ ન મૂકવું. 3. ઈઝરાયલની રચના પશ્ચિમી દેશોએ ઈસ્લામને ખતમ કરવા માટે કરેલી છે માટે પ્રત્યેક ઈરાનીએ ઈઝરાયલ સાથે કટ્ટર શત્રુતા પાળવી. એ પછી ઈસ્લામિક વિશ્વમાં કોણ ચડિયાતું, શિયા કે સુન્ની, ઈરાન કે સાઉદી તેની હોડ ચાલુ થઈ, જેમાં ભારોભાર કડવાશ હતી. એ દરમિયાન એક એવી ઘટના બની, જેણે ઈરાન અને સાઉદી વચ્ચે, શિયા અને સુન્ની વચ્ચેનું સદીઓ જૂનું ખુન્નસ વધુ તીવ્ર બનાવી નાખ્યું. *** એ દિવસ હતો 31 જુલાઈ, 1987 અને સ્થળ હતું દુનિયાભરના મુસ્લિમોમાં પવિત્ર મનાતું મક્કા. એ દિવસે પારાવાર ગરમી હતી. લાલ સમુદ્રના તટ પરથી ફૂંકાઈને બંજર ધરતીનો તાપ ઓઢેલી હવા, ચામડી વાઢી નાખે એવો અણિયાળી કરવત જેવો તડકો, પવિત્ર હજયાત્રા માટે અહેરામ તરીકે ઓળખાતો પહેરવેશ ધારણ કરેલાં શ્રદ્ધાળુઓ, આકરા તાપથી બચવા છાતી ફરતું વીંટાળેલ કપડું ‘રિદા’ અને મનમાં અવિરત ચાલતી અલ્લાહની ઈબાદત... મક્કાની સડક હંમેશની માફક આ પરિચિત દૃશ્યો જોઈ રહી હતી, પણ આજે કંઈક એવું થવાનું હતું જે મક્કામાં સર્વથા ત્યાજ્ય મનાતું હતું. આવું આ પહેલાં અહીં ક્યારેય થયું ન હતું. યાત્રાની પવિત્રતા સાથે ચેડાં કરવાની કોઈએ એવી ઝુર્રત કરી ન હતી, જે આજે થવાની હતી. એ દિવસે શુક્રવાર હતો. ઝુહરની નમાજ પછી મસ્જિદમાંથી યાત્રીઓ બહાર આવી રહ્યા હતા અને મોટા ચોગાન ભણી જઈ રહ્યા હતા. બરાબર ત્યારે જ, મસ્જિદની સામેથી કેટલાંક લોકો અચાનક સડકો પર આવવા લાગ્યા. મસ્જિદની પાછળની સડક પરથી પણ એક ટોળું આવ્યું અને ચોગાનમાં પહોંચીને તેમણે જોરશોરથી સુત્રોચ્ચાર શરૂ કરી દીધોઃ મર્ગ બાર આમરિકા... મર્ગ બાર એસ્રાયલ... અમેરિકા મુર્દાબાદ... ઈઝરાયલ મુર્દાબાદ..! ગાઢ અને ગહેરી શાંતિ માટે જાણીતા મક્કાના માર્ગો એ સૂત્રોચ્ચારથી રીતસર ખળભળી ઊઠ્યા. અહેરામ પહેરેલાં યાત્રાળુઓના હાથમાં યંત્રવત્ ફરી રહેલી તસ્બી અટકી ગઈ, દરેકના ચહેરા પર સ્તબ્ધતા અંકાવા લાગી. જ્યાં માત્ર અને માત્ર ઈબાદતની જ અનુમતિ હતી, જ્યાં કોઈ વિખવાદ કે વાંધાજનક બોલવાનું તો દૂર, વિચારવાનીય મનાઈ હતી ત્યાં આજે આવો ઝેરીલો સૂત્રોચ્ચાર કોણ કરી રહ્યું હતું? એ ઈરાનીઓ હતા. સાઉદી અરેબિયા પોતાના હસ્તકના તીર્થસ્થાન મક્કાને ઈબાદતના સ્થાન તરીકે શુદ્ધ રાખવા કટિબદ્ધ હતું. ઈસ્લામની આજ્ઞા મુજબ, અહીં અમીર હોય કે ગરીબ, સૌ કોઈએ એકસરખો સાદો અહેરામ જ પહેરવાનો હતો. અહીં કશો વિખવાદ કરવાનો ન હતો. કોઈને પણ ઉતારી પાડવાની હળવી ચેષ્ટા સુધ્ધાં અહીં ત્યાજ્ય મનાતી હતી. ત્યાં જઈને ઈરાને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ દેકારો મચાવી દીધો. કારણ કે તેમને મન મક્કા એ ઈબાદત ઉપરાંત દુનિયાભરના મુસ્લિમો સમક્ષ તેમનાં ભાઈઓ સાથે થતાં જુલ્મોની જાહેરાતનું ઠેકાણું હતું અને તેનો એમને કશો છોછ ન હતો. સ્વાભાવિક રીતે જ, સાઉદી સુરક્ષા દળોએ તેમને રોકવાની કોશિશ કરી, તો અટકવાને બદલે ઈરાનીઓ તેમની સાથે હાથાપાઈ પર ઊતરી આવ્યા. લાઠીચાર્જ થયો, તો લાઠીઓ ઝૂંટવીને સામસામે મારામારી શરૂ થઈ ગઈ. છેવટે નાછૂટકે સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી, જેમાં લગભગ 400 લોકોનાં મૃત્યુ થયાં, જે પૈકી મોટા ભાગના ઈરાનીઓ હતા. એ ધોમધખતી બપોરે પવિત્ર શહેરની સડક પર રેલાયેલું લોહી કદી થિજાવાનું ન હતું. શિયા અને સુન્ની વચ્ચેના ધાર્મિક મતભેદ અને સર્વોપરી થવાની આર્થિક ચડસાચડસીમાં હવે પરસ્પર અવિશ્વાસ, ઘૃણા અને તિરસ્કારની કડવાશ પણ ઉમેરાવાની હતી. *** આજનું ઈરાન એ ચોમેર સુન્ની મુસ્લિમોથી ઘેરાયેલો દેશ છે. ઈઝરાયલ એને દીઠું ગમતું નથી અને અમેરિકાને તે કાયમી શત્રુ માને છે. નમતું મૂકવું એ તેનો સ્વભાવ નથી અને એ આજકાલનો નથી. સદીઓનો અહીં કહેવાયેલો ઈતિહાસ ગવાહ છે. આ ભૂમિ અને અહીંના આદમી તૂટી જવા તૈયાર છે, પણ ઝૂકશે નહીં. એ ખુન્નસનું કારણ સદીઓથી પડેલી આદત છે, આજની ઈસ્લામી નસોમાં વહેતાં હજારો વર્ષ પૂર્વેના જરથોસ્તી કે આર્ય ખૂનની પરંપરા છે કે પછી એકહથ્થુ ધર્મસત્તાને લીધે બહેકી ગયેલી કટ્ટરતા છે? અલ્લાહ જાણે, રામ જાણે અને અષો જરથુષ્ટ્ર જાણે..! (આવતા રવિવારથી વાંચો આર્મ્સ ડિલર્સની અંધારી દુનિયા)
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:પ્રેરણાનું પોસ્ટર
    Next Article
    સફર:એપ્રિલ મહિનો એટલે ચેરી બ્લોસમની રંગીન ઋતુ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment