Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્જરિત ઇમારતોને લઈ તંત્રની ઘોર બેદરકારી સામે વેપારીઓનો આક્રોશ.:કડીયાવાડ મોતના માચડા સમાન જર્જરિત બિલ્ડિંગો ઉતારવા કલેક્ટરને આવેદન; હવે કોઈ હોનારત થશે તો જવાબદારી કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરની રહેશે તેવી વેપારીઓની ચીમકી.

    9 hours ago

    ઐતિહાસિક નગરી જૂનાગઢના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભયનું વાતાવરણ પ્રસરેલું છે. જર્જરિત ઇમારતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે અહીંના રહીશો અને વેપારીઓ ફાળ અનુભવી રહ્યા છે. તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાએ જૂના જખમોને ફરી તાજા કરી દીધા છે. કડિયાવાડમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત ઇમારતનું મોટું પોપડું અચાનક ચોથા માળેથી રસ્તા પર પડતા પસાર થઈ રહેલી એક નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલાના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ આ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ, બિસ્માર રસ્તા કે ગટરની વ્યવસ્થાને કારણે કોઈ પણ જાનહાનિ થશે તો તેની સીધી અને નૈતિક જવાબદારી વોર્ડ નંબર 9 અને 10 ના કોર્પોરેટરો, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓની રહેશે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મત માંગવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે ફરે છે, પરંતુ જ્યારે નિર્દોષ પ્રજાના જીવ જોખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી પણ લેતા નથી. ​કડિયાવાડ વિસ્તારની હાલત અત્યારે ટીકિંગ ટાઈમ બોમ્બ જેવી બની ગઈ છે. રહીશો દ્વારા યાદ કરવામાં આવ્યું હતું કે વર્ષ 2022 માં આ જ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંઘ ઉડી નથી. હજુ પણ અનેક ભયજનક ઇમારતો અડીખમ ઉભી છે, જે ગમે ત્યારે નીચે આવી શકે તેમ છે. 4 એપ્રિલ 2026 ના રોજ બનેલી ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે રસ્તાઓ એટલા બિસ્માર અને સાંકડા થઈ ગયા છે કે ઇજાગ્રસ્ત મહિલા માટે બોલાવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. અંતે સ્થાનિકોએ જીવના જોખમે મહિલાને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી. ​વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં આ ઇમારતો ઉતારવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેમણે જૂનાગઢના વર્તમાન રાજકારણ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઘટના બને ત્યારે વિડીયો ઉતરાવવા અને ફોટા પડાવવા માટે અનેક લોકો પહોંચી જાય છે, પરંતુ લોકોની વાસ્તવિક પીડા અને પાયાની સુવિધાઓ માટે કોઈ લડત આપતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયાના કામની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, જ્યારે કડિયાવાડના વેપારીઓ હક માટે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે માત્ર સંજયભાઈ જ તેમની પડખે ઉભા રહ્યા હતા, જે સાચા અર્થમાં પ્રજાના નેતા છે. ​આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરો મનનભાઈ અભાણી, ચંદ્રિકાબેન રાખસીયા, પલ્લવીબેન ઠાકર અને પરાગભાઈ રાઠોડની જવાબદારી બને છે કે તેઓ પોતાના વિસ્તારની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે. કડિયાવાડમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ બચ્યા છે અને ગટરની વ્યવસ્થા પણ ભગવાન ભરોસે છે. ચોમાસા પૂર્વે જો આ જર્જરિત ઇમારતો અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો વધુ એક મોટી જાનહાનિની શક્યતા સેવાઈ રહી છે. વેપારીઓએ માંગ કરી છે કે કલેક્ટર સાહેબ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને કડક આદેશ આપે અને યુદ્ધના ધોરણે ભયજનક બાંધકામો દૂર કરવામાં આવે. ​આ વિસ્તારમાં લાખો લોકોની અવરજવર રહે છે અને વેપારી મથક હોવાથી અહીં આખો દિવસ ચહલપહલ હોય છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની આળસ ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે. વેપારીઓએ અંતમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કોઈ પણ દુર્ઘટના ઘટશે, તો આ આવેદનપત્રને જ પુરાવા તરીકે ગણીને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને પોતાના હક અને સુરક્ષા માટે મેદાને આવી છે, ત્યારે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    NDPS ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:ગીર સોમનાથ LCBની સફળ કાર્યવાહી, ગુપ્ત ઓપરેશન પાર પાડીને આરોપીને પકડ્યો
    Next Article
    Don’t regress to colonial era while booking young boys on whispers: HC to Punjab DGP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment