Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:ઝાડનું એકેય પાન હવે ક્યાંથી હલે, તેં ખુલ્લા વાળ બાંધ્યાને બધી હવા રિસાણી છે!

    1 week ago

    પાંસઠ વર્ષનાં નંદુબા. બીમારીઓનું ઘર. જેટલાં અંગો એટલાં ખોટકા. બેય પગના સાંધા ખલાસ. પુરાની હવેલીના ઝાંપાના મિજાગરાની જેમ કચૂડાટ કરે. કાનમાં એંશી ટકા જેટલી હડતાળ. બાજુમાં કોઇ તોપ ફોડે તો પણ નંદુબાને સૂરસૂરિયાં જેટલું સંભળાય. કરોડસ્થંભના મણકાની વચ્ચેની ગાદી ઘસાઇ જવાથી સૂતાં જેવું સુખ નહીં અને બેઠાં જેવું દુ:ખ નહીં. આખો દિવસ પથારીમાં જ અઠ્ઠે દ્વારકા. પાંત્રીસ વર્ષનો અમોલ એમનો એકનો એક દીકરો અને હરીભરી વનિતા એમની પુત્રવધૂ. અમોલ એક પ્રાઇવેટ કંપનીમાં માર્કેટિંગની જોબ કરે, મહિનામાં વીસ દિવસ બહારગામ ફરતો ફરે. ઓળખીતા લોકો ઘણી વાર સલાહ આપે, ‘બા, આટલી બધી તકલીફો છે તો સારવાર કેમ નથી કરાવતા?’ અમોલના ખુલાસામાં લાચારી ઝલકે, ‘સારવાર માટે ઓપરેશન કરાવવાં પડે. એક નહીં, ત્રણ-ચાર. બાને હાર્ટની પણ તકલીફ છે. ડૉક્ટર એનેસ્થેસિયા આપવા તૈયાર નથી. કહે છે કે બેભાન કરીશું તો ઓપરેશન ટેબલ પર જ ઢબી જશે.’ પરિણામે ઓપરેશન ન થયું. નંદુબા પથારીમાં જ ઢબી ગયાં હોય એવી હાલતમાં પડ્યાં રહે. એમનું એકમાત્ર સાબૂત અંગ એટલે એમની બે આંખ. અમાસના અંધારામાં પણ સોયમાં દોરો પરોવી શકે. હમણાંથી નંદુબાની બે આંખો ન જોવાનાં દૃશ્યો જોઇ રહી હતી. એકાદ અઠવાડિયું એમણે ચલાવી લીધું, પછી જ્યારે એમોલ બહારગામથી ઘરે પાછો ફર્યો ત્યારે એમણે એને એકલાને બોલાવીને કહ્યું, ‘દીકરા, ઘરમાં થોડુંક ધ્યાન આપતો જા. વહુનાં લખ્ખણ સારાં નથી લાગતાં.’ અમોલ ચોંકી ગયો, ‘બા, આવું કેમ બોલો છો? વનિતા મારી ગેરહાજરીમાં આખું ઘર ચલાવે છે. એના વિશે તમે…’ ‘દીકરા, તારી બાયડી જ્યાં સુધી ઘર ચલાવતી હતી ત્યાં સુધી ક્યાં વાંધો હતો? પણ એકાદ અઠવાડિયાથી એ બાજુવાળા નીલીયા સાથે ચક્કર ચલાવી રહી હોય એવું લાગે છે.’ નંદુબાએ કહ્યું. ‘કોણ નીલીયો? મારા ખાસ મિત્ર નીલેશની તો વાત નથી કરતાંને તમે?’ અમોલ ઘા ખાઇ ગયો. ‘હા, એ નીલીયાની જ વાત કરું છું. તું જ્યારે ઘરમાં હાજર હોય છે ત્યારે એ દિવસમાં એકાદ વાર તને મળવા આવે છે, એ પણ દસ-પંદર મિનિટ પૂરતો. પણ તારી ગેરહાજરીમાં એ આપણા ઘરમાં બબ્બે કલાક પડ્યો રહે છે. વનિતા અને નીલીયો બેઠક રૂમમાંય નથી બેસતાં, તો હું જોઉંય ખરી. એ બેય તારા સૂવાના રૂમમાં ગોંધાઇ રહે છે. મેં એક-બે વાર એમને ટોક્યાં તો ઉડાઉ જવાબ આપીને…’ નંદુબાએ પોતાની લાચારી વ્યક્ત કરી દીધી. અમોલને નંદુબાની વાતમાં ખાસ વિશ્વાસ ન બેઠો. ઘરડું માણસ ક્યારેક વહેમીલું થઇ જાય છે. બાકી નીલેશને તો એ બાળપણથી જ ઓળખતો હતો. બંને સાથે જ ભણ્યા, સાથે જ રમીને મોટા થયા, પરણ્યા પણ એક જ વર્ષમાં. એ અલગ વાત હતી કે નીલેશની પત્ની બે વર્ષ પછી રીસામણે બેસીને પિયરમાં ચાલી ગઇ હતી. નીલેશ ગમે તે સમયે અમોલના ઘરે આવી-જઇ શકતો હતો. એના પર અમોલને પોતાની જાત કરતાં પણ વધારે વિશ્વાસ હતો. અને વનિતા તો એનું પડખું સેવનારી હતી. એકલા હાથે એ ઘરની પૂરી જવાબદારી સંભાળતી હતી. એ અને નીલેશ ક્યારેક મજાકમસ્તી કરી લે તો એમાં શંકા કરવા જેવું શું હોય? નંદુબાને બીજો કોઇ ધંધો ક્યાં હતો? નંદુબાની ચેતવણીને અમોલે અવગણી એનું સીધું પરિણામ એ આવ્યું કે વનિતાને મોકળું મેદાન મ‌ળી ગયું. એની કામલીલા પૂરબહારમાં ખીલી ઊઠી. આ બધું જોઇને નંદુબાની સ્થિતિ કથળી ગઇ. અસહ્ય માનસિક તાણના કારણે બ્લડ પ્રેશર અચાનક ‘શૂટ અપ’ થઇ ગયું. એક દિવસ એમને પેરેલિસિસનો એટેક આવી ગયો. અમોલે બાની સારવાર કરાવવામાં કંઇ કસર ન છોડી. નંદુબા બચી તો ગયાં, પણ એમની વાચા હણાઇ ગઇ. આખો દિવસ એ પથારીમાં પડ્યાં પડ્યાં ડોળા ઘુમાવતાં રહે. વનિતા ચમચી વડે પ્રવાહી ખોરાક એમનાં મોંમાં રેડે, થોડુંક પ્રવાહી અંદર જાય, બાકીનું બહાર નીકળી જાય. ઝાડો-પેશાબ પથારીમાં જ થાય. વનિતા સાસુમાની ચાકરી ફરજનો ભાગ સમજીને સારી રીતે કરતી. આ વાતથી અમોલ ખુશ રહેતો. પોતે તો બહાર ફરતો હોય, વનિતા જ નંદુબાનું ધ્યાન રાખે. હવે નીલેશ અને વનિતાને સાવ મોકળું મેદાન મળી ગયું. લાજ-શરમ છોડીને એ બંને હવે બેડરૂમમાંથી ડ્રોઇંગ રૂમમાં આવી ગયાં. વીસેક ફીટ દૂર પથારીમાં પડેલાં નંદુબા જોઇ શકે તેમ એ બંને સોફા પર જ ચામડીનો ઉત્સવ માણવા લાગ્યા. એમને ખબર હતી કે આ ડોશી બધું જોઇ તો શકશે પણ કોઇને કહી નહીં શકે. ખરેખર થયું પણ એવું જ. બહારગામ ગયેલો અમોલ ઘરે આવીને સીધો નંદુબાનાં ખબર-અંતર પૂછવા એમની જાય ત્યારે નંદુબા કંઇ બોલી ન શકે પણ એમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતો રહે. એક લાચાર વૃદ્ધાની કેવડી મોટી પીડા હશે? એક દિવસ અમોલ ઘરે હતો ત્યારે એમની સામેના બંગલામાં રહેતા દિલીપભાઇ મળવા માટે આવ્યા. એમની સાથે જાડી સાંક‌ળ સાથે બાંધેલો વિકરાળ, પાળેલો ડૉગ હતો. એમણે વિનંતી કરી, ‘અમોલભાઇ, અમારા ઘરે નાનો દીકરો જન્મ્યો છે. અમારો ટોમી આમ તો પાળેલો છે પણ એ સાઇબિરિયન હસ્કી બ્રીડનો ડૉગ છે. નાનાં બાળકોને ફાડી ખાધાં હોય એવા દાખલાઓ બનેલા છે. હું ટોમીને તમારા ઘરે મૂકવા આવ્યો છું. થોડા દિવસોમાં જ એ તમારી સાથે હળી જશે. તમારા ઘરને રક્ષણ પણ આપશે.’ ‘એ બધું સાચું પણ એનો ખોરાક મને ભારે પડશે.’ અમોલે કહી દીધું. ‘એ ચિંતા છોડી દો. ટોમીનું ફૂડ રોજ મારા ઘરેથી આવી જશે. એનામાં ખરા-ખોટાની પરખ ગજબની છે. એ બીજા કોઇએ ધરેલો શંકાસ્પદ ખોરાક ખાશે પણ નહીં. તમે મારું આટલું કામ કરી આપો.’ દિલીપભાઇની વિનંતી સામે અમોલભાઇ ઝૂકી ગયા. ટોમી એમના ઘરનો વાઘ બની ગયો. ટોમીનો જે દિવસે ગૃહપ્રવેશ થયો તે દિવસથી ઘરનું વાતાવરણ સમૂળગું બદલાઇ ગયું. નીલીયાનો અમોલના ઘરમાં ગૃહપ્રવેશ બંધ થઇ ગયો. કૂતરાની જાત હોવા છતાં ટોમીની સિક્સ્થ સેન્સ જોરદાર હતી. એને સમજાઇ ગયું હતું કે આ નીલીયો આ પરિવારનો સભ્ય નથી, એ માલિકની ગેરહાજરીમાં આવીને આ ઘરની માલિકણની સાથે જે કંઇ કરે છે તે સારું કામ નથી જ નથી. બસ, પછી પૂછવું જ શું? નીલેશ ઝાંપો ખોલતો હોય ત્યાં જ ટોમીને ખબર પડી જાય. એ છલાંગ મારીને નીલેશ પર ધસી જાય, એના ભસવાનો અવાજ સાંભળીને નીલેશનું પેન્ટ ભીનું થઇ જાય. પછી તો ભાગે ઇ ભાયડો! કંટાળીને વનિતાએ એકાદ વાર ખોરાકમાં ઝેર ભેળવી જોયું. ટોમીએ સૂંઘતાવેંત મોં ફેરવી લીધું. પંદરેક દિવસના પ્રયાસો પછી વનિતાને લાગ્યું કે ચારિત્ર્ય એ જિંદગીનું સૌથી મોટું ધન છે અને નીલીયાને પણ સમજાઇ ગયું કે જાન હૈ તો જહાન બૈ. સહુથી મોટી શાંતિ નંદુબાને થઇ ગઇ. ચહેરો તો એમનો ભાવવિહીન રહે છે પણ એમની આંખોમાં પ્રસન્નતાનો સૂરમો અંજાયેલો રહે છે. (સત્ય ઘટના: કથાબીજ: વનિતા)
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:સેના
    Next Article
    હિડન ટ્રુથ:ભાનામતિ : અદૃશ્ય શક્તિનો ઉત્પાત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment