Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્દોરના રાજાએ રખાત માટે મુંબઈના સૌથી ધનાઢ્ય માણસની હત્યા કરાવી:મોહમ્મદ અલી ઝીણાએ કેસ લડ્યો, મહારાજા ફાંસીથી બચ્યા, પણ ગાદી ગઈ

    2 days ago

    12 જાન્યુઆરી 1925. આજથી એક સૈકા પહેલાંના બોમ્બેની હવામાં ઠંડક હતી. એ વખતે પણ પૉશ ગણાતા મલબાર હિલ એરિયાના અંધારિયા રસ્તાઓ પરથી એક કાર પૂરપાટ વેગે જઈ રહી હતી. કાર ચલાવનાર હતો 25 વર્ષીય અબ્દુલ કાદિર બાવલા. બોમ્બેના સૌથી શ્રીમંત વેપારીઓમાંનો એક. તેની બાજુની સીટ પર એક યુવતી બેઠી હતી. બેહિસાબ ખૂબસૂરતીની માલિકણ. એ હતી 22 વર્ષીય મુમતાઝ બેગમ. ના, બંને કોઈ રોમેન્ટિક ડ્રાઇવ પર નહોતાં નીકળ્યાં. બલકે મુમતાઝ એક રજવાડાના હેરમ એટલે કે જનાનખાનામાં રહેતી એક રખાત હતી. અત્યારે એના ચહેરા પરથી પારાવાર ટેન્શન નીતરી રહ્યું હતું. કેમ કે, મુમતાઝ પોતાનો જીવ બચાવીને બાવલાની શરણમાં આવી હતી, અને બાવલા બને તેટલી ઝડપથી તેને કોઈ સલામત જગ્યાએ પહોંચાડવાની ફિરાકમાં હતો. ‘ઉસ ઔરત કો બાહર નિકાલો’ ત્યાં જ વિખ્યાત હેંગિંગ ગાર્ડન તરફ જતા ગિબ્સ રોડ પર પાછળથી લાલ રંગની એક વિન્ટેજ મેક્સવેલ સિડેન કાર ભયાનક વેગે આવી અને તેમને ઓવરટેક કરી લીધા. ગાડીએ એક શાર્પ ટર્ન લઇને બ્રેક મારી. અબ્દુલ કાદિર બાવલાએ પણ તાત્કાલિક બ્રેક મારવાની ફરજ પડી. આગળની કારમાંથી ધડાધડ આઠ લોકો ઊતર્યા. તમામ જણા પિસ્તોલ, તલવારો જેવાં હથિયારોથી સજ્જ હતા. તેમાંથી એક જણાએ બૂમ પાડી, ‘ઉસ ઔરત કો બાહર નિકાલો…’ ધડાધડ ગોળીબાર થયો અને લોહીની નદીઓ વહી મુમતાઝને બાવડું ખેંચીને કારમાંથી બહાર કાઢવામાં આવી અને એના ચહેરા પર એક તલવાર ઝીંકી દેવાઈ. જ્યારે બાકીના લોકોએ ડ્રાઇવિંગ સીટ પર રહેલા અબ્દુલ કાદિર પર ધડાધડ ગોળીઓ વરસાવી દીધી. અબ્દુલે મુમતાઝને બચાવવા માટે હાથ લાંબો કર્યો, પણ એ ત્યાં જ ઢળી પડ્યો. નસીબજોગે ત્યાંથી ચાર બ્રિટિશ ઑફિસર ગોલ્ફ રમીને પાછા ફરી રહ્યા હતા. એમણે આ હત્યાકાંડ જોયો, એટલે તેઓ દોડીને આવ્યા અને મુમતાઝ તથા અબ્દુલને હોસ્પિટલ ભેગાં કર્યાં. બ્રિટિશ ઑફિસરોને જોઇને હુમલાખોરોએ તેમના પર પણ ફાયરિંગ કર્યું અને બીજી પળે હવામાં ઓગળી ગયા હતા. હોસ્પિટલે સારવાર મળતાં મુમતાઝનો જીવ બચી ગયો, પણ અબ્દુલને ડૉક્ટરે ‘બ્રોટ ડેડ’ એટલે કે હોસ્પિટલે લાવ્યા પહેલાં જ મૃત્યુ થઇ ગયાનું જાહેર કર્યું. *** બ્રિટિશ ઇન્ડિયાનું સૌથી સનસનીખેજ મર્ડર મુંબઇના પોશ વિસ્તારમાં ઠંડે કલેજે થયેલી આ હત્યાના સમાચાર બીજે દિવસે દેશ-વિદેશનાં અખબારોએ વિગતવાર છાપ્યાં. બ્રિટિશ અખબારોએ તો લખ્યું કે આ બ્રિટિશ ઇન્ડિયાનું સૌથી સનસનીખેજ મર્ડર હતું. કારણ કે આ મર્ડર એક રાજાના એક સ્ત્રી પાછળના પાગલપનનું લોહિયાળ પરિણામ હતી. આ ઘટના એવી ચગી કે આખરે એ રાજાએ પોતાની ગાદી છોડવી પડી. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ, ઇતિહાસનાં પાનાંઓમાં ધરબાઈ ગયેલી ‘બાવલા મર્ડર કેસ’ની ‘મુઘલ-એ-આઝમ’ મીટ્સ લવ, સેક્સ ઔર ધોખા જેવી આ લોહિયાળ સ્ટોરી વિશે. મુમતાઝ બેગમઃ એક ‘અનારકલી’ પર રાજાનું દિલ આવી ગયું 1903માં અમૃતસરમાં જન્મેલી મુમતાઝ બેગમની માતા વઝીર બેગમ એક દરબારી કલાકાર હતી. પિતા મોહમ્મદ ઇશરદ ગુલામ ખાન એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારનું ફરજંદ હતા. મુમતાઝનાં માતા-પિતા વચ્ચે માથાકૂટો થઈ અને બંનેના તલ્લાક થઈ ગયા. મુમતાઝ માતા પાસે રહી અને મોટી થઈ. મુમતાઝ માંડ 8-9 વર્ષની હશે જ્યારે માતા એને લઇને પહેલાં હૈદરાબાદ અને પછી ઇન્દોર લાવી. ત્યાં એણે ગાયન અને નૃત્યની પદ્ધતિસરની તાલીમ લીધી. જુવાનીમાં પગ મૂક્યો તે સાથે મુમતાઝનું સૌંદર્ય એવું ખીલ્યું કે ઇન્દોરનાં મોટાં-મોટાં ઘરાનાંઓમાં તેને પર્ફોર્મ કરવા બોલાવવાની હોડ લાગવા માંડી. એકવાર વખતના ઇન્દોરના રાજદરબારમાં એને પર્ફોર્મન્સ આપવાનું થયું અને મુમતાઝની જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ. બે રાણીઓ છતાં રાજાએ મુમતાઝને ‘રાખી’ લીધી ઇન્દોરના તત્કાલીન મહારાજા તુકોજીરાવ હોલ્કર ત્રીજા મુમતાઝનું સૌંદર્ય, એની અદા, એનું યૌવન, એનું પર્ફોર્મન્સ જોઇને એવા મંત્રમુગ્ધ થઇ ગયા કે તાત્કાલિક અસરથી તેના પ્રેમમાં પડી ગયા. જાણે ‘મુઘલ-એ-આઝમ’નો ‘સલીમ’ એના દરબારની નર્તકી ‘અનારકલી’ના પ્રેમમાં પડી ગયો હોય. પરંતુ આ તો રાજા હતા, એમને ગમે એ ‘વસ્તુ’ એમને ન મળે એવું કેમ ચાલે. તુકોજીરાવે મુમતાઝને પોતાના હેરમ એટલે કે જનાનખાનામાં રાખી લીધી, પોતાની એક રખાત તરીકે. થોડા સમયમાં જ મુમતાઝ મહારાજાની સૌથી ‘પ્રિય’ રખાત બની ગઈ. આખા ઇન્દોરમાં એ ‘મુમતાઝ બાઈ’ તરીકે ઓળખાવા લાગી. મહારાજા તુકોજીરાવ હોલ્કરઃ શાન, ઘમંડ અને વાસનાના ગુલામ 1890માં જન્મેલા તુકોજીરાવ હોલ્કર ત્રીજા માંડ તેર વર્ષની ઉંમરે તેમના પિતાના નિધન પછી ઇન્દોરના મહારાજા બની ગયા. એમને કાયમ એકવીસ તોપોની સલામી આપવામાં આવતી હતી. બ્રિટિશ સરકાર પણ એમને પોતાના દૂત માનતી હતી. પ્રોગ્રેસિવ રાજા, પણ માણસ વાસનાના ગુલામ અલબત્ત, એક રાજવી તરીકે તુકોજીરાવનો પ્રોગ્રેસ રિપોર્ટ સારો હતો. આજથી 120 વર્ષ પહેલાં ઇન્દોરમાં વીજળીનું 150 KWનું પાવર જનરેશન સ્ટેશન બેસાડવામાં આવ્યું હતું. દેશની પહેલી ફાયર બ્રિગેડ પણ 1909માં આ જ રાજા લાવ્યા હતા. શહેરનો માસ્ટર પ્લાન બનાવવા માટે તેમણે સ્કોટિશ ટાઉન પ્લાનર પેટ્રિક ગેડેસને તેડાવ્યા હતા. રોડ, રેલવે, સેનિટેશનથી લઇને સાયન્સ કોલેજ સુધીનાં સુધારા એમણે પોતાના રાજમાં લાગુ કર્યાં હતાં. પરંતુ આશિકમિજાજી એમને ભારે પડી ગઈ. મહારાજાએ સત્તાવાર રીતે ત્રણ લગ્ન કર્યાં હતાં. પહેલી રાણી ચંદ્રાવતીબાઈ, બીજી ઇન્દિરાબાઈ અને ત્રીજાં લગ્નની વાત આપણે સ્ટોરીમાં આગળ ઉપર કરીશું. બે સત્તાવાર રાણીઓ અને અંતઃપુરમાં સંખ્યાબંધ રખાતો હોવા છતાં રાજાસાહેબનું દિલ મુમતાઝ પર આવીને અટવાઈ પડ્યું. અંતઃપુરમાંથી આઝાદીની તલાશ તુકોજીરાવની રખાત તરીકે મુમતાઝે એક દાયકો વીતાવ્યો. રાજાએ એને માત્ર બાર વર્ષની ઉંમરે રખાત બનાવી હતી, ત્યારથી લઇને બાવીસ વર્ષની થઇ ત્યાં સુધી તે ‘મુમતાઝબાઈ’ બનીને રહી. શાહીમહેલમાં એ એશોઆરામની જિંદગી જીવતી હતી, પણ હકીકતમાં એ સોનાના પીંજરમાં જીવતી હતી. પાછળથી જ્યારે બ્રિટિશ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે મુમતાઝે પોતાની જુબાનીમાં કહેલું, ‘મારા પર ચોવીસે કલાક પહેરો રહેતો. ક્યાંય બહાર જવું હોય કે ઇવન મારે મારાં પરિવારજનોને પણ મળવું હોય તો પણ કોઇ ને કોઇ પડછાયાની જેમ મારી સાથે રહેતું.’ ‘મુસ્લિમમાંથી હિન્દુ બની જા, તને રખાતમાંથી રાણી બનાવી લઈશ’ મહારાજાએ મુમતાઝને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. રાજાએ કહેલું કે હિન્દુ ધર્મ અંગીકાર કરીને મારી સાથે લગ્ન કરી લે, હું તને મારી સત્તાવાર રાણીનો દરજ્જો આપીશ. પરંતુ મુમતાઝની માતા વઝીર બેગમે આ વાતનો ઇનકાર કરી દીધો. એક દાયકાના સહવાસમાં રાજા થકી મુમતાઝને એક દીકરી થઈ. પરંતુ એ નવજાત દીકરી ભેદી સંજોગોમાં મૃત્યુ પામી. મુમતાઝે આરોપ લગાવ્યો હતો કે રાજાનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો એટલે રાજાએ અંતઃપુરમાં બાળકોની દેખરેખ રાખતી આયાઓ મારફતે એની દીકરીને મરાવી નાખી. પરંતુ દીકરીનું આ રીતે મૃત્યુ થતાં મુમતાઝનું રાજા અને ઇન્દોર બંનેથી મન ઊઠી ગયું. હવે એ કોઇપણ ભોગે રાજાની ચુંગાલમાંથી છૂટવા માગતી હતી. એક દિવસ મુમતાઝે પોતાના વકીલને કહેલું, ‘હું દરિયામાં ડૂબીને મરી જઇશ, પણ ઇન્દોરમાં નહીં રહું.’ રાજા મૈસૂર ગયા અને પાછળથી… એક દિવસ મુમતાઝને આ તક મળી ગઈ. મહારાજા મસૂરીની સૈર કરવા ગયા. અંગ્રેજો અને રજવાડાંની મૈસૂરની મિજબાનીઓની પણ એક અલગ દાસ્તાન છે. પરંતુ આ બાજુ મહારાજા મસૂરી ગયા અને મુમતાઝ ઇન્દોરના પેલેસમાંથી ભાગી છૂટી. ઇન્દોરથી દિલ્હી ટ્રેનમાં આવી અને ત્યાંથી અમૃતસર થઇને બોમ્બે પહોંચી ગઈ. બોમ્બેમાં તેની મુલાકાત થઈ અબ્દુલ કાદિર બાવલા સાથે. એક સૈકા પહેલાંના બોમ્બેના તવંગરોમાં સામેલ પરિવારનું ફરજંદ. બાવલાઃ બોમ્બેનો મોસ્ટ એલિજિબલ રિચેસ્ટ બેચલર મીડિયા રિપોર્ટ્સ કહે છે કે તે વખતે અબ્દુલ કાદિર બાવલા પાસે ચાલીસ લાખ રૂપિયાથી પણ વધુની સંપત્તિ હતી. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ સૌથી યુવા કોર્પોરેટર હતો. મુમતાઝ એની પ્રેમિકા બની ગઈ અને તેના સંરક્ષણમાં રહેવા લાગી. આ બાજુ મહારાજા મસૂરીથી પાછા આવ્યા અને તેમને આ ન્યૂઝ મળતાં જ ધૂંઆપૂંઆ થઇ ગયા. ખાસ તો તેમનો ઇગો હર્ટ થયો હતો. મહારાજાએ આખા દેશમાં પોતાના જાસૂસો દોડાવ્યા અને મુમતાઝનું લોકેશન શોધી કાઢ્યું. એ પછી શરૂ થયો ધમકીઓનો દોર. બાવલાને ધમકીઓ મળવા લાગી કે મુમતાઝ પાછી આપી દે, નહીંતર મારી નાખીશું. બાવલાએ આ ધમકીઓને ગણકારી નહીં અને આ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. ઇન્દોરના શાહી ખજાનામાંથી અપાઈ16 હજારમાં હત્યાની સુપારી 12 જાન્યુઆરી 1925ની એ સાંજે બાવલાના ડ્રાઇવર મોહમ્મદ શફીએ એક બાતમીદારને માહિતી લીક કરી કે આજે સાંજે સાડા છ વાગ્યે બાવલા અને મુમતાઝ હેંગિંગ ગાર્ડન જવાનો પ્લાન બનાવી રહ્યાં છે. યાને કે મહારાજાની વગ એટલી જબરદસ્ત હતી કે એણે બાવલાના ડ્રાઇવરને જ ફોડી નાખ્યો હતો. 12 જાન્યુઆરીના ચાર મહિના પહેલાંથી જ ઇન્દોર મહારાજાના માણસો બાવલા અને મુમતાઝ પર નજર રાખી રહ્યા હતા. આ માટે સ્પેશિયલી 16 હજાર રૂપિયાનું બજેટ બનાવવામાં આવ્યું હતું, જેમાંથી 5 હજાર રૂપિયામાં તે વિન્ટેજ મેક્સવેલ સિડેન કાર ખરીદવામાં આવી હતી, જેનો ઉપયોગ હુમલા વખતે થયો હતો. પાછળથી બ્રિટિશ પોલીસે જ્યારે આ પૈસા ટ્રેસ કર્યા ત્યારે માલુમ પડ્યું કે તે તમામ રૂપિયા ઇન્દોર સ્ટેટના શાહી ખજાનામાંથી આવ્યા હતા. અને સ્વાભાવિક વાત છે કે મહારાજાની પરવાનગી વિના શાહી ખજાનામાંથી એક રૂપિયો પણ ઉપાડવો અશક્ય હોય છે. ઇન્દોર સ્ટેટના કર્મચારીઓને જ ભાડુતી હત્યારા બનાવ્યા હુમલામાં સામેલ આઠ લોકોમાંથી મોટાભાગના તો ઇન્દોર સ્ટેટના કર્મચારીઓ જ હતા, જેમાંથી એક ડ્રાઇવર, એક દરબારી ઉમરાવ, એક રિસાલદાર હતો. આ તમામે જાણે કોઈ સામાજિક કામે જતા હોય એ રીતે ઇન્દોર સ્ટેટ પાસે (એકસાથે) રજાની માગણી પણ કરી હતી, જે મંજૂર થઈ ગઈ હતી. આઠેય જણા રજા લઇને મુંબઈ આવી ગયા હતા. ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે જે રાત્રે હુમલો થયો, એ પછી આજદિન સુધી એ લાલ મેક્સવેલ કાર મળી નથી. કહેવાય છે કે હુમલામાં સામેલ બહાદુર શાહ નામના માણસે કામ પતાવ્યા પછી તે કારને નર્મદા નદીમાં ડુબાડી દીધી હતી. કોર્ટ કેસ અને મોહમ્મદ અલી ઝીણાની એન્ટ્રી બોમ્બેના સૌથી તવંગર શ્રીમંત યુવાનની હત્યા થાય અને તેનો કેસ ન ચાલે એવું તો બ્રિટિશ ભારતમાં પણ નહોતું બનતું! બોમ્બે હાઇકોર્ટમાં 24 દિવસ સુધી આ ખટલો ચાલ્યો. અખબારોએ ‘બ્રિટિશ ઇન્ડિયાનો મોસ્ટ સેન્સેશનલ ક્રાઇમ’ જેવાં મથાળાં બાંધ્યાં. આખું શહેર દરરોજ કોર્ટની અપડેટ્સ જાણવા માટે અખબારો પર તૂટી પડતું હતું. આ દિવસોમાં બોમ્બેમાં અખબારોનું વેચાણ પણ વધી ગયું હતું! અખબારોએ વધારાની કોપીઓ છાપવી પડતી હતી. ઝીણાની દલીલઃ ‘ફાંસી નહીં, મારા અસીલને આજીવન કેદ આપો’ પોલીસની ચાર્જશીટમાં આ હત્યાના માસ્ટરમાઇન્ડ હતા ઇન્દોર આર્મીના જનરલ આનંદરાવ ફણસે. ફણસેએ પોતાનો કેસ લડવા માટે એક વગદાર વકીલ રોક્યા, જેનું નામ હતું મોહમ્મદ અલી ઝીણા. યસ્સ, એ જ ઝીણા, જે પાછળથી મુસ્લિમ લીગમાં જોડાઈને અલગ ‘પાકિસ્તાન’ દેશની માગ કરવાના હતા, ભારતના ભાગલા પડાવવાના હતા અને પાકિસ્તાનના ‘કાયદે આઝમ’ બનવાના હતા. પરંતુ આ કેસ લડાયો ત્યારે ઝીણા એક પ્રેક્ટિસિંગ વકીલ હતા. ઝીણાને ખબર હતી કે પોતે હારેલો કેસ લડી રહ્યા છે. એટલે તેમને પોતાના અસીલને ફાંસીની સજાથી બચાવવાની જ મુખ્ય પ્રાયોરિટી હતી. એમણે કોર્ટમાં દલીલ રજૂ કરી કે ‘હું આ ષડ્યંત્રનો કે તેમાં મારા અસીલ ફણસેની સામેલગીરીનો ઇનકાર નથી કરતો, પરંતુ ફણસે માત્ર ચિઠ્ઠીના ચાકર છે, એમણે તો મળતા આદેશનું પાલન માત્ર કરવાનું હતું. એટલે તેઓ દયાને પાત્ર છે.’ યાને કે તેને ફાંસીની સજા ન થવી જોઇએ. ડોંગરીની જેલમાં બેને ફાંસી થઈ, એક પાગલ થઈ ગયો અલબત્ત, ઝીણાની દલીલોની જજ અને (તે વખતે ભારતમાં ચાલતી સિસ્ટમ પ્રમાણે) જ્યુરી પર કોઈ અસર ન થઈ. 15 જૂન 1925ના રોજ બોમ્બે હાઇકોર્ટે ચુકાદો સંભળાવ્યો. જ્યુરીએ એક કલાક સુધી બંધ ઓરડામાં મસલત કરી અને બહાર આવીને તમામ આરોપીઓને સર્વસંમતિથી દોષિત ઠરાવ્યા. દીઘે, પૌંદે અને નબી અહમદ નામના ત્રણ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી. જ્યારે ફણસે સહિત બાકીના ગુનેગારોને આજીવન કારાવાસની સજા થઈ. યાને કે ઝીણા પોતાના અસીલને ફાંસીના ગાળિયાથી બચાવવામાં સફળ થયા હતા. પાંચ મહિના પછી 19 નવેમ્બર 1925 બોમ્બેના ડોંગરીની જેલમાં નબી અહમદ અને દીઘેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા. જ્યારે ત્રીજા ગુનેગાર પૌંદેની માનસિક હાલત ત્યાં સુધીમાં એટલી ડામાડોળ થઇ ગયેલી કે તેની ફાંસીને આજીવન કારાવાસમાં બદલી નાખવામાં આવી. બીજી તરફ 12 જાન્યુઆરીની તે અંધારી રાત્રે થયેલા ગોળીબારમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને દરમિયાનગીરી કરનારા અને મુમતાઝને બચાવનારા ત્રણ બ્રિટિશ લેફ્ટનન્ટ સીગર્ટ, બેટલે અને સ્ટીફન હીરો બની ગયા. કોર્ટે તેમની બહાદુરીની ભરપેટ પ્રશંસા કરી. મહારાજા સામે બે વિકલ્પઃ કેસનો સામનો કરો, અથવા ગાદી છોડો સવાલ એ થાય કે આ આખો કાંડ જેમની જિદ્દને કારણે થયો તે મહારાજા તુકોજીરાવ હોલ્કર ત્રીજાનું શું થયું? મહારાજાની ધાક અને બ્રિટિશ સરકાર સાથેની સાંઠગાંઠને કારણે તેમને સીધી રીતે આ કેસમાં આરોપી તરીકે સામેલ કરવામાં નહોતા આવ્યા. આ મુદ્દે પણ તે વખતનાં અખબારોમાં માછલાં ધોવાયાં હતાં. 27 જૂન 1925ના રોજ બ્રિટિશ ગવર્નર જનરલે મહારાજાને બે વિકલ્પ આપ્યાઃ કાં તો અદાલતી કાર્યવાહીનો સામનો કરો અને સજા માટે તૈયાર રહો, અથવા ઇન્દોરની ગાદી છોડી દો. નેચરલી, મહારાજાને આવા વિકલ્પો મળી શકે, તેના માણસોને નહીં! મહારાજાએ કાનૂની કાર્યવાહીને બદલે ગાદી છોડવાનું મુનાસિબ માન્યું, પણ એમણે સામી શરત મૂકીઃ મારા દીકરા યશવંતરાવને ઇન્દોરના મહારાજા બનાવવામાં આવે. 5 લાખની વાર્ષિક સેલેરીમાં હત્યારા રાજા ફ્રાન્સ ભાગી ગયા 26 ફેબ્રુઆરી 1926ના રોજ તુકોજીરાવે ઇન્દોરની ગાદીનો ત્યાગ કર્યો અને બે અઠવાડિયાં પછી એમના 18 વર્ષીય દીકરા યશવંતરાવ હોલ્કર દ્વિતીય ઇન્દોરના મહારાજા બન્યા. તુકોજીરાવને આજીવન 5 લાખ રૂપિયાનું ટેક્સ-ફ્રી સાલિયાણું મળતું રહ્યું. આ કેસ અને ગાદી છોડ્યાના અપમાન પછી તેઓ ઇન્દોરમાં રહેવા માગતા નહોતા. એમણે ભારત છોડીને સ્વિત્ઝર્લેન્ડ અને ફ્રાન્સને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. પેરિસમાં જઇને રાજાએ ત્રીજાં લગ્ન કર્યાં, ચાર દીકરીઓ કરી અલબત્ત, એ પછીયે એમની ઇશ્ક મિજાજી ઓછી નહોતી થઈ. યુરોપમાં રહેતા હતા ત્યારે એટલે કે 1928માં તુકોજીરાવે નેન્સી મિલર નામની એક અમેરિકન યુવતી સાથે લગ્ન કર્યાં, જે હિન્દુ ધર્મ અંગીકાર કરીને ‘શર્મિષ્ઠા દેવી હોલ્કર’ બની ગઈ. નેન્સી થકી મહારાજાને ચાર દીકરીઓ પણ થઈ. અબ્દુલ કાદિર બાવલાઃ પ્રેમ કરવા બદલ જીવ ગુમાવ્યો અબ્દુલ કાદિર બાવલા માત્ર 25 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. તેમનો ગુનો એ હતો કે એમણે એક મહારાજાની પ્રેમિકા સાથે પ્રેમ કર્યો હતો. તુકોજીરાવ પેરિસમાં ફ્રાન્સના ઉમરાવો અને માલેતુજારોની વચ્ચે ઐયાશીમાં જીવતા રહ્યા. 1978માં 87 વર્ષની ઉંમરે પેરિસમાં જ તેમનું અવસાન થયું. મુમતાઝની કહાનીનો ફિલ્મી ટ્વિસ્ટ એ રાતના જીવલેણ હુમલામાં બચી ગયેલી મુમતાઝ આજીવન પોતાના ચહેરા પર તલવારના ઘાનું નિશાન લઇને જીવતી રહી. પરંતુ તેની કહાનીમાં એક ફિલ્મી ટ્વિસ્ટ હજી બાકી હતો. હુમલો થયો ત્યારે મુમતાઝ પ્રેગ્નન્ટ હતી, જેનો પિતા અબ્દુલ કાદિર બાવલા હતો. 19 જુલાઈ 1925ના રોજ મુમતાઝે બાવલાની દીકરીને જન્મ આપ્યો, જેનું નામ રખાયું સદાદ બેગમ. થોડા સમય પછી મુમતાઝ પોતાની માતા સાથે અમૃતસર જતી રહી. મુમતાઝની માતા વઝીર બેગમે મુમતાઝના બેંક અકાઉન્ટમાં રહેલા દોઢ લાખ રૂપિયા અને ઝવેરાતની પાવર ઓફ એટર્ની પોતાના નામે કરાવી લીધી. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે આ રૂપિયા અને દાગીના મુમતાઝને અબ્દુલ કાદિર બાવલાએ આપ્યા હતા. મુમતાઝે પોતાની સગી માતા સામે કેસ માંડ્યો એક વર્ષ પછી મુમતાઝે અબ્દુલ રહેમાન નામના શખ્સ સાથે નિકાહ કરી લીધા. આ નિકાહનો તેની માતાએ વિરોધ કર્યો. યાને કે મહારાજાની કેદમાંથી છૂટેલી મુમતાઝ હવે તેની પોતાની સગી માતાની કેદમાં હતી. મુમતાઝના પૈસા અને ઝવેરાત પર તેની પોતાની માતાએ કબ્જો કરી લીધો. હવે બોમ્બે હાઇકોર્ટમાં મા વર્સિસ દીકરીનો કેસ ચાલ્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે બેંકમાં રહેલા દાગીના અને રૂપિયા મુમતાઝના જ છે અને મુમતાઝ પછી તેની દીકરી સદાદ બેગમને મળશે. તેની માતાનો તેના પર એક પૈસાનો પણ અધિકાર નથી. આ બધું થયું ત્યારે મુમતાઝની ઉંમર હતી માત્ર 23 વર્ષ. આટલી નાની ઉંમરમાં એણે એક દાયકાની રાજાની સેક્સ્યુઅલ ગુલામી, પોતાના પર જીવલેણ હુમલો, માતા સામેનો કોર્ટ કેસ અને પારાવાર યાતના સહન કરી લીધી હતી. હવે એ થાકી ગઈ હતી. મુમતાઝે પોતાની માતા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને ભગ્ન હૃદયે પોતાના પતિ અને દીકરા સાથે કરાચી જતી રહી. હજી તેની લાઇફની ટ્રેજેડી પૂરી નહોતી થઈ. કરાચી ગયાના થોડા મહિનામાં જ પતિ અબ્દુલ રહેમાન સાથે તેના તલ્લાક થઈ ગયા. મુમતાઝ હોલિવૂડ ગઈ અને કાયમ માટે ગાયબ થઈ ગઈ! મુમતાઝ ફરી પાછી બોમ્બે આવી અને સ્ટેજ સિંગર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું. થોડા સમય પછી તેને હોલિવૂડમાંથી ફિલ્મ કરવાની ઑફર આવી અને તે દીકરીને લઇને અમેરિકા જતી રહી. અમેરિકા ગયા પછી મુતાઝ બેગમ જાણે અદૃશ્ય થઈ ગઈ. તેનું શું થયું, તે ક્યાં રહી, ક્યારે અને કેવી રીતે મૃત્યુ પામી, તેની દીકરીનું શું થયું તે સવાલોનું રહસ્ય આજે એક સૈકા પછીયે અકબંધ છે. હોલ્કર પરિવારમાં નવી-જૂનીનાં સંતાનો વચ્ચે સંપત્તિનો વિવાદ તુકોજીરાવના દીકરા યશવંતરાવે બે દાયકા સુધી ઇન્દોર પર શાસન કર્યું. એમના શાસનકાળને ઇન્દોરનો ‘સુવર્ણયુગ’ કહેવાયો. હોલ્કરના વંશજો આજે પણ જીવે છે, પરંતુ એમની સંપત્તિ કાયદાકીય વિવાદોમાં સપડાયેલી છે. તુકોજીરાવની અમેરિકન પત્ની શર્મિષ્ઠા દેવીનું 1993માં મૃત્યુ થયું, તે પછી તેમની ચાર દીકરીઓએ પણ ઇન્દોરની સંપત્તિમાં પોતાના હિસ્સાનો દાવો કર્યો, જે લાંબા સમય સુધી કોર્ટમાં ચાલતો રહ્યો. આજે ઇન્દોરની સંપત્તિની સીધી વારસદાર તરીકે યશવંતરાવની દીકરી ઉષાદેવીનું નામ બોલે છે. યુરોપિયન આર્કિટેક્ચરની તર્જ પર બનાવાયેલા હોલ્કર પરિવારના લાલબાગ પેલેસને મધ્ય પ્રદેશ સરકારે 1987માં હસ્તગત કરી લીધો. મુમતાઝ પર ગુજરાતીએ સાયલન્ટ ફિલ્મ બનાવી મુમતાઝની સ્ટોરી ભારોભાર ફિલ્મી હતી. આથી એ વખતના ફિલ્મમેકર્સને પણ તેમાં રસ ન પડે તો જ નવાઈ. એ વખતે ભારતમાં હજી બોલતી ફિલ્મો આવી નહોતી (ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ 1931માં રિલીઝ થઈ હતી). 1925માં, યાને કે જે વર્ષે બાવલાની હત્યા થઈ અને કાનૂની ખટલો ચાલ્યો તે વર્ષે જ હોમી માસ્ટર નામના ગુજરાતી-પારસી ફિલ્મમેકરે ‘કુલીન કાન્તા’ નામની સાયલન્ટ ક્રાઇમ થ્રિલર ફિલ્મ બનાવી, જેનો સ્ક્રીનપ્લે પણ મોહનલાલ દવે નામના ગુજરાતી સ્ક્રીનપ્લે રાઇટરે લખ્યો હતો. મુમતાઝની લાઇફ પરથી બે પુસ્તકો પણ લખાયાં છે.
    Click here to Read More
    Previous Article
    કેપ્ટન બાબાનું 18 કરોડનું ફાર્મહાઉસ સીલ, મંદિર ખાલીખમ:દીકરો અરેસ્ટ, પત્ની ફરાર; ભાઈ બોલ્યો- પરિવારને બદનામ કરી નાખ્યો
    Next Article
    दूरदर्शन के इस शो ने 90s में रच दिया था इतिहास, एक हफ्ते में आईं 14 लाख चिट्ठियां, हालात ऐसे कि टेंपो करना पड़ा था किराये पर

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment