Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડેલીનું ઊંચકલમ કુંડી ગામ વિકાસથી વંચિત:ગ્રામપંચાયત વિના પ્રાથમિક સુવિધાઓનો અભાવ, લોકો સ્થળાંતર કરવા મજબૂર

    6 days ago

    બોડેલી તાલુકાના ઊંચકલમ કુંડી ગામમાં આજે વિકાસનો સૂર્યોદય હજુ બાકી હોય તેવું પ્રતીત થાય છે. આ ગામ પાયાની પ્રાથમિક સુવિધાઓથી એટલી હદે વંચિત છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનેક પરિવારોએ વતનનું આંગણું છોડી સ્થળાંતર કરવાની નોબત આવી છે. વિકાસ, સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારીના પોકળ દાવાઓ વચ્ચે આ અવિકસિત ગામના દ્રશ્યો હૃદયને હચમચાવી મૂકે તેવા છે. બોડેલી તાલુકાના ઊંચકલમ ગામનું કુંડી ફળિયું આજે પણ ઉપેક્ષાનો શિકાર છે. જે ગામ એક સમયે માનવીઓના કલશોરથી ગુંજતું હતું, તે આજે વીરાણ ભાસી રહ્યું છે. વતનની માયા છોડી અનેક લોકો હવે આ ગામનો ત્યાગ કરી ચૂક્યા છે. કુંડી ગામમાં જ્યાં ક્યારેક સમૂહજીવનની સુવાસ હતી, ત્યાં આજે માત્ર ભયાનક સન્નાટો પ્રસરેલો છે. એવું લાગે છે કે વિકાસનો માર્ગ આ ફળિયા સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી ગયો છે. અહીં નથી વીજળીના દર્શન થયા કે નથી પાકા રસ્તાની સુવિધા મળી. તરસ છિપાવવા માટે નળ કે હેન્ડપંપ તો સ્વપ્ન સમાન છે; ગામલોકોએ પીવાનું પાણી મેળવવા આજે પણ કોતરોમાં ભટકવું પડે છે. આ જ દુર્દશાને કારણે સક્ષમ લોકો ગામ છોડી ગયા છે, તો કેટલાક રોજીરોટીની શોધમાં સતત માઈગ્રેશન કરી રહ્યા છે. જે રહી ગયા છે, તે એકલવાયા વૃદ્ધો છે જેમનું જીવન હવે માત્ર સંઘર્ષની પરાકાષ્ઠા બનીને રહી ગયું છે. અહીં વસતા લોકો માટે "જાયે તો કહા જાયે" જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. અશક્ત કાયા હોવા છતાં પેટનો ખાડો પૂરવા વૃદ્ધોએ મજૂરીના શરણે જવું પડે છે. એક એવા વૃદ્ધ દંપતીની વ્યથા આંખમાં ઝળઝળિયાં લાવી દે તેવી છે, જેમણે પોતાની બે દીકરીઓ ગુમાવી દીધી છે અને કોઈ પુત્ર નથી. 75 વર્ષના અશક્ત પતિની આંખોની જ્યોતિ હવે મંદ પડી છે, જ્યારે તેમની 70 વર્ષની પત્ની જર્જરિત શરીરે મજૂરી કરી ઘરનો ચૂલો સળગતો રાખે છે. જો મજૂરી મળે તો રોટલો નસીબ થાય, નહીંતર ભૂખ્યા પેટે પાણી પીને રાત કાપવી પડે છે. પાણી માટે પણ તેમને કોતર સુધી લાંબા થવું પડે છે અને ચોમાસામાં ઝૂંપડાના નેવાંનું પાણી એકત્ર કરી તરસ છિપાવવી પડે છે. સરકારી ચોપડે કદાચ આ પરિવારનું અસ્તિત્વ જ નથી, કારણ કે તેમની પાસે નથી આધાર કાર્ડ, નથી રેશન કાર્ડ કે નથી ચૂંટણી કાર્ડ. જંગલ વિસ્તારની આ વસાહતમાં રાત્રિનો અંધકાર દીપડાના ભય સાથે વધુ બિહામણો બને છે. ઘરમાં વીજળી નથી અને ઘરને દરવાજો પણ નથી. ગત વર્ષના વાવાઝોડાએ તેમનું મકાન જમીનદોસ્ત કરી નાખ્યું હતું, જેના કારણે તેઓ હવે ગામ છોડી ગયેલા અન્ય એક પરિવારના મકાનમાં આશરો લઈ રહ્યા છે. આજે તો એકબીજાના સહારે આ જોડી જીવી રહી છે, પણ ક્યારેક એક સાથ છૂટશે ત્યારે બીજાનું શું થશે? તે વિચાર માત્ર કમકમાટી પેદા કરે છે. ગુજરાતના પ્રત્યેક નાગરિકને પાયાની સુવિધાઓ મેળવવાનો બંધારણીય હક્ક છે, તો પછી કુંડી ગામના આ રહીશોની અવગણના કેમ? ક્યાં સુધી આ લાચાર વૃદ્ધો અને મહિલાઓ ન્યાયની પ્રતીક્ષા કરશે? શું આ દયનીય હાલતના અહેવાલ બાદ વહીવટી તંત્રની નિદ્રા ઉડશે કે પછી આ પરિવારો નસીબના સહારે જ પોતાનું જીવન વ્યતીત કરશે? તે એક મોટો પ્રશ્ન છે.
    Click here to Read More
    Previous Article
    CMના મત વિસ્તારના 4 વોર્ડમાં કોંગ્રેસમાં દાવેદારો શોધ્યા જડતા નથી:માગે એને ટિકિટ મળે એવી હાલત, અમદાવાદમાં દર ત્રીજા દાવેદારને ટિકિટ આપવી પડશે
    Next Article
    ગઢડાના ઉગામેડીમાં બાળકોને નોટબુક-પેનનું વિતરણ:કોળી સમાજના ઉપાધ્યક્ષે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment