Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યાની વાત આવતા જ મહિલાઓનો પારો છટક્યો:'કાળા પાણીની બોટલ બતાવી કહ્યું-આ પાણી પીએ છીએ', ભાજપનો નેતા આવવાનો હોય તો આખો વિસ્તાર ચકાચક થઈ જાય

    21 hours ago

    રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-10માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-10માં નવા સમાવિષ્ઠ થયેલા ભાયલી ગામનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા વિકાસ પામી રહેલા ગોત્રી સેવાસી રોડનો પણ સમાવેશ થાય છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. ગંદા પાણી, ડ્રેનેજ અને ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાન વડોદરા શહેરના જાણીતા ઇસ્કોન મંદિરથી શરૂ થતાં વોર્ડ નંબર-10ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક રહીશોને હજી પણ ગંદુ પાણી, ડ્રેનેજ, ઉબડખાબડ રસ્તાની સમસ્યાઓ સતાવી રહી છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે અનેક વખત મૌખિક, લેખિત રજૂઆતો કરવા છતાં તેમના આ પ્રશ્નો ઉકેલાતા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા અમે તાંદલજા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં રોજ અડધો કલાક પાણી આવે છે, એમાં પણ ગટર મિશ્રીત પાણી આવે છે. જેના કારણે આખા વિસ્તારમાં બીમારીના વાવર છે. નાના બાળકોથી માંડી વૃદ્ધ સુધી તમામ લોકો બીમાર છે. આ ઉપરાંત તાંદલજા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી પણ લોકો પરેશાન છે. રસ્તાઓ પર ગટરોના પાણી ફરી વળ્યા છે. જેની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જાય છે. આ ઉપરાંત નજીકમાં જ આવેલી તલાવડીમાં ગટરના પાણી છોડાતા મચ્છરોને કારણે લોકો બીમાર થઈ રહ્યા છે. આટઆટલી સમસ્યાઓ છતાં ભાજપના એકપણ કોર્પોરેટર આ વિસ્તારમાં ફરકતા ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો ગોત્રી વિસ્તારમાં ગટરના પાણી છોડવામાં આવતા આસપાસના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 'ચૂંટણીમાં નાસ્તા પાણી કરાવી જતા રહે છે પછી કોઈ નેતા આવતા નથી' તાંદલજા વિસ્તારના સ્થાનિક રહીશ આમેદાબેન કુરેશીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી માત્ર અડધો કલાક જ આવે છે, એ પણ ચોખ્ખુ પાણી આવતુ નથી. 20 મિનિટ પણી ગંદુ આવે છે. 10 મિનિટમાં શું ભરવાનું અને વાપરવુ. અહીં ગરીબ માણસો રહે છે. કોઇ રિક્ષા ચલાવે છે, કોઇ નાનુ મોટું કામ કરીને ઘર ચલાવે છે. અમારા ગરાસીયા વાડમાં પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી અમારી માંગણી છે. અહીં કોઇ નેતા દેખાતા નથી. અહીં કોઇ જોવા આવતા નથી. ચૂંટણીમાં વોટની જરૂર હોય ત્યારે આવે છે, ચૂંટણીમાં નાસ્તા પાણી કરાવીને જતા રહે છે. પછી પૈસા કમાવવા ખુરશી પર બેસી જાય છે. આ લોકો પૈસા કમાવવા જ બેઠા છે. ગંદું પાણી પીવાના કારણે ઘરે ઘરે લોકો બીમાર છે- રેશ્માબેન સ્થાનિક મહિલા રેશ્માબેને જણાવ્યું હતું કે, આખા તાંદલજા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. આ બોટલમાં જોઇ શકો છો કે, આ કેવુ ગંદુ પાણી છે. અમે અનેકવાર કોર્પોરેશનમાં અરજી આપી છે, તેમ છતાં કોઇ જોવા આવતુ નથી, કોઇ ધ્યાન આપતુ નથી અને પછી વોટ લેવા માટે આવે છે. અમે હવે નેતાઓને અમારા વિસ્તારમાં એન્ટ્રી આપીશુ નહીં અને વોટ પણ આપીશું નહીં. એક બાળકી ગંદુ પાણી પીને બીમાર થઈ ગઈ છે. અહીં દરેક ઘરમાં લોકો બીમાર છે. સામાજિક કાર્યકર અશ્ફાક મલેકે જણાવ્યું હતું કે, આ લીમડી ફળિયામાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે અને અનેક વખત રજૂઆતો કરી છે. પણ કંઇ પરિણામ મળ્યું નથી. અહીં પાણી અને ગટરની લાઇનમાં કોન્ટામિનેશન થાય છે. પાણી અને ગટરની લાઇનને નવી નાખીને સમસ્યાને દૂર કરવી જોઇએ,એવી અમારી માંગણી છે. આખા તાંદલજા વિસ્તારમાં પાણી, ગટર, રોડ રસ્તા, સાફ સફાઇની સમસ્યા છે. અહીં આખા મહોલ્લામાં તમામ લોકો બીમાર છે. લોકો કમળાની બીમારીથી પીડાઇ રહ્યા છે. કમળો ગંદા પાણીથી થાય છે. અહીંના લોકો ચોખ્ખુ પાણી માંગી રહ્યા છે. સ્થાનિક રશિદાબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી તો હાલત એવી છે કે, ઘરવેરો ભરવાનો, નળવેરો ભરવાનો અને પાણી તો મોટરથી ભરવાનું. કોઇ દિવસ નળમાં પાણી આવતુ નથી. અમે અનેક વખત રજૂઆતો કરી પણ કોઇ આવતુ નથી, નેતાઓ માત્ર મત લેવા માટે આવે છે. બાકી કોઇ દેખાતુ નથી. હવે અમે કોઇ મત આપવાના નથી. અહીં મચ્છરોનો પણ ખૂબ જ ત્રાસ છે. ઘરે ઘરે લોકો બીમાર છે. સ્થાનિક રિઝવાના કુરેશીએ જણાવ્યું હતુ કે, અમારા ઘરમાં એક બહેન બીમાર છે. આ અમે આવું ગંદુ પાણી પીએ છીએ. જેથી અમે બીમાર થઈ રહ્યા છે. અમને માત્ર ચોખ્ખુ પાણી જોઇએ છે. બીજુ અમારે કંઇ જોઇતુ નથી. અમે વેચાતુ લાવીને પાણી પીએ છીએ. સ્થાનિક મયંક સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં તળાવ પાસે કાંસમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. અહીં ગામના ચોતરે કોઇ બેસી શકતા નથી અને લોકો બીમાર થઈ રહ્યા છે. આ કાંસને પુરવામાં આવે તેવી અમારી માંગણી છે. નેતાઓ કોઇ અહીં ફરકતા નથી અને અમારું કોઇ સાંભળતુ નથી. વાસણા તળાવમાં મગરનો વસવાટ હોવા છતા ફેન્સિંગનો અભાવ તાંદલજા બાદ દિવ્યભાસ્કરની ટીમ વાસણા ગામ ખાતે પહોંચી, જ્યાં વાસણા તળાવ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે. અહીં તળાવમાં મગરોનો વસવાટ છે. તેમ છતાં ફેન્સિગ કરવામાં આવી નથી. જેથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારબાદ ગોત્રી તળાવ ખાતે ગયા તો ત્યાં ગંદકી કરવી નહીં તેવા બોર્ડ લાગ્યા છે, પણ ખુદ કોર્પોરેશન જ ગંદુ પાણી તળાવમાં છોડી રહ્યુ છે. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પણ જરુરિયાતો પૂરી ન થઈ- કોંગ્રેસ વોર્ડ પ્રમુખ વડોદરાના વોર્ડ નં-10ના કોગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. લોકોએ વિશ્વાસ કરીને ખોબે ખોબે મત તો આપ્યા પણ લોકોની પ્રાથમિક જરૂરીયાતો પુરી થઈ શકી નથી. વાસણા તળાવના બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચાઇ ગયા, પણ બ્યુટિફિકેશન તો માત્ર કાગળ પર જોવા મળી રહ્યું છે. વાસણા તળાવમાં મગરો છે, જેથી લોકો તેનો ભોગ ન બને તે માટે તળાવની ફરતે ફેન્સીંગ કરવી જોઇએ. અમે કોંગ્રેસે રજૂઆત કરતા જળકુંભી તો હટાવી છે, પણ ગંદકી તો યથાવત છે. અહીં બાજુમાં સ્કૂલ આવેલી છે, બાળકો રમતા રમતા તળાવમાં પડી જાય, તો તેના માટે જવાબદાર કોણ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ મોટા મોટા વાયદાઓ કરે છે. સ્વચ્છતાના નામે અભિયાનો કરે છે. એ માત્ર ફોટો શેસન જ છે. શહેરમાં કોઇ એ એવો રસ્તો નહીં હોય જ્યાં રસ્તો ખોદેલો નહીં હોય. આ ભ્રષ્ટાચાર કરવાની નીતી છે. શહેરમાં માત્ર 2થી 4 ઇંચ વરસાદમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને પૂર આવી જાય છે. આ લોકોએ પોકળ વાયદાઓ જ કર્યાં છે અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. આ ભ્રષ્ટાટાચારી પાર્ટીને ઝાકારો આપવાનો સમય આવી ગયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન તળાવની ફરતે વોકિંગ કરતા લોકો માટે 5થી 10 રૂપિયા વસુલવાની વાત કર છે, પણ કોઇ સુવિધા આપતુ નથી. ગોત્રી તળાવમાં ગટરનું પાણી ઠલવાઇ રહ્યું છે. લોકો તળાવ પાસે આરોગ્ય સુધારવા માટે આવે છે, પણ લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. પેવર બ્લોકની કામગીરીમાં અમારી સાથે ઓરમાયું વર્તન થાય છે- તરુબેન ગોત્રી વિસ્તારમાં રહેતા સ્થાનિક તરુબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે ગોત્રી વિસ્તારમાં રહીએ છીએ. અમારા અયોધ્યાનગરમાં પેવર બ્લોક નાખ્યા નથી. અમારી સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે. અમારે ત્યાં પાણી ડહોળુ આવે છે. ગટરો ઉભરાય છે. રસ્તાઓ તૂટી ગયા છે. અહીં ગોત્રી પાણીની ટાંકી સુધી જતા કમર તૂટી જાય છે અને અકસ્માતો થાય છે. ભાજપવાળા અમારું કંઇ સાંભળતુ નથી. સ્થાનિક રાજેશ્વરીબેને જણાવ્યું હતું કે, અમારે ત્યાં પાણી દુર્ગંધ મારતુ આવે છે. અમે અનેક વખત રજૂઆતો કરી છે, પણ કોઇ સાંભળતુ નથી. કોર્પોરેટરો આવે છે અને જતા રહે છે. માત્ર વોટ લેવા આવે છે. કોઇ કાર્યક્રમ હોય તો સ્વચ્છતા થાય છે, પણ ગંદકી જ હોય છે. સ્વચ્છતાના નામે માત્ર નાટક થાય છે. સ્થાનિક મનિષાબેને જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે. ઘરમાં સામાન પણ ખરાબ થાય છે. અમે ઘણી વખત રજૂઆતો કરી છે, પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા વિસ્તારના કોર્પોરેટરો તો અહીં અમારી સમસ્યા જોવા માટે પણ આવતા નથી. ખરાબ રસ્તાના કારણે વેપાર અડધો થઈ ગયો-દુકાનદાર ગોત્રી વિસ્તારના વેપારી જગદીશ ભાટીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન વાળાએ રોડ પર ખાડા કરી દીધા છે, જેના કારણે એમાં બાઇકવાળા પડી ગયા હતા. આ ઉપરાંત અમારા ધંધા પડી ભાંગ્યા છે. હું આ દુકાનનું ભાડુ 12 હજાર રૂપિયા ચુકવુ છું, પણ 6 હજારનો પણ ધંધો થતો નથી. અમે કઇ રીતે જીવીએ છીએ, એ તો ભગવાન જ જાણે છે. અમને બે ટાઇમ ખાવાના પણ ફાંફા થઈ ગયા છે. લાઇટ બિલ અને વેરા બિલ ભરવાના પૈસા પણ નથી. 2 મહિના કરતા વધુ સમયથી કામ ચાલે છે. જલદી કામ પુરુ થાય તો અમારો ધંધો ચાલી શકે તેમ છે. મારા વિસ્તારમાં અઢળક વિકાસ કામો થયા- નીતિન દોંગા ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં મારા વિસ્તારમાં પ્રજાલક્ષી અનેક અઢળક કામગીરી કરવામાં આવી છે. જેમાં ભાયલી વિસ્તારમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી છે. ડ્રેનેજની સુવિધા સુધારવા માટે 1600 ડાયામીટર સુધીની નવી ડ્રેનેજ પાઈપલાઈનો નાખવાનું કામ હાલ કાર્યરત છે. લાલગુરુ સર્કલથી પ્રિયા ટોકીઝ, ગોત્રી મેઈન રોડ અને વાસણા મેઈન રોડ સહિત કુલ 5 મુખ્ય રસ્તાઓ માટે અંદાજે ₹20 કરોડ ના ખર્ચે નવા રોડ બનાવવામાં આવ્યા છે. ભાયલી જેવા નવા વિકસિત વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિવારવા માટે માત્ર છેલ્લા એક જ વર્ષમાં 27 કરોડથી વધુના ખર્ચે વરસાદી ચેનલો બનાવવામાં આવી છે. તાંદલજા જેવા વિસ્તારોમાં હજુ પણ ગંદા પાણી અને ગટરની સમસ્યાઓ જોવા મળે છે, તે બાબતે તમારું શું કહેવું છે? તે બાબતે તેઓએ કહ્યું હતું કે, તાંદલજા વિસ્તાર અંગે મારી પાસે અત્યાર સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ આવી નથી, એટલે એ બાબત અત્યારે મારા ધ્યાનમાં નથી. આ ઉપરાંત ગોત્રી અને વાસણા બંને તળાવની શુદ્ધતા જળવાઈ રહે તે માટે અમે ત્યાં બાયપાસ ડાયવર્ટ લાઈનો નાખી છે, જેથી ગંદુ પાણી તળાવમાં જતું અટકે.
    Click here to Read More
    Previous Article
    નિશિકાંત દુબેએ માફી માગી, કહ્યું- બીજુ પટનાયક મોટા નેતા:પહેલા CIA અને નેહરુ વચ્ચેની કડી ગણાવ્યા હતા; હવે બોલ્યા- મારા નિવેદનનું ખોટું અર્થઘટન
    Next Article
    કાળઝાળ ગરમીમાં ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું:આજે બનાસકાંઠા, પાટણમાં તો આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદના એંઘાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment