Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેયરનો વોર્ડ જ ગંદકીથી ખદબદે છે, મચ્છરોથી ત્રાહીમામ છીએ':અહીં મંદિરનો વિકાસ થયો પણ આસપાસનો ભૂલાયો, ભાજપે કહ્યું- 'સમસ્યાઓનો કાયમી ઉકેલી શોધ્યો છે'

    1 week ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2021 ચૂંટણીમાં પણ વડોદરાવાસીઓએ ભાજપને 78માંથી 69 બેઠકો જીતાડી હતી. પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4ના મતદારોની શું સમસ્યા છે અને તેઓની માગણીઓ કેવી હતી અને કેટલી સંતોષાઈ છે. તે જાણવા માટે ભાસ્કર પહોંચ્યું હતું. અહીંના મતદારો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી વોર્ડની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખોડિયારનગરમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પરેશાન પ્રથમ અમે વોર્ડ નંબર-4નો સૌથી જાણીતો વિસ્તાર એટલે ખોડિયારનગરમાં પહોંચ્યા.જ્યાં ખોડિયાર માતાના મંદિર પરથી આ વિસ્તારનું નામ પડ્યું છે. આ વોર્ડમાં હવાઈ ક્ષેત્રે જાણીતું એરપોર્ટ આવેલું છે. સાથે ટ્રાન્પોર્ટેશન માટે લોકોની અવરજવર વધુ રહેતી હોય છે તેવા દરજીપુરા વિસ્તારમાં RTO કચેરી પણ આવે છે. આ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પણ આવેલો છે. અહીંયા દરજીપુરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા 2026 સુધીમાં પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 એરક્રાફટ તૈયાર કરવાનું લક્ષ્ય છે જે આ વિસ્તારમાં આવેલ છે. અમે ખોડિયારનગર વિસ્તારમાં પહોંચતા જ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરતા ભક્તો નજરે પડ્યા હતા. આ મેયરનો વોર્ડ છે અને વિકાસને લઈ લોકોના પ્રતિભાવો જાણ્યા જેમાં મુખ્યત્વે તમામ વોર્ડ કરતા અહીંયા સૌથી વધુ પાણીની સમસ્યા છે. સાથે ડ્રેનેજની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંયા આવેલા સ્લમ વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવું જાણવા મળ્યું હતું. અહીંયા ટ્રાફિક સમસ્યા વધુ હોવાથી ખોડિયારનગર ચાર રસ્તા પર બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. આ વોર્ડ મેયરનો હોવા છતા વિકાસથી વંચિત રહ્યો- રૂપેશ સથવારા આ અંગે સ્થાનિક નાગરિક રૂપેશ સથવારાએ જણાવ્યું હતું કે, ગત ટર્મમાં મેયર રહેલા પિન્કીબેન સોની આ જ વોર્ડમાં ચૂંટાયા હતા.મેયર હોવા છતાં પણ આ વોર્ડ વિકાસથી વંચિત રહ્યો છે. આ સાથે અન્ય કોર્પોરેટરો છે તેઓનું કામ પ્રશંસનીય છે. એમનો સપોર્ટ હતો પણ મેયર તરફથી જે પ્રતિભાવ મળવો જોઈએ અને આ વિકાસ થવો જોઈએ એ નથી થયો. સમસ્યા અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ તમે જોઈ શકો છો કે આખો રોડ છેલ્લા બે મહિનાથી બંધ છે અને ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી ડ્રેનેજની કામગીરી ચાલે છે, ખાડા ખોદાય છે, પાછું જૈસે થે થઈ જાય છે. અને પાણીની વાત કરીએ તો પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી અને પૂરતું મળતું નથી. 'અહીં મંદિરનો સારો વિકાસ થયો પણ આસપાસના વિસ્તારનો ભૂલાઈ ગયો' સ્થાનિક બળદેવભાઈ શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખોડિયારનગર છે અને અહીંયા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. અહીંયા મંદિરનો વિકાસ સારો થયો છે. પરંતુ આજુબાજુ જે વિકાસ થવો જોઈએ એટલો વિકાસ હજુ થયો નથી. અમારો વોર્ડ મેયરનો છે. મેયર બધું કામ પાસ કરે છે પરંતુ અધિકારીઓ કામગીરી દરમ્યાન હાજર રહેતા નથી અને વ્યવસ્થિત કામ થતું નથી. વધુમાં કહ્યું કે, અહીંયા થોડા થોડા અંતરે ખાડા થયા છે. એવું નથી કે આ લાઈન ખોદી છે, આ સાંઈનનગર વિભાગ-1માં કાંસ ખોદ્યો છે પણ પછી એના ઉપર જે મટીરીયલ સારી રીતે દબાવવું જોઈએ એ રોડનું હજુ કર્યું નથી. એ લોકોને બહુ અગવડ પડે છે. આ વિસ્તારમાં જે આ ખાડા ખોદી વળ્યા છે એનો જલ્દી નિકાલ થવો જોઈએ બાકી હજુ વરસાદ આવશે. તે પહેલા જો નિકાલ ના થયો તો લોકોને બહુ અગવડ પડશે. કારણ કે અહીંયા ટ્રાફિક બહુ જામ થાય છે. 'અમારા વોર્ડના મેયર હતા પણ મોટાભાગના લોકો તેને ઓળખતા નથી' અહીંના સ્થાનિક અને સામાજિક આગેવાન ડાહ્યાભાઈ રામાભાઈ પરમારે જણાવ્યું હતું કે, ખરેખર તો વિકાસ થવો જોઈએ એવું ઈચ્છી રહ્યા છીએ. તમામ વડોદરા શહેરની જનતા છેલ્લા 30 વર્ષથી ત્રાહિમામ થઈ ગઈ છે. ભાજપના રાજમાં ખરેખર વોર્ડ નંબર 4 માં હું સયાજી નગરીમાં ઊભો છું, તમે જોઈ શકો છો કોઈ સુવિધા નથી અને વોર્ડ નંબર 4 ના મેયર પિંકીબેન સોની અહીંયા જ રહે છે છતાં આજુબાજુવાળા પિંકીબેનને ઓળખતા નથી. ખરેખર ગાર્ડનમાં એમના નામના બાંકડા હોવા જોઈએ, એમના નામની કોઈ સુવિધા કરેલી હોવી જોઈએ પણ એવું કશું નથી. વધુમાં જણાવ્યું હતું કે, સ્લમ એરિયામાં જશો તો પાણીની બિલકુલ સુવિધા નથી, ડ્રેનેજના પાણી મિક્સ થાય છે. અમે મોરચા લઈને ગટરના પ્રોબ્લેમ, રોડ રસ્તાના પ્રોબ્લેમ, અત્યારે ચાર દિવસમાં ચામુંડા નગર અને દત્તનગરની વચ્ચે જે ગટરનું એટલું ગંદુ પાણી મિક્સ થઈને આવે છે, એ મેં કહ્યું હતું કે જો 15 દિવસમાં એની સુવિધા નહીં થાય તો મોરચો લઈને આવીશ. હજી સુધી કંઈ કામગીરી ચાલુ કરી નથી. વધૂમાં કહ્યું કે, આવનાર પાંચ વર્ષ ખરેખર તો પબ્લિક એટલી ત્રાહિમામ થઈ છે કે, બહિષ્કાર કરવા માટે તૈયાર છે કે ભાજપ સરકારનું કોઈ પણ આવશે કોર્પોરેશન લડવા માટે એને ભગાવીશું. એરિયામાં ઊભા જ નહીં રાખીએ એવું લોકોનું કહેવું છે અને તે જ થશે. કોઈ સારો ઉમેદવાર આવશે તેને મત આપીશું એવું જ બધાનું કહેવું છે. અહીં ચારેય કોર્પોરેટર ભાજપના છે, જે વિકાસ થવો જોઈએ તે નથી થયો- વીણાબેન સ્થાનિક વીણાબેન શર્માએ જણાવ્યું હતું કે, અહીંયા ભાજપની સત્તા છે, અહીંયા જે રીતે વિકાસ થવો જોઈએ તે પ્રમાણે થયો નથી. આખા વડોદરાની સ્થિતિ મુજબ અહીંયા પણ રોડની સ્થિતિ તેવીજ છે. અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે, બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, તેમને મુશ્કેલી પડી રહી છે. આ વોર્ડમાં સ્લમ એરિયા (ઝૂંપડપટ્ટી) વિસ્તાર વધારે છે, પણ ગંદકી એટલી બધી છે કે તમને રોડ પર જ કચરો મળશે. ઘણી બધી જગ્યાએ ગાયોનું ખાણ પડ્યું હોય છે, રખડતી ગાયો જોવા મળે છે, જેના કારણે આવવા-જવામાં મુશ્કેલી થાય છે. ગટર લાઈનો ખુલ્લી છે. આટલી ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને લોકો બીમાર પડી રહ્યા છે. આ બાબતે તંત્રનું કોઈ જ ધ્યાન નથી. વધુમાં કહ્યું કે, આ વોર્ડના કોર્પોરેટર મેયર પિંકીબેન સોની છે જેઓ મેયર હોવા છતાં પણ અમે તેમને ક્યારેય જોયા નથી કે લોકોની મુલાકાત લીધી હોય કે તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હોય.તેઓ ફક્ત જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ લોકોને મળે છે. બાકી અહીં કોઈ જ સફાઈ કે સુવિધા નથી. તમને ઠેર ઠેર ડ્રેનેજ લાઈનો ખુલ્લી જોવા મળશે. અમે ભાજપને જીતાડ્યો પણ અમારું કામ નથી કર્યું- સંજયભાઈ સ્લમ વિસ્તારમાં રહેતા માછી સંજયભાઈએ જણાવ્યું હતું કે, આજવા રોડ પર આવેલ ચામુંડાનગર એકમાં અમે ઘણા વર્ષોથી રહીએ છીએ. અહીંયા અમારા ઘર પાસે જ છેલ્લા કેટલાય વર્ષોથી ગટરની સમસ્યા છે, વરસાદી કાંસની સમસ્યા છે અને રસ્તાની સમસ્યા છે. વારંવાર એની અરજી કરીએ છીએ, તંત્રને કહીએ છીએ, કોર્પોરેટરને કહીએ છીએ પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા ગંદકીના છે અને અહીંયા નાના-નાના બાળકો રમે છે અને બીમાર થાય છે. અહીંયા આવવા -જવાનો રસ્તો પણ નથી અને કોર્પોરેશનના માણસો આવે છે પણ વાંધા-વચકા બતાવીને જતા રહે છે અને કામ કરવા તૈયાર થતા નથી. હવે ચૂંટણી આવી રહી છે એટલે અમારે વિચારવાનું રહ્યું કે હવે અમારે કોને વોટ આપવો? અમારું કામ ભાજપે આટલા વખતથી કંઈ કર્યું નથી એવું લાગી રહ્યું છે. અહીંયા રહેતા એક મહિલા માલાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ગટરની સમસ્યા છે. ચૂંટણી આવે એટલે અમને વોટ માટે યાદ કરે છે પછી કામ નીકળી જતા અહીંયા કોઈ આવતું નથી. હવે વોટ લેવા આવશે તો પહેલા સુવિધા પાછી વોટની વાત કરીશું. સ્લમ વિસ્તારમાં રહેતા બાબુભાઈને જણાવ્યું હતું કે, અમે અહીંયા વર્ષોથી રહીએ છીયે. અમે ભાજપને વોટ આપ્યા છે પરંતુ અમારી કોઈ વ્યવસ્થા કે સુવિધા આપી નથી. અહીંયા લાઇટનો થાંભલો છે પરંતુ લાઈટ નથી. રસ્તો છે પરંતુ રોડ નથી. વ્યવસ્થા નહીં થાય તો અમે બીજી જગ્યાએ જવું પડશે.વોટ તો અમે મોદીને જ આપવાના, પરંતુ સુવિધા નહીં મળે તો બીજાને આપીશું. ભાજપના લોકો ચૂંટાયા બાદ ગ્રાઉન્ડ પર દેખાયા જ નથી- હરીશ ઓડ આ અંગે વોર્ડ નંબર 4 કોંગ્રેસના પ્રમુખ હરીશ ઓડે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના અઢી વર્ષ જ્યારે વડોદરા શહેરના મેયરે વોર્ડ નંબર 4 માંથી આવતા હોય પણ વર્ષોથી જે વિકાસ છે એ વોર્ડ નંબર 4માં રૂંધાયા છે. તમે કોઈપણ નાગરિકને જઈને પૂછશો ને તો કોર્પોરેટર ચારે ચાર કોણ હતા એ પણ નહિ ઓળખી શકે કેમ કે આ લોકો ગ્રાઉન્ડ પર પહોચ્યા જ નથી. વધુમાં કહ્યું કે, અમારા વોર્ડની મુખ્ય સમસ્યા છે કે અહીંયા જ્યારે પણ નજીવો વરસાદ પડે તો પાણી બે અઢી ફૂટ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ છે અમારા વોર્ડ નંબર 4 ની વૈકુંઠ-2 ની પાછળ આવેલી કાંસ. આ લોકોએ જે કાંસ મોટા પ્રમાણમાં લાંબી અને પહોળી હતી એને ટૂંકી કરી અને એ કાંસને સાંકડી બનાવી દેવાથી પૂરની પરિસ્થિતિ આખા વોર્ડની અંદર સર્જાય છે. આ કારણ બતાવીને એ રોડની અંદર આખો રોડ ખોદી કાઢ્યો છે અને કાંસ નાખવાની શરૂઆત કરી છે. પણ જ્યારે મોટી કાંસ, કુદરતી કાંસ વર્ષોથી વોર્ડ નંબર 4 માંથી પસાર થતી હોય તો એને ચાલુ રાખી અને એને સાંકડી કરી અને આ લોકો બીજી પોતાના પૈસા કમાવવા માટે અને ખિસ્સા ભરવા માટે નવી કાંસનું રૂપાંતર કરે છે. આ કાર્ય કરવાથી ફક્તને ફક્ત તમારા ખિસ્સા ભરાશે પણ આ વોર્ડની અંદર જે પાણીની સમસ્યા છે, જે પૂરની સમસ્યા છે એ નીકળશે નહીં. વધુમાં કહ્યું કે, આ મેયરના વોર્ડમાં એટલી બધી ગંદકી છે કે તમે જોવો જે વિસ્તારમાં જશો એ જગ્યાએ તમને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે. મચ્છરોનો ત્રાસ એટલો બધો છે કે સામાન્ય નાગરિક જ્યારે અહીંયા કોઈ પણ જગ્યાએ ગાર્ડનમાં જતો હોય કે ચાલતા જતો હોય કે કોઈપણ જગ્યાએ બેઠો હોય તો 10 થી 15 મિનિટથી વધારે બેસવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. પહેલાના સમયમાં ધુમાડા લઈને લોકો ધુમાડા કરવા પણ કોર્પોરેશનમાંથી આવતા હતા પણ એ પણ હવે એવું ઔપચારિક જેવું થઈ ગયું છે કે હવે કોઈ દેખાતું છે નહીં અને મચ્છરોનો ત્રાસ પણ બહુ વધી ગયો છે. અમે સમસ્યાનું લોંગ ટાઈમ સોલ્યુસન શોધી કાઢ્યું છે- પ્રતીક જેઠવા આ અંગે ભાજપના વોર્ડ ચારના પ્રમુખ પ્રતીક જેઠવાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા છે, જે સ્થાનિક સમસ્યાઓ છે. પાણીને લઈ અત્યારે કામગીરી ચાલી રહી છે. વોર્ડની અંદર ખોડિયાર નગર, સંગમ, વોર્ડ નંબર 4 ની ઓફિસની પાછળ આવેલ બુસ્ટરનું કામ અંતિમ તબક્કામાં છે. આ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે અને લોકો વધુને રહ્યા છે. એટલે અમે લોંગ ટાઈમનું સોલ્યુશન શોધ્યું છે . જેથી અત્યારે પાણીની સમસ્યા છે એ ઝીરો થઈ જશે. ડ્રેનેજ અંગે જણાવ્યું કે, ડ્રેનેજના કામો તમે અત્યારે વોર્ડમાં ફરશો તો દરેક જગ્યાએ અત્યારે ડ્રેનેજના કામ ચાલુ છે. એટલે એ સમસ્યા પણ આપણે કાયમી અંત લાવવા માટેનું જ કામ ચાલુ છે. સ્લમ વિસ્તારમાં જે ગંદકીનો વિષય છે એ આપણે કોર્પોરેશન થકી જે કામ કરાવવાનું છે જે કામ ચાલુ જોવડાવીશું. આ વિસ્તારમાં મંત્રી મનીષબેન વકીલના પ્રયાસથી આપણે ત્રણ પોલીસ સ્ટેશન છે જેમાં હરણી, બાપોદ, વારસીયા પોલીસ મથક લાવ્યા છીએ. અશાંતધારાનો કાયદો પણ અહીંયા લાગુ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ વાવ-થરાદમાં 19,806.9 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા:કહ્યું - આજે એક દિવસમાં 40,000 લોકોને ઘર મળ્યા, આ વિકાસકાર્યો ઉદ્યોગો સાથે રોજગારી લાવશે
    Next Article
    પાણીના પાઉચની જેમ દારૂનું પેકિંગ:PM મોદીની 19,806 કરોડની ભેટ, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન, સુરતમાં ઘરમાં આગ લાગતા 5નાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment