Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​​જૂનાગઢ સિવિલમાં ડોક્ટરો ગેરહાજરી મુદ્દે વિવાદ:સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને રવાના થઈ જતાનો આક્ષેપ; ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો મેદાને ઉતર્યા

    17 hours ago

    જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે એવા તબીબો પર આંગળી ઉઠી છે, જેઓ સરકાર પાસેથી લાખો રૂપિયાનો પગાર મેળવે છે, પરંતુ ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં પોતાની તિજોરીઓ ભરવામાં મશગૂલ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાને કારણે છેવાડાના ગામડાઓથી આવતા દર્દીઓ હાલ બેહાલ થઈ રહ્યા છે. કેટલાક ડોક્ટરો સવારે હાજરી પૂરી રફુચક્કર થઈ જતાના આક્ષેપ તાજેતરમાં કરવામાં આવેલા એક નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને મેડિસિન વિભાગમાં ડોક્ટરોની ગેરહાજરીને લઈને અવારનવાર ઘર્ષણના દૃશ્યો સર્જાય છે. નિયમ મુજબ, રેસિડેન્ટ ડોક્ટર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને ઓપીડીની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ આક્ષેપ છે કે ઘણા ડોક્ટરો માત્ર સવારે હાજરી પુરીને રફુચક્કર થઈ જાય છે. આ વિવાદમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો હવે આ અનિયમિતતા સામે મેદાને આવ્યા છે. દર્દીઓ કલાકોથી લાઈન, છતાં ડોક્ટરના 'દર્શન' દુર્લભ જૂનાગઢ સિવિલમાં દરરોજ જૂનાગઢ શહેર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લાના અંદાજે 492 ગામડામાંથી હજારો દર્દીઓ ભાડું ખર્ચીને સારવારની આશાએ આવે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જ્યારે ઓપીડીમાં ડોક્ટર હાજર નથી હોતા, ત્યારે દર્દીઓની હાલત કફોડી બની જાય છે. એવો આક્ષેપ છે કે, ડો. ભાવેશ સુરેજા જેવા આસિસ્ટન્ટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. કક્ષાના અધિકારીઓ હોસ્પિટલમાં હાજર રહેવાને બદલે પોતાની ખાનગી પ્રેક્ટિસમાં વધુ રસ દાખવે છે. જ્યારે સરકારી ચોંપડે તેમની હાજરી બોલાતી હોય છે, ત્યારે વાસ્તવિકતામાં તેઓ પોતાની ખાનગી કેબિનેટમાં વ્યસ્ત હોવાની ફરિયાદો ઉઠી છે. ​રેસિડેન્ટ ડોક્ટરનો આક્રોશ, ‘એકલા હાથે 400 દર્દીઓ તપાસવા પડે છે’ હોસ્પિટલના જ એમ.ડી. મેડિસિન રેસિડેન્ટ ડોક્ટર આકાશ કોરાટે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, એચ.ઓ.ડી. એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોકટર અમને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ફરજ સોંપી છે. અમારા સિનિયર ડોક્ટરો તો ખાલી રાઉન્ડ લેવા પૂરતા જ આવે છે અને રાઉન્ડ લઈને તરત જ નીકળી જાય છે. અહીં ઓપીડીમાં તો અમારા જેવા જે નવા લાગેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે, તેમને જ બેસવાનું હોય છે. બાકીના વિભાગોમાં એ.પી. (આસિસ્ટન્ટ પ્રોફેસર), એસોસિએટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. બધા આવતા જ હોય છે, પરંતુ અહીં અમુક ડોક્ટરો કેમ નથી આવતા, તે અમને કેવી રીતે ખબર પડે? તેઓ કઈ જગ્યાએ છે, તેની અમને જાણકારી હોતી નથી. અમે સીનિયર રેસિડેન્ટ એટલે કે નાના કર્મચારી કહેવાઈએ, અમે તેમને એમ ન કહી શકીએ કે તમે કેમ નથી આવતા? ‘જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહેતા કામનું ભારણ વધી જાય’ ડોક્ટરોની ગેરહાજરીના લીધે ઓપીડીમાં આવતા દર્દીઓને ચોક્કસપણે તકલીફ પડે છે. નિયમ મુજબ ઓપીડીમાં બધાએ આવવાનું જ હોય છે, છતાં પણ ઘણા આવતા નથી. જોકે, બે-ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો નિયમિત આવે પણ છે, પરંતુ જ્યારે અન્ય જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહે છે, ત્યારે દર્દીઓની સંખ્યા વધવાથી કામનું ભારણ વધી જાય છે. જ્યારે ઉપર લેવલના ડોક્ટરો સમયસર ન આવે અને માત્ર હાજરી પુરાવીને જતા રહે, ત્યારે તેની અસર કામ કરતા અન્ય ડોક્ટરો પર પણ પડે છે. આવી પરિસ્થિતિમાં કામ કરવાનો કંટાળો આવે અને માનસિક રીતે પણ અસર થાય છે. કારણ કે જે જગ્યાઓ ભરાયેલી છે, તે ડોક્ટરો જો હાજર ન રહે તો પછી છેવટે તો દર્દીઓ અને હોસ્પિટલના વહીવટને જ નુકસાન થાય છે. ‘એચ.ઓ.ડી.ને રજૂઆત કરતા મદદ ન કરી’ મેડિસિન વિભાગમાં સવારે 9થી 1 અને સાંજે 4થી 6ની ડ્યુટી હોય છે. અહીં 15થી 17 ડોક્ટરોની નિમણૂક હોવા છતાં કાયમી ડોક્ટરો સમયસર આવે છે કે નહીં? તે મોટો પ્રશ્ન છે. સોમ અને મંગળવારે જ્યારે 400થી વધુ દર્દીઓની ભીડ હોય છે, ત્યારે મારે એકલાએ તપાસ કરવી પડે છે. જ્યારે મેં આ બાબતે એચ.ઓ.ડી. ડો. ભાવેશ સુરેજાને રજૂઆત કરી, ત્યારે તેમણે મદદ કરવાને બદલે સુપ્રિટેન્ડેન્ટ પાસે જવા કહી દીધું હતું. ​બે પ્રકારના કોન્ટ્રાક્ટ અને પગારનું ગણિત ડોક્ટરોની અછતને પહોંચી વળવા સરકાર દ્વારા બે પ્રકારના કરાર કરવામાં આવે છે, જેમાં વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ (WPP) અને વિધાઉટ પ્રાઇવેટ પ્રેક્ટિસ. જે ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ નથી કરતા તેમનો પગાર ખૂબ ઊંચો હોય છે. જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો પગાર ઓછો હોય છે. જોકે, બંને કિસ્સામાં નક્કી કરેલા સરકારી કલાકો દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેવું ફરજિયાત છે. આક્ષેપ છે કે, ઘણા ડોક્ટરો લાખોનો પગાર લેવા છતાં માત્ર રાઉન્ડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલે દોડી જાય છે. ​તબીબોનો બચાવ, આક્ષેપો પાયાવિહોણા છે સામે પક્ષે ડો. ભાવેશ સુરેજા અને ડો. જીગ્નેશ કરંગીયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ડો. સુરેજાએ જણાવ્યું કે, અમારી જવાબદારી માત્ર ઓપીડી પૂરતી નથી. પ્રોફેસર અને એચ.ઓ.ડી. તરીકે અમારે એકેડેમિક, એડમિનિસ્ટ્રેટિવ અને વોર્ડ ડ્યુટી પણ સંભાળવાની હોય છે. 200 વિદ્યાર્થીની બેચને ભણાવવાની જવાબદારી પણ અમારી છે. ક્યારેક ઓપીડીમાં હાજર ન હોઈએ તેનો અર્થ એ નથી કે, અમે કામ નથી કરતા. અમે તમામ પુરાવા આપવા તૈયાર છીએ. ​તંત્રએ કહ્યું બાયોમેટ્રિક અને લોકેશન બેઝ્ડ હાજરીની સિસ્ટમ મેડિકલ કોલેજના ડીન ડો. હનુમંત આમનેના જણાવ્યા મુજબ, હાલમાં 110 તબીબો કાર્યરત છે. તબીબોની હાજરી પર સીધું મોનિટરિંગ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા લોકેશન બેઝ્ડ મોબાઈલ એપ અને બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવે છે. જો કોઈ તબીબ વિરુદ્ધ લેખિત ફરિયાદ મળશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે. બીજી તરફ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મેડિસિન વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને ઇન્ટર્ન ડોક્ટરોની ટર્મ પૂરી થવાને કારણે કામગીરીમાં થોડો વિક્ષેપ પડ્યો હતો, જેનું નિરાકરણ લાવી દેવાયું છે. ​જનતામાં રોષ: શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની આવી મનમાની જોઈને સામાન્ય જનતામાં ભારે રોષ છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ડોક્ટરોને કોઈ રાજકીય પીઠબળ છે? સફેદ કોટ પહેરીને ફરતા આ ડોક્ટરોની નિયમિતતાની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજ કેમ તપાસવામાં આવતા નથી? ગરીબ દર્દીઓના હક માટેની આ લડાઈ હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.
    Click here to Read More
    Previous Article
    કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ; બેની લાશ મળી, બે લાપતા:ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ, ગાંધીનગરના વલાદ અને રાયપુર પાસેનો બનાવ
    Next Article
    દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના આમરણાંત ઉપવાસ:નગરપાલિકા સામે લોકપ્રશ્નો અને શૂન્ય કામગીરીનો આક્ષેપ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment