Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:દાદાના હેતનો હોંકારો કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત; કહ્યું- શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધની ચિંતા નથી

    20 hours ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે. અહીં સૌપ્રથમ તેમણે અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાના હેતનો હોંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીની નિર્ણયથી અનેક લોકો બેઘર થતા અટક્યા હતાં પ્રાપ્ત વિગત મુજબ, હાઉસિંગ બોર્ડ દ્વારા 80ના દાયકામાં બનાવવામાં આવેલ આવાસો જર્જરીત બનતા મકાનો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચતા તેમણે મકાનો ખાલી કરવાની જગ્યાએ રિપેરિંગ કરવા બાબતે મંજૂરી અપાવી હતી, જેના કારણે અનેક લોકો બેઘર થતા અટક્યા હતા. આ ઘટનાને લઇ હેતનો હોંકારો નામના કાર્યક્રમનું આયોજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના રહીશો દ્વારા 12 ફૂટના હાર અને સાફો પહેરાવી સન્માનપત્ર આપી મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીં લોકોના મોઢા ઉપર કોઈપણ પ્રકારની ચિંતા નથીઃ CM ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં હાલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, તેની અસર દરેક દેશમાં દેખાઈ રહી છે. પરંતુ આપણા મજબૂત નેતૃત્વ નરેન્દ્રભાઈના કારણે આપણે ત્યાં શાંતિ છે. અહીં લોકોના મોઢા ઉપર કોઈપણ પ્રકારની ચિંતા નથી. કારણ સૌને ખબર છે કે, આપણા વડાપ્રધાન બધું જોઈ લેશે અને દેશના લોકોને કોઈપણ તકલીફ પડવા દેશે નહીં. હાઉસિંગ બોર્ડના પ્રશ્નો અંગે અગાઉ પણ ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અંતે રાજુભાઇ દ્વારા આ મામલો મારા ધ્યાન ઉપર આવતા પ્રશ્નને હલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ રહીશોને જે કઈ પણ પ્રશ્ન હશે તે દૂર કરીશું. મુખ્યમંત્રીનાં આજના કાર્યક્રમની વિગતવાર માહિતી બપોરે 12.30 કલાકે: અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિતિ. બપોરે 3.00 કલાકે: પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રાજકોટ મહાપાલિકાના રૂ. 207.31 કરોડના 5 પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 543.89 કરોડના કુલ 40 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં EWS-II પ્રકારના 1,010 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે અને 1,000 પરિવારોને ઘરના ઘરની ભેંટ અપાશે. સાંજે 4.15 કલાકે: મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ ખાતે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ લાભાર્થી વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે. સાંજે 4.30 કલાકે: બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રી કરશે. આજે લોકાર્પણ થનારા પ્રકલ્પો 1) રેલનગર આવાસ યોજના (EWS-II) અને દુકાનો: ખર્ચ: રૂ. 119.05 કરોડ વિગત: ટી.પી. સ્કીમ નં.19 (રાજકોટ)માં 25071.15 ચો.મી. ક્ષેત્રફળમાં 1010 આવાસો અને 47 દુકાનો તૈયાર કરવામાં આવી છે. સુવિધાઓ: દરેક આવાસમાં 40.00 ચો.મી. કાર્પેટ એરિયા, હોલ, બેડરૂમ અને રસોડું છે. આ ઉપરાંત રૂફટોપ સોલાર સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, ડીજી જનરેટર સેટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને આંગણવાડી જેવી અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. 2) રૈયાધાર ખાતે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP): ખર્ચ: રૂ. 33.30 કરોડ ક્ષમતા: 23 MLD વિગત: રૈયાધાર ખાતે કાર્યરત 56 MLD પ્લાન્ટની બાજુમાં જ આ નવો પ્લાન્ટ તૈયાર થયો છે, જે વિસ્તારની સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતામાં વધારો કરશે. 3) ઘંટેશ્વર વિસ્તાર માટે નવો STP: ખર્ચ: રૂ. 30.85 કરોડ ક્ષમતા: 15 MLD વિગત: આ નવા પ્લાન્ટ સાથે 5 વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ઘંટેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા હલ થશે. 4) ઘંટેશ્વર સીવેજ પમ્પિંગ સ્ટેશન અને પાઈપલાઈન: ખર્ચ: રૂ. 15.81 કરોડ વિગત: આ પ્રકલ્પમાં બે પમ્પિંગ સ્ટેશન (SPS-1 અને SPS-2) તેમજ રાઈઝિંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 5) રેલનગર હેડવર્ક્સ ખાતે GSR: ખર્ચ: રૂ. 8.27 કરોડ ક્ષમતા: 139 લાખ લીટર વિગત: પાણીના સંગ્રહ માટે ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યું છે, જેનાથી રેલનગર વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત મળશે. 6) રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાધુનિક એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કરશે. આ કચેરી કુલ 4150 ચોરસમીટરમાં રૂ. 9.78 કરોડના ખર્ચે અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રૂ. 81.02 લાખના ખર્ચે તૈયાર કરાયો છે. જેનો લાભ વાર્ષિક 89,950 અરજદારોને મળશે. વિગત : આ નવી વ્યવસ્થાથી ડ્રાઈવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ સંપૂર્ણપણે નાબૂદ થશે. બપોરે 3 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ હાઈટેક સુવિધા રાજકોટની જનતાને સમર્પિત કરશે. નવા એઆઈ ટ્રેકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કુલ 17 હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા અને સેન્સર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ દરમિયાન વાહનચાલક ક્યાંય પણ લાઈન ટચ કરે, રિવર્સમાં ભૂલ કરે કે ટ્રાફિક નિયમ ચૂકે તો સેન્સર તરત જ તે ડેટા કેપ્ચર કરી લેશે. આ ડેટાનું વિશ્લેષણ એઆઈ સોફ્ટવેર દ્વારા થશે અને કોઈપણ અધિકારીની સહી વગર સીધું જ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝલ્ટ જનરેટ થશે. જો તમારી ડ્રાઈવિંગ સ્કિલ પરફેક્ટ નહીં હોય તો સિસ્ટમ તમને તરત જ ‘ફેઈલ’ જાહેર કરી દેશે. અત્યાર સુધી ડ્રાઈવિંગ ટેસ્ટમાં વચેટિયાઓ દ્વારા ‘સેટિંગ’ થતું હોવાની ફરિયાદો હતી, પરંતુ હવે મશીન સામે કોઈની ભલામણ ચાલશે નહીં. જે અરજદાર ખરેખર ગાડી ચલાવતા જાણતો હશે તેને જ લાઇસન્સ મળશે. ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરતા પહેલા ઉમેદવારોને એક વીડિયો ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. જેમાં ટેસ્ટ કેવી રીતે આપવી તેની સંપૂર્ણ સમજ હશે. ટેસ્ટ પૂરી થયા બાદ ઉમેદવારને એક ‘કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ’' આપવામાં આવશે જેથી તેને ખબર પડે કે તેણે કયા પોઈન્ટ પર ભૂલ કરી છે. ખાતમુહૂર્ત થનારા નવા પ્રકલ્પો 1) બાંધકામ વિભાગ (રૂ. 368.01 કરોડ): આ વિભાગ દ્વારા કુલ 29 કામો શરૂ થશે. જેમાં શહેરના મુખ્ય માર્ગોનું મજબૂતીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નવી જાહેર ઈમારતોના નિર્માણનો સમાવેશ થાય છે, જે ટ્રાફિક અને માર્ગ સુવિધાઓમાં સુધારો લાવશે. 2) વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગ (રૂ. 173.17 કરોડ): પાણી પુરવઠાને લગતા 7 મહત્વપૂર્ણ કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરના નવા ભળેલા વિસ્તારો અને જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં નેટવર્ક વિસ્તૃત કરવામાં આવશે. 3) ડ્રેનેજ વિભાગ (રૂ. 1.96 કરોડ): શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે 3 નવા કામો શરૂ કરવામાં આવશે. 4) રોશની વિભાગ (રૂ. 75 લાખ): માર્ગો પર પ્રકાશ વ્યવસ્થા (Street Lights) મજબૂત કરવા માટેનાં એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 5) રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરનાં બાપુનગરથી શરૂ કરી નાડોદાનગરમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે.ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાથી પાણી ભરાયેલા રહેતા હતા જો કે રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શાહે મમતા સરકાર વિરુદ્ધ ચાર્જશીટ જાહેર કરી:શાહે કહ્યું- તેમાં TMCના કાળા કામો, ચૂંટણીમાં તે ક્યારેક પગ ભંગાવે, ક્યારેક માથે પાટો બંધાવે; વિક્ટિમ કાર્ડ રમે છે
    Next Article
    ચંદ્રુમાણામાં ₹75 લાખના ખર્ચે ગૌરવપથ બનશે:પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ 400 મીટર રોડનું ભૂમિપૂજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment