Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાપ્તી' સંસ્થા પથ્થર શિલ્પકલાને આધુનિક ટેકનોલોજીથી જીવંત રાખે છે:ધ્રાંગધ્રામાં યુવાનોને પરંપરાગત કલામાં આત્મનિર્ભર બનાવાય છે

    10 hours ago

    ભારતીય સ્થાપત્યકલાના ઇતિહાસમાં ગુજરાતની શિલ્પકલાનું સ્થાન હંમેશાં અગ્રણી રહ્યું છે. સોમનાથનું પ્રભાસ તીર્થ હોય કે મોઢેરાનું સૂર્યમંદિર, ગુજરાતના પથ્થરો પર કંડારાયેલી કલા સંસ્કૃતિ હજારો વર્ષોથી તેની જીવંત સાક્ષી પૂરે છે. આ ભવ્ય વિરાસતને 21મી સદીના આધુનિક પડકારો સામે ટકાવી રાખવા અને સ્થાનિક કલાકારોને વૈશ્વિક ફલક પર ઉજાગર કરવાના હેતુથી, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા 'સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ - સાપ્તી’ કાર્યરત છે. આ સંસ્થા પરંપરાગત કલાને આંતરરાષ્ટ્રીય બજારની આધુનિક માગ સાથે જોડી રહી છે. ઝાલાવાડનો ધ્રાંગધ્રા પંથક તેના વિશિષ્ટ 'રેતિયા પથ્થર' માટે જાણીતો છે. અહીંની 'સાપ્તી' સંસ્થા આ પીળા પથ્થરોને નવી ઓળખ આપી રહી છે. સંસ્થા પરંપરાગત રીતે પથ્થરનું કામ કરતા પરિવારોના યુવાનોને આધુનિક ટેકનોલોજી, ડિઝાઈનિંગ અને ફિનિશિંગની તાલીમ આપે છે. પૂર્વજો પાસેથી મળેલી કલાને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, અત્યાધુનિક CNC મશીનરી અને 3D ડિઝાઈનિંગ સોફ્ટવેરનું પીઠબળ મળતાં, પથ્થરમાંથી અદ્ભુત કલાકૃતિઓનું નિર્માણ થાય છે. આ તાલીમ દ્વારા કારીગરો માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ સ્થાપત્ય અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં પણ નિપુણ બની રહ્યા છે. 'સાપ્તી' સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પથ્થર કલા સાથે જોડાયેલા શ્રમિકોને 'કુશળ કારીગર' અને 'કલાકાર' બનાવવાનો છે. સંસ્થાના પરિસરમાં અત્યાધુનિક વર્કશોપ અને લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં પથ્થરને કાપવાથી લઈને તેના પર ઝીણવટભરી કોતરણી કરવા સુધીનું માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ સઘન તાલીમ મેળવીને અનેક યુવાનો આજે સ્વનિર્ભર બન્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરે છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે અને લુપ્ત થતી કલાને નવું જીવન મળ્યું છે. વડાપ્રધાનના 'વિકાસ પણ, વિરાસત પણ'ના વિઝનને અનુસરીને ગુજરાતમાં પથ્થરના પ્રકાર મુજબ અલગ-અલગ તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે, જેમાં અંબાજીનું કેન્દ્ર પણ સામેલ છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ 2009માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ‘સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ’ની સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી ખાતેની સંસ્થા સફેદ આરસપહાણ પરની બારીક કોતરણી માટે કાર્યરત છે, જ્યારે ધ્રાંગધ્રા કેન્દ્ર રેતી-પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે ગુજરાતના પથ્થર શિલ્પીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ દેશ-વિદેશના મંદિરો, જાહેર સ્થાપત્યો અને બગીચાઓની શોભા વધારી રહી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરીના સહયોગથી કાર્યરત આ સંસ્થાઓ કારીગરોને એક્ઝિબિશન અને માર્કેટિંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આમ, પથ્થરના દરેક કણમાંથી કલાના રત્નો કંડારતી 'સાપ્તી' સંસ્થા ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને 'વિકસિત ભારત @2047'ના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ સમાન બની રહી છે. સાપ્તી ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર ડાયરેક્ટર હરપાલ જાંગડાએ સંસ્થાની કામગીરી અને ભાવિ આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે કાર્યરત આ યુનિક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને શિલ્પકલાની ઝીણવટભરી તાલીમ આપવા માટે સરકાર દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું છે. અહીં વિદ્યાર્થીઓને રહેવા-જમવાની પાયાની સુવિધાઓની સાથે-સાથે ડ્રોઈંગથી લઈને કાર્વિંગ સુધીની તમામ પ્રક્રિયા માટે હેમર-ચીઝલ, પાવર ટુલ્સ અને આધુનિક CNC મશીનો જેવા સાધનો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત, કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા પ્રોગ્રામિંગની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના કૌશલ્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે 'આકાર બાય સાપ્તી' જેવી સાઇટ પણ વિકસાવવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટ્સ શેર કરી શકે છે. વધુમાં, આગામી સમયમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જ એક ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જે હેઠળ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી તમામ સાધન-સામગ્રી સાથે સંસ્થામાં રહીને કામ કરવાની તક મળશે, જેથી તેઓ આર્થિક રીતે સધ્ધર બની શકે. અમરેલી જિલ્લાના ખોપરીયા ગામના વતની પિયુષ જુણેજાએ અહીં બે વર્ષનો 'સ્ટોન ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન'નો વિશેષ કોર્સ પૂર્ણ કર્યો છે, જેમાં તેમણે પરંપરાગત કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું ઉત્તમ જ્ઞાન મેળવ્યું છે. આ તાલીમ દરમિયાન પિયુષે CNC મશીન અને લેથ મશીન જેવા અત્યાધુનિક સાધનોના સંચાલનમાં મહારત હાસલ કરી છે, જેના માટે તેમણે ArtCAM, AutoCAD અને 3ds Max જેવા જટિલ ડિઝાઇનિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા પણ શીખ્યું છે. ટેકનિકલ તાલીમની સાથે પિયુષે સંસ્થાની સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી, જે ગ્રામીણ વિસ્તારના યુવાનોને આર્થિક ભાર વગર આધુનિક કૌશલ્ય શીખવામાં મદદરૂપ બને છે. આણંદની પ્રતિષ્ઠિત સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તાજેતરમાં એક શૈક્ષણિક મુલાકાત લીધી હતી, જે અંતર્ગત તેઓએ સ્ટોન કાર્વિંગ અને આધુનિક ડિઝાઈનિંગ ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીની વૃષા રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રવાસ તેમના માટે જ્ઞાનવર્ધક રહ્યો છે. તેમને પથ્થર પરની કોતરણી અને વિવિધ જટિલ ડિઝાઇન્સ વિશે ઊંડાણપૂર્વક સમજવાની તક મળી હતી, જેમાં ખાસ કરીને સીએનસી મશીન ટેકનોલોજી પર કરવામાં આવેલું પ્રેક્ટિકલ કામ સમજવાની તક મળી હતી, જે ભવિષ્યમાં તેમના વ્યવસાયિક કૌશલ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પોતાના છ દિવસીય શૈક્ષણિક પ્રવાસના અનુભવો વર્ણવતા વિદ્યાર્થિની પ્રત્યંચાએ જણાવ્યું હતું કે, આ સંસ્થામાં ઉચ્ચ સ્તરીય તાલીમ આપવામાં આવે છે. વર્કશોપમાં સ્કેચિંગથી લઈને અત્યાધુનિક સીએનસી અને લેથ મશીન પર કર્વ કાર્વિંગ કેવી રીતે કરવું તેની ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. અહીં માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ પોતાના ક્રિએટિવ આઈડિયાઝને લોકો સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે પણ માર્ગદર્શન અપાયું છે. આમ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના સતત પ્રોત્સાહન હેઠળ 'સાપ્તી' સંસ્થા આજે પથ્થર કલાના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી રહી છે. પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના આ અનોખા સંગમથી માત્ર કલાનો જ ઉદ્ધાર નથી થયો, પરંતુ હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર પણ ખુલ્યા છે. ધ્રાંગધ્રા અને અંબાજીના આ તાલીમ કેન્દ્રો આગામી સમયમાં વૈશ્વિક સ્તરના કુશળ શિલ્પીઓ તૈયાર કરી, ગુજરાતની ભવ્ય સ્થાપત્ય કલાના વારસાને દેશ-વિદેશમાં વધુ ગુંજતો કરશે.
    Click here to Read More
    Previous Article
    જર્મન મહિલાનો ફોન સુરતમાં ખોવાયો:મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી આપી ‘અતિથિ દેવો ભવ:’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કર્યો
    Next Article
    Ashtami Special: Make Halwa Poori Chana In Just 10 Minutes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment