Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી માટે પાલિકાની ઘોર ઉદાસીનતા અને ગૃહિણીઓની વેદના.:​જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: અંબિકા નગરમાં સાડા ત્રણ મહિનાથી પાણી માટે ટળવળતા લોકો, અધિકારીઓનો વાસ્તવિકતાથી વેગળો લૂલો બચાવ.

    10 hours ago

    ​જૂનાગઢ શહેરની કથિત 'સ્માર્ટ' ગણાતી મહાનગરપાલિકાની અણઆવડત અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા અંબિકા નગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાલિકાની હાલત ગામડાંઓ કરતા પણ બત્તર થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચતો નથી, જેને કારણે લોકો પાણીના વાંકે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ​સ્થાનિક મહિલા અસ્મિતાબેન શર્મા એ જણાવ્યું હતું કે અમે સિંધીની વાડી, અંબિકા વાડીની પાછળ અને ડોક્ટર ભીમાણી વાળી ગલીમાં વસવાટ કરીએ છીએ, પરંતુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી આવતું નથી. જ્યારે પણ અમે પાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર એક જ રટણ કરે છે કે 'રિપેર થઈ જશે... રિપેર થઈ જશે...', પરંતુ આજ દિન સુધી લાઈન રિપેર કરવાની તસ્દી કોઈએ લીધી નથી. અમારી ગલીમાં કામના બહાને આડેધડ ખાડા કરી નાખવામાં આવ્યા છે, જેના કારણે ખાનગી ટેન્કર વાળા પણ અંદર આવવાની ના પાડે છે. અગાઉ જે પાણી આવતું હતું તે પણ અત્યંત દૂષિત અને ગંદી વાસવાળું હતું. પાણી આવવાનો કોઈ સમય નિશ્ચિત નથી, ક્યારેક સવારે, ક્યારેક બપોરે તો ક્યારેક મધ્યરાત્રિએ પાણી આવે છે. બે-બે કે ત્રણ-ત્રણ દિવસ સુધી પાણીના દર્શન થતા નથી અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ લાઈન રિપેર કરવામાં આવે. ​આ પીડામાં સુર પુરાવતા અન્ય એક સ્થાનિક મહિલા પુષ્પાબેન પ્રિયાણી એ જણાવ્યું હતું કે પાણીની મુશ્કેલી તો સૌને પડે છે અને જો તમને પણ આવી સમસ્યા હોય તો ખબર પડે કે કેવી હાલત થાય. અમે બહારથી પાણીના ટાંકા મંગાવીએ છીએ પણ એ કાંઈ આખો દિવસ પૂરા થતા નથી. સ્થિતિ એવી છે કે અમારે બીજાના ઘરે જઈને 'બાપા થોડું પાણી આપો ને' એમ કહીને ભિખારીની જેમ પાણી માંગવા જવું પડે છે. થોડા દિવસ પહેલા તંત્ર દ્વારા એવું આશ્વાસન અપાયું હતું કે અહીં ગટરનું કામ ચાલતું હોવાથી સાત દિવસમાં પાણી આવી જશે. આસપાસના વિસ્તારોમાં રિપેરિંગ થઈ રહ્યું હોવાનું સાંભળીને અમે ખુશ થયા હતા કે હવે અમારો વારો આવશે, પણ અત્યાર સુધી કોઈ ડોકાયું પણ નથી. નર્મદાના પાણીનું તો કોઈ ઠેકાણું નથી અને ઉનાળો હોવાથી અમારા બોરમાં પણ પાણી ખેંચાઈ ગયું છે. મુશ્કેલી તો પૂરેપૂરી છે પણ તંત્ર જાણે નિદ્રાધીન હોય તેમ લાગે છે. ​સમસ્યાની ગંભીરતા રજૂ કરતા અંબિકા નગર વોર્ડ નંબર 6 ના સ્થાનિક ગીતાબેન ગુરબાણી એ જણાવ્યું હતું કે સાડા ત્રણ મહિનાથી પાણી વગર અમે ત્રાહિમામ પોકારી ગયા છીએ. રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હોવાથી ટેન્કર વાળા આવવાની સ્પષ્ટ ના પાડી દે છે. મારી ઉંમર 61 વર્ષની છે, હવે આ ઉંમરે અમારે પાણી ભરવા ક્યાં જવું? રસ્તામાં ગારો અને કીચડ એટલો છે કે જો અમે પડી જઈએ તો અમારું ધ્યાન કોણ રાખશે ? અધિકારીઓ સવારે કહે છે કે માણસો આવશે પણ પછી ફોન ઉપાડવાનું બંધ કરી દે છે. અમારે ઘરમાં સાત સભ્યો છીએ અને રોજનો એક પાણીનો ટાંકો જોઈએ. એક ટાંકાના 300 રૂપિયા ચૂકવવા પડે છે, જે મધ્યમ વર્ગ માટે મોટો આર્થિક બોજ છે. વાલ્વ ઓપરેટરને કહીએ તો એ લાઈન તૂટી હોવાનું બહાનું કાઢે છે. આ લોકો લાઈન રિપેર કરવામાં સાડા ત્રણ મહિના કેમ લગાડે છે તે એક મોટો પ્રશ્ન છે. ​એક તરફ મહિલાઓ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ એસી ઓફિસમાં બેસીને આંકડાકીય માયાજાળ રચી લૂલો બચાવ કર્યો હતો. તેમને જનતાની તરસ કરતા ડેમના ફૂટમાં વધુ રસ હોય તેમ જણાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર, વિલિંગ્ડન અને આનંદપુર ડેમમાં અત્યારે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. હસનાપુરમાં 29 ફૂટ અને વિલિંગ્ડનમાં પણ પાંચેક ફૂટ જેટલું ડિપ્લીશન લેવલ હોવા છતાં પાણીનો જથ્થો પૂરતો છે. તેમના મતે આગામી ઉનાળામાં કોઈ પાણી કાપની જરૂર નથી. ​ જમીની હકીકત એ છે કે પાઈપલાઈનો તૂટેલી છે અને રિપેરિંગના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવાય છે. 'પર્યાપ્ત જથ્થો' હોવાની વાત એ લોકો માટે ક્રૂર મજાક સમાન છે જેઓ સાડા ત્રણ મહિનાથી નળમાં પાણીની પ્રતીક્ષા કરી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓના આવા બચાવ પરથી સ્પષ્ટ થાય છે કે તેમને લોકોની વેદના કરતા સરકારી ચોપડામાં બધું 'ઓલ ઈઝ વેલ' બતાવવામાં જ રસ છે. આ જોતા લાગે છે કે પાલિકાના શાસકો અને અધિકારીઓ જૂનાગઢને સ્માર્ટ સિટી બનાવવાના બદલે સમસ્યાઓનું શહેર બનાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દારૂની 3 હજાર બોટલ પર રોલર ફરી વળ્યું:વડોદરાના ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16.53 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો
    Next Article
    Udhayanidhi, DMK and ’16 RDX’: Delhi Assembly’s latest hoax bomb threat has references to TN politics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment