Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક ગોદડી, બે લાશ અને લોહીના નિશાન:પ્રેમી-પ્રેમિકાની બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ખિસ્સામાંથી મળેલી એક ચિઠ્ઠીથી કેસમાં વળાંક આવ્યો

    2 days ago

    રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક જૂની સરકારી અવાવરૂં બિલ્ડિંગ.... જ્યાં દિવસે જવામાં પણ લોકો ખચકાતા હોય તેવી આ બિલ્ડિંગમાં એક સાંજે 3 મિત્રો ગયા અને તેમની આંખ સામે જે દૃશ્ય હતું તે જોઇને તેમનું લોહી થીજી ગયું. એક જ ગોદડીમાં પ્રેમિકા અને પ્રેમીની લાશ પડી હતી. લોહી સૂકાઇ ગયું હતું અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારેલા હતા. ન કોઇ સાક્ષી હતું કે ન કોઇ CCTV. પોલીસ માટે આમ તો આ એક બ્લાઇન્ડ કેસ હતો પણ એક એવી કડી મળી જેનાથી આખા કેસનું પાસું પલટી ગયું. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો કે પ્રેમ અને મનમાં ઘર કરી ગયેલા વહેમે કેવી રીતે એક પ્રેમી અને પ્રેમિકાનો જીવ લઇ લીધો. કરજણ નદીના કોતરોમાં આવેલા દંડી સ્વામીના મોટા મઠમાં એક ભાઇ ઊભા હતા ત્યાંથી તેમણે સાંજે એક યુગલને જતાં જોયું. યુગલ રોજેરોજ જતું હોવાથી એમને જોઇને ભાઇને કંઇ નવાઇ ન લાગી અને તે પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા. આ ઘટનાને 2 દિવસ વિતી ગયા. તારીખઃ 22 જુલાઇ, 2021 સાંજના સાતેક વાગ્યા હતા. શહેરની રોજિંદી ઘટમાળથી દૂર રાજપીપળા જેવા નાના ટાઉનમાં મજૂરી કામ કરતાં 3 મિત્રો કરજણ નદીના કિનારે આંટો મારવા નીકળ્યા હતા. ચાલતા ચાલતા બ્રિજ તરફ ગયા. જૂના અખાડા પાસે આવતા ભાવેશ નામનો મિત્ર લઘુશંકા કરવા માટે નજીકમાં આવેલા એક જૂના ખંડેર જેવા બિલ્ડિંગ આગળ ગયો. તેને ત્યાં દુર્ગંધ આવી. જેથી તેણે બીજા બે મિત્રો અમિત અને દિગાને પણ બોલાવ્યા. તેમને પણ કંઇક દુર્ગંધ આવી. ત્રણેયે એકબીજા સામે જોયું અને જે દિશામાંથી દુર્ગંધ આવતી હતી તે દિશામાં જવાનું નક્કી કર્યું. અંધારું થવા આવ્યું હતું પણ ત્રણેય હિંમત કરીને આગળ વધ્યા. દુર્ગંધનું સ્થાન શોધતા શોધતા બિલ્ડિંગના ધાબા પર પહોંચ્યા. એ બિલ્ડિંગ જૂની સરકારી ઇમારત હતી. તેમાં અંદર રહેવા લાયક કશું નહોતું. અંધારૂં એટલું પણ નહોતું થયું કે કંઇ ન દેખાય. ધાબા પરનું દ્રશ્ય જોઇને ત્રણેયની આંખો ફાટી ગઇ. એક ગોદડીમાં સ્ત્રી અને પુરુષની સૂતેલી હાલતમાં લાશ પડી હતી. પુરુષના ખભા પર સોનલ લખેલું હતું. બંનેના માથા નીચે લોહી સૂકાયેલું હતું. લાશ પણ કોહવાઇને સાવ સૂકાઇ ગઇ હતી અને તેમાં જીવાત પડી ગઇ હતી. ભાવેશ ડરતા ડરતા લાશની નજીક ગયો. ચહેરા જોવાની અને ઓળખ કરવાની કોશિષ કરી પણ નિષ્ફળતા મળી. આના પછી પોતાના બેય મિત્રો તરફ એક નજર કરીને બોલ્યો.... આપણે પોલીસને જાણ કરી દઇએ. ભાવેશે અચાનક આવું કહેતાં બન્ને મિત્રો ઘડીભર તો વિચારમાં પડી ગયા. પોલીસ, પૂછપરછ, કેસ, કોર્ટ-કચેરીના ધક્કા આવું બધું તેમની નજર સામે તરવરી ગયું. પહેલાં તો તેમને ક્ષણભર માટે ના પાડી દેવાનું મન થઇ ગયું પણ પછીની ઘડીએ તેમનો વિચાર ફરી ગયો. તેમને થયું કે પોલીસને તો કહેવું જ જોઇએ એટલે બન્ને મિત્રોએ પણ હા પાડી દીધી. મિત્રોનો સાથ મળતાં ભાવેશે તરત 100 નંબર ડાયલ કર્યો. એ સમયે આજની જેમ 112 નંબર અસ્તિત્વમાં નહોતો આવ્યો. ભાવેશે પોલીસને જાણ કરી કે 2 લાશ સંદિગ્ધ હાલતમાં ઇજાના નિશાન સાથે પડી છે. ડબલ મર્ડર થયું હોવાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ, FSL સહિત જુદી-જુદી ટીમ પણ તરત ઘટનાસ્થળે પહોંચી ગઇ. પ્રાથમિક દ્રષ્ટિએ જ ખ્યાલ આવી ગયો કે આ ડબલ મર્ડરનો કેસ છે. બંનેના માથા પર બોથડ પદાર્થથી હુમલો કરાયો છે. નાના એવા નગરમાં ડબલ મર્ડર થાય એટલે ચારેતરફ તેની ચર્ચા થવા લાગે. આ કિસ્સાંમાં પણ એવું જ થયું. ચારેતરફ ડબલ મર્ડરની જ વાત થવા લાગી. હવે પોલીસે તપાસ શરૂ કરી. ધાબાની વચ્ચોવચ્ચ પાથરેલી ગોદડીમાં પડેલી બંને લાશના મોં તથા માથામાં ઇજાઓ થયેલી હતી. એ સિવાય બીજે ક્યાંય કોઇ ઇજા દેખાતી નહોતી. થોડે દૂર રસોડાંનો તથા અન્ય સામાન વ્યવસ્થિત રીતે પડેલો હતો. તેમાંથી કંઇ વેરવિખેર હાલતમાં નહોતું. લગભગ 48 કલાક પહેલાં હત્યા થયેલી હશે. બન્ને લાશ કોહવાઇ ગયેલી હોવાથી ચહેરા પરથી ઓળખ થાય તેમ નહોતું. પોલીસે લાશની તલાશી લીધી તો પુરૂષના ખિસ્સામાંથી કોર્ટમાં હાજર રહેવા માટેના સમન્સની ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠી લાશની ઓળખ કરવા માટે મહત્વની સાબિત થવાની હતી. પોલીસે સમન્સ પરથી કેસની વિગતો કઢાવી તો ખબર પડી કે મૃતક પુરૂષ હસમુખ વસાવા છે અને જે સ્ત્રી છે તેનું નામ વાસંતી છે. વાસંતી હસમુખની પ્રેમિકા હતી. પોલીસે એડ્રેસ કઢાવ્યું તો બન્ને કરજણ બ્રિજ નીચે રહેતા હોવાની જાણ થઇ. જ્યાંથી લાશ મળી તે બિલ્ડિંગ અવાવરું જગ્યાએ હતી. આસપાસ કોઇ CCTV હોવાનો પ્રશ્ન જ નહોતો. જેથી પોલીસ પાસે કોઇ કડી નહોતી. હવે પોલીસ પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો હતો- આસપાસના લોકો. ઘટનાસ્થળની સાવ આસપાસ એક આશ્રમ સિવાય અન્ય કોઇ વસતિ નહોતી. જે વસતિ હતી તે એકાદ કિલોમીટર દૂર હતી. પોલીસે વસતિમાં જઇને લોકોના નિવેદન લેવાના શરૂ કર્યા. જ્યાં સામાન્ય મજૂરી કરીને જીવતા લગભગ 15 મજૂરો રહેતા હતા. તેમાંથી કોણ આરોપી છે એ મળતું નહોતું. સ્વાભાવિક છે કે પુરાવા ન હોય તો કોણ માનવાનું છે? એ ઝૂંપડપટ્ટીના લોકો આ બંનેને ઓળખતા હતા પરંતુ તેમની પાસેથી બનાવ અંગે કામ લાગી શકે તેવી કોઇ ખાસ માહિતી નહોતી. દરમિયાન પોલીસને હસમુખ વિષે જાણવા મળ્યું કે તે નાનો હતો ત્યારે જ તેની માતા સાથે ઝગડો થતાં પિતાએ માતાની હત્યા કરી નાખી હતી. પિતા જેલમાં જતાં હસમુખ તેના મોટાભાઇ સાથે મોસાળ જતો રહ્યો હતો અને ત્યાં જ મોટો થયો હતો. મોટા થયા બાદ બન્ને ભાઇઓ પોતાની રીતે જીવન જીવતા હતા. તેનો ભાઇ અન્ય ગામમાં ખેતમજૂરી કરતો હતો. જ્યારે હસમુખ રખડતું જીવન જીવતો અને કચરો વિણવાનું કામ કરતો હતો. પોલીસને એ પણ ખબર પડી કે વાસંતીએ આ પહેલા સાગબારાના પાટલામહુ ગામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી તેને 5 સંતાન હતા. થોડા વર્ષો સાથે રહ્યાં બાદ બન્ને છૂટા પડી ગયા હતા. વાસંતી પતિ અને બાળકોને છોડીને રાજપીપળા ખાતે તેના પિતા સાથે રહેવા લાગી હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં હસમુખ સાથે મુલાકાત થઇ હતી અને તેની સાથે રહેવા લાગી હતી. એ દરમિયાન વાસંતીના પહેલા પતિએ પણ બીજા લગ્ન કરી લીધા હતા. પોલીસને બાતમીદાર દ્વારા જાણવા મળ્યું કે વાસંતીનો પહેલો પતિ બનાવના 2-3 દિવસ પહેલાં રાજપીપળા આવ્યો હતો. ઘણીવાર આવા કેસોમાં ભૂતપૂર્વ પતિ કે પત્નીનો હાથ હોય છે. જેથી પોલીસે તરત એ દિશામાં તપાસ ચલાવી અને વાસંતીના પૂર્વ પતિને પૂછપરછ કરવા માટે બોલાવ્યો. તેના પૂર્વ પતિએ પોલીસને કહ્યું.... 'હું તો મારી પત્ની સાથે કરિયાણાનો સામાન લેવા આવ્યો હતો ત્યાં એક ઓળખીતાએ મને વાસંતી હસમુખ સાથે રહેતી હોવાનું કહ્યું હતું. મારે તેની સાથે કોઇ સબંધ નહોતા એટલે તેને મળવાનો કોઇ સવાલ જ નહોતો. હું ત્યાંથી જતો રહ્યો હતો.' પોલીસને લાગ્યું કે તે સાચું બોલી રહ્યો છે. જેથી ફરી એકવાર નિરાશા પ્રાપ્ત થઇ. લોકોના જે નિવેદન લીધા હતા તેમાંથી પણ કંઇ મળ્યું નહીં એટલે કેસ બ્લાઇન્ડ જ હતો. બ્લાઇન્ડ કેસ એટલે એવો કેસ જેમાં કોઇ પગેરૂં કે કડી મળતી ન હોય. પોલીસની ભાષામાં આવા કેસને બ્લાઇન્ડ કેસ કહે છે. કદાચ કોઇ કડી મળી જાય એ માટે પોલસી સતત લોકોની પૂછપરછ કરતી હતી. પૂછપરછનો બીજો દિવસ પોલીસ માટે એક આશાનું કિરણ લઇને આવવાનો હતો. બીજા દિવસની પૂછપરછ દરમિયાન પોલીસનું ધ્યાન એક વાત પર ગયું કે ગઇકાલે અહીં જેટલા લોકો હતા તેના કરતાં એક વ્યક્તિ ઓછી હતી. અહીં રહેતા લોકોમાંથી એક યુવતી દેખાતી નહોતી એટલે તે પોલીસના રડારમાં આવી ગઇ. તપાસની સોય યુવતી તરફ વળી. પોલીસે તેના પરિવારની પૂછપરછ કરી તો પરિવારે કહ્યું કે એ તો 80 કિલોમીટર દૂર એક સગાને ત્યાં ગઇ છે. જો કે અચાનક યુવતીનું આ રીતે જવું કંઇ સામાન્ય નહોતું. પરિવારના જવાબ બાદ પોલીસની શંકા વધુ પ્રબળ બની. પોલીસે બાતમીદારોને એક્ટિવ કર્યા અને યુવતી વિશે વધુ માહિતી મેળવવાનું કીધું. બાતમીદારોએ બાતમી આપી કે ગુમ થયેલી યુવતી ધર્મેશ ઉર્ફે ધનો નામના યુવાન સાથે રહેતી હતી. ધર્મેશને દસેક દિવસ પહેલાં મૃતક હસમુખ સાથે ઝઘડો થયો હતો. જો કે બન્ને વચ્ચેના ઝઘડાની જાણ કોઇને નહોતી. પોલીસે વધુ તપાસ કરાવી તો ખબર પડી કે ધર્મેશને આ યુવતીને હસમુખ સાથે આડા સંબંધ હોવાની આશંકા હતી જેના કારણે જ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આટલી માહિતી મળ્યા બાદ પોલીસે હવે યુવતીની શોધખોળ શરૂ કરી. તેને પકડીને પોલીસ સ્ટેશન લવાઇ અને પૂછપરછ કરી. પહેલાં તો યુવતીએ મને કંઇ ખબર નથી તેવું રટણ ચાલુ રાખ્યું પણ પોલીસે ફેરવી-ફેરવીને સવાલો પૂછતાં યુવતીની ચાલાકી કામ ન લાગી. યુવતીએ પોલીસને એવું કહ્યું કે જેનાથી આખો કેસ ચપટી વગાડતાંમાં જ ઉકેલાઇ જવાનો હતો. યુવતીએ પોલીસને શું કહ્યું હતું? હસમુખ અને વાસંતીની હત્યા કોણે કરી હતી? બન્નેની હત્યા પાછળનું કારણ શું હતું? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલનો બીજો એપિસોડ.
    Click here to Read More
    Previous Article
    New TB research: IIT Bombay and Kolkata scientists detect how bacteria hide, adapt and survive
    Next Article
    એક મેસેજ આવ્યો ને રાતે રણમાં ઓપરેશન શરૂ થયું:7 કલાકનો જીવ સટોસટનો જંગ, બચાવવા ગયેલી પોલીસની ગાડી પણ ફસાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment