Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા:જે હાથમાં યોગની મુદ્રા-માળા હોવી જોઈએ ત્યાં નકલી નોટોના થોકડા; જાણો પ્રદીપ કેમ બન્યો ‘નકલી નોટોનો સોદાગર’

    1 week ago

    જે હાથમાં યોગની મુદ્રાઓ અને માળા હોવી જોઈએ, એ હાથોમાં આજે 500-500ની નકલી નોટોના થોકડા છે! સુરતનો એક કહેવાતો યોગ ગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચઢ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા-ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભંડોળ ખૂટતા યોગ ગુરુ બન્યો ‘નકલી નોટોનો સોદાગર’ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સુરતના કામરેજ પાસે 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' ચલાવતા પ્રદીપ જોટંગીયાનું નામ બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ યોગ ક્લાસ દ્વારા લોકોના અસાધ્ય રોગો દૂર કરવાનો દાવો કરતો હતો. જોકે, સંસ્થા ચલાવવા માટે પૂરતું ભંડોળ ન મળતા તેણે રાતોરાત અમીર બનવાના રસ્તે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. સેવાના નામે ચાલતા આ NGOના આકાએ અન્ય સાથીદારો સાથે મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું. શા માટે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું? પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આર્થિક સંકડામણમાં હતા. ખાસ કરીને પ્રદીપ જોટંગીયાને તેની સંસ્થા ચલાવવામાં અને દર્દીઓની સુવિધા ઉભી કરવામાં નાણાંની જરૂર હતી. બીજી તરફ જમીન દલાલ મુકેશ ઠુમ્મર પણ આર્થિક મુશ્કેલીમાં હોવાથી આ ટોળકીએ ભેગા મળીને શોર્ટકટ અપનાવ્યો હતો. અસલ જેવી જ દેખાતી નોટો છાપીને બજારમાં વટાવી દેવાનો તેમનો મનસૂબો હતો, જેથી તેઓ પોતાની આર્થિક જરૂરિયાતો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ પૂરી કરી શકે. છેલ્લા 3 મહિનાથી સુરતના રહેણાંક મકાનમાં ચાલતી હતી મિની ‘નાસિક પ્રેસ’ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી નોટોનું કારખાનું છેલ્લા ત્રણ મહિનાથી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો-હાઉસમાં ધમધમતું હતું. આરોપી મુકેશ ઠુમ્મરે પોતાના બે માળના મકાનમાં જ કલર પ્રિન્ટર, કટર મશીન અને ખાસ પ્રકારના કાગળ લાવીને નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે તેના પહેલા માળે ભાડૂઆતો રહેતા હતા, છતાં કોઈને ખબર ન પડે તે રીતે આ ટોળકી રાત-દિવસ 500ની નોટો છાપવામાં મશગૂલ રહેતી હતી. ફોર્ચ્યુનર કારમાં 'ખજાનો' ભરીને અમદાવાદ આવ્યા અને પોલીસની જાળમાં ફસાયા આરોપીઓ સુરતથી પોતાની લક્ઝરિયસ ફોર્ચ્યુનર કાર (GJ-05-RS-5252)માં કરોડોની નકલી નોટો ભરીને ગ્રાહકો શોધવા માટે અમદાવાદ આવ્યા હતા. કારની અંદર કાળા રંગની બેગ અને સફેદ થેલાઓમાં 500ના દરની નોટોના 440 જેટલા બંડલ વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવ્યા હતા. જોકે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કારને આંતરી લીધી હતી અને અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ એક ક્ષણ માટે ચોંકી ગયા હતા. વોટર માર્ક પણ પ્રિન્ટ કરેલા પોલીસે જ્યારે જપ્ત કરેલી નોટોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓએ અત્યંત ચાલાકીથી નોટો છાપી હતી. અસલ નોટોમાં જે વોટર માર્ક હોય છે, તેને આરોપીઓએ પ્રિન્ટર દ્વારા નોટો પર ઉપસાવ્યા હતા. જોકે, કાગળની ગુણવત્તા થોડી નબળી હોવાથી પંચોની હાજરીમાં તેની ઓળખ થઈ શકી હતી. આ નોટોને તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવી છે, જેથી તેની બનાવટમાં વપરાયેલા કેમિકલ અને પેપરની ચોક્કસ વિગતો જાણી શકાય. આ ટોળકીમાં દરેકને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. કોઈ કાગળની વ્યવસ્થા કરતું, તો કોઈ ગ્રાહકો શોધવાનું કામ કરતું હતું. મહિલા આરોપી આરતીબેન પણ આ રેકેટમાં સક્રિય ભૂમિકા ભજવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ નોટો ગણતા થાકી એટલે મશીન મંગાવવું પડ્યું જપ્ત કરાયેલો મુદ્દામાલ એટલો મોટો હતો કે પોલીસ સ્ટાફ માટે હાથથી નોટો ગણવી અશક્ય બની ગઈ હતી. કાળા રંગની બેગમાંથી 20,078 નંગ નોટો મળી આવી હતી, જેની ગણતરીમાં જ કલાકો વીતી ગયા હતા. ત્યારબાદ પૂંઠાના બોક્સમાં રહેલી બીજી હજારો નોટો જોઈને પોલીસ અધિકારીઓ પણ થાકી ગયા હતા. અંતે પરિસ્થિતિને જોતા નોટો ગણવાનું મશીન મંગાવવાની ફરજ પડી હતી, જેથી ઝડપથી અને ચોકસાઈપૂર્વક આંકડો મેળવી શકાય. સીરીયલ નંબરની એન્ટ્રી કરવામાં પોલીસના નાકે દમ આવી ગયો માત્ર નોટો ગણવી જ નહીં, પરંતુ પંચનામા માટે દરેક નોટના સીરીયલ નંબર અને સીરીઝની એન્ટ્રી કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ત્રણ ડેસ્કટોપ અને એક લેપટોપ પર સતત ઓપરેટરો બેસાડીને એક્સેલ શીટ તૈયાર કરવામાં આવી હતી. એક તરફ સ્ટાફ નંબર બોલતો હતો અને બીજી તરફ એન્ટ્રી થતી હતી. આ પ્રક્રિયા એટલી લાંબી ચાલી કે પોલીસ સ્ટાફ અને પંચો માનસિક અને શારીરિક રીતે લોથપોથ થઈ ગયા હતા. સુરતમાં મુકેશ ઠુમ્મરના ઘરેથી પ્રિન્ટર અને લિક્વિડ જપ્ત અમદાવાદમાં ધરપકડ બાદ પોલીસની એક ટીમ તાત્કાલિક સુરત દોડી ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સરથાણા પોલીસની મદદથી મુકેશ ઠુમ્મરના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યાંથી 500ની નોટોના વધુ 28 બંડલ (28 લાખ રૂપિયા), કલર પ્રિન્ટર, કાગળની 8 રીમ અને નોટો છાપવા માટે વપરાતું ખાસ લિક્વિડ મળી આવ્યું હતું. આ મકાન જ આખા રેકેટનું એપીસેન્ટર હોવાનું પુરાવાઓ પરથી સાબિત થયું છે. ટોયલેટ કરવાના બહાને ભાગેલો આરોપી ભરત કાકડીયા પણ પકડાયો જ્યારે પોલીસે અમરાઈવાડીમાં ફોર્ચ્યુનર કારને રોકી, ત્યારે આરોપી ભરત કાકડીયા લઘુશંકા કરવાના બહાને કારમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો. તે સી.ટી.એમ. ચાર રસ્તા સુધી પહોંચી ગયો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચના સતર્ક જવાનોએ પીછો કરીને તેને પણ ઝડપી પાડ્યો હતો. ભરત કાકડીયા સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે અને યોગ ફાઉન્ડેશનમાં સેવા આપવાના બહાને આ કાળા કારોબારમાં જોડાયો હતો. ડિજિટલ પુરાવા માટે 'ઇ-સાક્ષ્ય' એપ્લિકેશનનો ઉપયોગ કરાયો આજના આધુનિક યુગમાં પુરાવાઓ મજબૂત કરવા માટે પોલીસે આ સમગ્ર ઓપરેશનની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી 'ઇ-સાક્ષ્ય' એપ્લિકેશન મારફતે કરી છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવી તમામ ચીજવસ્તુઓની ડિજિટલ નોંધણી કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી કુલ 7 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) પરથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. સુરતથી અમદાવાદ સુધી ફેલાયેલું નેટવર્ક પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ બજારમાં કેટલી નકલી નોટો વટાવી છે. પ્રાથમિક તપાસમાં પ્રદીપ અને મુકેશ આ રેકેટના સૂત્રધાર હોવાનું જણાય છે. તેઓ સુરતની આસપાસના વિસ્તારોમાં પણ નોટો સપ્લાય કરતા હતા કે કેમ તેની પૂછપરછ ચાલુ છે. જમીન દલાલી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની સંડોવણી હોવાથી આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    યુવકનું મોઢું છુંદાઈ ગયું અને લોહીનું ખાબોચિયું ભરાયું:અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડ્યો, નજરે જોનારાની કંપારી છૂટી જાય એવા દ્રશ્યો
    Next Article
    જામજોધપુરમાં વીજળી પડતા માલધારીનું મૃત્યુ:કાલાવડમાં ખેડૂતના મકાન પર વીજળી ત્રાટકી, પરિવારનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment