Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ચૈત્ર નવરાત્રિનું બીજું નોરતું:કઠોર તપના પર્યાય મા બ્રહ્મચારિણીની પૂજાનો મહિમા; જાણો પૌરાણિક કથા અને નવરાત્રિ સંબંધિત પ્રશ્નોના જવાબ

    4 days ago

    આજે ચૈત્ર નવરાત્રિનો બીજો દિવસ. નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણી છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારાં. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌર વર્ણ ધરાવે છે. શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. માતા બ્રહ્મચારિણીની પૌરાણિક કથા માતા બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાનાં દીકરી છે. તેમણે દેવર્ષિ નારદના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. એના ફળસ્વરૂપ દેવી ભગવાન ભોળાનાથના વામિની અર્થાત્ પત્ની બન્યાં. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે, તેમને માતા બ્રહ્મચારિણીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ ભક્તિભાવથી પૂજા કરે છે, તેમને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. દેવી બ્રહ્મચારિણી આપણને સંદેશ આપે છે કે, જીવનમાં તપસ્યા વિના એટલે કે કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનના વિપરીત છે. એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું. યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે, એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે. બ્રહ્મચારિણી માતાના નામનો અર્થ બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી દેવી. માતાના હાથોમાં અક્ષત માળા અને કમંડળ હોય છે. માતા બ્રહ્મચારિણીની પૂજાથી જ્ઞાન, સદાચાર, ધગશ, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી મહિમા દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ । દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।। બ્રહ્મચારિણી દેવીનાં ઘણાં નામ છે. જેમ કે તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા. મા ભગવતીએ શૈલરાજ હિમાલયને ત્યાં જન્મ લીધો. જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયાં. ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા, નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો. ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ-રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્રજાપ કરતા. વર્ષાઋતુમાં તે પત્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીનાં થતાં રહેતાં. શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભાં રહેતાં. બરફની શિલા પર બેસીને મંત્રજાપ કરતા હતાં. દેવીએ પૂરાં 3 હજાર વર્ષ સુધી આવું આકરું તપ કર્યું. અને તેને લીધે જ તેઓ બ્રહ્માચરિણી, તપશ્ચારિણી જેવાં નામે પ્રસિદ્ધ થયાં. બ્રહ્મચારિણી માતાની પૂજન વિધિ માતા બ્રહ્મચારિણીની પૂજામાં ફૂલ, અક્ષત, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈઓનો ભાગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે, માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે 'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અને બ્રહ્મચારિણીના વૈદિક મંત્ર- ‘દેવી બ્રહ્મચારિણી પૂજા મંત્ર:’, ‘દધના કર્પદ્માભ્યાન, અક્ષમલકમલી. દેવી પ્રસુદતુ માઈ, બ્રહ્મચર્યનુત્તમા’, ‘દધના કર્પદ્માભયમ્, અક્ષમલકમંડલુ. દેવી પ્રસીદતુ માઇ, બ્રહ્મચારિણ્યનુત્તમા’ નો જાપ 108 વાર કરવો. હવે જાણો નવરાત્રિ સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો પ્રશ્ન: કળશ સ્થાપના શા માટે કરવામાં આવે છે? જવાબ: માટીનો કળશ પૃથ્વી તત્વનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં જળ અને વાયુ તત્વ હોય છે અને પાસે રાખેલો દીવો અગ્નિ તત્વનું પ્રતીક હોય છે. કળશમાં આકાશ તત્વ એટલે કે બ્રહ્માંડની સકારાત્મક ઊર્જાનું આહ્વાન કરવું એ જ ઘટ સ્થાપના કહેવાય છે. જળથી સૃષ્ટિની ઉત્પત્તિ માનવામાં આવી છે અને જળમાં બધા દેવી-દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે, તેથી કળશમાં શક્તિનું આહ્વાન કરવામાં આવે છે. પ્રશ્ન: નવરાત્રિમાં દરરોજ એક દેવીની પૂજા શા માટે કરવામાં આવે છે, શું નવ દિવસ સુધી ફક્ત દેવી દુર્ગાની પૂજા પણ કરી શકાય છે? જવાબ: હા, ફક્ત દેવી દુર્ગાની પૂજા પણ કરી શકાય છે, દેવી ભાગવત અનુસાર નવરાત્રિમાં દરરોજ દેવી દુર્ગાના જ એક સ્વરૂપની પૂજા થાય છે. આ ગ્રંથમાં કહ્યું છે કે, નવરાત્રિમાં દેવીને નવ રૂપોમાં પૂજવા જોઈએ. તેમજ, માર્કંડેય પુરાણમાં બ્રહ્માજીએ નવ દુર્ગાઓના નામ અને તેમનું મહત્વ જણાવ્યું છે. આ નવદુર્ગા જ દેવીના નવ રૂપ છે. નવદુર્ગા-પૂજન એક જૂની શાસ્ત્રીય પરંપરા છે, જેનો ઉલ્લેખ 8મી સદીમાં મળેલા ગ્રંથોમાં મળે છે. પ્રશ્ન: નવરાત્રિનું વ્રત શા માટે કરવામાં આવે છે? જવાબ: નવરાત્રિના વ્રતથી ખાવા-પીવાની આદતોમાં સંયમ આવે છે. વ્રત દરમિયાન ઓછું ભોજન મળવા પર શરીર પોતાના નબળા કોષોને તોડીને ઊર્જા બનાવે છે. આનાથી સારા કોષો બચી રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. આ પ્રક્રિયાને ઓટોફેજી કહે છે. જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓશુમીને આ પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન સમજાવવા માટે 2016માં મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગમાં માર્ક મેટસનના સંશોધન મુજબ ઉપવાસ શરીરને હળવા સારા તણાવમાં મૂકે છે, જેનાથી કોષો મજબૂત થાય છે, શરીરની ક્ષમતા વધે છે અને લાંબુ જીવવાની સંભાવના પણ વધુ હોય છે. પ્રશ્ન: વ્રત રાખવાના નિયમો અને કાયદા શું છે? જવાબ: વ્રતમાં ફક્ત ખાનપાનનું જ નહીં, પરંતુ મન, વચન અને કર્મનું પણ સંયમ રાખવામાં આવે છે. તેનાથી શારીરિક અને માનસિક, બંને સ્વાસ્થ્ય સારું રહે છે. તેમને માનસિક, વાચિક અને કાયિક વ્રત કહેવામાં આવે છે. માનસિક વ્રતમાં કામ, ક્રોધ અને લોભ જેવા વિચારોનો ત્યાગ કરવામાં આવે છે. વાચિક વ્રતમાં સાચું બોલવામાં આવે છે અને એવી વાત નથી કહેવામાં આવતી જેનાથી કોઈને ઠેસ પહોંચે. કાયિક વ્રતમાં શારીરિક હિંસાથી બચવામાં આવે છે અને એવું કોઈ કામ નથી કરવામાં આવતું જેનાથી કોઈને નુકસાન થાય.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 75,200 પર ટ્રેડ થઈ રહ્યો છે:નિફ્ટીમાં 300 પોઈન્ટની તેજી, ક્રૂડ ઓઇલ ઘટીને $106 થયું; રૂપિયો 92.89ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો
    Next Article
    નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવની ઉજવણી:કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા પર વક્તવ્ય અપાયું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment