Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રમાં ચક્રવાત:પવનના રૌદ્ર રૂપ અને માવઠાએ કચ્છને ધમરોળ્યું

    4 days ago

    સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી ખેડૂતો માટે મુસીબત સાબિત થઈ રહી છે. 18મી માર્ચની મધ્યરાત્રિથી જ કચ્છના વાતાવરણમાં આવેલા ભયાનક પલટાએ સમગ્ર જિલ્લાને બાનમાં લીધો હતો. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ફૂંકાયેલા પવને જાણે કુદરતનો પ્રકોપ ઉતાર્યો હોય તેમ અનેક સ્થળોએ ઘટાદાર વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંક્યા હતા, તો અનેક ગરીબ પરિવારોના આશરા સમાન ઘરના પતરાં કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા. સાયક્લોનિક સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સર્જાયેલા આ માહોલમાં ઝાપટા રૂપી વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો હતો. દિવસ દરમિયાન અસહ્ય ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો માટે રસ્તા પર નીકળવું દુષ્કર બન્યું હતું. જોકે, કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ આ રાહત ખેડૂતો માટે ‘આફત’ બનીને આવી છે. હાલ સૌથી વરવી સ્થિતિ જગતના તાતની થઈ છે. હાલ ખેતરોમાં ઘઉં, જીરું, વરિયાળી,એરંડા અને રાયડો જેવા પાકો તૈયાર અવસ્થામાં ઉભા હતા. કમનસીબી એ છે કે, ભારે પવનના કારણે તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હતી અને થ્રેસર મશીનની રાહ જોઈ રહ્યા હતા, તેમના પાકને વરસાદી ઝાપટાએ પલાળી દેતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. અબડાસાથી માંડીને રાપર સુધીના પંથકમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. આજે પણ કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાપર : મોમાઈમોરામાં કરાનો વરસાદ, તાલુકામાં પાક નુકશાની વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ફેલાવી છે. રામવાવ, ખેંગારપર, મોટી રવ, પ્રાથળ, ફતેગઢ, ગેડી, બાલાસર, ભીમાસર, બાદરગઢ અને નીલપર સહિતના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોમાઈમોરા ગામે બપોરે અચાનક કરા સાથે વરસાદ પડ્યો હતો. સ્થાનિક દયારામ મહારાજના જણાવ્યા મુજબ અંદાજે અડધો કલાક સુધી કરા વરસ્યા હતા, જેના કારણે ગામમાં લોકો અને બાળકો કરા એકત્ર કરતા નજરે પડ્યા હતા. આ કમોસમી વરસાદથી હાલ તૈયાર થયેલ વરિયાળી, ઈસબગુલ, જીરું, ઘઉં અને એરંડા સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેટલાક ખેતરોમાં પાણી ભરાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ખાસ કરીને ઈસબગુલ અને વરિયાળી પાકમાં નુકસાનની શક્યતા વધુ જણાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ભારે પવન, કરા અને વરસાદના ઝાપટાંથી ખેતી પર સીધી અસર પડી છે. લખપત : નરામાં 50થી વધુ મકાનોના છાપરા ઉડ્યા, વૃક્ષો-વીજપોલ ધરાશાયી લખપત તાલુકામાં બુધવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આંધી અને પવનના જોરથી વૃક્ષો, સાઇનબોર્ડ અને વીજ થાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે કાચા મકાનોના છાપરા ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. તાલુકામાં સૌથી વધુ અસર નરા વિસ્તારના પંજાબીવાંઢ અને ગુરુ નાનક નગરી વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં અંદાજે 50થી વધુ મકાનોના છાપરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આગેવાન તેમજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઇ સરદારે નુકસાનીની માહિતી મેળવી હતી. દયાપર, ઘડુલી, દોલતપર, મેઘપર, બરંદા, મુધાન, ગુનેરી, વર્માનગર, કપૂરાશી, કોરિયાણી, છેર, સુભાષપર, માતાનામઢ અને કોટડા મઢ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવનથી નુકસાન નોંધાયું હતું. આ મીની વાવાઝોડા બાદ બીજા દિવસે ગુરુવારે બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પવન અને વરસાદની દ્વિગુણ અસરને કારણે ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાથે જ વીજપોલ અને ટ્રાન્સફોર્મરોને નુકસાન થતા વીજ પુરવઠા પર પણ અસર પડી છે
    Click here to Read More
    Previous Article
    નેતન્યાહુએ કહ્યું- ઈરાની ગેસ ફિલ્ડ પર હુમલો અમે જ કર્યો:અમેરિકા સામેલ નહોતું; ઈરાને કહ્યું- અમેરિકી F-35 ફાઈટર જેટને નુકસાન પહોંચાડ્યું
    Next Article
    Gujarat Breaking News Live | Gujarat Unseasonal Rain | Gold price update | Weather News | Farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment