Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાદેન આ ગુજરાતી સિંગરનો હતો જબરા ફૅન:અલકા યાજ્ઞિકના પતિનો દારૂનો બિઝનેસ, અનુરાધા પૌડવાલ સાથેની દુશ્મનીને કારણે ગુલશન કુમારની હત્યા થઈ!

    8 hours ago

    ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય... (જોડે રહેજો રાજ) જીણા જીણા મોરલીયા બેસાડો મારા માંડવે... (મૈયરમાં મનડું નથી લાગતું) ચાંદ છુપા બાદલ મેં... (હમ દિલ દે ચૂકે સનમ) બાઝીગર ઓ બાઝીગર.. (બાઝીગર) પહેલી પહેલી બાર મહોબ્બત કી હૈ... (સિર્ફ તુમ) બાહોં કે દરમિયાં... (ખામોશી) ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી... (મૈં ખિલાડી તું અનાડી) મેરા દિલ ભી કિતના પાગલ હૈ... (સાજન) ગુજરાતી કે હિંદીના આ એકથી ચઢિયાતા ને સદાબહાર ગીતો પર નાનાથી માંડીને મોટેરા ઝૂમી ઊઠે છે. આવા જ અનેક ગીતો ગાયાં છે અલકા યાજ્ઞિકે. આજે એટલે કે 20 માર્ચે અલકાનો 60મો જન્મદિવસ છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું યાજ્ઞિક પરિવારની...અલકાની માતા કેમ મ્યૂઝિકમાં આગળ કરિયર વધારી ના શક્યા? અલકાએ કઈ ઉંમરથી ગાવાની શરૂઆત કરી? અલકા ને નીરજની પહેલી મુલાકાત કેવી રીતે થઈ ને કેમ લગ્નના આટલા વર્ષો બાદ પણ બંને અલગ જ રહેવાનું પસંદ કરે છે? અલકાની દીકરી, ભાઈ-ભત્રીજી શું કરે છે? અલકા બોલિવૂડમાં કોને પોતાના ગુરુ માને છે? અલકાએ અત્યાર સુધીમાં વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયાં? અલકાને કઈ ગંભીર બીમારી થઈ ને હાલમાં શું કરે છે? 20 માર્ચ, 1966માં કોલકાતામાં મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં અલકા યાજ્ઞિકનો જન્મ. પિતા ધર્મેન્દ્ર શંકર ને માતા શુભા યાજ્ઞિક. માતા ઇન્ડિયન ક્લાસિકલ સિંગર હતાં. અલબત્ત, તેમને ગળાની તકલીફ હોવાથી તેઓ સિંગિંગમાં આગળ વધુ કંઈ કરી શક્યા નહીં. પોતે જે ના કરી શક્યા તે દીકરી કરે તેવી ઈચ્છા શુભાની હતી. શુભાએ નાનકડી અલકાને સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું. ચાર વર્ષની અલકાએ ગાવાની શરૂઆત કરી. છ વર્ષની ઉંમરે ભજન ગાવાની શરૂઆત કરી માત્ર છ વર્ષની ઉંમરે અલકાએ કોલકાતા આકાશવાણીમાં ભજનો ગાવાની શરૂઆત કરી. અલકા સ્કૂલમાં સંગીતના કાર્યક્રમમાં અચૂક ભાગ લે અને તેમાં વિનર પણ બને. અલકાની સિંગિંગ કરિયરમાં માતા ઉપરાંત કોલકાતાના સંગીતમય માહોલનો પણ એટલો જ ફાળો રહ્યો છે. અલકા જ્યારે 10 વર્ષની થઈ ત્યારે શુભા દીકરી સાથે મુંબઈ આવી ગયાં. મુંબઈમાં તેમને દીકરીનો અવાજ પરિપક્વ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું, પરંતુ શુભા દીકરી જલ્દીથી બોલિવૂડમાં કામ કરેે તેમ ઈચ્છતા હતા. મુંબઈમાં રાજ કપૂર સાથેની મુલાકાતા આ દરમિયાન ફિલ્મ ડિરેક્ટર રાજ કપૂરના કોલકાતા ડિસ્ટ્રીબ્યૂટરે કોલકાતા આકાશવાણીમાં અલકાનું ભજન સાંભળ્યું અને તેમને અલકાનો અવાજ ઘણો જ ગમી ગયો. આ ડિસ્ટ્રીબ્યૂટરે શુભાને પોતાનું કાર્ડ આપીને મુંબઈમાં રાજ કપૂરને મળવાની વાત કરી. મુંબઈમાં શુભા જ્યારે રાજ કપૂરને મળ્યા તો તેમણે મ્યૂઝિક ડિરેક્ટર લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે મુલાકાત કરાવી. સંગીતકારે શુભાને દીકરી માટે બે ઓપ્શન આપ્યા, એક તો તરત જ ડબિંગ આર્ટિસ્ટ તરીકે કરિયર ચાલુ થઈ જાય અને બીજું ઓપેશન સિંગર તરીકે થોડા સમય બાદ બ્રેક મળી શકે. શુભાએ સેકન્ડ ઓપ્શન પસંદ કર્યો. સંગીતકારે અલકાને ટ્રેઇન્ડ કરી. અલકા નાનપણથી જ સંગીતની સાથે સાથે ભણવામાં પણ એટલી જ હોંશિયાર હતી. અલકા બીએસસી વીથ હોમ સાયન્સમાં એડમિશન લીધું, પરંતુ સિંગિંગ કરિયરને કારણે ઈચ્છા હોવા છતાં વધુ ભણી શકી નહીં. 'એક દો તીન..' ગીતે રાતોરાત નસીબ પલટ્યું અલકાએ 'પાયલ કી ઝનકાર'ના ગીત 'થિરકત અંગ'ની કેટલીક પંક્તિઓ ગાઈને બોલિવૂડ સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ બાસુ ચેટર્જીની ફિલ્મ 'હમારી બહુ અલકા'માં એક ગીત ગાયું હતું. અલકાને સફળતા 'લાવારિસ'ના ગીત 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...'થી મળી હતી. અલબત્ત, અલકાને ખરી ઓળખ તો ફિલ્મ 'તેજાબ'ના ગીત 'એક દો તીન..'થી મળી હતી. આ ગીતથી અલકા રાતોરાત ભારતભરમાં લોકપ્રિય થઈ. આ ગીત બાદ અલકાએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. અલકાએ રોમેન્ટિકથી લઈને સેડ, આઇટમ સોંગ્સ સહિત દરેક રીતના સોંગ્સથી ચાહકોને ડોલાવ્યા છે. 'એક દો તીન' ગીત અંગે વાત કરતાં અલકાએ કહ્યું હતું કે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. જ્યારે તે આ ગીત માટે તેમને મળવા ગઈ ત્યારે શરૂઆતમાં તેને આ ગીતની લાઇન પસંદ નહોતી, પરંતુ ડરના માર્યા તેણે કંઈ કહ્યું નહીં. ગીતના રેકોર્ડિંગના એક દિવસ પહેલા જ અલકાને ગળામાં ઇન્ફેક્શન થયું અને એ જ કારણે તે આજે પણ માને છે કે ગીતમાં કેટલીક ભૂલો રહી ગઈ હતી. આ સમયે અલકાની દીકરી એક મહિનાની હતી. માધુરી દીક્ષિતનો અવાજ બની માધુરી દીક્ષિતના સોંગ 'એક દો તીન..' ને કારણે અલકાને પહેલો જ ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. આટલું જ નહીં, આ ગીત બાદ માધુરી પર પિક્ચરાઇઝ કરેલા મોટાભાગના ગીતો અલકાએ જ ગાયાં છે અને તે તમામે તમામ હિટ રહ્યાં હતાં. માધુરી ને અલકા એકબીજાના પૂરક બની ગયાં હતાં. 'ચોલી કે પીછે' ગીત વખતે શરમ આવી ગઈ અલકા યાજ્ઞિકના ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' અંગે ખાસ્સો વિવાદ થયો હતો. આ ગીતને અશ્લીલ ગણાવીને દુરદર્શન ને રેડિયો પર પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. 'ખલનાયક' ફિલ્મના આ ગીતમાં માધુરી દીક્ષિત તથા ઇલા અરુણ હતાં. અલકા યાજ્ઞિકે આ ગીત અંગે વાત કરતા કહ્યું હતું કે શરૂઆતમાં તેને પણ આ ગીતના શબ્દો થોડા વિચિત્ર લાગ્યા હતા અને રેકોર્ડિંગ સમયે ગાતી વખતે શરમ આવતી હતી. તે આ ગીત અંગે સ્યોર નહોતી. રિહર્સલ દરમિયાન અલકાને માત્ર તેને જે પંક્તિઓ ગાવાની હતી તે જ આપવામાં આવતી હતી, ઇલા અરૂણે જે પંક્તિઓ ગાઈ તે તેને કહેવામાં આવી નહોતી. રેકોર્ડિંગ સમયે ઇલા અરુણ સાથે હોવાથી અલકા સહજતાથી આ ગીત ગાઈ શકી. આ ગીત આનંદ બક્ષીએ લખ્યું હતું અને સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. 'રેફ્યૂજી'ના ગીતો વખતે ડિપ્રેશનમાં હતી કરિના-અભિષેકની ડેબ્યૂ ફિલ્મ 'રેફ્યૂજી' વર્ષ 2000માં રિલીઝ થઈ. આ ફિલ્મના તમામ ગીતો અલકાએ જ ગાયાં છે. ગીતોના રેકોર્ડિંગના થોડા સમય પહેલા જ અલકાના પિતાનું અવસાન થયું હતું. અલકા પેરેન્ટ્સની ઘણી જ નિકટ હોવાથી તે ડિપ્રેશનમાં સરી પડી હતી. દિવસો સુધી ઘરની બહાર નીકળી નહોતી. ગીતના રેકોર્ડિંગ માટે ઘરે સતત ફોન આવતા પણ અલકા એક જ જવાબ આપતી કે તે રેકોર્ડિંગ માટે જશે નહીં. આ સમયે અલકાની માતા શુભા સલાહ આપતી કે આઘાતમાંથી બહાર આવવા માટે કામ કરવું જરૂરી છે. કામ કરવાથી જ ડિપ્રેશન દૂર થશે. આ ફિલ્મના સંગીતકાર અનુ મલિક હતા અને તેમણે અલકાને અનેક ફોન કર્યા, પરંતુ અલકાએ કોઈ પણ ફોનનો જવાબ ના આપ્યો ત્યારે તેઓ સિંગરના ઘરની બહાર ધરણા પર બેસી ગયા. અનુ મલિકની એક જ વાત હતી કે જો અલકા ગીતો નહીં ગાય તો તેઓ અન્ય કોઈ પાસે ગવડાશે નહીં. અલકા તો પણ ગીતો ગાવા તૈયાર થઈ નહીં. જોકે, પછી એક દિવસ શુભાએ દીકરીને સમજાવીને માત્ર સ્ટૂડિયો જઈ આવવાનું કહ્યું. અલકા પછી અનુ મલિક સાથે સ્ટૂડિયો ગઈ. સ્ટૂડિયો ગયા બાદ અલકાએ ગીતો યાદ કર્યા અને પછી રેકોર્ડિંગ શરૂ કર્યું. અલકા થોડો સમય માટે એ બધું જ ભૂલી ગઈ. ડિપ્રેશનના ફેઝમાં અલકાએ હિટ સોંગ્સ આપ્યાં. અનેક ભાષામાં ગીતો ગાયાં અલકાએ ગુજરાતી ભાષામાં 35થી વધુ ગીતો ગાયાં છે. ચાર દાયકાથી પણ વધુ લાંબી કરિયરમાં હિંદી-ગુજરાતી ઉપરાંત આસામીઝ, ઊડિયા, નેપાલી, રાજસ્થાની બંગાળી, ભોજપુરી, પંજાબી, મરાઠી, તેલુગુ, તમિળ, મલયાલમ સહિતની 25 ભાષાના 22 હજારથી વધુ ગીતો ગાયાં છે. અલકાએ ડ્યૂટ સોંગ્સમાં સૌથી વધારે ગીતો સિંગર કુમાર સાનુ ને પછી ઉદિત નારાયણ, સોનુ નિગમ, અભિજીત ભટ્ટાચાર્ય સાથે જોડી જમાવી છે. 2021-23માં અલકા યાજ્ઞિક યુ ટ્યૂબ પર સૌથી વધુ સ્ટ્રીમ થયેલી આર્ટિસ્ટ હતી. આટલું જ નહીં, અલકાનો સુમધુર અવાજ અનેક એક્ટ્રેસિસને પસંદ હતો અને પોતાના ગીતો માટે અલકાને ગીત ગાવા વિનંતી કરતી. અલકાએ કલ્યાણજી-આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, એ. આર રહમાન, આનંદ-મિલિંદ, વિજુ શાહ, હિમેશ રેશમિયા, અનુ મલિક, જતિન-લલિત, નદીમ-શ્રવણ, શંકર-અહેસાન-લૉય સહિતના અઢળક સંગીતકારો સાથે કામ કર્યું છે. પ્લેબેક સિગિંગમાં આશા ભોસલે તથા અલકા યાજ્ઞિકને સાત-સાત વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યા છે. અલકાએ વિવિધ સિગિંગ રિયાલિટી શો પણ જજ કર્યા છે. 90ના દાયકામાં અલકા રોજ ચારથી પાંચ સોંગ રેકોર્ડ કરતી. કોન્સર્ટ પણ હોવાથી અલકા સતત વ્યસ્ત રહેતી. લતા મંગેશકરને ગુરુ માને છે સામાન્ય રીતે નાનપણમાં છોકરીઓ ઢીંગલી સાથે રમતી હોય, પરંતુ અલકા રેડિયો સાથે જોડાયેલી રહેતી. અલકા હંમેશાં લતા મંગેશકરના ગીતો સાંભળીને ગીતોની બારીકાઈ શીખી. તે લતા મંગેશકરને પોતાનાં ગુરુ માને છે. અલકા પહેલી જ વાર મુંબઈમાં ફિલ્મ સેન્ટરમાં લતા મંગેશકરને મળી હતી. લતા મંગેશકર ફિલ્મ 'હીરા'ના ગીત 'મૈં તુજસે મિલને આઈ...' ગાવાં આવ્યાં હતાં. અલકા, લતા મંગેશકરને જોઈને થોડી ક્ષણો માટે કંઈ જ બોલી શકી નહોતી. લતાએ પછી અલકાને કહ્યું હતું કે ભણવાનું છોડીશ નહીં. અલકા હોંશિયાર વિદ્યાર્થી હોવા છતાં તેને ભણવાનો ઘણો જ કંટાળો આવતો. લતા-આશાના ગોલ્ડન એરામાં અલકાએ પોતાની ઓળખાણ બનાવી અલકાને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે લતા-આશાના સમયમાં તેને ક્યારેય કટ્ટર સ્પર્ધાનો સામનો કર્યો હતો, જવાબમાં તેણે કહ્યું હતું કે 90નો દાયકો સિંગિંગ માટે ગોલ્ડન એરા હતો. તેણે તે સમયે એકથી ચઢિયાતા એક સોંગ્સ આપ્યા. તેનો અવાજમાં રોમેન્ટિક ગીતો વધુ સારા લાગતા હતા. આ સમયે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આશા તથા લતાના ગીતોની બોલબાલા હતી. ન્યૂ કમર્સને જલ્દીથી કામ મળે તેવું નહોતું, પરંતુ અલકા નસીબદાર હતી કે તેને એક પછી એક કામ મળતું જ રહ્યું. તેમની વચ્ચે ક્યારેય સ્પર્ધા નહોતી. 'દિલ'ને કારણે અનુરાધા-અલકા વચ્ચે વિવાદ થયો આમિર ખાન તથા માધુરી દીક્ષિતની ફિલ્મ 'દિલ'માં અલકા યાજ્ઞિકે ગીતો ગાયાં હતાં, પરંતુ મ્યૂઝિક લેબલ ટી-સિરીઝનું હતું. આ જ કારણે આ ગીતો પછી અનુરાધા પૌડવાલ પાસે બીજીવાર રેકોર્ડ કરાવવામાં આવ્યા. આ સમયે અનુરાધાએ પોતાનો બચાવ કરતાં એવું કહ્યું હતું કે તેનો અવાજ માધુરી પર બીજાં કરતાં વધુ સારો લાગે છે. એક ઇન્ટરવ્યૂમાં અલકાએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. 1997માં આમિર-ટ્વિંકલ ખન્નાની ફિલ્મ 'ઇતિહાસ'ના ત્રણ ગીતો 'દિલ કી કલમ સે', 'યે ઇશ્ક બડા બેદર્દી', 'રામજી..' અલકાએ ગાયાં હતાં. જોકે, પછીથી આ ગીતો ફરી વાર અનુરાધા પાસે ગવડાવવામાં આવ્યાં હતાં. આ સમયે અલકા મુંબઈમાં નહોતી. જ્યારે તેને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગઈ હતી. તેણે અનુરાધાને આડેહાથ લેતા એવું કહ્યું કે હવે તે એમ કહેશે કે તેમનો અવાજ તો ટ્વિંકલ ખન્ના પર પણ સારો લાગે છે. આમ તો તે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પરંતુ હિંદી ફિલ્મના ગીતો તો ગાઈ જ લે છે. જ્યારે તે મુંબઈમાં નહોતી ત્યારે અનુરાધાએ તેના ગીતો ગાઈ લીધા. તેની પાસે પણ પ્રોડ્યુસર્સ અનુરાધાએ ગાયેલાં ગીતો બીજીવાર ગાવાની ઑફર લઈને આવતા હોય છે, પરંતુ તે હંમેશાં ના પાડે છે. તેને આવું બધું કરવું સહેજ પણ પસંદ નથી. આ વિવાદ ખાસ્સા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. નદીમે અલકા યાજ્ઞિકને કારણે ગુલશન કુમારની હત્યા કરી? 1997માં ટી સિરીઝના માલિક ગુલશન કુમારની ધોળા દિવસે મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ સંગીતકાર નદીમનો હાથ હોવાનું માનવામાં આવે છે. વકીલ ઉજ્જવલ નિકમે આ હત્યા પાછળ અનુરાધા તથા અલકા વચ્ચેની કટ્ટર સ્પર્ધા કારણભૂત હોવા તરફ ઇશારો કર્યો હતો. શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં ઉજ્જવલ નિકમને પૂછવામાં આવ્યું હતું કે ગુલશન કુમારની હત્યા પાછળ નદીમનો હાથ છે? ઉજ્જવલ નિકમે દૃઢતા સાથે જવાબ આપ્યો હતો કે હા, તેનો જ હાથ છે. આ જ કારણે તે ભારત આવતો નથી અને ટ્રાયલનો સામનો પણ કરતો નથી. ઉલ્લેખનીય છે કે નદીમ વર્ષો સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા બાદ હાલમાં દુબઈમાં છે. ઉજ્જવલને પૂછવામાં આવ્યું કે ગુલશન કુમારની હત્યા કેમ થઈ? જવાબમાં તેમણે કહ્યું હતું, 'તે તો આખી અલગ જ વાત છે. અનુરાધા પૌડવાલ આમની (ગુલશન કુમાર)ની સિંગર હતી અને અલકા યાજ્ઞિક તેમની (નદીમ-શ્રવણ)ની સિંગર હતી. બસ...' પોલીસને લાગે છે કે નદીમ જ આ હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ છે. તેના કહેવાથી જ દુબઈમાં આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે ગુલશન કુમારે નદીમનો મ્યૂઝિક આલ્બમ 'હાય અજનબી'ને યોગ્ય રીતે પ્રમોટ કર્યો નહોતો. બંને વચ્ચે ઘણા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા. ઓસામા બિન લાદેન પણ અલકા યાજ્ઞિકનો ફૅન હતો 2011માં CIAએ અબોટાબાદમાં ઓસામાના અડ્ડે જ્યારે દરોડા પાડ્યા ત્યારે તેના કમ્પ્યુટરમાંથી બોલિવૂડના અનેક હિટ્સ સોંગ્સ મળ્યા હતા, જેમાં ઉદિત નારાયણ, કુમાર સાનુ તથા અલકા યાજ્ઞિકના ગીતો સામેલ હતા. આ વાત જ્યારે અલકાને કહેવામાં આવી તો તેને નવાઈ લાગી અને પછી તેણે કહ્યું હતું કે ઓસામા જો તેનો નંબર 1 ફૅન હોય તો તેમાં તેની કોઈ ભૂલ નથી ને...? ઓસામા જે પણ છે, જેવો પણ હોય, તેની અંદર નાનકડો કલાકાર જરૂરથી હશે. પસંદ છે તો પછી સારું જ છે ને. નોંધનીય છે ક ઓસામાના સોંગ્સ કલેક્શનમાં 'અજનબી મુજકો ઇતના બતા', 'દિલ તેરા આશિક'નું ટાઇટલ ટ્રેક, 'તુ ચાંદ હૈ પૂનમ કા...' જેવા ગીતો સામેલ હતાં. વાત હવે અલકા યાજ્ઞિકના અંગત જીવનની… અલકા-નીરજના અલગ જ રીતના લગ્ન અલકા યાજ્ઞિક તથા નીરજ કપૂરની પહેલી મુલાકાત ટ્રેનમાં થઈ હતી. સાથે સફર કરતાં કરતાં બંને વચ્ચે મિત્રતા થઈ અને એકબીજાના ઘરના નંબરની આપ-લે થઈ. નીરજ શિલોંગમાં મોહન મીકિન બ્રુઅરીઝનો (જાણીતી દારૂની બ્રાન્ડ) નોર્થ-ઇસ્ટ ડિસ્ટ્રીબ્યૂટર હતો. બંને અલગ ફિલ્ડમાં હોવા છતાં અવાર-નવાર ફોન પર વાત કરી લેતા. છ મહિનાની ફ્રેન્ડશિપ બાદ બંનેને લાગ્યું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. બે વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ ફેબ્રુઆરી, 1989માં લગ્ન કર્યા. પેરેન્ટ્સે પહેલા વિરોધ કર્યો અલકા ને નીરજ માટે લગ્ન કરવા સરળ નહોતા. અલકાના પેરેન્ટ્સને જ્યારે નીરજ સાથેના સંબંધોની જાણ થઈ તો તેઓ નહોતા ઈચ્છતા કે દીકરી આટલે દૂર લગ્ન કરે. પેરેન્ટ્સનું માનવું હતું કે બંને વચ્ચે લોંગ ડિસ્ટન્સ હોવાથી મેરેજ લાઇફમાં મુશ્કેલી આવી શકે છે. અલબત્ત, તે સમયે નીરજે મુંબઈ શિફ્ટ થવાની વાત કરી. ત્યારબાદ અલકાના પેરેન્ટ્સ લગ્ન માટે તૈયાર થયા. લગ્ન બાદ નીરજ મુંબઈ શિફ્ટ તો થઈ ગયો, પરંતુ ત્યાં મોટું નુકસાન થયું. પછી તો અલકાએ જ પતિને પાછા શિલોંગ જવાની વાત કરી. પછી નીરજ શિલોંગમાં ને અલકા મુંબઈમાં રહેતી. બંને પોત-પોતાની કરિયરમાં બિઝી થઈને પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ નિભાવતા રહ્યા. લગ્નના 37 વર્ષ બાદ પણ બંને અલગ-અલગ રહેવા છતાં સાથે છે. શ્રવણ શક્તિ ગુમાવી 2024માં અલકા યાજ્ઞિકને ફ્લાઇટમાં ઉતરી વખતે લાગ્યું કે તે કંઈ જ સાંભળી શકતી નથી. ડૉક્ટરે રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસની બીમારી હોવાનું નિદાન કર્યું હતું. આ બીમારી વાયરલ અટેકને કારણે થઈ હતી. હાલમાં અલકા શું કરે છે? હાલમાં અલકા યાજ્ઞિક દીકરી સાયેશાની રેસ્ટોરાં બોવેડા બિસ્ટ્રો સંભાળે છે. દીકરી ને જમાઈ સાથે સમય પસાર કરે છે. આ ઉપરાંત પતિ નીરજ પણ અવાર-નવાર મુંબઈ આવતો રહેતો હોય છે. દીકરીએ માતા કરતાં અલગ જ ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું ડિસેમ્બર, 1989માં જન્મેલી સાયેશાએ લંડન સ્કૂલ ઑફ માર્કેટિંગમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. સ્પેનમાંથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. સાયેશાએ ફિલ્મમેકિંગના કોર્સમાં એડમિશન લીધું હતું, પરંતુ તેણે થોડા સમયમાં જ ખ્યાલ આવી ગયો કે તે આ ફિલ્ડમાં કામ કરી શકશે. માતાની જેમ જ સાયેશાએ સિગિંગની તાલીમ લેવાની શરૂઆત કરી, પરંતુ તેને ત્યાં પણ મજા આવી નહીં. સાયેશાનું નામ સિંગર રાહુલ વૈદ્ય સાથે જોડાયું હતું. જોકે, પછીથી રાહુલે સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ જાતના સંબંધો નથી. સાયેશાએ 2018માં લોંગ ટાઇમ બોયફ્રેન્ડ અમિત દેસાઈ સાથે લગ્ન કર્યા છે. ભાઈ-ભત્રીજી પણ મ્યૂઝિક સાથે જોડાયેલા અલકાનો ભાઈ સમીર મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. સમીરની દીકરી ગરિમા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. 13 વર્ષની ઉંમર સુધી તે લંડનમાં ભણી અને પછી મુંબઈ આવી ગઈ. ગરિમા નાનપણથી થિયેટર ડ્રામામાં ભાગ લેતી. 2015માં ગરિમાએ બપ્પી લહરી સાથે સ્ટૂડિયોમાં પહેલી જ વાર ગીત ગાયું હતું. ગરિમાએ પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તે ફિલ્મ 'ક્રૂ', 'ખો ગયે હમ કહાં', ટીવી સિરીઝ 'મિસમેચ્ડ' સહિતમાં કામ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં બેઠાં-બેઠાં રાજસ્થાનની યુુનિ.ની LLB ડિગ્રી અપાવી દેતા એજન્ટો:2.80 લાખ હપ્તેથી ચૂકવો, 60 દિવસમાં સર્ટિફિકેટ ઘરે, ભાસ્કર રિપોર્ટરે વિદ્યાર્થી બની ભાંડો ફોડ્યો
    Next Article
    Market tanks over 3% as crude surges, HDFC Bank tumbles

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment