Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં બેઠાં-બેઠાં રાજસ્થાનની યુુનિ.ની LLB ડિગ્રી અપાવી દેતા એજન્ટો:2.80 લાખ હપ્તેથી ચૂકવો, 60 દિવસમાં સર્ટિફિકેટ ઘરે, ભાસ્કર રિપોર્ટરે વિદ્યાર્થી બની ભાંડો ફોડ્યો

    10 hours ago

    ગુજરાતમાં વકીલાત કરવા માટે LLBની ડિગ્રી વેચાઈ રહી છે અને એ પણ હપ્તેથી. જાણે કોઈ મકાન-મિલકતના હપ્તા ભરતા હોવ એવી રીતે EMI પર રૂપિયા ચૂકવો અને દેશની નામાંકિત યુનિવર્સિટીની ડિગ્રી મેળવો. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી હકીકત કોઈને પણ ચોંકાવી શકે છે અને એ સંભાવનાને પણ નકારી ન શકાય કે દેશની કોર્ટમાં જજ સામે ન્યાય માટે દલીલ કરનાર વકીલની ડિગ્રી જ નકલી હોય. હિડન કેમેરામાં કેદ થયેલા એજન્ટોની ગેરંટી તો એવી કે તમને પાછલા વર્ષની ડિગ્રી અપાવીશું. એટલે તમને જૂના વિદ્યાર્થી બતાવાશે અને યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર રોલનંબર નાખવાની 2016, 2017 જેવા વર્ષમાં ભણ્યા હોય એવો તમારો તમામ ડેટા પણ દેખાશે. એટલે એજન્ટની ભાષામાં કહી તો એકદમ જેન્યુઇન કામ. અમને જાણકારી મળી કે ગુજરાતના મોટા શહેરોમાં કેટલાક એજન્ટો એક્ટિવ છે. જે કોઈપણ વર્ષ માટે ગમે તે કોર્સની ડિગ્રી અપાવી શકે છે. ડિગ્રી પ્રમાણે બધાનો ભાવપત્રક જુદો હોય. તમે માગો એ ડિગ્રી ગણતરીના દિવસોમાં આવી જાય અને એ પણ યુનિવર્સિટી માન્ય. ચોંચાવનારી વાત તો એ પણ છે કે જ્યારે વેરિફિકેશન થાય તો પણ ખબર ન પડે એ વાતની પણ ગેરંટી. આ વાત અમારા માટે ખરેખરમાં આંચકાજનક હતી. એટલે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. અમને એક મોબાઇલ નંબર મળ્યો હતો. અમે પોતાની ઓળખ વિદ્યાર્થી તરીકે આપીને એકેડમીનો સંપર્ક કર્યો. ફોન પર અમારી વાતચીત હિરલ નામની એક યુવતી સાથે થઈ. તેણે ગ્રેજ્યુએશન ક્યારે પૂરું કર્યું, કઈ ડિગ્રી મેળવવી છે એ વિશે પૂછ્યું. અમે LLBની ડિગ્રી લેવાની તૈયારી દર્શાવી. આ વાતચીત દરમિયાન જ હિરલને વિશ્વાસ આવી ગયો. એટલે આગળની ચર્ચા માટે તેણે રૂબરૂ મુલાકાત કરી લેવા પર ભાર આપ્યો. પ્રાથમિક પૂછપરછથી અમને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયાં ખૂબ મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે, એટલે અમે પણ રૂબરૂ મિટિંગ માટે તૈયાર થઈ ગયા. હિરલે થોડી જ વારમાં વ્હોટ્સએપ પર અમને સરનામું અને લોકેશન મોકલી આપ્યું. ઘરે બેઠાં કાંઈ કર્યા વગર જ LLBની માર્કશીટ મેળવવા માટેની ફી લાખો રૂપિયામાં હતી. એટલે લાલચ તો એજન્ટને પણ ખરી જ! થોડા જ દિવસોમાં અમને સામેથી ફોન આવવા લાગ્યા. આખરે, હિડન કેમેરા સાથે અમે અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં પહોંચી ગયા, જ્યાં મેપલ લર્નિંગ એન્ડ સ્કીલ સેન્ટર નામથી એક સંસ્થાના ઓથા હેઠળ વેચાતી ડિગ્રીની એજન્સી ચાલે છે. CTM વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ એકદમ ખખડધજ હાલતમાં છે. જેમાં અલગ-અલગ ક્લાસિસ તેમજ હોટલ પણ ચાલી રહી છે. અમે અમને અપેલા સરનામા પ્રમાણે ત્રીજા માળે પહોંચી ગયા. ઓફિસમાં પહોંચતા જ આસપાસ લાગેલા પોસ્ટર પરથી ખ્યાલ આવી ગયો કે અહીંયાં માત્ર LLB જ નહીં, બીજા ઘણા બધા કોર્સ ચાલે છે. જેમ કે સિક્કીમ રાજ્યમાંથી ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરો, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ અને સાયન્સના પણ બોર્ડ લાગેલા હતા. આ ઉપરાંત નર્સિકના અલગ-અલગ કોર્સની પણ જાહેરાત હતી. આ બધુ જોતા એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે શિક્ષણના નામે અહીંયાં ખૂબ મોટો ગોરખધંધો ચાલી રહ્યો છે. અમે ઓફિસમાં પહોંચ્યા, થોડવાર પછી એક યુવતી રિસેપ્શન પર આવી અને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું. અમે “LLBની ડિગ્રી માટે આવ્યા છીએ” એમ કહેતા જ એક ફોર્મ કાઢ્યું. નામ અને કેટલે સુધી ભણ્યા છો એવા બે જ ટૂંકા સવાલ કરીને ફોર્મ ભરવા માટે આપી દીધું. આ ફોર્મ એકેડમીનું પોતાનું હતું. કોઈ કોલેજ કે યુનિવર્સિટીનું નહોતું. જેમાં આ એકેડમી ISO 9001:2015 સર્ટિફિકેટ માન્ય હોવાનું લખ્યું હતું. ફોર્મમાં એકદમ સામાન્ય વિગતો ભરવાની હતી. જેમ કે નામ, સરનામું, કયા કોર્સમાં એડમિશન લેવું છે. આવી વિગતો ભરીને ફોર્મ આપી દીધું. યુવતીએ ફોર્માંથી કેટલીક વિગતો એક રજિસ્ટરમાં નોંધી અને પછી ફોર્મ લઈને એક ચેમ્બરમાં જતી રહી. લગભગ 45 સેકન્ડમાં એ પરત આવી અને અંદર બેસેલા મેડમની મળી લેવા માટે કહ્યું. હવે પછીનો જે ઘટનાક્રમ હતો એ એકદમ નાટકીય હતો. કારણ કે અમારી મુલાકાત ચેમ્બરમાં બેસેલી એક મહિલા સાથે થઈ, જેણે પોતાની ઓળખ લક્ષ્મી તરીકે આપી. જેણે પોતાના પહોંચ અને સેટિંગ કેટલા ઊંચા પાયે છે તેનો પરચો થોડી જ મિનિટોમાં આપી દીધો. આ બધુ જ હિડન કેમેરામાં કેદ થતું ગયું. વાંચો, લક્ષ્મી સાથેની વાતચીતના કેટલાક અંશો… લક્ષ્મી, સેન્ટર સંચાલક- કયા વર્ષમાં 12મુ ભણ્યા રિપોર્ટર- 2016માં મારું ગ્રેજ્યુએશન પુરું થયું લક્ષ્મી, સેન્ટર સંચાલક- ક્યાંથી કર્યું રિપોર્ટર- IGNOUમાંથી લક્ષ્મી, સેન્ટર સંચાલક- કોઈના મારફતે કરાવ્યું હતું કે જાતે જ કર્યું હતું? રિપોર્ટર- જાતે જ કર્યું હતું. લક્ષ્મીનો આ સવાલ ઘણું કહી જતો હતો. કારણ કે તેના માટે સેટિંગથી પરીક્ષા પાસ કરવી કે ડિગ્રી મેળવવી એકદમ સામાન્ય વાત લાગી. એટલું જ નહીં, અમે કોઈ માગણી કરી નહીં તેમ છતાં IGNOUમાંથી ડિગ્રી મેળવી આપવાની સંભાવતા બતાવી દીધી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ટ્રાય કરીશ કદાચ IGNOU સીટ હશે તો… મારી પાસે આવે છે IGNOUનું. તમારે LL.B કરવું છે ને? રિપોર્ટર- હા લક્ષ્મી, સેન્ટર સંચાલક- પણ અત્યારે મારી પાસે જોધપુર નેશનલ યુનિવર્સિટીનું છે. આટલું બોલતાની સાથે જ તે એક કોરું કાગળ તેમજ પેન લઈ અને કાગળ પર કેટલીક માહિતી ટપકાવવા લાગી. થોડુંક કાંઈ લખીને પછી અમારી સામે લેમિનેશન કરેલી 4 માર્કશીટ મૂકી દીધી. એટલે કે અમને અન્ય કોઈ વ્યક્તિની માર્કશીટ નમૂનારૂપે જોવા માટે આપી દીધી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તમને માર્કશીટ, ડિગ્રી, પ્રોવિઝનલ, માઇગ્રેશન મળી જશે. અમે આશ્ચર્યચકિત થઈને લેમિનેશન કરેલી 4 માર્કશીટની વિગતો વાંચવાની શરૂ કર્યું. લક્ષ્મી, સેન્ટર સંચાલક- એક B.Scની હશે અને એક BAની હશે. તમારું (સર્ટિફિકેટ) પણ આવું જ આવશે. બસ ફરક એટલો રહેશે કે તમારા માર્ક્સ, સબ્જેક્ટને એ બધુ LLBનું હશે. તમારું 2016નું છે. તો 2017ની ગણતરીએ ચાલવું હોય અથવા તો 2021થી પણ કરી શકો છો. તમારે LLB કરીને શું કરવાનું છે? રિપોર્ટર- મારા કુટુંબમાં ઓલરેડી 3 લોકો છે. મને LLBમાં પહેલાથી રસ છે. 2016 પછી પોલીસની ભરતી આવી ત્યારે પરીક્ષા આપવા માટે કાયદાના વિષય પર વાચ્યું હતું. મારે સરકારી નોકરીમાં જવું છે. એટલે કાયદા સહાયકની ભરતી આવે એમાં કામ લાગે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- આ તો હું તમને કરાવી દઈશ. પણ વકીલાત માટે બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. એટલે એની પરીક્ષા આપવી પણ ફરજિયાત થઈ ગઈ છે. એટલે એ તૈયારી રાખજો. કારણ કે અહીંયાં રજિસ્ટ્રેશન થઈ જશે એનો કોઈ ઈશ્યુ નથી. રિપોર્ટર- મને શંકા હતી એટલે મારે પર્સનલી આવવું પડ્યું. ભલે મને જોધપુર યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું પણ મારું નામ એમની વેબસાઇટ પર હશે? કેમ કે (ભવિષ્યમાં) વેરિફિકેશન તો થશે જ. એમાં કોઈ ઇશ્યુ આવે તો? લક્ષ્મી, સેન્ટર સંચાલક- ગૂગલ પર જઈને જોધપુર નેશનલ યુનિવર્સિટી સર્ચ કરો. વેબસાઇટ ખુલે એટલે સ્ટુડન્ટ ઝોન પર જઈને રિઝલ્ટ પર ક્લિક કરો, ત્યાં તમને તમારું રિઝલ્ટ મળી જશે. ક્યાંય પણ તમે આગળ રિઝલ્ટ આપો એટલે તમારું વેરિફિકેશન RTI મારફતે થાય. તો એ તમારું થઈ જશે. રિપોર્ટર- મને આ જ શંકા છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- એ તો તમારી શંકા દૂર કરીને. શંકા તો હોવી જ જોઈએ. ના હોય તો મતલબ નથી. જો તમારે આગળ ક્યાંક જવું હોય, પાસપોર્ટ વેરિફિકેશન છે કે કાંઈ પણ કરાવવું હોય તો એ પણ થઈ જશે. એનો કોઈ જ ઈશ્યુ આવશે નહીં. મારો વિચાર એવો છે કે તમારું 2016થી ગોઠવું. (ગ્રેજ્યુએશન પુરું કર્યું એ વર્ષ) એટલે તમે 2016 પછી શું કર્યું એ મને એક્ટિવિટી કહી દો. રિપોર્ટર- મેં 2016 પછી પોલીસની ભરતીની તૈયારી કરી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ઓકે. એના સિવાય કશું નહીં ને? જેમ કે કોલેજમાં એડમિશન લીધું હોય, એકાદ વર્ષ કર્યું હોય અને પછી મુકી રાખ્યું હોય. કેમ કે મારે આમાં ક્લિયર જોઈએ. રિપોર્ટર- ના… બીજે ક્યાંય હું ભણ્યો નથી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- કેમ કે આ ડિગ્રી કેવી છે એ તમને પણ ખબર છે. જેની પાસે પ્રોપર નોલેજ હોય એ જ ડિગ્રી લઈ શકે. નોલેજ ન હોય તો મતલબ નથી. ગૂગલ પર તમે આ બધું મુકશે એટલે તમારું આવી જ જશે. એટલે હું તમારી 2017-18ની એક્ટિવિટી પુછું છું. અમારી વાતચીત આગળ ચાલી. આ મિટિંગ પહેલાં હિરલ નામની એક એજન્ટે અમને વ્હોટ્સએપ પર લિંક મોકલી હતી, જેનાથી જોધપુર નેશનલ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ઓનલાઇન ડિગ્રી ચેક કરી શકાય. અમને વિશ્વાસ અપાવવા માટે લક્ષ્મીએ પણ આ જ લિંક ખોલી. ટેબલ પર જે માર્કશીટ હતી એમાંથી ત્રીજા વર્ષની માર્કશીટ પર લખેલો રોલ નંબર નાખ્યો અને અમારી નજર સામે જ ખરાઈ કરાવી કે રૂપિયા આપીને જે માર્કશીટ મળે છે એનો ડેટા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ છે. કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય એવો ઘટનાક્રમ હતો. ટેબલ જે નકલી માર્કશીટ હતી તેનો ડેટા અમને યુનિવર્સિટીની વેબસાઇટ પર જોવા મળ્યો. જે બરોબર મેચ પર થતો હતો. છતાં ફરીથી સવાલ કર્યો કે, બેન પછી કોઈ તકલીફ નહીં થાય ને.. લક્ષ્મી, સેન્ટર સંચાલક- કાંઈ જ તકલીફ નહીં થાય, હું તમને બધુ જેન્યુઇન કરાવીશ. જેન્યુઇન છે એટલે જ ફી છે. નહીં તો કરવાવાળા 80-90 હજારમાં કરી આપે છે. મારે તો ટોટલ ફી જ 2 લાખ 80 હજાર છે. હું એનાથી ઓછું લેતી નથી અને થતું પણ નથી. કારણ કે હું કામ જેન્યુઇન કરીશ. આખુ LLB પ્રોપરલી જેન્યુઇન થઈ જશે. જો BA, LLB કરવું હોય તો 3 લાખ 10 હજાર છે. તમે ગ્રેજ્યુએટ છો એટલે 2 લાખ 80 હજાર રૂપિયામાં તમારું LLB થઈ જશે. રિપોર્ટર- મારે જોધપુર જવાનું થશે કે નહીં? લક્ષ્મી, સેન્ટર સંચાલક- કશું જ નથી કરવાનું રિપોર્ટર- મને માર્કશીટ ક્યારે મળે? લક્ષ્મી, સેન્ટર સંચાલક- પહેલા તમારે અડધી ફી એટલે કે 1 લાખ 40 હજાર ભરીને એડમિશન લેવાનું છે. પછી તમારી (માર્કશીટ બતાવતા કહ્યું) આવી સ્કેન કોપી ઓનલાઇન ફોનમાં આવશે. ત્યારે બાકીના રૂપિયા અડધા-અડધા આપવાના થશે. એટલે કે 70-70 હજારના બે હપ્તા આપવાના. રિપોર્ટર- આ બધી પ્રોસેસ કેટલા સમયમાં પુરી થઈ જાય? લક્ષ્મી, સેન્ટર સંચાલક- 60 દિવસ. મારી પાસે આ શીટ (ટેબલ પર પડેલી માર્કશીટ) સાત-આઠ દિવસ માટે જ છે. પણ બીજી યુનિવર્સિટીની શીટ પણ મારી પાસે હમણા આવશે. લક્ષ્મીએ આ બધુ સમજાવતા-સમજાવતા તમામ વિગતો કાગળ પર પણ લખતી જતી હતી. રાજસ્થાનની જોધપુર નેશનલ યુનિવર્સિટીમાંથી રૂપિયા આપીને માર્કશીટ લાવી આપવાનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. હવે અમે અન્ય યુનિવર્સિટી વિશેની ખણખોદ કરવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. જેમાં લક્ષ્મીએ હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલી અર્ની યુનિવર્સિટી સાથે સેટિંગ હોવાનું પણ કબૂલી લીધું. રિપોર્ટર- તમે પ્રયાસ કરો કે IGNOUનું કાંઈ થઈ શકતું હોય. લક્ષ્મી, સેન્ટર સંચાલક- જુઓ… મારી પાસે અર્ની યુનિવર્સિટીની પણ આવવાની છે. એ યુનિવર્સિટી સારી છે. તમે આનું (IGNOUનું) કહો છો એ પૂછી જોઉં છું. રિપોર્ટર- IGNOUમાં LL.B થાય છે? લક્ષ્મી, સેન્ટર સંચાલક- એ મને નથી ખબર પણ મારી પાસે BA, B.Com કરાવ્યું છે એટલે હું પૂછી જોઉં છું. થતું હોય તો ના ક્યાં છે? એક સરખું થઈ જાય ને… જ્યારે ગુજરાતની કોઈ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ લાવી આપવાની વાત કરી તો લક્ષ્મીના ચહેરાના ભાવ અચાનક બદલાઈ ગયા. એકદમ નિરાશા સાથે કહ્યું, બીજી બધી જગ્યાએ આવું થાય છે પણ ગુજરાતમાં થતું નથી. રિપોર્ટર- કદાચ આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટીમાંથી થાય તો… લક્ષ્મી, સેન્ટર સંચાલક- ચોખ્ખી વાત કહું! આખા ગુજરાતમાં ક્યાંય નથી થતું. ગોતી લ્યો. થાય તો મને કહી દેજો. પણ આપણું ગુજરાત સૌથી બેકાર છે. અન્ય બધી જગ્યાએ બધુ થાય છે. આપણે ફક્ત ગુજરાતમાં જ નથી થતું. કેમ અહીંયાંના લોકો બહારથી કરે છે? કારણ કે ગુજરાતમાં થતું જ નથી ને. કોઈ જગ્યાએ શક્ય જ નથી. રિપોર્ટર- જોધપુર યુનિવર્સિટી ચાલુ તો છે ને.. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ચાલુ છે. એટલે તો કહું છું. ગૂગલ સર્ચ કરો તમને બધુ મળી જશે. વેબસાઇટ પર જાવ, યુનિવર્સિટી UGC અપ્રૂવ્ડ તો છે જ. સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ અપ્રુવ કરેલું છે, તો જ LL.B કરી શકો ને. “હું તમારું 2017થી (એડમિશન) લઈશ. જો શક્ય હશે તો 2016થી પણ લઈ લઈશ. મારે તમારી લાસ્ટ માર્કશીટ જોવી પડશે. એટલે એડેકેમિક યર ક્યારે પુરું થાય છે. એ પ્રમાણે હું યુનિવર્સિટીને વર્ષ મૂકવાનું કહી દઈશ. એ લોકો લગાવી દેશે. આપણે કહેવું પડે કે કયું વર્ષ જોઈએ, એ પ્રમાણે થાય. મારી પાસે બીજી શીટ પણ આવશે, તમારે ઉતાવળ નથી કરવાની. BA, LLB તો હું જોધપુરથી જ કરાવું છું પણ….” વાત કરતા-કરતા લક્ષ્મીએ એક વેબસાઇટ ખોલી, જે હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલી અર્ની યુનિવર્સિટીની હતી. તેના પર વિગતો વાંચવા માંડી. તેનો દાવો હતો કે અર્ની યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પણ તે અપાવી શકે છે. એટલે LLB માટે અમને જોધપુર યુનિવર્સિટી ઉપરાંત અર્ની યુનિવર્સિટીનો વિકલ્પ પણ આપ્યો. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તમારા ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા છે? રિપોર્ટર- 50 ટકા છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- 45થી ઓછા એ લોકો ચલાવી નહીં લે. લક્ષ્મીએ પોતાનો નંબર આપ્યો અને આગળની અપડેટ માટે મેસેજ કરવા કહ્યું. સાથે જ આ નંબર પર માર્કશીટ આપવા પણ કહ્યું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અમે પરિવારને બતાવવા માટે અન્ય વિદ્યાર્થીની માર્કશીટનો ફોટો પાડવાની પરવાનગી માગી તો તેમણે એક વિદ્યાર્થીની માર્કશીટની પીડીએફ ફાઇલ જ વ્હોટ્સએપ મારફતે મોકલી દીધી. રિપોર્ટર- આ છોકરાઓ ગુજરાતના જ છે? લક્ષ્મી, સેન્ટર સંચાલક- હા.. હમણાં જ એડમિશન થયું છે અને એ લોકો માર્કશીટ લેવા આવશે. એટલે જ ટેબલ પર પડી છે. નહીં તો પીડીએફ જ બતાવું. એમનું પ્રોવિઝનલ આવવાનું બાકી છે એટલે ફોન નથી કર્યો. તમારે બાર કાઉન્સિલની પરીક્ષા આપવાની હોય એટલે જોધપુરથી NOC જોઈશે, મારે એની પણ વાત કરવી પડશે. રિપોર્ટર- એટલે અહીં NOC માગે જ છે? લક્ષ્મી, સેન્ટર સંચાલક- માગે ન માગે, આપણે લઈ લેવાનું. માગે ન માગે તેલ લેવા ગયું. માગે તો કહી દેવાનું લે. લગભગ મેં પહેલાં કઢાવ્યું હતું એટલે યાદ છે. સિક્કીમ સ્કિલ યુનિવર્સિટીમાંથી મેં BA, LL.B કરાવ્યું હતું ત્યારે મેં NOC લીધી હતી. એટલે હું સરને આજે વાત કરી લઉં કે આમાં કયા-કયા કાગળ ઉપયોગમાં આવે. રિપોર્ટર- કુલ કેટલી માર્કશીટ આવશે 6? લક્ષ્મી, સેન્ટર સંચાલક- ના… વર્ષ પ્રમાણે છે એટલે 3 આવશે. પ્રોવિઝનલ અને ડિગ્રી સર્ટિફિકેટ પણ આવશે. કદાચ રજિસ્ટ્રેશન માટે કોઈ કાગળ માગે તો આપણે પાછળથી યુનિવર્સિટીમાંથી લઈ શકીએ છીએ. એક છોકરાએ મારી પાસે ટ્રાન્સસ્ક્રિપ્ટ સર્ટિફિકેટ માગ્યું છે. રિપોર્ટર- હા… વિદેશ જવા માટે જોઈએ છે. મારે પણ મેળ પડે તો વિદેશ જવાની ગણતરી ખરી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તો આ સર્ટિફિકેટ તમારે પણ લઈ જ લેવાનું. મળી જ જાય. રિપોર્ટર- ફોરેનની યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો વાંધો ન આવે ને. લક્ષ્મી, સેન્ટર સંચાલક- મળી જાય ને. એ લોકો શું માગે આપણને ખબર ન હોય પણ યુનિવર્સિટીમાંથી મળી જાય. કોઈ ઈશ્યુ જ નથી. રિપોર્ટર- વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન કરાવી શકો છો? લક્ષ્મી, સેન્ટર સંચાલક- મારી પાસે એક કોન્ટેક્ટ છે, હું તમને કહીશ. રિપોર્ટર- મારી ગણતરી જર્મની જવાની છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- હા તો મને કહેજો… હું તમને કરાવી દઈશ. રિપોર્ટર- મારે ડોક્યુમેન્ટ શું આપવાના? લક્ષ્મી, સેન્ટર સંચાલક- 10, 12ની માર્કશીટ, આધાર કાર્ડ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને ફોટો. આ બધુ પીડીએફમાં આપજો. આટલી વાતચીત પરથી સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે અમદાવાદમાં એજ્યુકેશન એકેડમીના નામે ચાલતા આ સેન્ટરના તાર રાજસ્થાન જ નહીં, હિમાચલ પ્રદેશ અને સિક્કીમ સુધી ફેલાયેલા છે. લોકો આવે છે, મોં માગ્યા રૂપિયા આપીને ડિગ્રી લે છે અને કોઈને કાનોકાન ખબર નથી પડતી. ઇન્વેસ્ટિગેશનના આગળના પડાવમાં અમે જોધપુર નેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી. આ ગંભીર પ્રકરણમાં તેમનો જવાબ આવશે તો આ સમાચારમાં ઉમેરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હવામાન વિભાગની આગાહી:આજે સાબરકાંઠા- અરવલ્લીમાં ‎હળવો વરસાદ પડવાની શક્યતા‎
    Next Article
    લાદેન આ ગુજરાતી સિંગરનો હતો જબરા ફૅન:અલકા યાજ્ઞિકના પતિનો દારૂનો બિઝનેસ, અનુરાધા પૌડવાલ સાથેની દુશ્મનીને કારણે ગુલશન કુમારની હત્યા થઈ!

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment