Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસની અછતથી મીની ભારતમાંથી હજારોની હિજરત:રોજગારીના ધામ સુરતમાં 'ચૂલા' ઠર્યા; ગેસની અછત અને મોંઘવારીએ શ્રમિકોને વતન પરત ફરવા મજબૂર, કહ્યું - ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી

    16 hours ago

    'સુરત જેનું નામ, તેનું દુનિયામાં કામ' – આ ઉક્તિ આજે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કદાચ ફિક્કી પડી રહી છે. જે સુરત શહેર લાખો પરિવારોનું પેટ ભરે છે, આજે ત્યાં જ શ્રમિકો ભૂખ્યા પેટે વતન પરત ફરવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી આંખમાં સપના લઈને આવેલા શ્રમિકો અત્યારે ગેસની ભીંસ અને અસહ્ય મોંઘવારીને કારણે પલાયન કરી રહ્યા છે. સપનાઓ પર મોંઘવારીનો માર હજારો કિલોમીટર દૂરથી શ્રમિકો સુરત આશા સાથે આવ્યા હતા કે અહીં રોજગારી મળશે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલશે. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, રોજગારી પણ મળી, પરંતુ હાલની આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના પુરવઠામાં આવેલા વિક્ષેપે આ શ્રમિકોની કમર તોડી નાખી છે. ગરીબોની થાળીમાંથી રોટલી છીનવાઈ શ્રમિકોની વેદના સાંભળતા હૈયું ભરાઈ આવે તેવી સ્થિતિ છે. જે ગેસ અગાઉ 100 પ્રતિ કિલો મળતો હતો, તેના ભાવ આજે ₹300 થી 400 સુધી પહોંચી ગયા છે. અનેક શ્રમિકોના ઘરમાં છેલ્લા ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી. કેટલાક પરિવારો તો માત્ર પાણી પીને દિવસો વિતાવી રહ્યા છે. મોંઘા ભાવે ગેસ ખરીદવો શ્રમિકોના સીમિત વેતન માટે અશક્ય બની ગયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો સુરતનો કરોડો રૂપિયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આ શ્રમિકોના પરસેવા પર ટકેલો છે. જો આ રીતે જ મોટા પાયે હિજરત ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં કારખાનાઓમાં કારીગરોની ભારે અછત સર્જાશે. ઉત્પાદન ઘટશે અને તેની સીધી અસર સુરતના અર્થતંત્ર પર પડશે. શ્રમિકોનું કહેવું છે કે, અમે કમાવા આવ્યા હતા, પણ હવે અહીં જીવવું મુશ્કેલ છે. ગેસ વગર રાંધવું કઈ રીતે? ભૂખ્યા રહેવા કરતા વતન ભેગા થઈ જવું સારું. સુરતની શાન ગણાતા શ્રમિકોની આ હિજરત તંત્ર અને ઉદ્યોગપતિઓ માટે લાલબત્તી સમાન છે. જો વહેલી તકે ગેસના પુરવઠા અને ભાવ પર નિયંત્રણ નહીં આવે, તો ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતું સુરત શ્રમિક વિહોણું બની જશે. સુરત જેવા 'સોનાની મુરત' ગણાતા શહેરમાંથી જ્યારે શ્રમિકોએ ભૂખ્યા પેટે હિજરત કરવી પડે, ત્યારે તે ઉદ્યોગ જગત અને સમાજ બંને માટે ચિંતાનો વિષય છે. નૂતનબેને જણાવ્યું હતું કે, અત્યારે ગેસની સમસ્યાના કારણે બાળકોને લઈને ઘરે જઈ રહી છું. અહીં ગેસ નથી મળી રહ્યો. આ જ તકલીફ છે, કામ-ધંધો બંધ થઈ ગયો છે અને ગેસ નથી મળી રહ્યો. જો જમવાનું જ નહીં મળે તો પછી કામ કેવી રીતે કરીશ? ગેસ ખૂબ મોંઘો થઈ ગયો છે અને મળતો પણ નથી. ત્રણ-ચાર દિવસથી ખૂબ જ તકલીફ છે. જમવાનું સુકું-ભીનું (જેમ તેમ) ખાઈ લઉં છું. બાજુમાં ભાભી રહે છે, તેમના ચૂલા પર બે-ત્રણ દિવસ બનાવીને ખાધું, બસ એટલું જ. ભાગલપુર જઈ રહી છું. ગામ જઈ રહી છું, બીજું શું કરીશ? જ્યારે બધું ફરી શરૂ થશે (પરિસ્થિતિ સુધરશે) ત્યારે પાછી આવીશ. હું સરકારને એટલું જ કહીશ કે ગેસ જલ્દી ચાલુ થઈ જાય તો સમસ્યા ખતમ થઈ જાય. ગેસ 300-400 (રૂપિયા) ની આસપાસ મળતો હતો, પણ હવે એ પણ નથી મળી રહ્યો. બધું બંધ છે. શોધવા છતાં પણ ગેસ મળતો નથી. ત્રણ છોકરાઓ છે. અમે પાંચ સભ્યો છીએ, તો પાંચેય જણનું જમવાનું કોણ બનાવી આપે? ફ્લેટમાં ચૂલો સળગાવવા પણ નથી દેતા. ગેસ નથી મળી રહ્યો એટલે જ જઈ રહી છું. મોંઘવારી વધી ગઈ છે. મોહમ્મદ કરીમ અંસારી (સિલાઈ કામદાર) એ જણાવ્યું હતું કે હું ઝારખંડના ગોડ્ડા જિલ્લાનો રહેવાસી છું. ગૅસની અછતના કારણે અમે અહીંથી ગામ જઈ રહ્યા છીએ. અમે અહીં કામ માટે આવ્યા હતા, પરંતુ કામ કરતાં-કરતાં બે-અઢી મહિના થયા અને આ ત્રીજો મહિનો શરૂ થયો એવામાં જ ગૅસની અછત સર્જાવા લાગી. અમને લાગ્યું કે બે-ચાર દિવસમાં ગૅસના ભાવ ઓછા થઈ જશે. અમારી પાસે જે એક-બે કિલો ગૅસ હતો (નાના સિલિન્ડરમાં) તે પણ ખતમ થઈ ગયો. જ્યારે ગૅસ ખતમ થઈ ગયો અને અમે દુકાને ગૅસ લેવા ગયા, તો ત્યાં ગૅસનો ભાવ 400 રૂપિયે કિલો જણાવવામાં આવ્યો. કોઈ 300, 400 કે 500 રૂપિયા કહેતું હતું. અમે મોટા સિલિન્ડર માટે તપાસ કરી તો તેનો ભાવ 5000 રૂપિયા બોલાયો. અમારી પાસે મોટું સિલિન્ડર નથી એટલે અમે તે ભરાવી શક્યા નહીં. આ કારણોસર અમને ગૅસ મળી રહ્યો નથી. બ્લેકમાં ગૅસ મળી રહ્યો હતો પણ દુકાનદારો કહે છે કે પોલીસ પકડી લે છે એટલે તેમણે દુકાનો બંધ કરી દીધી છે. અમારી પાસે જે ગૅસ હતો તે ખતમ થઈ ગયો છે અને હવે જમવાની કોઈ વ્યવસ્થા નથી. તેથી જ અમે ગામ જઈ રહ્યા છીએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ગૅસની સમસ્યા દૂર કરે, જેથી ખાવા-પીવાની તકલીફ ન પડે. જમવાની તકલીફ લગભગ એક અઠવાડિયાથી, જ્યારથી આ ગૅસની અછત શરૂ થઈ ત્યારથી. ગૅસ પૂરો થઈ ગયા પછી આસપાસના લોકો અમારી મુશ્કેલી જોઈને ક્યારેક ખાવાનું આપે છે, પણ બીજાના ભરોસે કેટલા દિવસ ચાલે? તેઓ એક-બે વાર મદદ કરી શકે, તેનાથી વધારે નહીં. એટલા માટે અમે ગામ જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને કોઈ કામ-ધંધો શોધીશું. કંપનીવાળા પણ કહે છે કે "તમે કામ કરો કોઈ વાંધો નથી, પણ ગૅસની વ્યવસ્થા અમે નહીં કરી શકીએ." એટલે અમે કંપનીમાં પણ કહી દીધું કે અમે ગામ જઈ રહ્યા છીએ. અહીં બધી જ રાશનની વસ્તુઓ મળી રહે છે, પણ ગૅસ નથી મળતો. ગૅસની આ સમસ્યાના કારણે જ અમે ગામ પાછા જઈ રહ્યા છીએ. સુરજ પ્રસાદ (શ્રમિક) એ જણાવ્યું હતું કે અત્યારે તો કામ કરતો હતો અહીંયા જ સુરતમાં. અત્યારે ગેસની તકલીફ થઈ રહી છે એના કારણે અમે ગામ જઈ રહ્યા છીએ, હવે શું કરીએ? ગેસની તકલીફ થઈ રહી છે, મોંઘવારી છે, કાળાબજારી ચાલી રહી છે. આટલી તકલીફ તો કોરોનાના સમયમાં પણ નહોતી પડી જેટલી અત્યારે ગેસ માટે પડી રહી છે. અત્યારે તો જેનો જેવો ભાવ હોય એવું બોલે છે. કોઈ 400, કોઈ 500 તો કોઈ 300 કહે છે. જેની પાસે જેવો માલ છે એ રીતે ભાવ બોલે છે. અને એ પણ મળતો નથી. ખાવાનું તો અત્યારે જેમ તેમ ખાઈ જ લઈએ છીએ. પણ ગેસ નથી મળતો તો જાતે બનાવીને ખાવામાં તકલીફ પડે છે. એટલે જ અમે લોકો ગામ જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયા એક અઠવાડિયાથી આ તકલીફ ચાલી રહી છે. ગામ જઈને હવે ગામમાં જ રહીશ, બીજું શું? અહીંયા તો ભાડાના મકાનમાં રહું છું, ત્યાં થોડું લાકડા પર જમવાનું બનાવવા દેશે? એ તો કહેશે કે રૂમ ખાલી કરો. ગામની વાત જ અલગ છે, પોતાનું ઘર હોય તો ગમે ત્યાં એડજસ્ટ કરી લઈએ. બહાર એડજસ્ટ થોડું થાય? હવે ગેસ મળતો થશે અને મોંઘવારી ઓછી થશે ત્યારે જ આવીશ. સરકારને એ જ કહીશ કે ગેસના ભાવ ઘટાડે અને આનો જલ્દીમાં જલ્દી ઉપાય કરે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 6 શખસોએ કુહાડી-પાઈપના ઘા ફટકારી યુવકનું ખૂન કર્યું:માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો', CP કચેરી પર મૃતદેહ લઈ જવાની ચીમકી
    Next Article
    ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો:ત્રણ ઘા ઝીંકતા ગંભીર, અઢી મહિના પહેલાં ઓનલાઇન ચપ્પુ મંગાવી રાખ્યું'તું, ડાન્સ સમયે પગ વાગતા અદાવત રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment