Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:ચુભન યે પીઠ મેં કૈસી હૈ મુડ કે દેખ તો લે,કહીં કોઇ તુઝે પીછે સે દેખતા હોગા

    5 days ago

    પ્રાચીન, પૌરાણિક, પ્રખ્યાત અને રમણીય નગરી થોડી વાર પહેલાં જ બંધ થયેલા વરસાદમાં નહાઇને સદ્યસ્નાતા સુંદરીની જેમ નગરજનોને ઘરની બહાર આવવા માટે લલચાવી રહી હતી. પર્વતીય નગરના ઢાળવાળા જાહેર માર્ગો પરથી વરસાદનું પાણી દદડીને વહી ગયું હતું. આઠ-આઠ માસની ધૂળ અને ધૂપ ખાઇને મેલાં થયેલાં વૃક્ષોનાં પર્ણો ચમકતો લીલો રંગ ધારણ કરીને મલકી રહ્યાં હતાં. મોરને ઢેલ સાંભરે એવા ભીના, મદીલા વાતાવરણમાં અવિનાશને એની ભાવિ જીવનસંગિની મેઘના યાદ આવી ગઇ. આ ઘટનાને અત્યારે ત્રેંસઠ વર્ષ થયાં. મોબાઇલ ફોનની શોધ તો ત્યારે વૈજ્ઞાનિકોની કલ્પનામાં પણ થઇ ન હતી. લેન્ડલાઇન ફોન પણ આ ટાઉનમાં આવ્યો ન હતો. જૂનવાણી માનસિકતા ધરાવતાં નગરજનો માટે યુવાન સ્ત્રી-પુરુષનું મળવું, તે લાજ-શરમ અને મર્યાદાની હત્યા કરવા સમાન હતું. એટલું વળી સારું હતું કે એ દિવસે કોલેજમાં સામસામે મળી ગયા ત્યારે અવિનાશે મેઘનાને કહી દીધું હતું, ‘જો વરસાદ ન આવે તો આજે સાંજે પાંચ વાગે અમનેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા સાથે જઇશું.’ ‘અને જો વરસાદ આવશે તો?’ મેઘનાની શંકા ખોટી ન હતી. ‘તો નહીં જઇએ. પણ મને લાગે છે કે અત્યારે જે રીતે આકાશ ઘેરાયેલું દેખાય છે તે બપોરના સમયે જ વરસી જશે, પાંચ વાગતા સુધીમાં વરસાદ અટકી ગયો હશે.’ અવિનાશની ધારણા પણ સાવ ખોટી ન હતી. આખરે સ્ત્રીની આશંકા ખોટી પડી, પુરુષની અપેક્ષા ખરી ઠરી. અવિનાશ ચાલતો-ચાલતો ઘરેથી નીકળીને ટોકરિયા શેરીના નાકે પહોંચી ગયો. એની પાસે સાઇકલ હતી પણ એની પાછળ સાઇકલ પર બેસવા માટે મેઘના પોતે જ તૈયાર થાય નહીં. ત્યારનો જમાનો જુદો હતો. અત્યારે તો બાઇક પર બેઠેલાં પ્રેમી-પ્રેમિકાની વચ્ચેથી હવા પણ પસાર થઇ શકતી નથી. પાંચેક મિનિટમાં જ દૂરથી મેઘના આવતી દેખાઇ. એ સાવ પાસે આવી ગઇ એટલે બંનેએ સાથે ચાલવાનું શરૂ કર્યું. અહીંથી આગળનો રસ્તો સાવ એકાંતભર્યો હતો. બંને તરફ લીલાંછમ વૃક્ષોની હારમાળા પોતાની ડાળીઓ રસ્તા પર ફેલાવીને જાણે મેઘના-અવિનાશનાં મસ્તકો ઉપર હેતભર્યા આશીર્વાદ વરસાવી રહી હતી! લગભગ અઢી કિ. મી. જેટલું ચાલ્યા પછી મહાદેવનું મંદિર આવવાનું હતું. હકીકતમાં આ બહાને મેઘના અને અવિનાશ એકમેકનો સંગાથ માણવા ઇચ્છતાં હતાં. અમનેશ્વર મહાદેવનું મંદિર શહેરથી દૂર અને જંગલ જેવા વિસ્તારમાં આવેલું હોવાથી ભાગ્યે જ નગરજનો ત્યાં દર્શનાર્થે જતાં હતાં. વર્ષમાં એક દિવસ ત્યાં મેળો ભરાય ત્યારે હજારો લોકો ઊમટી પડતા હતા. આજે બે વ્યક્તિની સભા હતી અને ભીની હવાનો સન્નાટો હતો. અચાનક એક અજાણ્યા પુરુષે પાછળથી આવીને મેઘનાનો હાથ પકડી લીધો. નખશિખ બદમાશ લાગતા એ પાંત્રીસેક વર્ષના ગુંડાએ કોઇ જ જાતની વાતચીત કર્યા વગર મેઘનાને ઘસડીને પોતાની સાથે લઇ જવા માંડી. મેઘના હેબતાઇ ગઇ, એના મોંમાંથી અવાજ પણ ન નીકળ્યો. અવિનાશને આંચકો તો લાગ્યો હતો, પણ એ તરત જ પરિસ્થિતિ સમજી ગયો. તેણે પેલાને પડકાર્યો, ‘છોડી દે મારી પત્નીને.’ પેલો હસ્યો, ‘પત્ની! મને ખબર છે કે આ તારી ઘરવાળી નથી. આ શહેરનો દરેક પુરુષ જાણે છે કે આવા સમયે આ રસ્તા પર પત્નીને લઇને પસાર થવાય નહીં. આ રૂપાળી છોકરીને આજે હું નહીં છોડું. ઘણા દિવસથી મારી નજર એની ઉપર…’ હવે મેઘનાની જીભ તાળવેથી છૂટી થઇ. એણે ચીસો પાડી, ‘બચાવો! બચાવો! બચાવો!’ એના સદભાગ્યે એ સમયે જંગલખાતાના ચાર કર્મચારીઓ ત્યાં ફરજના ભાગરૂપે કામ કરવા માટે હાજર હતા, તેઓ હાથમાં જાડી લાકડીઓ સાથે દોડી આવ્યા. બદમાશ મેઘનાનો હાથ છોડીને ભાગી ગયો. ‘બહેન, તમારું નસીબ સારું કે અમે આવી પહોંચ્યા, બાકી આ હમીરના હાથમાંથી કોઇ બચીને જઇ શકતું નથી.’ એક જણાએ કહ્યું. ‘આ હમીર હતો? બાપ રે!’ મેઘના અને અવિનાશ બંને ડરી ગયાં. હમીર લૂંટફાટ, મારામારી અને છેડતી માટે નામચીન હતો. અત્યાર સુધીમાં એણે કંઇ કેટલીય સ્ત્રીઓની ઇજ્જત પર હાથ નાખ્યો હશે પણ કોઇ એને અટકાવી શક્યું ન હતું. જંગલખાતાની જીપમાં બેસીને મેઘના અને અવિનાશ વસ્તી સુધી પહોંચી ગયાં. રાત્રે મોડે સુધી બંને અજ્ઞાત ભયથી ધ્રૂજતા રહ્યા. બચી ગયા એ વાતની ખુશી કરતાં શું થયું હોત એ વિચાર બંનેને કંપાવી રહ્યો હતો. હવે જીવનભર એકાંત સ્થ‌‌ળે ન જવું એવો વિચાર બંનેએ કરી લીધો. આવો વિચાર હમીરને ન આવ્યો. મેઘના સંસ્કારી, શીલવાન અને સદર કન્યા હતી. માતાનું રૂપ અને નમણાશ લઇને એ જન્મી હતી. આવી સુંદર યુવતીને પોતાની જકડમાંથી છૂટવા દેવા માટે હમીર રાજી ન હતો. આમ તો એનું કાર્યક્ષેત્ર શહેરથી દૂર આવેલું નિર્જન સ્થ‌ળ રહેતું હતું, પણ હવે એ લાજ-શરમ છોડીને રહેણાંક વિસ્તારમાં આવી ગયો. મેઘના એસ. વાય. બી. એ.માં ભણતી હતી. હમીરે એનો પીછો કરવાનું શરૂ કર્યું. મેઘના એના ઘરેથી નીકળે એટલે થોડેક દૂરથી હમીર એના પાછળ પાછળ ચાલવા માંડે. એની પીઠ ઉપર હાથ મારી લે, ક્યારેક મેઘનાના ગાલ પર ટપલી મારે, ધીમે ધીમે એની હિંમત વધતી ચાલી. એકવાર પોલીસ ચોકીની સામે જ હમીરે મેઘનાનો હાથ પકડી લીધો. આવતાં-જતાં લોકો ચૂપ હતા, પોલીસ નિષ્ક્રિય હતી. મેઘનાએ અવિનાશને વાત કરી. બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા, પ્રતિભાવમાં સલાહ સાંભળવા મળી: ‘બહેન, હમીર ભારાડી બદમાશ છે. એ તો અમારા પર પણ ઘા કરી લે. એને અમે શું કરી શકીએ? તમે જાત સાચવીને ઘરની બહાર નીકળજો.’ અવિનાશ અને મેઘના સ્થાનિક નેતાના ઘરે ગયાં. બધી વાત જણાવી. નેતા સંનિષ્ઠ હતા. એમણે કહ્યું, ‘હમીર જે જ્ઞાતિનો છે એ જ્ઞાતિના પ્રમુખ સાથે હું વાત કરીશ. હમીર મારું તો નહીં માને.’ એક પણ રસ્તો રાહત તરફ લઇ જતો ન મળ્યો. અવિનાશને હમીર તરફથી ઉઘાડી ધમકીઓ મ‌ળતી રહી, ‘તું એ છોકરીને ભૂલી જા, નહીંતર હું તને જીવતો નહીં મેલું. મારે એને મારા ઘરમાં બેસાડવી છે.’ એક આખરી ઉપાય લેખે અવિનાશ અને મેઘના પરણી ગયાં. એમની ધારણા હતી કે હવે હમીર મેઘનાને ભૂલી જશે. હમીર તો વધુ નફ્ફટ અને તોફાની બની ગયો. દિવસ-રાત મેઘનાના ઘરની બહાર ચક્કર કાપતો રહ્યો. મેઘના રડી પડી. એને અમનેશ્વર મહાદેવ પર અનહદ શ્રદ્ધા હતી. એણે પ્રાર્થના કરી, ‘હે દેવાધિદેવ! હમીરથી મને બચાવો. તમે સ્વયં ન આવી શકો તો તમારા એકાદ ભૂતને મોકલી આપો.’ એમ કંઇ ભગવાન થોડો નવરો છે કે આવી ‘નાની-નાની’ પ્રાર્થના સાંભળતો ફરે? એ પછીના ચાર-પાંચ દિવસ સુધી હમીર દેખાયો નહીં. મેઘનાને ‘હાશ’ થઇ. છઠ્ઠા દિવસે અવિનાશ સમાચાર લાવ્યો, ‘મેઘના, આપણી ઉપરથી ઘાત ગઇ. પેલો હમીર સાપ પકડવામાં માહેર હતો. એક ઘરધણીએ એને પોતાના મકાનમાં ઘૂસી ગયેલા કાળોતરા નાગને પકડવા માટે હમીરને બોલાવ્યો. હમીરે નાગને પકડ્યો તો ખરો પણ ક્યાંક એનાથી ચૂક થઇ ગઇ અને નાગે હમીરને દંશ મારી દીધો. હમીર પાણી માગવા જેટલું પણ ન જીવ્યો.’ (શીર્ષક પંક્તિ: શીન કાફ નિઝામ) (સત્ય ઘટના: મેઘનાબા અત્યારે 81 વર્ષનાં દાદીમા છે.)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:જે ગમતું હોય તે મળે નહીં ત્યારે તે વધુ ગમવા લાગતું હોય છે
    Next Article
    દેશ-વિદેશ:રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને અમેરિકા મંજૂરી આપે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment