Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા અને શિસ્ત યુવાઓનો સાચો શણગાર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્કાઉટ્સ-ગાઈડ્સને રાષ્ટ્રનિર્માણ અને પ્રકૃતિની સેવામાં જોડાઈને તપસ્વી બનવા પ્રેર્યા

    10 hours ago

    ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ’ દ્વારા આયોજિત રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહીને યુવા શક્તિને બિરદાવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે યુવાઓને જીવનમાં સેવા, શિસ્ત અને સંસ્કારને આત્મસાત કરી રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સહભાગી થવા હાહવાન કર્યું હતું. મોબાઈલના આભાસી વિશ્વ સામે શિસ્તનો માર્ગ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજના ટેકનોલોજી યુગમાં યુવા પેઢીની દિશા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે આજની પેઢી મોબાઈલ, ટીવી અને વિવિધ વ્યસનોના પ્રભાવ હેઠળ છે, ત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા પર્યાવરણીય કાર્યો સાથે જોડાવ છો, ત્યારે તે માત્ર પ્રવૃત્તિ નથી રહેતી પણ તમારા જીવનનો કાયમી હિસ્સો અને સ્વભાવ બની જાય છે. શાસ્ત્રોના સંદર્ભે તેમણે ઉમેર્યું કે, બાળપણમાં જે સ્વભાવ ઘડાય છે તે જ આજીવન વ્યક્તિત્વની ઓળખ બનીને અંતિમ શ્વાસ સુધી ટકી રહે છે. કિશોરાવસ્થામાં વિવેકબુદ્ધિ અને લાગણીઓનું સંતુલન સાતમા ધોરણથી લઈને કોલેજ સુધીની ઉંમરને અત્યંત સંવેદનશીલ ગણાવતા રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું હતું કે, આ ઉંમરે બાળકો હૃદયથી વધુ અને મગજથી ઓછું વિચારતા હોય છે. શારીરિક અને માનસિક પરિવર્તનોના આ ગાળામાં જે બાળક પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ રાખીને વિવેકબુદ્ધિથી નિર્ણયો લે છે, તે જ સમાજમાં અલગ તરી આવે છે અને સફળતાના શિખરો સર કરે છે. ભૂલ છુપાવવી એ અપરાધનું પ્રથમ પગલું બાળકોને નિર્ભય અને પારદર્શક બનવાની શીખ આપતા તેમણે એક ગંભીર પાસું સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, "મનુષ્ય હોવાને નાતે ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ ભૂલને છુપાવવી એ અપરાધના માર્ગે જવાનું પ્રથમ પગલું છે." જે ક્ષણે બાળક પોતાની ભૂલ છુપાવે છે, તે ક્ષણે જ તેનામાં અપરાધી બનવાના બીજ રોપાય છે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે કોઈ પણ ભૂલ થાય તો તરત જ માતા-પિતા કે ગુરુજનોને જણાવી દેવી જોઈએ, જેથી મનનો બોજ હળવો થાય અને ખોટા માર્ગે જવાથી બચી શકાય. આળસ ત્યજીને તપસ્વી જીવન જીવવાની જરૂરિયાત 'કર્મ જ ધર્મ'ના સૂત્રને સમજાવતા આચાર્ય દેવવ્રતે આળસને મનુષ્યના શરીરનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો હતો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જંગલના રાજા ગણાતા સૂતેલા સિંહના મોઢામાં હરણ પોતે આવીને પ્રવેશતું નથી, તેને પણ પેટ ભરવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. તેવી જ રીતે, જીવનમાં શૈક્ષણિક કે સામાજિક ક્ષેત્રે સફળ થવા માટે તપસ્વી જીવન અને સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિ: પરોપકારની ભાવના સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, જની યુવા પેઢી જંક ફૂડ અને વ્યસનો તરફ વળી રહી છે, જે અંતે કેન્સર અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓને આમંત્રણ આપે છે. માતાના હાથે બનેલું શુદ્ધ ભોજન જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે. વૃક્ષોના મહત્વ વિશે તેમણે કહ્યું કે, આપણે માત્ર 3 વર્ષ એક વૃક્ષને ઉછેરવાનું હોય છે, ત્યારબાદ તે વૃક્ષ આજીવન આપણને પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે. પથ્થર મારનાર વ્યક્તિને પણ મીઠાં ફળ આપનારા વૃક્ષો પાસેથી આપણે પરોપકારની ભાવના શીખવી જોઈએ. નીતિનભાઈ પટેલે રાજ્યપાલના સેવાકીય અભિગમને બિરદાવ્યો આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના પ્રમુખ નીતિનભાઈ પટેલે રાજ્યપાલના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યપાલ માત્ર રાજભવનમાં સીમિત ન રહેતા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં જઈને ખેડૂતો અને ગરીબો સાથે ભોજન લે છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં રોકાઈને પ્રાકૃતિક ખેતીનો જે પ્રસાર કરી રહ્યા છે તે અભૂતપૂર્વ છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે અમદાવાદ ખાતે સ્કાઉટ-ગાઈડના વિશાળ 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ થઈ રહ્યું છે, જે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને ચરિતાર્થ કરશે. પુરસ્કાર વિતરણ અને આંકડાકીય વિગતો રાજ્ય આયુક્ત (સ્કાઉટ) હસમુખભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અંદાજે 40,000 જેટલા સ્કાઉટ્સ-ગાઈડ્સ કાર્યરત છે. વર્ષ 2025-26 માટે કુલ 1,872 સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કાર મેળવ્યો છે, જેમાં 1,032 સ્કાઉટ્સ, 19 રોવર અને 799 ગાઈડ્સનો સમાવેશ થાય છે. આજના આ ભવ્ય સમારોહમાં 17 જિલ્લાના કુલ 815 બાળકોએ પ્રત્યક્ષ હાજરી આપી સન્માન સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય કમિશનર સવિતાબેન પટેલ, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરી, અંજનાબેન ચૌધરી, દિલીપભાઈ ચૌધરી, ડાહ્યાભાઈ પટેલ અને છનાભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્કાઉટ્સ-ગાઈડ્સ દ્વારા દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ન્યાયિક પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા રાજ્ય કક્ષાનો કાયદાકીય સેમિનાર:પોલીસ, પ્રોસીક્યુશન તેમજ સરકારી તબીબોને કાયદાકીય સમજ અપાશે, આ પ્રકારની ટ્રેનિંગ માત્ર ગુજરાતમાં
    Next Article
    ‘My love for luxury comes from my travels across world’: Inside Ameesha Patel’s Mumbai home featuring Versace luxury and a rare MF Hussain collection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment