Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત:ફરસાણના વેપારીઓ મુશ્કેલીમાં, ડીલરે કહ્યું- 'હવે બધું ભગવાન ભરોસે, 'આખું ગુજરાત મુશ્કેલીમાં છે'

    12 hours ago

    ડાયમંડ સિટી અને ખાણીપીણી માટે મશહૂર સુરત શહેરમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ તંગીને કારણે શહેરના હજારો ખમણ-લોચા અને ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. મહિધરપુરા જેવા ભરચક વિસ્તારમાં વર્ષોથી લોચા અને ખમણનો વ્યવસાય કરતા વેપારીઓ હવે ગેસ એજન્સીઓના ધક્કા ખાઈને થાક્યા છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત ફોન કરવા છતાં એજન્સીઓ પ્રતિસાદ આપતી નથી મહિધરપુરા વિસ્તારમાં 'જય જીત લોચો અને ખમણ' નામે જાણીતી દુકાન ધરાવતા રાજેશભાઈ મોદી છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીના ધારકોને સતત ફોન કરી રહ્યા છે. રાજેશભાઈ જણાવે છે કે, "અમે સવારથી સાંજ સુધી એજન્સીમાં ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. જો ભૂલેચૂકે કોઈ ફોન ઉઠાવે તો સીધો જ નકારાત્મક જવાબ મળે છે કે અત્યારે સિલિન્ડર મળશે નહીં." આ પરિસ્થિતિ માત્ર એક વેપારીની નથી, પણ શહેરના સેંકડો નાના-મોટા ખમણ વિક્રેતાઓની છે, જેઓ ગેસ વગર લાચાર બન્યા છે. ડીલરનો લાચાર જવાબ: ‘આખું ગુજરાત મુશ્કેલીમાં છે’ જ્યારે વેપારીઓએ ડીલરો સાથે રૂબરૂમાં અથવા ફોન પર રજૂઆત કરી, ત્યારે ડીલરો તરફથી પણ ચોંકાવનારો જવાબ મળ્યો હતો. ડીલરે સ્પષ્ટતા કરી હતી કે આ સમસ્યા માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક બંને પ્રકારના ગેસ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે. જ્યારે રાજેશભાઈએ પૂછ્યું કે જો ગેસ નહીં મળે તો અમે ધંધો કેવી રીતે કરીશું, ત્યારે ડીલરે લાચારી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "અત્યારે તો બધું ભગવાન ભરોસે છે." વિશ્વપ્રખ્યાત સુરતી લોચો હવે ગેસ વગર અટવાયો સુરતની ઓળખ સમાન લોચો અને ખમણ-ઢોકળા બનાવવા માટે મોટા પ્રમાણમાં ગેસની જરૂર પડે છે. અત્યારે હાલત એવી છે કે સુરતી લોચો બનાવવા માટે પૂરતો ગેસ ઉપલબ્ધ નથી. પરિણામે, જે વેપારીઓ પોતે જ તાજો લોચો બનાવતા હતા, તેઓ હવે અન્ય હોલસેલર્સ પાસેથી તૈયાર વસ્તુઓ લાવીને વેચવા મજબૂર બન્યા છે. પોતાની આગવી ઓળખ અને સ્વાદ જાળવી રાખવો વેપારીઓ માટે પડકારજનક બન્યો છે, કારણ કે બહારથી લાવેલી વસ્તુઓમાં એ તાજગી રહેતી નથી જે ગ્રાહકોને પસંદ હોય છે. એક દિવસનો સ્ટોક બાકી, દુકાનો બંધ થવાની નોબત અનેક ખમણ વિક્રેતાઓએ ગંભીર ચેતવણી આપી છે કે, તેમની પાસે હવે માત્ર એક જ દિવસ ચાલે તેટલો ગેસ બાકી છે. જો આગામી 24 કલાકમાં સિલિન્ડરની ડિલિવરી નહીં થાય, તો તેમને પોતાની દુકાનોના શટર પાડી દેવા પડશે. દુકાનોમાં ખાલી સિલિન્ડરોનો ઢગલો પડ્યો છે, પણ એજન્સીના માણસો તેને લઈ જવા પણ તૈયાર નથી. વેપારીઓનું કહેવું છે કે ગેસ વગર અમારું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, કારણ કે ફરસાણ બનાવવા માટે હાઈ પ્રેશર ગેસની જરૂર હોય છે જે નાના સ્ટવથી શક્ય નથી. વેપારીની વ્યથા: ‘સ્પેશિયાલિટી બનાવવી અશક્ય બની’ રાજેશ મોદીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સપ્લાયર્સ પાસે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી. મારે કદાચ એક-બે દિવસમાં દુકાન બંધ કરવી પડશે. હું બહારથી અમુક વસ્તુઓ લાવીને વેચું છું, પણ જે મારી દુકાનની મુખ્ય 'સ્પેશિયાલિટી' છે, તે બનાવી શકાતી નથી. અમારી પાસે ખાલી સિલિન્ડર પડ્યા છે, પણ નવો માલ આવતો નથી અને કોઈ ખાલી બાટલા પણ લઈ જતું નથી. આ અનિશ્ચિતતાએ અમારા વ્યવસાયને પાયમાલ કરી દીધો છે."
    Click here to Read More
    Previous Article
    સિંગર કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતા વિવાદમાં: VIDEO:'મને અને મારા પતિને કઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર'; સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની માંગ
    Next Article
    ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ:લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી કરાઈ, અત્યાર સુધી માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment