Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડેટા કરતા અંતરાત્મા પર વધારે વિશ્વાસ':ગંભીરે નિર્ણય લેવાનું સિક્રેટ ખોલ્યું; સંજુને તક, ધોનીની કમેન્ટ, અર્શદીપના ગુસ્સાનો બચાવ ને રિંકુના બલિદાન પર હેડ કોચે શું કહ્યું!

    2 days ago

    T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત પછી હેડ કોચ ગૌતમ ગંભીરે ઘણા મુદ્દાઓ પર વાત કરી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે ભારતીય પીચ પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા કહ્યું કે T20 બેટર્સની રમત છે અને ભારતે વિદેશમાં પણ 200થી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકામાં પણ આવો સ્કોર બનાવ્યો છે. ગૌતમ ગંભીરે પોતાની કાર્યશૈલી પર વાત કરતા કહ્યું કે તેઓ નિર્ણય લેતી વખતે ડેટા કરતાં વધુ પોતાની સમજ અને અંતરાત્માના અવાજ પર ભરોસો કરે છે. તેમણે સંજુ સેમસનને સતત તક આપવાનું કારણ, પોતાની નિમણૂક અને ટીમના ભવિષ્ય પર પણ ચર્ચા કરી. આ સાથે જ પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદના ટ્રોફીને મંદિર લઈ જવા પર આપેલા નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો. ‘ભારતમાં વિકેટ તૈયાર કરવાનો આરોપ ખોટો’ T-20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય પીચને લઈને ઉઠેલા સવાલો પર ટીમ ઈન્ડિયાના હેડ કોચે કહ્યું કે ભારત પોતાના ફાયદા માટે પીચ તૈયાર કરે છે, આ આરોપ ખોટો છે અને આવા નિવેદનો ઘણીવાર વિવાદ અને TRP માટે આપવામાં આવે છે. ગંભીરના મતે T-20 ક્રિકેટ હવે બેટર્સની રમત બની ગઈ છે અને દુનિયાભરમાં મોટા સ્કોર બની રહ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ 200થી વધુ રન બનાવ્યા છે, તેથી તેને માત્ર ઘરેલું પીચો સાથે જોડવું યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે ICC ટુર્નામેન્ટમાં પીચની જવાબદારી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની હોય છે, BCCIની નહીં. તેથી ભારત માટે વિકેટ તૈયાર કરવાનો સવાલ જ ઊભો થતો નથી. ગંભીરે કોલંબોમાં પાકિસ્તાન સામેની મેચનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતે ત્યાં લગભગ 180 રન બનાવ્યા હતા, જ્યારે બાકીની ટીમ તે જ પીચ પર લગભગ 140 રન સુધી જ પહોંચી શકી હતી, પરંતુ ત્યારે કોઈએ પીચ પર સવાલ ઉઠાવ્યા ન હતા. T20 મેચમાં દર્શકો મોટા સ્કોર જોવા માંગે છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં પણ હાઈ સ્કોરિંગ મેચ સામાન્ય બની ગઈ છે. 'ડેટા નહીં, મારી સમજ પર ભરોસો કરું છું' ગંભીરનું કહેવું છે કે, ‘કોચ તરીકે નિર્ણય લેતી વખતે હું ડેટા કરતાં મારી સમજ પર વધુ ભરોસો કરું છું. દરેક કોચનો ટીમ પ્રત્યે પોતાનો અલગ વિચાર અને દૃષ્ટિકોણ હોય છે.’ ગંભીરે કહ્યું કે જો મને લાગે કે કોઈ નિર્ણય ટીમ માટે સાચો છે, તો હું તેના પર અડગ રહું છું અને ખોટો સાબિત થવા પર જવાબદારી પણ સ્વીકારું છું. ટીમની રમત, વર્તન અને વાતાવરણ મારી પોતાની વિચારસરણી અને વિઝનનો ભાગ છે, જ્યારે ભવિષ્યમાં આવનાર કોચ પોતાની વિચારસરણી સાથે ટીમને આગળ વધારશે. તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડ્યે હું વીવીએસ લક્ષ્મણ અને અજીત અગરકર જેવા અનુભવી લોકો સાથે ક્રિકેટ પર ચર્ચા કરું છું. સંજુ સેમસન વિશે કહ્યું- ફોર્મ અસ્થાયી છે ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝમાં ખરાબ પ્રદર્શન છતાં સંજુ સેમસનને વર્લ્ડ કપ ટીમમાં જાળવી રાખવા અંગે ગંભીરે કહ્યું, 'મેં તેને એટલા માટે રાખ્યો, કારણ કે મને ખબર હતી કે સંજુ ટીમ માટે ઘણું બધું કરી શકે છે. ન્યૂઝીલેન્ડ સિરીઝમાં તેનો સમય ખરાબ હતો, પરંતુ ફોર્મ હંમેશા એકસરખું રહેતું નથી. તેને એક બ્રેકની જરૂર હતી, જે અમે આપ્યો. જે ખેલાડીએ T20માં 3 સદી ફટકારી હોય, તેની પ્રતિભા પર શંકા કરી શકાય નહીં.' સંજુએ ટુર્નામેન્ટમાં 321 રન બનાવીને વિરાટ કોહલી (2014)નો રેકોર્ડ તોડી નાખ્યો. તે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યો. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની કરો યા મરો મેચમાં અણનમ 97 રન અને ત્યારબાદ સેમિફાઈનલમાં 89 અને ફાઈનલમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. ગંભીરે કીર્તિ આઝાદના નિવેદનની ટીકા કરી ગંભીરે કહ્યું કે T20 વર્લ્ડ કપ જીત ખેલાડીઓની સખત મહેનતનું પરિણામ છે. ખેલાડીઓએ ઘણું દબાણ સહન કર્યું અને પછી આ સફળતા હાંસલ કરી. આવા નિવેદનો આપવા એ પોતાના ખેલાડીઓ અને ટીમનું અપમાન કરવા જેવું છે. હકીકતમાં, ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજીવાર T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું. આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ, કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહ અમદાવાદના હનુમાન મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા અને ટ્રોફી પણ સાથે લઈ ગયા. આ અંગે 1983 વર્લ્ડ કપ વિનિંગ ટીમના સભ્ય અને TMC સાંસદ કીર્તિ આઝાદે કહ્યું કે રમત કોઈ ધર્મ કે જાતિ સાથે જોડાયેલી નથી હોતી અને આ જીત આખા દેશની છે, તેથી ટ્રોફીને મંદિર લઈ જવી યોગ્ય નથી. આઝાદના આ નિવેદનની પૂર્વ ભારતીય સ્પિનર ​​હરભજન સિંહે પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ખેલાડીઓના મંદિર જવાને રાજકારણ સાથે જોડવું ખોટું છે અને એક પૂર્વ ક્રિકેટર પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા નહોતી. આઝાદે ગૌતમ ગંભીરના નિવેદન પર બુધવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ખેલાડીઓનું અપમાન ન થવું જોઈએ. તેમણે કહ્યું કે ખેલાડીઓએ પણ પોતાનું સ્તર અને સ્થિતિનું ધ્યાન રાખવું જોઈએ. ભારત એક લોકતાંત્રિક દેશ છે, જ્યાં તમામ ધર્મોના લોકો રહે છે અને બધાનું સન્માન થવું જોઈએ. આગળનું લક્ષ્ય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ખિતાબ જીતવો ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે હવે પોતાનો આગળનું લક્ષ્ય નક્કી કરી લીધો છે. તેમણે કહ્યું કે આગળનો ટાર્ગેટ ભારતને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની ફાઈનલ સુધી પહોંચાડવું અને ખિતાબ જીતવો છે. ભારતે છેલ્લા બે વર્ષમાં 4 ICC વ્હાઇટ બોલ ટ્રોફી જીતી છે. 2024 T20 વર્લ્ડ કપ, 2025 એશિયા કપ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 T20 વર્લ્ડ કપ. પરંતુ ટીમ હજુ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી શકી નથી. ગંભીરે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ મારા હૃદયની ખૂબ નજીક છે અને હવે સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવવા પર રહેશે. હજુ ભારતને લગભગ 9 ટેસ્ટ મેચ રમવાની છે અને ટીમ રેડ-બોલ ક્રિકેટમાં યુવા ખેલાડીઓને તક આપતી રહેશે. તેમણે સ્વીકાર્યું કે ટેસ્ટ ક્રિકેટ સરળ હોતું નથી, ખાસ કરીને જ્યારે ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી હોય, પરંતુ ખેલાડીઓને સતત સમર્થન આપવામાં આવશે, જેથી ટીમ વધુ સારું પ્રદર્શન કરી શકે. ગંભીરે એમ પણ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં જ ખેલાડીઓની સાચી ઓળખ અને વારસો બને છે. પાંચ દિવસની સખત મહેનત પછી ટેસ્ટ મેચ જીતવાનો જે સંતોષ મળે છે, તે કોઈપણ લિમિટેડ ઓવર મેચ કરતાં વધુ ખાસ હોય છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલાં જય શાહનો ફોન આવ્યો હતો ગૌતમ ગંભીરે જણાવ્યું કે જ્યારે મને ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઓફર મળી, ત્યારે હું તેના માટે સંપૂર્ણપણે તૈયાર નહોતો. ICC ચેરમેન જય શાહ (ત્યારે BCCI સેક્રેટરી)એ IPL દરમિયાન સવારે ફોન કર્યો અને કહ્યું કે હું આ જવાબદારી માટે ના પાડી શકતો નથી. ગંભીરના મતે, 'આ ઘટના IPL 2024ની છે, જ્યારે હું કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર હતો. અમે મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમવાની તૈયારી કરી રહ્યા હતા. જય શાહે મને સવારે વહેલા ફોન કર્યો. કહ્યું કે તેમની પાસે મારા માટે એક ઑફર છે અને હું તેમને ના પાડી શકતો નથી. તેમણે મને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવાનો પ્રસ્તાવ આપ્યો. સાચું કહું તો તે સમયે હું તૈયાર નહોતો, આ મારા માટે એક મોટું સરપ્રાઈઝ હતું.' મુશ્કેલ સમયમાં જય શાહે હિંમત વધારી, હાર પછી કર્યો હતો ફોન ગંભીરે હેડ કોચ પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ જય શાહનો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની હોમ ટેસ્ટ સિરીઝ હાર્યા પછી તેઓ ખૂબ નિરાશ હતા. ગંભીરે કહ્યું, 'જ્યારે અમે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા, ત્યારે હું ખૂબ જ નિરાશ અનુભવી રહ્યો હતો. ત્યારે જય શાહનો ફોન આવ્યો અને તેમણે મને મજબૂત રહેવા કહ્યું. મુશ્કેલ સમયમાં મળેલા તે સમર્થનને હું હંમેશા યાદ રાખીશ.' ગંભીરે જય શાહના પ્રશાસક તરીકેના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે મહિલા ક્રિકેટરોનો પગાર સમાન કર્યો અને વુમન્સ પ્રીમિયર લીગ (WPL) શરૂ કરી. આ સાથે ક્રિકેટને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવું પણ એક ઐતિહાસિક પગલું છે. ધોનીની કોમેન્ટ પર કહ્યું- ક્યારેક ઇચ્છા હોવા છતાં હસી શકતો નથી મહેન્દ્ર સિંહ ધોનીએ જીત બાદ ગંભીરની તસવીર પર કોમેન્ટ કરી હતી કે, 'તમારા પર સ્મિત સારું લાગે છે.' આના પર હસતા ગંભીરે કહ્યું, 'ધોનીનું પોસ્ટ કરવું સારી વાત છે. પરંતુ જ્યારે તમે ડગઆઉટમાં હોવ છો ત્યારે એટલું બધું દાવ પર લાગેલું હોય છે કે તમે ઇચ્છા હોવા છતાં હસી શકતા નથી. ભારતમાં હારવું કોઈ વિકલ્પ નથી, તેથી દબાણ ખૂબ વધારે રહે છે.' ગંભીરે રિંકુ પર કહ્યું ‘દેશે આવા બલિદાનોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં’ T20 વર્લ્ડ કપ 2026ની જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે રિંકુ સિંહના સમર્પણની પ્રશંસા કરી છે. ટુર્નામેન્ટ દરમિયાન રિંકુના પિતાનું નિધન થયું હતું, તેમ છતાં તે અંતિમ સંસ્કાર પતાવીને દેશની સેવા માટે ફરી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો હતો. ગંભીરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "આ ત્યાગ કેટલા મોટા છે. તમે વિદેશ પ્રવાસ પર હોવ અને પરિવારમાં કંઈક અઘટિત બને છતાં તમે તરત પહોંચી શકતા નથી. આવા બલિદાન આપનાર ખેલાડીને જો આપણે અંડર-વેલ્યુ કરીએ તો તે ખૂબ જ ખરાબ બાબત છે. રિંકુએ પિતાના નિધન પછી જે રીતે ટીમ જોઈન કરી, તેમાં ઘણી હિંમતની જરૂર પડે છે. મારી નજરમાં કોઈ પણ ખેલાડી ક્યારેય ઓછો આંકવામાં આવશે નહીં. દેશે આવા બલિદાનોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં." ગૌતમ ગંભીરે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનો બચાવ કર્યો ગંભીરે કહ્યું કે 8 ફેબ્રુઆરીએ રમાયેલી ફાઈનલ મેચ દરમિયાન અર્શદીપે ગુસ્સામાં ન્યૂઝીલેન્ડના બેટર ડેરીલ મિચેલ તરફ બોલ ફેંક્યો હતો, જે તેના પેડ્સ પર વાગ્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ગંભીરે કહ્યું કે મેદાન પર વિરોધી ટીમ હરીફ હોય છે અને મેચ દરમિયાન ખેલાડીઓમાં આક્રમકતા હોવી સ્વાભાવિક છે. તેમના મતે જો કોઈ બોલરને સતત બે બોલ પર છગ્ગા લાગે તો તેનું આક્રમક થવું ખોટું ગણી શકાય નહીં. ગંભીરે એમ પણ કહ્યું કે અર્શદીપે જે કર્યું તે ક્યાંયથી પણ ખોટું નહોતું. જોકે અર્શદીપે બાદમાં માફી માગી, જે રમતગમતની ભાવનાની દ્રષ્ટિએ સારી વાત છે, પરંતુ તેમના મતે આ માટે માફી માગવાની જરૂર નહોતી. ----------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો,,, જસપ્રીત બુમરાહ T20 ઓછું, વન-ડે વધુ રમશે: 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારી પર રહેશે ફોકસ, વર્કલોડ મેનેજ કરશે બોર્ડ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે T20 સિરીઝ ઓછી રમશે. તેઓ 2027 વર્લ્ડ કપ સુધી વધુ વન-ડે મેચ રમશે. ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ રણનીતિ બનાવી રહ્યા છે. જેથી 2027 વર્લ્ડ કપ માટે તેમની તૈયારી વધુ સારી બની શકે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની બેટરને પછાડીને ઈશાન નંબર-1 બનવાની નજીક:સેમસનની પણ ICC રેન્કિંગ્સમાં લાંબી છલાંગ, હાર્દિકે કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું
    Next Article
    'કબડ્ડીના ચાણક્ય' રણધીર સિંહ સેહરાવત ગુજરાતના મુખ્ય કોચ તરીકે નિયુક્ત:અર્જુન એવોર્ડ વિજેતા સેહરાવત PKLના સૌથી અનુભવી કોચમાંના એક છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment