Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલપંપમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું:ખૂંખાર ગુનેગાર મનીષસિંહે ડબલ મર્ડર કરી બોટાદને ધ્રૂજાવ્યું, નાસ્તાની લારીથી શરૂ થયેલું ઓપરેશન મુંબઇ પહોંચ્યું

    2 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એક એવા ખૂંખાર ગુનેગારની જેને 3-3 રાજ્યોની પોલીસ શોધતી હતી. ઉત્તર પ્રદેશમાં 15, ગુજરાતમાં 4 અને મહારાષ્ટ્રમાં 1 ગુનામાં ફરાર મનીષસિંહ નામના એક આરોપીની ક્રાઇમ કુંડળીમાં 2 કેસ તો એવા હતા જે બોલિવૂડની 2 પ્રખ્યાત હિરોઇન સાથે જોડાયેલા હતા. હત્યા, ખંડણી, ફાયરિંગ, હથિયાર.... એકપણ ગુનો એવો નહોતો કે જે મનીષના નામે ન બોલતો હોય. ગુજરાત પોલીસે મુંબઇમાં દિલધડક ઓપરેશન કરીને તેને દબોચી લીધો હતો. 8 એપ્રિલ, 2014ની વાત છે. રાત્રે 8:45 વાગ્યે અમદાવાદના મદદનીશ પોલીસ કમિશનર (ACP) એન.ડી.ચૌધરી પોતાની ઓફિસમાં બેઠા હતા. એક જરૂરી કામમાં પરોવાયેલા હતા તેવામાં જ તેમનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર તેમના પરિચિત બાતમીદારનું નામ આવ્યું અને ACP ચૌધરીએ કોલ રિસિવ કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો- સાહેબ, લાલ ટી-શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો એક શખસ જૂના વાડજમાં દશા માતાના મંદિર સામે આવેલા ખૂશ્બુ નાસ્તા સેન્ટર પર બેઠો છે. એની પાસે પિસ્તોલ છે. નામ છે કમલસિંહ. ACP ચૌધરીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્લાન તૈયાર કર્યો. આ કોઇ સામાન્ય વાત નહોતી એટલે વધારે કાળજી રાખવી પડે તેમ હતી કેમ કે ભીડભાડવાળો વિસ્તાર હતો અને કમલસિંહ પાસે હથિયાર હતું. જો જરા સરખી પણ ચૂક થાય તો નિર્દોષ નાગરિકોનું લોહી વહે તેમ હતું. થોડી જ વારમાં ACP ચૌધરીએ આદેશ કર્યો કે એક ટીમ તૈયાર કરો. પિસ્તોલ સાથે ફરતા આરોપીને પકડવાનો છે. આદેશ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર અરવિંદભાઇ સોમાભાઇ, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર નજીમમિયાં કાસમમિયાં, પોલીસ કોન્સ્ટેબલ રામનરેશ રામદાસભાઇ, મહેતાબજી લક્ષ્મણજી અને જાવેદખાન યાસીનખાન પંચોને સાથે રાખીને તૈયાર હતા. પોલીસના 2-3 વાહનો તરત જ પગથિયાં પાસે પહોંચી ગયા. ધડ... ધડ... અવાજ સાથે દરવાજા ખૂલ્યા અને પોલીસ સ્ટાફ વાહનોમાં ગોઠવાઇ ગયો. બીજી જ સેકન્ડે ડ્રાઇવરે વાહનોને જૂના વાડજની દિશામાં હંકારી મૂક્યા. રાતનો સમય હોવાથી શહેરમાં થોડો ઘણો ટ્રાફિક હતો. આ ટ્રાફિકને ચીરતી પોલીસ જૂના વાડજમાં દશા માતાના મંદિર પાસે પહોંચી ગઇ. પોલીસને જોઇને કમલસિંહ ભાગી ન જાય અને તેને ખબર ન પડે તે રીતે આખું ઓપરેશન પાર પાડવાનું હતું. વળી પાછું તેની પાસે પિસ્તોલ પણ હતી એટલે પોલીસથી બચવા માટે તે ફાયરિંગ પણ કરે તેવી શક્યતા હતી. પોલીસે કોઇપણ જાતની ઉતાવળ કરવાને બદલે કે ફિલ્મી સ્ટાઇલથી ગાડીઓ સાથે ખૂશ્બુ નાસ્તા સેન્ટર પર પહોંચવાને બદલે ગાડીઓ મંદિરથી થોડે દૂર મૂકી દીધી. તેમાંથી એક પછી એક પોલીસ જવાનો નીચે ઉતર્યાં. નીચે ઉતરીને સૌએ એકસાથે નાસ્તા સેન્ટર પર પહોંચવાને બદલે છુટા પડીને બિલ્લી પગે પહોંચવાનું નક્કી કર્યું હતું. હવે સ્ટ્રીટ લાઇટના પીળા પ્રકાશમાં પોલીસકર્મીઓ ઉતાવળા પગલાં માંડી રહ્યા હતા. કમલસિંહ છટકી જાય તે પહેલાં તેને દબોચવાનો હતો. થોડી જ મિનિટોમાં પોલીસ જવાનો ખૂશ્બુ નાસ્તા સેન્ટર પર ઊભા હતા. નાસ્તા સેન્ટર પર નજર પડી તો લાલ ટી શર્ટ અને ખાખી પેન્ટમાં સજ્જ થયેલો કમલસિંહ નિશ્વિંત થઇને ખુરશીમાં બેઠો હતો. તેને અંદાજો પણ નહોતો કે તે હવે પોલીસના હાથે પકડાવાનો છે. પોલીસના જવાનો ચારેતરફ વિખરાઇ ગયા અને કમલસિંહને ઘેરી લીધો. તે આઘોપાછો થાય તે પહેલાં જ વીજળી વેગે ત્રાટકીને તેને બોચીએથી પકડી લીધો. કમલસિંહને હલવાની તક પણ ન મળી. જે કમલસિંહ થોડી સેકન્ડ પહેલાં નિશ્ચિંત થઇને ખુરશીમાં બેઠો હતો તે હવે એકદમ ડઘાઇ ગયેલી હાલતમાં હતો. તેના ચહેરા પર ડર અને ગભરામણ સ્પષ્ટ દેખાતા હતા. બોચી પર પડેલા મજબૂત હાથોએ તેને એટલો તો અનુભવ કરાવી દીધો હતો કે આ હાથ પોલીસના છે. થથરતા અવાજે તેણે પૂછ્યું- કોણ છો તમે? સામેથી જવાબ મળ્યો- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. કોઇપણ હોંશિયારી કરતો નહીં. તુ અમારી પકડમાંથી છૂટી શકે તેમ નથી. પોલીસ જવાનોનો આ જવાબ સાંભળીને કમલસિંહ ઢીલો પડી ગયો. તેને ખ્યાલ આવી ગયો કે હવે કંઇ થઇ શકે તેમ નથી. પોલીસે સ્થળ ઉપર જ તેની તલાશી લીધી. જેમાં તેની કમરની પાછળની ફેટના ભાગેથી એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસે સાવચેતીથી પિસ્તોલનું મેગઝીન કાઢીને જોયું તો તેમાં 4 કારતૂસ લોડ કરેલા હતા. જેનો અર્થ હતો કે કમલસિંહ એ ગણતરીમાં જ બેઠો હતો કે ગમે ત્યારે કંઇ જરૂર પડે એટલે પિસ્તોલ કાઢીને સીધું ફાયરિંગ જ કરી શકાય. PSI આર.બી.રાણાએ કમલસિંહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે કમલસિંહની પૂછપરછ કરી તો તે જૂના વાડજમાં દશા માતાના મંદિર સામે આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું ખૂલ્યું હતું. અહીંથી આખા કેસમાં ખૂંખાર ગુનેગાર મનીષસિંહની એન્ટ્રી થવાની હતી. પોલીસે જ્યારે કમલસિંહને પૂછ્યું કે તુ આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો ત્યારે તેણે મનીષસિંહનું નામ દીધું. તેણે કહ્યું કે મેં આ પિસ્તોલ મનીષસિંહ પાસેથી ખરીદી હતી. મનીષસિંહનું નામ સાંભળતાં જ પોલીસ ચોંકી ગઇ કેમ કે અંદાજે ત્રણેક મહિના પહેલાં જ પ્રેમ લગ્ન મામલે બોટાદમાં ડબલ મર્ડર કરીને મનીષસિંહે આખા પંથકને હચમચાવી મુક્યો હતો. હવે મનીષસિંહના ગુનાહિત ઇતિહાસના કાળા પાના ખુલવા લાગ્યા હતા. વાતની શરૂઆત વર્ષ 1999થી થાય છે. બોટાદમાં પેટ્રોલપંપ, મલ્ટિપ્લેક્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા ભરત વાળાએ 1999માં સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના એક ગામના સરદારસિંહની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી સરદારસિંહના પરિવારજનો નારાજ હતા. 28 જૂન, 2001ના દિવસે સરદારસિંહ અને બીજા 2 લોકોએ સાથે મળી ભરત વાળાના પિતા બહાદુરભાઇ પર ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી. આ કેસમાં સરદારસિંહનું 2003માં મૃત્યુ થયું હતું જ્યારે કોર્ટે બાકીના 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઘટનાના અંદાજે 13 વર્ષ બાદ એટલે કે 21 જાન્યુઆરી, 2014ના રોજ સાંજના સાડા સાત વાગ્યા આસપાસ ભરત વાળા પોતાના પેટ્રોલપંપની ઓફિસમાં હતા. આ સમયે તેમના પરિચિત રણછોડભાઇ કેવડિયા અને જીતેશભાઇ કેવડિયા લગ્નની કંકોતરી આપવા માટે આવ્યા હતા. આ બધા પેટ્રોલ પંપની ઓફિસમાં બેઠા હતા. એ સમયે યુવરાજસિંહ અને બીજો એક અજાણ્યો શખસ ત્યાં આવ્યા હતા અને કોઇ કંઇ સમજે તે પહેલાં જ ભરતભાઇ અને તેની નજીક કાર્પેટ પર બેઠેલા રણછોડભાઇ પર અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. થોડી જ સેકન્ડમાં બન્નેના મોત નિપજ્યાં. આના પછી યુવરાજસિંહ અને તેની સાથે આવેલો અજાણ્યો શખસ ભાગી ગયા હતા. આ અજાણ્યો શખસ બીજું કોઇ નહીં પણ મનીષસિંહ હતો. ગુજરાતમાં મનીષસિંહના નામે આ વધુ એક ગુનો નોંધાયો હતો. હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયેલા મનીષસિંહનો વર્ષો સુધી કોઇ પત્તો નહોતો. મનીષસિંહ કોઇ સામાન્ય ગુંડો નહોતો. તેના પર ઉત્તર પ્રદેશની વારાણસી પોલીસે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આવા ગુનાઓમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડવા ઘણીવાર પોલીસ ખાસ ઝુંબેશ ચલાવતી હોય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ઝુંબેશ ઘણીવાર કરે છે. મનીષસિંહ ફરાર થઇ ગયાના 7 વર્ષ બાદ એટલે કે 2021માં ક્રાઇમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં તત્કાલીન પીઆઇ એસ.એમ.પટેલને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશના ખૂંખાર સુભાષસિંહ ઠાકુર ગેંગનો ઇનામી વોન્ટેડ મનીષસિંહ હાલમાં મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં છે. તે રશ્મિ ગાર્ડન, એવરશાઇન સિટી, વસઇમાં રહે છે. મનીષસિંહ સામે બોટાદમાં ડબલ મર્ડર, અમદાવાદ અને વડગામમાં હથિયારનો ગુનો નોંધાયેલો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચ તરત જ હરકતમાં આવી અને મનીષસિંહને પકડવાનો પ્લાન તૈયાર કર્યો. પોલીસ જાણતી હતી કે મનીષસિંહ કોઇ સામાન્ય ગુનેગાર નહોતો. મનીષસિંહના તાર બોલિવૂડની ગ્લેમરસ દુનિયા સાથે પણ જોડાયેલા હતા. હવે સવાલ એ હતો કે વર્ષોથી પોલીસને થાપ આપનારો મનીષસિંહ શું આ વખતે સરળતાથી પકડાઇ જશે? પોલીસ તેને કેવી રીતે પકડશે? બોલિવૂડની એ 2 પ્રખ્યાત હિરોઇન કોણ હતી? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી બદલશે ગુરુની ચાલ:2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે, કન્યા-ધનના જાતકોનો રાજયોગ શરૂ; જાણો ગ્રહનું ગોચર તમારા માટે કેટલું શુભ
    Next Article
    ગુજરાતની વેપારી સંસ્થાએ યુદ્ધમાં ફસાયેલા માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું:સામાન ઓછો રાખવાની અપીલ કરી, બિઝનેસમેન સહિત 6 લોકો સુરક્ષિત અમદાવાદ પાછા ફર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment