Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિફ્લેક્શન:ચીની કમ

    3 days ago

    નમ્રતા દેસાઈ 2025માં હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ ક્રિસ્ટીના કુપરની સુગર બેબી નામની ફિલ્મમાં વહાલના ગળપણનો અતિરેક દર્શાવ્યો છે. તો બીજી તરફ આપણી હિન્દી ફિલ્મ ચીનીકમમાં ઉંમરના ગેપ કારણે વહાલની મીઠાશ જાહેર કરતાં બચ્ચન સર થોડા અચકાય છે. બંને ફિલ્મમાં જીવનનું ગળપણ અંતિમ છેવાડા પર પ્રસ્તુત થયું છે. આપણી રિયલ લાઈફમાં પણ જો ગળપણ થોડું વધતું ઓછું થાય ત્યારે આપણા બીહેવિયરમાં પણ ચેન્જ આવે. પરંતુ, છેલ્લા થોડા વર્ષોથી સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટીના સોશિયલ મીડિયામાં આવતા પોડકાસ્ટ કે રિલ્સમાં No સુગર સ્ટેટ્સથી હેલ્થ અવરનેસને કારણે ઘણાં ખરાં લોકોએ સુગરને સંપૂર્ણપણે તિલાંજલી આપી દીધી છે. હવેના આલ્ફા ચાઈલ્ડ માટે ડોકટરો પણ મમ્મીઓ સાથે આવનાર સંતાન માટે સંપૂર્ણપણે થોડા વર્ષો સુધી એમને સુગર કવીટ ઝોનમાં મૂકી દે છે. 50 કે એની ઉપરની ઉંમર ધરાવતા આપણા પરિવારોમાં ઘણાં વડીલો દૂધપાક, વેઢમી, શીરો કે બાસુંદી ખાવાની ઈચ્છા ધરાવતા હોય છે. બે કે ત્રણ ચમચીમાં પણ એમનો આહાર આનંદ અદકેરો હોય છે. ગળપણ છે જ એવું કે ખાવા જાય તો પરિવાર અને ડોક્ટર ચેતવે અને એનાથી આઘા રહીએ તો મન મૂંઝાય! તો અમૂક લોકો સ્વાભાવે એટલા બધા મીઠ્ઠા હોય કે ઘણીવાર અસલી કે નકલીનો ભેદ પામવો મુશ્કેલ થઇ પડે. સુગર કોટેડ માણસો ઘણીવાર બીજાના જીવનમાં મુશ્કેલીઓનુ બોક્સ ગિફ્ટ કરવામાં હોશિયાર હોય છે. આ સુગર એટ્લે કે ખાંડ આજના સમયમાં સામાન્ય ભલે વસ્તુ કે ઝેર લાગતું હોય, પરંતુ આ મીઠી મધુરી સૌની મીઠડી એવી ખાંડનો હજારો વર્ષ પહેલાં આરંભ શેરડીમાંથી થયો હતો. ઈતિહાસકારો અનુસાર ખાંડનું પ્રથમ ઉત્પાદન ભારતમાં અંદાજે 8000 વર્ષ પહેલા થયું હતું. સૌ પહેલા ભારતમાં ઉખડનો રસ ઉકાળી ઘન સ્વરૂપે ખાંડ બનાવવાની કળા વિકસિત થઈ એટલે ભારત – ખાંડનું મૂળ કેન્દ્ર કહેવાય. આ ખાંડ અલગ અલગ ભાષામાં જેમ કે સંસ્કૃતમાં ‘શર્કરા’ કહેવાય તો આ શબ્દ પરથી જ અંગ્રેજીનું Sugar, અરબીનું Sukkar અને ફારસીનું Shakar શબ્દ વિકસ્યા. પ્રાચીન ભારતમાં તો ખાંડ એક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાતી હતી. ઈસ. પૂર્વે 325માં એલેક્ઝાન્ડર ભારત આવ્યો ત્યારે યુરોપે પહેલીવાર ખાંડ વિશે જાણ્યું. બાદમાં અરબ વેપારીઓ દ્વારા ખાંડ મધ્ય પૂર્વ, ઈરાન અને ઉત્તર આફ્રિકામાં ફેલાઈ. 11મી–12મી સદીમાં ખાંડ યુરોપ પહોંચી. 15મી–18મી સદીમાં યુરોપીયન દેશોએ ખાંડને ‘સફેદ સોનું’ માન્યું. કેરેબિયન અને દક્ષિણ અમેરિકા વિસ્તારમાં ખાંડના એટલે કે શેરડીના ખેતરો ઊભા થયા.આ સમયગાળા દરમિયાન દુર્ભાગ્યવશ દાસ પ્રથા સાથે પણ ખાંડનો ઈતિહાસ જોડાયેલો છે. કે આ શેરડીનો રસ પીલવા માટે ગરીબ દેશોમાંથી ભૂખમાં સબડી રહેલા લોકોને પકડી પકડીને ગુલામ બનાવીને આ કામ સોંપવામા આવતું. 18મી સદીમાં ચુકંદર (Sugar Beet)માંથી ખાંડ બનાવવાની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખાંડનું ઉત્પાદન સસ્તું અને વ્યાપક બન્યું. આજે વિશ્વમાં ભારત, બ્રાઝિલ અને થાઈલેન્ડ ખાંડના મોટા ઉત્પાદક દેશો ગણાય છે. આજના સમયમાં ખાંડ સ્વાદ માટે મહત્ત્વની ખરી, પરંતુ વધુ ખાંડ ડાયાબિટીસ, મોટાપો અને હૃદયરોગ માટે નુકસાનકારક છે. મીઠાશ સાથે સંસ્કૃતિ, અને વેપાર માટે ભારત દેશ ખાંડની નિકાસ કરવામાં અવ્વલ ગણાય છે. પરંતુ આ ખાંડ આપણા શરીરમાં કેટલું નુકશાન કરે છે એ વિશે હવે સમાજમાં, પરિવારમાં લોકો ઘણું સમજતા થયા છે. જો રોજબરોજના આહારમાંથી ખાંડની બાદબાકી કરવામાં આવે અનેક રોગોમાંથી મુક્તિ ચોક્કસ મળે છે. પરંતુ જે આહારની આદત આપણને ગળથુથીમાં મળી હોય ખાસ કરીને ગુજરાતીઓને તો દાળ, શાક, ખીચડી-કઢીમાં કે ઢોસા-સાંભાર અરે ચાઇનીસ અને ઇટાલિયન મેનુમાં પણ જો ખાંડ જોઈતી હોય તો પછી પેટનો ઘેરાવો ઓછો કરવા કેટલી કેટલી અને કેવી કેવી તરકીબ અને રૂપિયાનું રોકાણ કરવું પડે છે એ જાણીને આશ્ચર્ય થાય! આહારમાંથી આ ખાંડની આદત છોડવી અઘરી તો ખરી પણ અશક્ય નથી. પરંતુ આ જ ખાંડ આપણા મગજમાં ડોપામાઈન નામનું ‘ફીલ-ગુડ’ કેમિકલ પણ વધારતી હોય છે. ત્યારે અચાનક ખાંડ બંધ કરીએ, તો મગજ થોડા સમય માટે એ બદલાવ સ્વીકારી શકતું નથી. એટલે આ સમય દરમિયાન ચીડિયાપણું, મૂડ ચેન્જ, માથાનો દુખાવો, થાક, મીઠાઈની તીવ્ર ઈચ્છા. ડિપ્રેશન કે બ્રેન ફોગ જેવી સ્થિતિ ઉદભવે. સામાન્ય રીતે આ ‘Sugar Withdrawal’ કહેવાય છે. પરંતુ આ તબક્કો કાયમી નથી. માત્ર થોડા દિવસો માટે જ રહે છે. પછી શરીર ધીમે ધીમે સ્થિર ઊર્જા સ્ત્રોતો (દાળ, અનાજ, પ્રોટીન) પર આધાર રાખવાનું શીખી જાય છે. આજકાલ વડીલો કરતાં પણ યંગ જનરેશન આ કડવી સુગર પ્રત્યે અવરનેસ વધી છે. રેસ્ટોરન્ટ અને કેફેમાં પણ હવે નો સુગર મેનુ હોય છે. અરે, આઈસ્ક્રીમ પણ સુગર વગરના મળે છે. ન્યૂ જનરેશન ન્યૂ ટ્રેન્ડમાં આ મધમીઠી સાકરથી દૂર થવામાં જોજો દિલની મીઠાશ કડવી ન થઇ જાય!! સેલ્ફ ડિસ્પ્લીન સુગર હોય કે સંબંધ બંનેમાં મહત્ત્વની છે. બાકી સુગર ડેડી કે કેન્ડી બેબી જેવા વ્યક્તિત્વથી થોડા આઘા રહેવું સારુ નહીં તો દિલ દિમાગ, અને શરીર ત્રણેય મધુપ્રમેહના શિકાર થઈ શકે. એટલે જીવનમાં ક્યારેક ચીનીકમ હોય તો ચલાવી લેવાનું!!
    Click here to Read More
    Previous Article
    પરખ:તમે મેદસ્વી છો? તો જાણો આ 7 ડાયેટ પ્લાન
    Next Article
    આધુનિક પ્રેમમાં મીઠાશ અને દુઃખ:Gen Z અને આધુનિક સંબંધો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment