Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાઉદને શારજાહ સ્ટેડિયમમાં મારવાનો પ્લાન કેમ ફેલ ગયો?:મુંબઇના ડોન હુસૈન ‘ઉસ્તરા’ની અસલી કહાની, દાઉદના સામ્રાજ્યને એકલે હાથે હચમચાવી નાખ્યું

    8 hours ago

    શારજાહના સ્ટેડિયમમાં જ દાઉદ ક્લીન બોલ્ડ થઈ જાત! 1990 ના દાયકાની શરૂઆત શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ, UAE. ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ભવ્ય ક્રિકેટ મેચ ચાલી રહી હતી. હજારો દર્શકોનો અવાજ આસમાને પહોંચી ગયો હતો. પરંતુ આ હોબાળા વચ્ચે કેટલાક લોકોની નજર મેદાન પર રમાઈ રહેલી રોમાંચક રમત પર નહીં, પણ VIP બોક્સ પર કેન્દ્રિત હતી. ત્યાં કાચની દીવાલો પાછળ અંડરવર્લ્ડનો તાજ વગરનો બાદશાહ દાઉદ ઇબ્રાહિમ કાસકર બેઠો હતો. પોતાની જીતના નશામાં તે કોઈ પરવા કર્યા વિના મેચનો આનંદ માણી રહ્યો હતો. તેને ખ્યાલ નહોતો કે તે જ ભીડમાં મૃત્યુ તેનો પીછો કરી રહ્યું છે. સ્ટેડિયમમાં કાચનાં ખંજર, ઝેરી સોય લઇને ઘૂસી ગયા હજારો ક્રિકેટરસિયાઓની ભીડમાં કેટલાક સામાન્ય દેખાતા, પરંતુ ખૂંખાર ગેંગસ્ટર પણ હતા. તેમની પાસે બંદૂકો નહોતી, કારણ કે સ્ટેડિયમની કડક સુરક્ષામાં બંદૂકો સાથે ઘૂસવું અશક્ય હતું. પરંતુ તેમની પાસે શસ્ત્રો હતાં. એવાં શસ્ત્રો જે કોઈ શોધી શકે તેમ ન હતું. તીક્ષ્ણ અણીવાળી છત્રીઓ, કાચના ટુકડાથી બનાવેલાં ગુપ્ત ખંજર અને ઝેર પાયેલી સોય. 1993ના મુંબઈ બ્લાસ્ટના મુખ્ય આરોપી ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમને મારવાની આ અત્યાર સુધીની સૌથી હિંમતવાન યોજના હતી. પણ તે કોઈ પોલીસ અધિકારી કે હરીફ ગેંગ દ્વારા નહીં, પરંતુ મુંબઈની એક વિધવા અને વાળંદના દીકરા દ્વારા ઘડવામાં આવી હતી. તે સ્ત્રી હતી સપના દીદી, અને તે માણસ હતો હુસૈન ‘ઉસ્તરા’. જેવો દાઉદ બહાર નીકળે કે તરત જ… સિગ્નલની રાહ જોવાઈ રહી હતી. જેવો દાઉદ કાચના બોક્સની બહાર નીકળે તે સાથે જ નાસભાગ મચી જવાની હતી અને તે અંધાધૂંધીમાં દાઉદને એક પછી એક જીવલેણ ઘા વાગીને તેનો ખાત્મો બોલી જવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ ભાગ્યએ દખલ કરી. કદાચ દાઉદને પોતાના પર હુમલો થવાની આશંકા હતી, અથવા તો તેની છઠ્ઠી ઇન્દ્રિયને ભયનો ખ્યાલ આવી ગયો હતો. મેચ સમાપ્ત થાય તે પહેલાં તે તેની વિશાળ સુરક્ષા ટુકડી સાથે ઘટનાસ્થળેથી નીકળી ગયો. દાઉદના ઘરમાં ઘૂસીને મારવાનો પ્રયાસ કરનાર કોણ હતો? દાઉદની હત્યા કરવાની યોજના નિષ્ફળ ગઈ, પરંતુ આ ઘટનાએ સમગ્ર અંડરવર્લ્ડમાં ખળભળાટ મચાવી દીધો. શારજાહમાં દાઉદ ઇબ્રાહિમના ઘરમાં ઘૂસીને કોઈ તેને મારવા માટે પહોંચ્યું હતું. દાઉદને સ્પર્શ કરવાનો વિચાર પણ મૌતને દાવત દેવા સમાન હતો. છતાં આ હિંમત હુસૈન ઉસ્તરા નામના એક માણસે કરી. હુસૈન ઉસ્તરા, મુંબઈનો એકમાત્ર ગેંગસ્ટર જે દાઉદ સામે ક્યારેય ઝૂક્યો નહીં. *** હુસૈન ઉસ્તરાઃ AK-47 નહીં, ખિસ્સામાં રહેલો અસ્ત્રો કાફી હતો આજના ‘ખાખી કવર’માં વાત કરીએ મુંબઇના ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની, જે દાઉદ સામે ક્યારેય ઝૂક્યો નહીં. એવો ગેંગસ્ટર, જેની પાસે પોતાનો ખૌફ ફેલાવવા માટે AK-47 ની નહીં, પણ તેના ખિસ્સામાં રહેલું એક સાદું રેઝર મુંબઈના રસ્તાઓ પર તબાહી મચાવવા માટે પૂરતું હતું. દાઉદ ઇબ્રાહિમનો દુશ્મન અને દુબઈમાં ઘુસીને તેને મારવાનો પ્લાન બનાવનારો હુસૈન ઉસ્તરા અત્યારે નવેસરથી ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ છે શાહિદ કપૂરને ચમકાવતી વિશાલ ભારદ્વાજ નિર્દેશિત ફિલ્મ ‘ઓ રોમિયો’. આ ફિલ્મમાં શાહિદ કપૂરે હુસૈન ઉસ્તરાની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ હુસૈન ઉસ્તરાની બહેને ફિલ્મના મેકર્સ પાસેથી રોયલ્ટી સ્વરૂપે 2 કરોડ રૂપિયા માગ્યા છે. કોણ હતો એ હુસૈન ઉસ્તરા? શા માટે એણે દાઉદ સાથે દુશ્મની કરી? આવો જાણીએ… *** જ્યારે હુસૈન શેખ ‘હુસૈન ઉસ્તરા’ બન્યો મુંબઈનો પાયધોની વિસ્તાર. સાંકડી ગલીઓ, જૂની ઇમારતો અને દરેક ખૂણા પર વેપાર અને ગુનાખોરીનું મિશ્રણ. 1980ના દાયકામાં 15-16 વર્ષનો દુબળો-પાતળો કિશોર નામે હુસૈન શેખ આ ગલીઓમાં મોટો થઈ રહ્યો હતો. દેખાવમાં એ કોઈ સામાન્ય હાઇસ્કૂલે જતા છોકરા જેવો જ હતો, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર સૂનકાર અને ગુસ્સાની લાગણી ડોકાતી હતી. ખિસ્સામાંથી અસ્ત્રો કાઢ્યો, ને પહેલવાનને વાઢી નાખ્યો એક દિવસ બાપુ ખોટે સ્ટ્રીટ પર હુસૈનને એક સ્થાનિક માણસ સાથે થોડી બોલાચાલી થઈ ગઈ. બોલાચાલી થોડી જ વારમાં મારામારીમાં કન્વર્ટ થઈ ગઈ. સામેનો માણસ એક પહેલવાન હતો, અને હુસૈન સાવ સુકલકડી બાળક જેવો દેખાતો હતો. ભીડ જોઈ રહી હતી. તેમને લાગ્યું કે આ ટેણિયો હુસૈન થોડીવારમાં જ માર ખાઇને ધૂળ ચાટતો થઇ જશે. પરંતુ ત્યાં જ કંઇક અણધાર્યું થયું. હુસૈને તેના ખિસ્સામાં હાથ નાખ્યો. હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. આંખના પલકારામાં તેનો હાથ હવામાં લહેરાયો. એના હાથમાં છરી નહોતી, તલવાર નહોતી. બલકે તેના હાથમાં વાળંદ દાઢી કરવા માટે જે અસ્ત્રો (રેઝર) વાપરે છે તે હતો વીજળીની ગતિએ તેણે પોતાને મારી રહેલા પહેલવાન પર તેનો વાર કર્યો. આ પ્રહાર એટલો સચોટ અને ઊંડો હતો કે તેના શરીરને ખભાથી કમર સુધી બે ભાગમાં વહેંચી દીધું. લોહીનો ફુવારો વહેવા લાગ્યો. હુસૈન કરતાં ઉંમરમાં ક્યાંય મોટા પહેલવાને કારમી પીડાથી ચીસ પાડી અને ફસડાઈ પડ્યો. ડૉક્ટરો કરતાં પણ સચોટ ઘા હતો, 16 વર્ષના છોકરાના વારમાં જ્યારે તે માણસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે ત્યાં હાજર ડોક્ટરો પણ દંગ રહી ગયા. ચીરો એટલો સીધો અને ઊંડો હતો કે જાણે કોઈ સર્જને તેને ઓપરેશન ટેબલ પર સર્જરી માટે સ્કાલપેલથી કર્યો હોય. આ ઘટનાથી પોલીસ અને અંડરવર્લ્ડ બંને આશ્ચર્યચકિત થઈ ગયાં. 16 વર્ષના છોકરામાં આટલી નિર્દયતા અને અટેકનું પર્ફેક્શન કેવી રીતે હોઈ શકે? તે જ દિવસે બાપુ ખોટે સ્ટ્રીટની સાંકડી ગલીઓમાં હુસૈન શેખમાંથી એક નવા અવતારનો જન્મ થયો, તેનું નામ હતું ‘હુસૈન ઉસ્તરા’. અસ્ત્રો તેનો ટ્રેડમાર્ક બની ગયો. જ્યારે અન્ય ગુંડાઓ પોતાનો ખોફ ફેલાવવા માટે રામપુરી છરીઓ અથવા દેશી બનાવટની પિસ્તોલ (કટ્ટા) રાખતા હતા, ત્યારે હુસૈન પોતાના ખિસ્સામાં શાર્પ બ્લેડવાળું રેઝર (અસ્ત્રો) રાખતો હતો. આ તેની સિગ્નેચર સ્ટાઇલ હતી. સાઉથ બોમ્બેની બિલ્ડિંગ બની ઉસ્તરાનો અભેદ્ય કિલ્લો સમય જતાં હુસૈન ઉસ્તરાનું કદ વધતું ગયું. તેણે સાઉથ બોમ્બેમાં આવેલી બદાણી બિલ્ડિંગને પોતાનો મુખ્ય અડ્ડો બનાવ્યો. આ ઈમારત સિમેન્ટ-ઈંટની બિલ્ડિંગથી ક્યાંય આગળ વધીને એક અભેદ્ય કિલ્લો બની ગઈ. હવે હુસૈન ઉસ્તરા ફક્ત એક શેરીનો ગુંડો નહોતો; તે તેના સમય કરતાં ઘણો આગળ હતો. 1995માં જ્યારે ભારતમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ લક્ઝરી હતાં, ત્યારે હુસૈને તેની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તે તેના મકાન પાસેથી પસાર થતાં દરેક વાહન અને વ્યક્તિ પર નજર રાખતો હતો. પત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદી તેમના પુસ્તક ‘ધ ડેન્જરસ ડઝન’માં લખે છે કે ઉસ્તરાનું વ્યક્તિત્વ વિરોધાભાસોથી ભરેલું હતું. તે કોઈ સામાન્ય ફિલ્મ ડોન જેવો દેખાતો ન હતો. તે સાદો પોશાક પહેરતો હતો, નમ્રતાથી બોલતો હતો અને હંમેશાં સૌમ્ય સ્મિત રાખતો હતો. પરંતુ તે જ્યારે ટેબલ પર બેઠો હોય ત્યારે તેનો સાચો રંગ સ્પષ્ટ દેખાતો હતો. ટેબલ પર જર્મન પિસ્તોલ ને ત્રણ મોબાઇલ ફોન જ્યારે હુસૈન ઝૈદી તેની મુલાકાતે ગયા, ત્યારે તેણે હુસૈન ઉસ્તરાના ડેસ્ક પર બે વસ્તુઓ ગોઠવેલી જોઈ, એક તરફ 1914ના મોડલની બે જર્મન માઉઝર પિસ્તોલ અને બીજી તરફ ત્રણ મોબાઇલ ફોન. તે દિવસોમાં જ્યારે એક મિનિટના કોલનો ખર્ચ 16 રૂપિયા થતો હતો, ત્યારે ઉસ્તરા પાસે એક એવું કોમ્યુનિકેશન નેટવર્ક હતું જે પોલીસ કરતાં પણ ચડિયાતું હતું. તેમની પાસે એવા લોકો હતા જે ફોનમાં ક્રોસ-કનેક્શન કરીને સાંભળી શકતા હતા. તેમના જાસૂસો એટલા કુશળ હતા કે તેઓ દૂરથી પણ લિપ રીડિંગ કરીને લોકોના શબ્દો વાંચી શકતા હતા. હુસૈન જાણતો હતો કે અસલી પાવર બંદૂકની ગોળીઓમાં નહીં, પરંતુ માહિતીમાં રહેલો છે. અને આ માહિતીએ તેને દાઉદ ઇબ્રાહિમ જેવા વિશાળ સામ્રાજ્ય સામે લડવાની શક્તિ આપી. કરીમ લાલા, અરુણ ગવળીથીયે ખતરનાક હતો હુસૈન ‘ઉસ્તરા’ તે સમયે મુંબઈનું અંડરવર્લ્ડ ‘ડી-કંપની’નો પર્યાય હતું. દુબઈમાં બેઠેલો દાઉદ ઇબ્રાહિમ મુંબઈને પોતાના ઇશારે નચાવતો હતો. ભલભલા ખૂંખાર ડોન પછી ભલે તે કરીમ લાલાના પઠાણો હોય કે અરુણ ગવળી હોય, તે કાં તો ગાયબ થઈ રહ્યા હતા અથવા દાઉદના પ્રભાવ હેઠળ ટકવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ હુસૈન ઉસ્તરા આ બધાથી અલગ હતો. દેશ છોડીને ભાગી જનારો ડોન શેનો? એ તો ભાગેડુ કહેવાય! હુસૈન ઉસ્તરા માનતો હતો કે જે ‘ભાઈ’ પોતાની જમીન છોડીને વિદેશ ભાગી ગયો છે, તે ડોન કહેવડાવવાને લાયક નથી. તે દાઉદને ‘ભાગેડુ’ માનતો હતો અને તેની સત્તા સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરતો હતો. આ ફક્ત પ્રોફેશનલ અને મુંબઈ પર આધિપત્ય જમાવવાનું યુદ્ધ નહોતું, બલકે સિદ્ધાંતોનું યુદ્ધ હતું. દાઉદને લૂંટીને તેના માણસોને ધમકાવનારો કોણ છે? જ્યારે દાઉદના સાથીઓએ દક્ષિણ મુંબઈના ડોકયાર્ડ અને દાણચોરીના વેપારમાં પગપેસારો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુસૈન ઉસ્તરા તેના રસ્તામાં આવી ગયો. તેણે દાઉદનો માલ લૂંટવાનું શરૂ કર્યું. તેની હિંમત એ હદે વધી ગઈ કે તે દાઉદના માણસોને ખુલ્લેઆમ ધમકી આપતો હતો. ‘દાઉદ ભાઈ’ જે ક્યારેય પોતાની સામે કોઈ આંગળી પણ ચીંધે તે બરદાશ્ત કરતો નહોતો, તેની આંખમાં હુસૈન ઉસ્તરા કણાની જેમ ખૂંચવા લાગ્યો. દાઉદે હુસૈનને પતાવી નાખવા માટે અનેકવાર તેના શૂટર્સ મોકલ્યા, પણ હુસૈન તેના જાસૂસી નેટવર્ક અને ચાલાકીને કારણે દરેક વખતે ભાગી જવામાં સફળ રહ્યો. તે આંખના પલકારામાં પડછાયાની જેમ અદૃશ્ય થઈ જતો અને પછી અચાનક એવી જગ્યાએ હુમલો કરતો જેની દાઉદે સપનામાં પણ કલ્પના ન કરી હોય. બુરખામાંથી નીકળી રિવેન્જ ક્વીન ‘સપના દીદી’ હુસૈનની લાઇફમાં સૌથી નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે હુસૈન ઉસ્તરાના જીવનમાં એક સ્ત્રી આવી. એનું નામ હતું અશરફ ખાન. પુરુષ જેવું નામ ધરાવતી આ સ્ત્રી ભલભલા પુરુષોને પણ થરથર ધ્રુજાવી દે તેવી ક્રૂર અને ઉગ્ર હતી. અશરફ મૂળે તો અંડરવર્લ્ડથી ઘણી દૂર એક સીધીસાદી ગૃહિણી હતી. તેનો પતિ મહમૂદ કાલિયા દાઉદની ગેંગનો એક નાનો સભ્ય હતો. પરંતુ અંડરવર્લ્ડમાં વફાદારી ઘણીવાર પોતાનો જીવ આપીને સાબિત કરવી પડે છે. મહમૂદની સાથે પણ એવું જ થયું. દાઉદને શંકા ગઈ કે મહમૂદ એની સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. માત્ર આ શંકાના આધારે જ તેણે મહમૂદને મારી નાખ્યો. એક સિમ્પલ ગૃહિણી એવી અશરફે ભરજુવાનીમાં પોતાની આંખ સામે પોતાની આખી દુનિયા ભાંગી પડતી જોઈ. વિધવા અશરફનો ગોડફાધર બન્યો હુસૈન ઉસ્તરા પતિના અચાનક મૃત્યુથી અશરફ બરબાદ થઈ ગઈ. પરંતુ સંસારના કાટમાળ નીચે બદલાની ચિનગારી સળગી રહી હતી. તેણે દાઉદ ઇબ્રાહિમનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની બુરખો પહેરેલી એકલી સ્ત્રી તરીકે તે દાઉદ જેવા ઇન્ટરનેશનલ ડોનનો સામનો કેવી રીતે કરી શકે? તેને એક ગાઇડની જરૂર હતી. એક માસ્ટર જે તેને લડવાનું શીખવી શકે. અને મુંબઈમાં દાઉદનો સૌથી મોટો દુશ્મન કોણ હતો? હુસૈન ઉસ્તરા. અશરફને આ વાતની ખબર પડી અને જ્યારે હુસૈન ઉસ્તરા તથા અશરફ બંનેની પહેલી મુલાકાત થઈ ત્યારે બંનેએ એકબીજાની આંખોમાં દાઉદ પ્રત્યે સળગતી બદલાની, નફરતની ભાવના જોઈ. હુસૈન ઉસ્તરાએ અશરફને પોતાની બહેન બનાવી અને તેને ‘સપના દીદી’ એવું નવું નામ આપ્યું. અંડરવર્લ્ડમાં મોતના મોંમાંથી જીવતા પાછા ફરવા માટે જે જરૂરી હોય તે બધું જ એણે સપનાને શીખવ્યું. એણે સપનાને બંદૂક ચલાવતા, બાઇક ચલાવતા, પલક ઝપકાવ્યા વિના દુશ્મનની આંખમાં આંખ નાખીને વીંધી નાખે તેવી નજરથી જોવું… આવા ઘણાય કરતબ એણે સપના દીદીને શીખવી દીધા. બુરખાધારી અશરફ બની ગઈ, જીન્સ-જેકેટ ધારી ડોન સપના દીદી થોડા મહિનામાં એક રૂઢિચુસ્ત પરિવારની ભીરુ ગૃહિણી અશરફ ખાનનું રૂપાંતર નીડર, ખૂંખાર અને કાબેલ ‘સપના દીદી’ નામની ડોનમાં થઈ ગયું. હવે એણે બુરખાધારી સ્ત્રીનો લિબાસ ત્યાગીને જીન્સ, જેકેટ ધારણ કર્યાં અને કમરમાં રિવોલ્વર લટકાવીને ફરવા લાગી. હુસૈન ઉસ્તરા અને સપના દીદીની જોડી ડી-કંપની માટે દુઃસ્વપ્ન બની ગઈ. દાઉદ સામે ગેરિલા યુદ્ધઃ ‘સાહબ, દાઉદ કા માલ આ રહેલા હૈ’ હુસૈન અને સપનાએ સાથે મળીને દાઉદ સામે ગેરિલા યુદ્ધ છેડ્યું. તેઓ જાણતા હતા કે તેઓ દાઉદની સેના સામે સીધાં લડી શકશે નહીં, તેથી તેઓએ તેની નસ કાપવાનું શરૂ કર્યું. તેઓ દાઉદના દાણચોરીનાં શિપમેન્ટને નિશાન બનાવવા લાગ્યાં. બેનામી કૉલ્સ કરીને તેઓ પોલીસને જાણ કરતા અને દાઉદના સાથીઓની તથા તેના માલની ધરપકડ કરાવતા. દાઉદ માટે આ બમણો માર હતો. એક તો માલ પકડાતો અને ઉપરથી તેના વફાદાર માણસો પણ પોલીસને હાથ ચડી જતા. હુસૈન અને સપનાએ મુંબઈમાં દાઉદનાં જુગારધામો અને બાર પર પણ હુમલા શરૂ કર્યા. સપના દીદી પોલીસની ઇનફોર્મર પણ બની ગઈ. આ રીતે એણે પોલીસ સાથે મળીને દાઉદના ઘણા ટોચના સાથીઓનાં એન્કાઉન્ટર કરાવી નાખ્યાં. આ બધામાં હુસૈન ઉસ્તરા તેને પાછળથી તેને ટેકો આપતો. દુબઈમાં બેઠેલો દાઉદ હચમચી ઊઠ્યો આ બંનેની જુગલબંદી એટલી ખતરનાક હતી કે દુબઈમાં બેઠેલો દાઉદ હચમચી ગયો. તે સમજી શકતો ન હતો કે મુંબઈમાં તેનું સામ્રાજ્ય ગંજીફાના મહેલની જેમ ધરાશાયી કેમ થઈ રહ્યું છે. દાઉદે પોતાના રાઇટ હેન્ડ ગણાતા છોટા શકીલને સપના દીદીની કુંડળી કાઢવાનું કામ સોંપ્યું. આ સપના કોણ છે, એ શા માટે તેની (એટલે કે દાઉદની) પાછળ પડી છે, તેને હુસૈન ઉસ્તરાનો ટેકો છે કે કેમ એવી તમામ માહિતી શોધવાની જવાબદારી સોંપી. સપના દીદીને છોટા શકીલે છરાના 22 ઘા માર્યા નેવુંના દાયકાની શરૂઆતમાં દાઉદને પતાવી નાખવાનો તેમનો શારજાહ પ્લાન નિષ્ફળ ગયા પછી, હુસૈન ઉસ્તરા અને સપના દીદીને ખબર પડી કે હવે તેઓ ટાઇમ બોમ્બ પર બેઠાં છે. દાઉદ ચૂપ રહેવાનો નહોતો. આખરે જેનો ડર હતો તે જ થયું. 1994ની એક ભયાનક રાત્રે સપના દીદી ઘરે હતી. તેને લાગતું હતું કે તે સુરક્ષિત છે, પરંતુ અંડરવર્લ્ડમાં, સુરક્ષા ફક્ત એક ભ્રમ હોય છે. છોટા શકીલના ખૂંખાર શાર્પ શૂટરોએ તેના ઘરને ઘેરી લીધું. તેઓ સપના માટે કાળ બનીને આવ્યા હતા. સપનાએ વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિઃશસ્ત્ર હતી અને દુશ્મનોની સંખ્યા તેના કરતાં ક્યાંય વધુ હતી. છોટા શકીલના ગુંડાઓએ સપનાને પકડી અને એના શરીર પર એક પછી એક વાર કરતા રહ્યા. તેઓએ ધડાધડ 22 વાર છરા ભોંકીને સપનાનું શરીર ચાળણી જેવું બનાવી દીધું. દરેક વાર વખતે સપના મરણતોલ ચીસો પાડતી રહી. તેના પાડોશીઓ પોતાનાં ઘરના દરવાજા બંધ કરીને પાછળથી બધું સાંભળતા હતા, પણ કોઇએ ડરીને મદદ કરવા આવવાની હિંમત કરી નહીં. દાઉદ અને તેના માણસો સપનાને શક્ય તેટલી ભયાનક મોત આપીને સાબિત કરવા માગતા હતા કે દાઉદની સામે જે પણ પડશે તેનો આવો જ અંજામ થવાનો છે. ખાસ્સી વારે જ્યારે પોલીસ ત્યાં પહોંચી, ત્યારે તેઓ આ દૃશ્ય જોઈને ગભરાઈ ગયા હતા. સપનાની કબર પર કસમઃ ‘આખરી સાંસ તક દાઉદ સે લડુંગા’ સપનાની કરપીણ હત્યાથી હુસૈન ઉસ્તરા અંદરથી ભાંગી પડ્યો. તેણે પોતાની સૌથી વિશ્વાસુ સાથીદાર, પોતાની બહેન, પોતાની સાથે સતત પડછાયાની જેમ રહેતી સાથી ગુમાવી હતી. હવે તે આ યુદ્ધમાં સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો. પરંતુ તેણે હાર માનવાનો ઇનકાર કર્યો. તેણે સપનાની કબર પર પ્રતિજ્ઞા લીધી કે તે તેના છેલ્લા શ્વાસ સુધી આ યુદ્ધ લડશે. ઉસ્તરો પ્રેમમાં પડ્યો ને વઢાઈ ગયો સપનાના ગયા પછી હુસૈન ઉસ્તરા વધુ ખતરનાક બની ગયો. તે ઘાયલ સિંહ જેવો હતો. તેણે પોતાની સુરક્ષા વધારી દીધી. તે ભાગ્યે જ પોતાના કિલ્લા જેવો અડ્ડો છોડીને બહાર જતો. અને જ્યારે તે બહાર જતો, ત્યારે તે શસ્ત્રોનો ભંડાર લઈને જતો. દાઉદના શૂટર્સ તેને મારવા માટે મરણિયા બન્યા હતા. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે મહાન યોદ્ધાઓ પણ તલવારોથી નહીં, પણ લાગણીઓથી હારે છે. હુસૈન ઉસ્તરા, જેને કોઈ ગોળી અડકી પણ શકી નહીં, તે પોતાના પ્રેમને કારણે જ મરાયો. 1998ની આસપાસ હુસૈન પ્રેમમાં પડ્યો. તે કોઈ સામાન્ય પ્રેમ સંબંધ નહોતો. જે છોકરી સાથે તે પ્રેમમાં પડ્યો હતો તે ખુદ દાઉદ ઇબ્રાહિમની દૂરની સગી હતી! પોતે આગ સાથે રમી રહ્યો છે તે જાણતો હોવા છતાં, હુસૈન પાછળ હટ્યો નહીં. પરંતુ કહેવત છે ને, કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કંઇક એવું જ હુસૈન ઉસ્તરા સાથે પણ થયું. સપ્ટેમ્બર 1998ની એક ઉદાસ રાત. હુસૈન ઉસ્તરા તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. પ્રેમમાં પડેલો માણસ ઘણીવાર બેદરકાર બની જાય છે. હંમેશાં સુરક્ષાથી ઘેરાયેલો રહેતો હુસૈન તે રાત્રે એકલો હતો. કદાચ તે પોતાની પ્રેમિકાને બતાવવા માગતો હતો કે તે ફક્ત એક ગેંગસ્ટર જ નહીં, પણ એક બેખૌફ પ્રેમી પણ છે. તેણે પોતાના બોડીગાર્ડ્સને દૂર જવા કહી દીધું. આ તેની સૌથી મોટી અને છેલ્લી ભૂલ સાબિત થઈ. હુસૈન ઉસ્તરા સીડી ઊતર્યો, કે ગોળીઓનો વરસાદ થયો છોટા શકીલના જાસૂસોને આ વાતની ખબર પડી ગઈ હતી. હુસૈન પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો તે ઇમારતની નીચે છોટા શકીલના માણસો પડછાયાની જેમ છુપાયેલા હતા. જેવો હુસૈન પોતાની પ્રેમિકાને મળીને નીચે ઊતર્યો અને પોતાની કાર તરફ ગયો, ત્યાં જ ઘોર અંધકારમાંથી એનું મોત બનીને આવેલા હત્યારાઓ એના પર તૂટી પડ્યા. અલગ અલગ દિશાઓમાંથી હુસૈન પર ગોળીઓનો વરસાદ થયો. ગોળીઓની ધણધણાટીથી એ વિસ્તારની ભેંકાર શાંતિમાં મોતની ખલેલ પડી. પહેલી ગોળી હુસૈનના માથાના પાછળના ભાગમાં વાગી, બીજી ગોળી તેની ગરદન પર અને ત્રીજી ગોળી તેની પીઠ પર વાગી. જે હુસૈન ઉસ્તરા પોતાની ચપળતા અને અસ્ત્રાની ધાર માટે મશહુર હતો, તેને પોતાનો જીવ બચાવવા માટે એક સેકન્ડ પણ મળી નહીં. તે પોતાની કારના દરવાજા પાસે જ ફસડાઈ પડ્યો. તે રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો, અને તેની સાથે મુંબઈના અંડરવર્લ્ડનું એક લોહિયાળ અને ભારોભાર ફિલ્મી ચેપ્ટર હંમેશ માટે ખતમ થઈ રહ્યું હતું. દાઉદ ઇબ્રાહિમ જીતી ગયો હતો, પરંતુ બંદૂકથી નહીં, પરંતુ છેતરપિંડીથી. વર્ષોથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને પણ ખાંડાની ધાર પર રાખનારો હુસૈન ‘ઉસ્તરા’ આખરે શાંત થઈ ગયો હતો. હુસૈન ઉસ્તરાઃ એક બળવાખોર ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાના મૃત્યુ પછી મુંબઈનું અંડરવર્લ્ડ સંપૂર્ણપણે બદલાઈ ગયું. દાઉદનું વર્ચસ્વ વધ્યું. પરંતુ પાયધુની અને ડોંગરીની શેરીઓમાં જૂના લોકો હજુ પણ હુસૈન ઉસ્તરાને યાદ કરે છે. તેઓ તેને ગુનેગાર તરીકે ઓછો અને બળવાખોર તરીકે વધુ યાદ કરે છે. તે એક એવો માણસ હતો જેણે સાબિત કર્યું કે શક્તિ શસ્ત્રોમાં નહીં પણ હિંમતમાં રહેલી છે. તેણે એક વિધવા, ગૃહિણીને યોદ્ધામાં પરિવર્તિત કરી, દાઢી કરવાના ઓજારને ભયનું પ્રતીક બનાવ્યું અને વિશ્વના સૌથી ખતરનાક ડોનને રૂબરૂ પડકાર્યો. હવે ‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર બનશે હુસૈન ‘ઉસ્તરા’ આજે, બોલિવૂડ પણ તેમની વાર્તાને પડદા પર રજૂ કરી રહ્યું છે. શાહિદ કપૂર અભિનીત અને વિશાલ ભારદ્વાજ નિર્દેશિત ફિલ્મ ‘ઓ રોમિયો’ હુસૈન ઉસ્તરાના જીવનથી પ્રેરિત છે. જોકે હુસૈનની પુત્રીએ આ પગલા સામે કાનૂની વાંધો ઉઠાવ્યો છે. આ વિવાદ સાબિત કરે છે કે હુસૈન ઉસ્તરાનું નામ જીવંત છે. હુસૈન ઉસ્તરાની કબર પર શું લખાયું છે તે તો આપણે નથી જાણતા, પરંતુ તેના પર એક વાક્ય લખવા જેવું હતું કે, ‘દાઉદનો સૌથી ભયાનક દુશ્મન, હુસૈન ‘ઉસ્તરા’ અહીં સૂતો છે.’
    Click here to Read More
    Previous Article
    શું થલાપતિ વિજય તમિલનાડુમાં BJPને 24 બેઠકો જિતાડશે?:કોંગ્રેસે સ્ટાલિન પાસે 40 બેઠકો માગી; ગઠબંધન તૂટશે, તો BJPને ફાયદો
    Next Article
    Delhi AQI nears ‘severe’ range, GRAP IV returns

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment