Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેન્દ્ર મોદીને વાઇબ્રન્ટ સમિટની પ્રેરણા રાજકોટમાંથી મળી હતી:એવો દબદબો કે ઇંગ્લેન્ડે એન્જિન બનાવવાનું બંધ કરવું પડ્યું! બેલ્જિયમે ના પાડી તો ઘરે-ઘરે ખીલી બનવા લાગી

    2 days ago

    2000ની સાલમાં રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનું વેપાર એક્ઝિબિશન થયેલું. જે ખૂબ સફળ રહ્યું હતું. આના પછી નરેન્દ્ર મોદીને પ્રેરણા મળી કે આવું કંઇક કરવું જોઇએ અને જન્મ થયો વાઇબ્રન્ટ સમિટનો. આ શબ્દો છે રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ ધનસુખ વોરાના. આજે જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ડંકા આખી દુનિયામાં વાગે છે, તેનું બીજ વર્ષો પહેલાં રાજકોટની ધરતી પર રોપાયું હતું. વડાપ્રધાન મોદી આવતીકાલે રાજકોટમાં પ્રથમવાર વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદઘાટન કરવાના છે ત્યારે દિવ્ય ભાસ્કરના આજના રિપોર્ટમાં વાંચો કે કેવી રીતે રાજકોટે ઇંગ્લેન્ડને પણ હંફાવ્યું હતું અને કેવી રીતે આ શહેર વિશ્વના ઉદ્યોગો માટે પાયાનું કેન્દ્ર બની ગયું. બેલ્જિયમે ખીલી આપવાની ના પાડી તો રાજકોટે ઘર આંગણે જ બનાવવાનું શરૂ કર્યું આ વાત 1961 પહેલાંની છે. ચામડાના શૂઝ બનાવવામાં જે ખીલીઓ વપરાતી હતી તેની એ સમયે ખૂબ ડિમાન્ડ હતી. બેલ્જિયમથી એ ખીલીઓ મંગાવીને રાજકોટ આખા ભારતમાં સપ્લાય કરતું હતું. આઝાદી મળ્યા પછી ફોરેન એક્સચેન્જ ન હોવાને કારણે બેલ્જિયમથી આવી ખીલીઓ આવવાનું બંધ થયું. જેથી રાજકોટના લોકોએ બેલ્જિયમથી વાયર સહિતનું રો મટિરિયલ અને તેનું મશીન મગાવીને આવી ખીલીઓ રાજકોટમાં જ બનાવવાનું શરૂ કરી દીધું. આ ઉદ્યોગ ઘરે ઘરે છવાઇ ગયો હતો. આ રીતે ડીઝલ એન્જિનનો જમાનો શરૂ થયો 1961 સુધી રાજકોટમાં પેનલ પિનના કારખાના ચાલતા હતા ત્યાર પછી રાજકોટમાં માવજી કાનજી બ્રધર્સે છે ડીઝલ એન્જિન બનાવવાના ચાલુ કર્યા હતા. આ રીતે રાજકોટમાં ડીઝલ એન્જિન ઉદ્યોગની શરૂઆત થઇ હતી. આ દરમિયાન મુંબઇની કે.બી.ઠાકર એન્ડ કંપની ડીઝલ એન્જિન ઇમ્પોર્ટ કરતી હતી અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ફેક્ટરીના ખેડૂતોને એન્જિન સપ્લાય કરતી હતી. આ એન્જિનની સર્વિસ રાજકોટની કે. રસિકલાલ એન્ડ કંપનીવાળા રસિકભાઇ કરતા. જેથી તેમનું ધ્યાન એન્જિન બનાવવા તરફ ગયું. તેમણે ટંકારાના પેટર્ન મેકિંગના હોંશિયાર કારીગર પાસેથી ડીઝલ એન્જિનના સ્પેર પાર્ટસ બનાવડાવ્યા અને તેને એસેમ્બલ કરીને ડીઝલ એન્જિન બનાવવાનું શરૂં કર્યું. આ રીતે ડીઝલ એન્જિનનો જમાનો ચાલુ થયો હતો. રાજકોટે ઇંગ્લેન્ડને હંફાવ્યું ડીઝલ એન્જિનનો જમાનો ખૂબ ચાલ્યો હતો. એ દરમિયાન ઘણી ઇન્ડસ્ટ્રીઝ આવીને બંધ થઇ ગઇ હતી તેમ છતાં ડીઝલ એન્જિન ઇન્ડસ્ટ્રી ચાલતી રહી. એક સમય એવો પણ હતો કે ઇંગ્લેન્ડથી જે ડીઝલ એન્જિન આવતા તેને રાજકોટમાં બનેલા ડીઝલ એન્જિને પાછળ રાખી દીધા હતા અને ઇંગ્લેન્ડે ડીઝલ એન્જિન બનાવવાનું બંધ કરવું પડ્યું હતું. રાજકોટમાં દર વર્ષે સાડા ચાર લાખ ડીઝલ એન્જિન બનવા લાગ્યા હતા. ધીરે ધીરે ખેતીમાં ઇલેક્ટ્રિક મોટર વપરાતી થઇ અને ડીઝલ એન્જિનનું મહત્વ ઘટવા લાગ્યું હતું. આ રીતે ડીઝલ એન્જિનનો વપરાશ ઓછો થવા લાગ્યો હતો. આ દરમિયાન રાજકોટમાં ઘણી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઇ હતી. બેરિંગ બનાવવાનું કામ અટપટું ગણાય છે પણ રાજકોટે તેને સ્વીકારી લીધું. અત્યારે વિશ્વની માર્કેટમાં રાજકોટના બેરિંગ વેચાય છે. રાજકોટમાં બેરિંગની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. ધનસુખ વોરા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક પ્રમુખ છે અને હાલમાં ચેરમેન પણ છે. તેમણે દિવ્ય ભાસ્કરને ઉપરની માહિતી આપી હતી. તેઓ વાઇબ્રન્ટ ગુજરાતના વિચારના મૂળમાં રાજકોટ હોવાનું કહે છે. શાસ્ત્રી મેદાનમાં પહેલું ઔદ્યોગિક પ્રદર્શન 'દેશી ઉદ્યોગકારો માટે રાજકોટ પહેલેથી જ વાઇબ્રન્ટ જેવું એક્ઝિબિશન કરતું આવ્યું છે. વર્ષો પહેલાં અરવિંદ મણિયાર રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન હતા. તેમણે બેંકની સ્થાપનાની ઉજવણી નિમિત્તે શાસ્ત્રી મેદાનમાં ઔદ્યોગિક પ્રદર્શન કરેલું.' રાજકોટના એક્ઝિબિશને વાઇબ્રન્ટ ગુજરાતનો પાયો નાખ્યો ધનસુખ વોરાના મતે, ગુજરાતમાં જે વાઇબ્રન્ટ સમિટ યોજાય છે તે તો પછીથી શરૂ થઇ પણ વર્ષ 2000માં ડૉ. વલ્લભ કથીરિયા કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી હતા. તેમણે રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનું એક્ઝિબિશન કર્યું હતું. એ એક્ઝિબિશનને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. જેને જોઇને નરેન્દ્ર મોદીના મનમાં પ્રેરણા થઇ હતી કે આવું કંઇક કરી શકાય. આ રીતે વાઇબ્રન્ટ ગુજરાતનો પાયો નખાયો હતો. દિવ્ય ભાસ્કરે આ અંગે તત્કાલીન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી ડૉ. વલ્લભ કથીરિયા સાથે પણ વાત કરી હતી. વલ્લભ કથીરિયાએ કહ્યું કે, 1998માં નરેન્દ્ર મોદી ભાજપના જનરલ સેક્રેટરી હતા. કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ પાસે એક એક્ઝિબિશન યોજ્યું હતું. મારૂતિ કંપની રાજકોટમાં બનેલા પાર્ટસ લેતી 'બેલ્ટ, સીટ, બોલ બેરિંગ પણ રાજકોટમાં બનતા હતા. મારૂતિ કંપની અહીંથી સ્પેરપાર્ટસ લઇ જતી અને તેને એસેમ્બલ કરતી હતી. આ રીતે ડિફેન્સની કંપનીઓ, એગ્રીકલ્ચર કંપનીઓને બોલાવીને રાજકોટના નાના ઉદ્યોગોને મોટો વેપાર મળે તે માટે પહેલો ઔદ્યોગિક મેળો કર્યો હતો.' 'નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રેસકોર્સ મેદાનમાં કૃષિ મેળ્યો યોજ્યો હતો. જેમાં કૃષિને લગતા સાધનો, ટેકનોલોજી હતા. આ મેળાનું ઉદઘાટન કરવા માટે નરેન્દ્ર મોદી આવ્યા હતા.' મોદી બોલ્યા- વાઇબ્રન્ટ સમિટ તો ગાંધીનગરમાં જ કરવી જોઇએ ડૉ. કથીરિયા કહે છે કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા પછી તેમણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરતાં પહેલાં નરેન્દ્ર મોદીએ મારી સહિત બધા નેતાને પૂછ્યું હતું કે આ સમિટ ક્યાં કરવી જોઇએ? જેના જવાબમાં કોઇએ કહ્યું કે રાજકોટમાં કરો, કોઇએ કહ્યું કે વડોદરા કરો તો કોઇએ એવું કહ્યું કે સુરતમાં કરો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સમિટ ગાંધીનગરમાં જ કરવી જોઇએ. જેથી દેશ અને દુનિયામાં મેસેજ જાય.' આખા દેશમાં પહેલીવાર રાજકોટના ભક્તિનગરમાં ઉદ્યોગનગર બન્યું હતું. ધનસુખ વોરા આ અંગે માંડીને વાત કરે છે. તેમણે કહ્યું, કરાચીથી આવેલા ઉદ્યોગ સાહસિકો રવજી પટેલ, મનુભાઇ વોરા અને રાજકોટના આગેવાનોને સારા સંબંધો હતા. એ સમયે સૌરાષ્ટ્રના મનુભાઇ શાહ કેન્દ્રમાં ઉદ્યોગ મંત્રી હતા. બધા આગેવાનો તેમની પાસે ગયા અને કહ્યું કે તમે ઉદ્યોગ પ્રધાન છો તમે તો સૌરાષ્ટ્રને પણ કંઇક લાભ મળે તેવું કરો, ઉદ્યોગો લાવો. કારીગરોને ખાસ ટ્રેનિંગ અપાતી 'જેના પછી મનુભાઇ શાહે પ્રોટો ટાઇપ ટ્રેનિંગ સેન્ટર રાજકોટને આપ્યું. જે આજે આજી ડેમ એરિયામાં ભાવનગર રોડ પર આવેલું છે. આ સેન્ટરમાં કારીગરોને ટ્રેનિંગ અપાતી હતી. જેથી કારીગરો પણ ટ્રેનિંગ પામેલા મળતા હતા.' 'આ ઉપરાંત ભક્તિનગરમાં આવેલા ઉદ્યોગનગરની પણ ભેટ આપી હતી. આખા ભારતમાં આ પહેલું ઉદ્યોગનગર હતું. જે મનુભાઇ શાહની દેન છે. આ ઉદ્યોગનગરમાં જુદા-જુદા કારીગરોને શેડની ફાળવણી કરીને આર્થિક મદદ કરી હતી. આ રીતે નવા ઉદ્યોગો બનવાની શરૂઆત થઇ હતી.' 'એ સમયના આગેવાનો અને નેતાઓ દિર્ઘ દૃષ્ટિવાળા હતા. તેઓ માનતા હતા કે જ્યાં ઉદ્યોગો હોય ત્યાં વિકાસ થાય, જીવન ધોરણ પણ સારૂં બને એટલે એ લોકોએ ઉદ્યોગ પર વધારે ધ્યાન દીધું હતું.' શરૂઆતમાં રાજકોટમાં ફક્ત 3 જ ઇન્ડસ્ટ્રીઝ હતી તેનો ઉલ્લેખ કરતાં તે તેમણે જણાવ્યું, એક પાવર હાઉસ હતું. બીજી ટેક્સટાઇલ મિલ હતી અને ત્રીજી ધીરજ મેટલ ઇન્ડસ્ટ્રીઝ હતી. જ્યાં એલ્યુમિનિયમના વાસણો બનતા હતા. રાજકોટના લોકોને ઇન્ડસ્ટ્રીઝ વિશે પહેલેથી જ જ્ઞાન હતું. 'પહેલાં જ્યાં (રાજકોટમાં) સોય બનાવવાની પણ શક્યતા નહોતી ત્યાં હવે ફાઇટર પ્લેનના પાર્ટસ, સેટેલાઇટમાં વપરાતા પાર્ટસ પણ બનવા લાગ્યા છે. રાજકોટની આંતરપ્રિન્યોરશિપને દાદ દેવી પડે. આ શહેર પોતાની રીતે ડેવલપ થયેલું છે.' ટેક્સટાઇલ મિલના માલિકનું હિન્દી ફિલ્મ મુઘલ-એ-આઝમમાં રોકાણ ધનસુખ વોરા કહે છે કે, રાજકોટમાં આવેલી એક ટેક્સટાઇલ મિલના માલિક પારસી હતા. તેમનો મુંબઇમાં પણ કોન્ટેક્ટ હતો. તેમણે હિન્દી ફિલ્મમાં રોકાણ કર્યું હતું. મેં વાત સાંભળી છે કે મુગલ-એ-આઝમ ફિલ્મમાં નાણાંનું રોકાણ કર્યું હતું. રાજકોટને સાઇડ લાઇન કરાય છે? 'રાજકોટ તો પહેલેથી જ આંતરપ્રિન્યોર છે જ, વાઇબ્રન્ટ ગુજરાત રાજકોટની જ દેન છે પણ રાજકારણના લીધે રાજકોટ પાછળ રહી ગયું. જ્યારથી રાજકોટ સત્તાવાળા સાથે રહ્યું છે ત્યારથી શહેરનો થોડો વિકાસ થયો છે પણ એ થોડા સમય પૂરતો જ છે. રાજકોટને સાઇડ લાઇન કરવામાં આવતું હોય તેમ લાગે છે.' રાજકોટના ઉદ્યોગોનો આટલો ભવ્ય ભૂતકાળ હોવા છતાં એક કરૂણતા એ રહી છે કે અન્ય સુવિધાના અભાવે સાહસિક ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગો સૌરાષ્ટ્ર બહાર જતાં રહ્યાં છે. છેલ્લા એક દાયકાથી વિદેશી ગ્રાહકોને રાજકોટમાં લાવવાનું કામ થઇ રહ્યું છે. જેના પ્રણેતા છે પરાગ તેજુરા. તેઓ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પણ છે. જુદા-જુદા શહેરો પોતાના જુદા-જુદા ઉદ્યોગો માટે જાણીતા પરાગ તેજુરાએ જણાવ્યું કે, આઝાદી પહેલાંના સમયથી પણ સૌરાષ્ટ્રમાં ઉદ્યોગો ધમધમતા હતા. સૌરાષ્ટ્રમાં ઘણી બધી કાપડ મિલ હતી. મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ, સાવરકુંડલામાં કાંટા ઉદ્યોગ, સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ, રાજકોટમાં એન્જિનિયરિંગ પાર્ટસ અને ઓઇલ એન્જિનનો ઉદ્યોગ હતો. જેની ખૂબ ડિમાન્ડ હતી. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે 2015માં એક એક્ઝિબિશન યોજ્યું હતું. જેમાં ખોટ થઇ હતી ત્યારથી માંડીને 10 વર્ષમાં 5 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર નોંધાયું છે. આ અંગે તેમણે કહ્યું કે, હું 2009થી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ સાથે સંકળાયેલો છું. હું ત્યારે જોતો કે સરકાર વિદેશી પ્રતિનિધિ મંડળ, રોકાણકારોને બોલાવે છે. એક વેપારી સંગઠન કે ઔદ્યોગિક સંગઠન તરીકે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે પણ વિદેશી ગ્રાહકોને બોલાવવા જોઇએ. અમે વર્ષ જુલાઇ, 2014માં સૌરાષ્ટ્રના તમામ આગેવાનોની એક બેઠક રાખી અને આ વાત રજૂ કરી. એક દાયકામાં 5 હજાર કરોડનું ટર્ન ઓવર થઇ ગયું 'અમુક આગેવાનોએ અમને પોઝિટિવ સહકાર આપ્યો. જેના પછી અમે પ્રયત્ન કર્યો. 2015માં અમારી ખરાબ હાલત થઇ, વિદેશના ફક્ત 5 જ લોકો આવ્યા અને 15 લાખની ખોટ ગઇ હતી. બીજે જ વર્ષે 156 લોકો આવ્યા હતા અને આ સિલસિલો આજે પણ ચાલુ છે. એક દાયકા પછી 5 હજાર કરોડનું ટર્ન ઓવર કરી આપ્યું છે.' પહેલાં મહિને 5-10 વિદેશી ગ્રાહકો આવતા હવે દરરોજ આવે છે ‘પહેલું પરિણામ એ મળ્યું કે 2020માં આખા દેશનું એક્સપોર્ટ લગભગ 20% ડાઉન હતું ત્યારે રાજકોટનું એક્સપોર્ટ લગભગ 512 કરોડ પ્લસ હતું. 2015માં દર મહિને 5થી 10 વિદેશી ગ્રાહકો રાજકોટ એરપોર્ટ પર ઉતરતા હતા પણ 2025માં દરરોજ 5થી 10 લોકો અહીં આવે છે. આ બધાની પાછળ ક્યાંક અમારા પ્રયત્નોનો પણ હિસ્સો છે.’ 'અત્યારે જે ક્લસ્ટર ડેવલપમેન્ટની સિસ્ટમ ચાલે છે તે તો 1960 પહેલાંથી ચાલતી હતી. જુદા-જુદા શહેરોમાં જુદા-જુદા ઉદ્યોગો વિકાસ પામ્યા હતા. જેમ કે સુરેન્દ્રનગર જાઓ તો ટેક્સટાઇલ ઉદ્યોગ જોવા મળે, રાજકોટ જાઓ તો એન્જિનિયરિંગ ઉદ્યોગ જોવા મળે. આ સિસ્ટમ પાછળ નેતાઓનો રોલ પણ મહત્વનો હતો. સુરેન્દ્રનગરના મનુભાઇ શાહ નેહરૂની સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. તેમનું વિઝન બહુ વિશાળ હતું.'
    Click here to Read More
    Previous Article
    2026માં શનિનો પ્રકોપ!:મેષ, ધન સહિત 5 રાશિઓની લેશે કસોટી, જાણો તમારી રાશિ પર શનિની અસર કેવી રહેશે
    Next Article
    દુબઇના મોલ જેવું અમદાવાદનું બુલેટ ટ્રેન સ્ટેશન:સિંગાપુર એરપોર્ટને ઝાંખું પાડે, દાંડીયાત્રાની થીમ અને સાત સ્ટેપવાળી ડિઝાઇન, પહેલીવાર જુઓ એન્ટ્રીથી પ્લેટફોર્મ સુધીનો અંદરનો નજારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment