Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી ભજન 'ધુણી રે ધખાવી...' ગાઈને પંજાબી સિંગરે મંત્રમુગ્ધ કર્યા:રાજ કપૂરે કઈ વાત પર હાથ પર સિગારેટના ડામ આપ્યા, 'અથશ્રી મહાભારત કથા' ફૅમ સિંગર લંડનમાં કોના પગે પડી ગયા?

    1 day ago

    'મેરે દેશ કી ધરતી સોના ઉગલે..' 'ચલો એક બાર ફિર સે...' 'તુમ અગર સાથ દેના કા વાદા કરો...' ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની... કથા હૈ પુરુષાર્થ કી, યે સ્વાર્થ કી પરમાર્થ કી... અથશ્રી મહાભારત કથા... બી.આર. ચોપરાની 'મહાભારત'માં જ્યારે જ્યારે 'અથશ્રી મહાભારત કથા' કે પછી શ્લોકો સાંભળવા મળે ત્યારે ત્યારે ચાહકોના રૂંવાડા ઊભા થઈ જતા. મહેન્દ્ર કપૂરની 9મી જાન્યુઆરી એટલે કે આજે 92મી જન્મજયંતી છે. મહેન્દ્ર કપૂરનો અવાજ મોહમ્મદ રફીના અવાજથી ખાસ્સો મળતો આવતો હતો. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું, કપૂર પરિવારની.... મહેન્દ્ર કપૂરે કયા સંજોગોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાવાની શરૂઆત કરી? મહેન્દ્ર કપૂરને રેડિયોમાં શા માટે રિજેક્ટ કરવામાં આવ્યા? મહેન્દ્ર કપૂર લંડનમાં બે દીકરાઓને કેમ પગે લાગ્યા? બોલિવૂડમાં મહેન્દ્ર કપૂર કેમ સાઇડ લાઇન રહ્યા? નાનપણથી જ સંગીતમાં રસ 9 જાન્યુઆરી, 1934માં પંજાબના અમૃતસરમાં જન્મેલા મહેન્દ્ર કપૂરનો પરિવાર થોડા વર્ષોમાં જ મુંબઈ આવી ગયો હતો. નાનપણથી જ મહેન્દ્ર કપૂરને સંગીતમાં ઘણો જ રસ અને આ જ કારણે તેમણે ઉસ્તાદ નિયાઝ અહમદ ખાન, પંડિત તુલસીદાસ શર્મા, જગન્નાથ બુઆ પાસેથી સંગીતની તાલીમ લીધી. મહેન્દ્ર કપૂરે સતત રિયાઝ કરીને પોતાના સૂરને મધુર બનાવ્યા હતા. મહેન્દ્ર કપૂરને નાનપણથી જ ગીત ગાવાનો શોખ હતો. તેઓ સ્કૂલમાં હતા ત્યારથી જ ગીત ગાતા. મહેન્દ્ર કપૂરને માતા શાનો દેવી (શાંતિ) પાસેથી સંગીત વારસામાં મળ્યું છે. શાંતિ દેવી અમૃતસરમાં લગ્નોમાં ગીત ગાતા. મહેન્દ્ર કપૂર જ્યારે ભણતા ત્યારે ઓડિયો વિઝ્યુઅલ્સનો એક પીરિયડ રહેતો. આ પીરિયડમાં બ્રિટિશ રાજઘરાનાની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવતી. આ જ કારણે ઘણીવાર વિદ્યાર્થીઓ કંટાળી જતા. એકવાર પ્રોજેક્ટર ખરાબ હોવાથી સ્કૂલ ટીચરે ક્લાસમાં કોઈ સારું ગાઈ શકતું હોય તો ગાવાની વાત કરી. મહેન્દ્ર કપૂરે તરત જ ટીચરની વાત માનીને નૂરજહાંના ગીતો ગાયા અને આખા ક્લાસે તાળીઓથી વધાવી લીધા. આ પ્રસંગ બાદ મહેન્દ્ર ઘણીવાર ટેક્નિશિયનન્સને રિક્વેસ્ટ કરીને પ્રોજેક્ટર કામ કરતું નથી તેવું કહીને ક્લાસમાં ગીત ગાવા લાગતા. ફિલ્મ 'મદમસ્'તમાં તેમણે ગીતની બે-ત્રણ લાઇન પણ ગાઈ હતી. આ ગીત માટે તેમને કોઈ પૈસા મળ્યા નહોતા. કોમી હુલ્લડો વચ્ચે મુસ્લિમ એરિયામાં ગયા મહેન્દ્ર કપૂર 13 વર્ષના હતા ત્યારે તેમણે મોહમ્મદ રફીનું ગીત 'યહા બદલા વફા...' સાંભળ્યું અને મંત્રમુગ્ધ થઈ ગયા. પછી તો તેમણે રફીને મળવાનું નક્કી કર્યું. તેમણે ભિંડી બજારમાં રફીનું ઘર શોધ્યું અને ત્યાં ગયા. આ સમયે 1947માં દેશ આઝાદ થવાને કારણે ત્યાં કોમી હુલ્લડો ચાલતા હતા. આગળ જતા કરિયરમાં મહેન્દ્ર કપૂરને રફીએ જ ગાયિકીની બારીકાઈ શીખવી હતી. કોલેજના દિવસોમાં પણ મહેન્દ્ર કપૂરે પૈસા લીધા વગર ગીતો ગાયા હતા. મહેન્દ્ર કપૂરે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો. વિજય આનંદ પણ આ જ કોલેજમાં ભણતા હતા. કોલેજકાળમાં મહેન્દ્ર કપૂરે વિજય આનંદના ડિરેક્શનમાં બનેલા નાટકોમાં એક્ટિંગ કરી હતી. આ દરમિયાન મહેન્દ્રની સગાઈ પ્રવીણલતા સાથે થઈ અને પછી લગ્ન થયા. ઑડિશન આપ્યું ને વિનર રહ્યા મહેન્દ્ર કપૂરે ઓલ ઇન્ડિયા રેડિયો માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેમનો અવાજ પસંદ ન પડવાને કારણે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા. 1956માં તેમને મ્યૂઝિક ડિરેક્ટર સ્નેહલ ભાટકરે 'તેરે દર કી ભીખ માનતી હૈ દાતા..' (દિવાલી કી રાત, 1956)માં ગાવાની તક આપી. તે જ વર્ષે 'લલકાર'માં 'ઇસ મન કી નગરિયા સે...' ગાયું. જોકે, આ બંને ગીતો ખાસ કમાલ બતાવી શક્યા નહીં. પછી નસીબે સાથ આપ્યો ને 1957માં આરતી મુખર્જીએ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સની નજીક આવેલા મેદાનમાં મેટ્રો મર્ફીની સંગીત સ્પર્ધા યોજી. આ સ્પર્ધામાં મહેન્દ્ર કપૂરે પણ ભાગ લીધો હતો અને તેઓ વિનર રહ્યા. તેમણે સ્પર્ધામાં રફીનું ગીત 'ઇલૈહી કોઇ તમન્ના નહીં...' ગાયું હતું. આ કોમ્પિટિશનમાં જજ પેનલમાં મ્યૂઝિકના દિગ્ગજો સી. રામચંદ્ર, વસંત દેસાઈ, મદનમોહન, નૌશાદ તથા અનિલ બિશ્વાસ હતા. તેમણે મહેન્દ્ર કપૂરને ઈનામ તરીકે ફિલ્મમાં ગીત ગાવાની તક આપવી તેવું નક્કી કર્યું. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે તેઓ આખું ગીત અથવા ગીતની એકાદ-બે લાઇન પણ હોઈ શકે છે. આ રીતે મહેન્દ્ર કપૂરને સફળ ગીતો આપ્યા ના હોવા છતાં કરિયર શરૂ થવાની આશા થઈ. 'આધા હૈ ચંદ્રમા..' પાછળ રસપ્રદ સ્ટોરી મહેન્દ્ર કપૂરે ડિરેક્ટર વી.શાંતારામની ફિલ્મ 'નવરંગ'માં 'આધા હૈ ચંદ્રમા રાત આધી ગીત...' ગાયું. આ ગીત મ્યૂઝિક ડિરેક્ટર રામચંદ્રને મહેન્દ્ર કપૂરને આપ્યું હતું. આ ગીતનું જ્યારે રેકોર્ડિંગ હતું ત્યારે મહેન્દ્ર કપૂર ઘણા જ નર્વસ થઈ ગયા હતા. ગીતમાં તેમની સાથે આશા ભોંસલે હતા. આ ગીતના રિહર્સલ દરમિયાન રામચંદ્રને ખ્યાલ હતો કે મહેન્દ્ર ઘણા જ નર્વસ છે. માઇક્રોફોન પર ગીતનું રિહર્સલ ચાલતું હતું અને રામચંદ્રે ઘણીવાર કટ કહ્યું, પરંતુ મહેન્દ્ર કપૂર તો પોતાની ધૂનમાં ગાતા જ જતા હતા. અંતે, રામચંદ્ર રેકોર્ડિંગ રૂમમાં આવ્યા અને તેમણે મરાઠીમાં આશા ભોસલેને કહ્યું કે હવે તો રેકોર્ડિંગ મુશ્કેલ છે, કારણ કે મહેન્દ્ર કપૂર ઘણા જ નર્વસ છે. તેમનો અવાજ તેમને માઇક્રોફોનમાં સંભળાતો જ નથી. આ સાંભળીને આશા ભોંસલેને નવાઈ લાગી અને તેમણે કહ્યું કે તે તો બહુ જ સારું ગાય છે. આશાની વાત સાંભળીને રામચંદ્રને નવાઈ લાગી કે આવું કેવી રીતે શક્ય છે. તેઓ પછી રેકોર્ડિંગ રૂમની આગળ ઊભા રહ્યા તો તેમને મહેન્દ્રનો અવાજ ઘણો જ સુમધુર લાગી રહ્યો હતો. તે વિચારમાં પડી ગયા કે ત્યાં પેનલ પર મહેન્દ્રનો અવાજ કેમ આવતો નથી? અંતે કેબલ ચેક કરવામાં આવ્યો તો જાણ થઈ કે જે માઇક્રોફોન પર મહેન્દ્ર કપૂર ગાઈ રહ્યા છે તે તેનો કેબલ જ ડિસક્નેક્ટ થઈ ગયો હતો. અંતે તે ગીત રેકોર્ડ કરવામાં આવ્યું. રફી સાઇડ લાઇન થયા ને મહેન્દ્ર કપૂરને તકો મળી મહેન્દ્ર કપૂરે ચાર-ચાર દાયકા સુધી સિનેમામાં કામ કર્યું. તેઓ મોહમ્મદ રફીને ગુરુ માનતા હતા. મહેન્દ્ર કપૂરનો અવાજ રફીના અવાજ સાથે મળતો આવતો હતો. આટલું જ નહીં, મોહમ્મદ રફીના રિપ્લેસ્ટમેન્ટ તરીકે મહેન્દ્ર કપૂરને ઇન્ડસ્ટ્રીમાં તક મળી. બી.આર. ચોપરા તથા મોહમ્મદ રફી વચ્ચે કોઈક વાતને કારણે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને તેનો સીધો ફાયદો મહેન્દ્રને મળ્યો. બી.આર. ચોપરાએ ફિલ્મ 'ગુમરાહ'માં મહેન્દ્ર કપૂર પાસે ગીતો ગવડાવ્યા. આ ફિલ્મ બાદ બી.આર. ચોપરા ને મહેન્દ્ર કપૂરની જોડીએ એકથી ચઢિયાતી એક ફિલ્મ આપી. બોલિવૂડમાં ક્યારેય એ દરજ્જો ના મળ્યો એ વાત અલગ છે કે મહેન્દ્ર કપૂર બોલિવૂડમાં હંમેશાં સાઇડ લાઇન જ રહ્યા. તેમનું યોગદાન અઢળક છે, પરંતુ તેમના સમકાલીન સિંગર્સને મળેલા માન સન્માન ને ઓળખની સામે મહેન્દ્ર કપૂરને જે મળ્યું તે માત્ર નામ પૂરતું છે. તેમને એ ટોચનું સ્થાન ક્યારેય મળી શક્યું નહીં. ભારતીય પોસ્ટ ડિપાર્ટમેન્ટે 2016માં ભારતના દિગ્ગજ ગાયકની ટિકિટ રિલીઝ કરી હતી. આ ગાયકોમાં રફી, કિશોરદા, મુકેશ, હેમંત કુમાર, મન્ના ડે, શમશાદ બેગમ, ગીતા દત્ત, ભૂપેન હઝારિકા, તલત મહેમૂદ સામેલ હતા, પરંતુ મહેન્દ્ર કપૂર ગાયબ હતા. સંગીત જગતમાં આ તમામ હસ્તીઓનું આગવું સ્થાન છે. ખરી રીતે તો મહેન્દ્ર કપૂરના અવાજમાં કોમળતા ઓછી જોવા મળતી. માત્ર બી આર ચોપરા, યશ ચોપરા, સાહિર લુધિયાનવી ને મ્યૂઝિક ડિરેક્ટર રવિ તેમના અવાજને કંટ્રોલમાં રાખી શકતા. આ જ કારણે સંગીતકાર જે ગીતમાં દમદાર અવાજ જોઈએ તો મહેન્દ્ર કપૂરને લેતા અને જો ઇમોશન ને કોમળતા જોઈએ તો અન્ય સિંગર્સ પાસે ગવડાવે. જેમ કે, 'પૂરબ ઔર પશ્ચિમ'માં મહેન્દ્ર કપૂરે 'હૈ પ્રીત જહાં કી રીત સદા..' ગાયું, પરંતુ 'કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે...' ગીત મુકેશ ગાયું. 'શોર'માં મુકેશ-લતાએ 'એક પ્યાર કા નગ્મા...' ગાયું તો મહેન્દ્ર કપૂર પાસે 'જીવન ચલને કા નામ...' ગવડાવવામાં આવ્યું. 'રોટી કપડા ઔર મકાન'માં કપૂરે 'ઔર નહીં બસ ઔર નહીં....' તો આ જ ફિલ્મમાં મુકેશ-લતાએ 'મૈં ના ભૂલુંગા...' ગાયું. એ જ રીતે ફિલ્મ 'ક્રાંતિ'માં 'અબ કે બરસ તુઝે ધરતી કી રાની કર દેંગે... ' કપૂરે તો 'જિંદગી કી ટૂટે ના લડી...' નીતિન મુકેશે ગાયું હતું. આ દેશભક્તિ ગીત કલ્ટ સાબિત થયું મહેન્દ્ર કપૂરનું સોંગ 'અબ કે બરસ તુઝે ધરતી... ' કલ્ટ દેશભક્તિ સોંગ બની ગયું છે. આ ગીત વગર ક્યારેય દેશભક્તિનો પ્રોગ્રામ પૂરો થતો નથી. આ ગીત મનોજ કુમાર પર પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ભારત માતાના ગુણગાન કરવામાં આવ્યા હતા. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ તથા લિરિક્સ સંતોષ આનંદ ને સિંગર મહેન્દ્ર કપૂરે આ ગીતને અમર બનાવી દીધું છે. 2500થી વધુ ગીતો ગાયા દક્ષિણ મુંબઈના પેડર રોડ પર પત્ની પ્રવીણલતા ને એક દીકરો રુહાન તથા ત્રણ દીકરીઓ બેન્નુ, અનુ તથા પૂર્ણા સાથે મહેન્દ્ર કપૂર રહેતા. પિતાના રિયાઝથી ચારેય સંતાનો જાગતા. 60ના દાયકાની શરૂઆતમાં રુહાનનો જન્મ થયો અને ત્યારે મહેન્દ્ર કપૂરને સારી એવી ઓળખ મળી ચૂકી હતી. દીકરો રૂહાન રોહન તરીકે પણ લોકપ્રિય છે. મહેન્દ્ર કપૂરે 2500થી વધુ સોંગ્સ ગાયા હોવાનું કહેવામાં આવે છે. ઘરમાં સાદગીથી જ રહેતા રુહાને એક ઇન્ટરવ્યૂમાં પિતા અંગે વાત કરતા કહ્યું હતું કે તેમને સાદગી ઘણી જ ગમતી હતી અને ઘરમાં આ વાતનું ઘણું જ ધ્યાન રાખતા. જોકે, કોઈ ફિલ્મ સારી ચાલે તો તે સમયે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેતું. ઘરની નજીક આવેલી હોટલમાંથી કીમા મટર, બિરયાની, બટર ચિકન આવતું. આ ઉપરાંત ઘરે ખીર પણ બનતી. પિતાએ ક્યારેય દારુ ને સ્મોકિંગને હાથ લગાડ્યો નહોતો. રુહાને વધુમાં કહ્યું હતું કે માતા તલત મહમૂદની ઘણી જ મોટી પ્રશંસક હતી. તેમને તલત મહમૂદનો અવાજ ઘણો જ ગમતો. ઘણીવાર પિતા આ વાતને કારણે તેમની મજાક પણ ઉડાવતા. અલબત્ત, બંનેએ એકબીજાને હંમેશાં સાથ આપ્યો છે. પિતા ગમે ત્યાં જાય પછી તે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હાઉસમાં ડિનર હોય કે પછી કોઈ અવૉર્ડ શો હોય... માતાને સાથે લઈને જતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર શુક્રવારે નસીબ બદલાય છે. સિનેમામાં યશ ને અંધકાર બને છે, પરંતુ પેરેન્ટ્સ હંમેશાં એકબીજાની સાથે ઊભા રહ્યાં. રફી સાથે ગાઢ સંબંધ મહેન્દ્ર કપૂર પહેલી જ વાર રફી સાથે કોલકાતા સુધી ફ્લાઇટમાં ગયા હતા. તેઓ ગ્રાન્ડ હોટલમાં રોકાયા હતા. રફીનું પર્ફોર્મન્સ રાતના બે વાગ્યે હતું. આ જ કારણે તેમને ત્યાં સુધી આરામ કરવાનું કહેવામાં આવ્યું. જોકે, રફી સાહેબને પર્ફોર્મન્સ પહેલા આરામ કરવો નહોતો તો તેઓ મહેન્દ્ર કપૂર સાથે રૂમની બાલ્કનીમાં ઊભા રહ્યા ને તેમને એ વાત સમજાવી કે આકાશમાં રહેલા તારા ને ચંદ્રને જુઓ. આકાશ કેટલું સુંદર દેખાય છે. તેમની સુંદરતામાં ક્યાંય અભિમાન જોવા મળતું નથી. તો પછી આપણા જેવાએ હજી માંડ ગણ્યા ગાંઠ્યા ગીતો ગાયા હોય તે કેવી રીતે અભિમાન કરી શકે. હું નમાઝ કરું છું અને તું પૂજા કર અને આપણે અત્યારે ભગવાનનો આભાર માનીએ અને બંને ભક્તિમાં લીન થયા. રફીના દીકરાને પગે લાગ્યા 1979માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં મહેન્દ્ર કપૂરને સન્માનિત કરવાનો એક પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામમાં રફીના બંને દીકરાઓ ખાલિદ તથા સૈયદ પણ હતા. મહેન્દ્ર કપૂરને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે તરત જ તે બંને માટે માળાઓ મગાવી, પરંતુ તાત્કાલિક માળા મળવી શક્ય નહોતી. આ જ કારણે નજીકમાં આવેલા મંદિરમાંથી આ બે માળા લાવવામાં આવી. તેમણે રફીના બંને દીકરાઓને સ્ટેજ પર બોલાવ્યા અને તેમને માળા પહેરાવીને સન્માનિત કર્યા. આટલું જ નહીં, મહેન્દ્ર આ બંને દીકરાઓને પગે લાગ્યા. તે સમયે મહેન્દ્ર કપૂરે એમ કહ્યું હતું કે તેઓ આ બંને દીકરાઓના નહીં, પરંતુ હાલમાં મુંબઈમાં રહેલા તેમના ગુરુ મોહમ્મદ રફીના પગે લાગે છે. આખો હોલ ભાવુક થઈ ગયો. એ વાત અલગ છે કે રફી ને મહેન્દ્ર કપૂરે 'આદમી' ફિલ્મમાં માત્ર એક ગીત સાથે ગાયું હતું. રફી હંમેશાં કહેતા કે તે બંને ભાઈ છે. તેમની વચ્ચે ક્યારેય સ્પર્ધા આવશે નહીં. કિશોર કુમારે કહ્યું, 'શાહી શૌચાલય બતાવો તો જ ગીત ગાઈશ...' મહેન્દ્ર કપૂરે સંગીતકાર કલ્યાણજી-આનંદજી માટે કિશોર કુમાર સાથે ફિલ્મ 'હેરાફેરી'નું ગીત 'વક્ત કી હેરાફેરી...' રેકોર્ડ કર્યું હતું. રેકોર્ડિંગ સમયે કિશોરદા વહેલા આવી ગયા, પરંતુ તેમણે ગીત ગાવાની ચોખ્ખી ના પાડી દીધી. કિશોર કુમાર પોતાના સ્વભાવ પ્રમાણે સંગીતકારને હેરાન કરતા હતા અને તેમણે એવી વાત કરી કે હાલમાં જ તેઓ લાલ કિલ્લો જોઈને આવ્યા. ત્યાં તેમને શાહી બેડરૂમ, શાહી ડાઇનિંગ રૂમ.. સહિત બધું જ શાહી બતાવવામાં આવ્યું, પરંતુ શાહી બાથરૂમ તો ત્યાં હતું જ નહીં. શાહી પરિવાર ખેતરમાં જતો હતો કે? કિશોરદાએ સંગીતકાર પાસે આ સવાલનો જવાબ માગ્યો અને જ્યાં સુધી જવાબ ના મળે ત્યાં સુધી રેકોર્ડિંગ કરશે નહીં તેવી જાહેરાત કરી. અંતે, કંટાળીને કલ્યાણજીએ વચન આપ્યું કે ગીતનું બીજું રેકોર્ડિંગ થશે ત્યાં સુધી આનો જવાબ મળી જશે. પછી કિશોરદા ગીત ગાવા માટે તૈયાર થયા. રાજ કપૂરે ડામ આપ્યો રશિયામાં રાજ કપૂર ભગવાનની જેમ પૂજાય છે. એકવાર રાજ કપૂરે રશિયામાં યોજાયેલા એક શોમાં મુકેશનું ગીત ગાયું અને ચાહકો દિવાના થઈ ગયા. પછી મહેન્દ્ર કપૂરે 'હમરાઝ' તથા 'ગુમરાહ'ના ગીતો ગાયા. લાખથી વધારે ચાહકોએ ઊભા થઈને આ ગીતો પર મહેન્દ્ર કપૂરને તાળીઓથી વધાવી લીધા. રાજ કપૂરે સ્ટેજ પર મજાકમાં એવું કહ્યું કે ચાહકો તો માત્ર મહેન્દ્ર કપૂર માટે જ આવું કરી શકે છે. રશિયાથી ભારત પરત ફરતી વખતે રાજ કપૂરે સિંગર મહેન્દ્રને એમ કહ્યું કે તે આગામી ફિલ્મમાં તેમની પાસે જરૂરથી ગીત ગવડાવશે. મહેન્દ્ર કપૂરે પછી મજાકમાં એવું કહ્યું હતું કે તમે તો મોટા ફિલ્મ પ્રોડ્યુસર છો તો ભારત જઈને આ વાત ભૂલી જશો. તરત જ રાજ કપૂરે સિગારેટના ટુકડાથી પોતાના હાથ પર ડામ આપ્યો હતો ને જવાબ વાળ્યો કે, 'આ રાજ કપૂરનું વચન છે કે તમારી પાસે ગીત ગવડાવીશ. જ્યારે પણ હાથ પર નિશાન જોઈશ ત્યારે આ વાત હંમેશાં યાદ આવશે.' રાજ કપૂરે પછી 'સંગમ' ફિલ્મમાં મહેન્દ્ર કપૂર પાસે 'હર દિલ જો પ્યાર કરેગા...' ગવડાવ્યું હતું. 70નો દાયકો ગાયકો માટે મુશ્કેલ રહ્યો 70ના દાયકામાં કિશોર કુમાર ને આર.ડી. બર્મનની જોડીએ ફિલ્મ મ્યૂઝિકમાં આમૂલ પરિવર્તન કર્યું. આ સમય હિંદી સિનેમાના તમામ ગાયકો માટે ઘણો જ મુશ્કેલ ભર્યો રહ્યો. કિશોરદા ને પંચમદાની મ્યૂઝિક સ્ટાઇલ લોકપ્રિય થઈ અને સંગીત વાદ્ય પણ બદલાઈ ગયા. આ સમય મહેન્દ્ર કપૂર માટે પણ મુશ્કેલ સાબિત થયો. ચારેબાજુ કિશોર કુમાર છવાઈ ગયા હતા. ત્યાં સુધી કે રફીએ થોડો સમય ગાવાનું બંધ કરી દીધું હતું. મહેન્દ્ર કપૂરે હિંદી ફિલ્મને બદલે ગુજરાતી ને મરાઠી ફિલ્મમાં ગાવાનું શરૂ કર્યું. આ કઠિન સમયમાં મોહમ્મદ રફીએ મહેન્દ્ર કપૂરને મળવા માટે ઘરે બોલાવ્યા હતા. તેમણે ઘરના બગીચામાં ઉદાસ થઈને કહ્યું હતું કે જે પ્રોડ્યુસર એક સમયે તેમને મળવા આગળ-પાછળ ફરતા તે આજે સામે પણ જોતા નથી. ઘણું જ દુઃખ થાય છે. પોતાના ગુરુની આ વાત સાંભળીને મહેન્દ્ર કપૂરે ભાવુક સ્વરે કહ્યું કે દુનિયાનો આ જ નિયમ છે. ત્યારબાદ મહેન્દ્ર કપૂરે 'તુમ જો મિલ ગયે હો...' (હંસતે જખ્મ)નું ગીત સંભળાવ્યું. આ ગીત સાંભળીને બંને રડી પડ્યા હતા. એક વિવાદે મહેન્દ્ર કપૂરનો આજીવન પીછો ના છોડ્યો! તલત મહેમૂદ ને મહેન્દ્ર કપૂર વચ્ચેનો એક વિવાદ ખાસ્સો જાણીતો છે. દીકરા રૂહાને પિતાના આ વિવાદ અંગે વાત કરતા કહ્યું હતું, 'રફી સાહેબ તથા પિતાજીએ માત્ર 'આદમી' ફિલ્મના ગીત 'કૈસી હસીન રાત...' માં સાથે ગાયું હતું. આ ગીત સૌ પહેલા તલત સાહેબે મનોજ કુમાર તથા રફી સાહેબે દિલીપ કુમાર માટે ગાયું હતું. જોકે, ગીત સાંભળ્યા બાદ મનોજ કુમાર પર આ ગીત બહુ જ સ્લો લાગશે તેમ લાગ્યું. તલત સાહેબની તબિયત ખરાબ હતી અને તે જ કારણે તેઓ રફી સાહેબની જેમ હાઇ પીચ પર ગાઈ શકે તેમ નહોતા. આ ગીતમાં બંને એક્ટર વચ્ચેની ટક્કર બતાવવામાં આવી હતી. સંગીતકાર નૌશાદે પોતાની ભૂલ સ્વીકારી કે તેમણે તલત સાહેબ પાસે તબિયત સારી ના હોવા છતાં ગીત ગવડાવ્યું. નૌશાદે પછી મહેન્દ્ર કપૂર પાસે આ ગીત રેકોર્ડ કરાવવાનું નક્કી કર્યું, પરંતુ મહેન્દ્ર કપૂરે ચોખ્ખી ના પાડી કે તે આમ ક્યારેય કરશે નહીં. અંતે, મહેન્દ્ર કપૂર સિંગર તલત મહેમૂદને મળ્યા અને આ અંગે વાત કરી. તલત મહેમૂદે મહેન્દ્ર કપૂરને એમ કહ્યું કે તું તો મારા ભાઈ જેવો જ છે અને જો તું નહીં ગાય તો બીજું કોઈ ગાશે. મારી તબિયત સારી નહોતી અને હું રફીની અવાજનો મુકાબલો કરી શક્યો નહીં.' તલત સાહેબની પરવાનગી મળી ત્યારબાદ પિતાએ તેમના આશીર્વાદ લઈને આ ગીત ગાયું હતું.' 1988-1990માં 'મહાભારત'એ ધૂમ મચાવી 'અથશ્રી મહાભારત કથા, કથા હૈ પુરુષાર્થ કી યહ, સ્વાર્થ કી પરમાર્થ કી...' ટાઇટલ ગીતે ભારતભરના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગીત સાંભળીને આજે પણ એક અલગ જ લાગણી થાય છે અને માહોલ ભક્તિમય બની જાય છે. બી.આર. ચોપરાની 'મહાભારત' દરેક પ્રસંગે મહેન્દ્ર કપૂરે ગાયેલા શ્લોક વગર અધૂરું જ લાગે. મહેન્દ્ર કપૂરનો બુલંદ અવાજ ભક્તિસભર ગીતોને અલગ જ સૂર આપે છે. તેમની ગાયેલી આરતી 'ઓમ જય જગદીશ...' પૂજામાં અચૂકથી વાગે જ છે. મુંબઈમાં એક ઇવેન્ટમાં જ્યારે તેમણે ખુલ્લા મેદાનમાં 'મેરે દેશ કી ધરતી સોના..' ગાયું ત્યારે ભારતીય જવાનોની આંખો ભીંજાઈ ગઈ હતી. સર્જરીના કોમ્પિલકેશનને કારણે અવસાન મહેન્દ્ર કપૂરે 2008માં સર્જરી કરાવી હતી. સર્જરી તો સફળ રહી પરંતુ પછી તેમને યુરીન ઇન્ફેક્શન થયું અને તે કિડની સુધી ફેલાઈ ગયું. આ જ કારણે કિડની કામ કરતી બંધ થઈ ગઈ. કિડીની ફેઇલ્યોરને કારણે મહેન્દ્ર કપૂર નિયમિત રીતે ડાયલિસિસ કરાવતા. અવસાનના એક મહિના પહેલા જ મહેન્દ્ર કપૂરને મોતનો આભાસ થઈ ગયો હતો. તેમણે દીકરાને બોલાવીને કહ્યું હતું, 'માતાનું ધ્યાન રાખજે. ઉપર મારા મા-બાપ મારી રાહ જોઈ રહ્યા છે. હું તેમને મળવા માટે બેતાબ છું.' મહેન્દ્ર કપૂર દિલ્હીના છતરપુર મંદિરમાં દેવી કાત્યાયનીના ભક્ત હતા. અવસાનના એક દિવસ પહેલા પૂજારીને ફોન કરીને કહ્યું હતું કે માતાને મારા અંતિમ પ્રણામ. હવે હું ત્યાં આવી શકીશ નહીં. મહેન્દ્ર કપૂરને બીમારી કરતાં પથારીવશ થવાનો ડર વધારે હતો. જે દિવસે અવસાન થયું તે દિવસે તેમના માતાની પુણ્યતિથિ હતી. બપોરના ભોજન બાદ શુભા મુદગ્લની ભગવાન મહાકાલેશ્વરના ભક્તિ ગીતો સાંભળ્યા ને તેમને રાગ યમન ઘણો જ પસંદ આવ્યો હતો. થોડા સમય બાદ તબિયત બગડી. દીકરાનો હાથ પકડ્યો ને હાર્ટ અટેકને કારણે 74 વર્ષીય મહેન્દ્ર કપૂરનું અવસાન થયું. ચાર સંતાનો શું કરે છે? દીકરાને પિતા જેવી સફળતા ન મળી 1965માં જન્મેલા રૂહાન કપૂરને નાનપણથી જ પરિવારમાં સંગીતનો માહોલ મળ્યો છે. માત્ર નવ વર્ષની ઉંમરે રૂહાને પંડિત તુલસીદાસ શર્મા ઉસ્તાદ છોટે ઇકબાલ, ઉસ્તાબ અનવર હુસૈન તથા પંડિત મુરલી મનોહર શુક્લા પાસેથી ક્લાસિકલ ઇન્ડિયન મ્યૂઝિકની તાલીમ લીધી. માત્ર 16 વર્ષની ઉંમરે રૂહાને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ 'ક્રાંતિ'માં કામ કર્યું. એક્ટર શફી ઇમાનદાર સાથે સ્ટેજ શો કરતો. આ ઉપરાંત નાટકો પણ કામ કર્યું. રૂહાને 1985માં યશ ચોપરાની ફિલ્મ 'ફાસલે'થી કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ 'લવ' 86'માં કામ કર્યું. આ ઉપરાત સંજય દત્ત સાથે ફિલ્મ 'ઇમાનદાર'માં પણ જોવા મળ્યો. રુહાને 'આવાઝ કી દુનિયા' શો હોસ્ટ કર્યો હતો. રૂહાને પોપ આલ્બમ્સ 'ઇશ્ક રબ કી દુઆ', 'ઓહ માય ડાર્લિંગ' તથા 'દિલ તેરા દિવાના...' જેવા લૉન્ચ કર્યા. રૂહાને ભજન આલ્બમ પણ લૉન્ચ કર્યા છે. રૂહાને દેશ તથા દુનિયાભરના વિવિધ દેશોમાં સ્ટેજ શો કર્યા છે. રૂહાન પોતાની વેબ સિરીઝ 'રૂહાની કિસ્સે વિથ રૂહાન કપૂર'માં હિંદી સિનેમાના લિજેન્ડરી સંગીતકારો અંગે વાત કરી હતી. રૂહાને પોતાના દીકરા સિદ્ધાંત સાથે વિવિધ સોંગ કમ્પોઝ કર્યા છે. રૂહાનને પિતા જેવી સફળતા બોલિવૂડમાં મળી નહીં. મહેન્દ્ર કપૂરની દીકરી બેન્નુ કપૂર લોકપ્રિય ફેશન ડિઝાઇનર છે. તેણે ફિલ્મ 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ'માં પણ કામ કર્યું હતું. બીજી બે દીકરીઓ અન્નુ ને પૂર્ણા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં જ્યાં પથ્થરમારો થયો એ મસ્જિદ પાસે તેના દસ્તાવેજો નથી:113 વર્ષ જૂના દસ્તાવેજો ગાયબ, મસ્જિદ કમિટીએ કહ્યું- કદાચ વક્ફ પાસે હશે
    Next Article
    2 Injured In Shooting By US Federal Immigration Officers: Cops

    Related વિડિઓ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment