Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:મૈલે પૈર

    5 days ago

    ઇલસ્ટ્રેટેડ વીકલીના તત્કાલીન મહાતંત્રી ખુશવંત સિંહે પાકીઝા વિશે લખેલું કે તે સિ–લિ–એ–સ્ટ ફિલ્મ છે! સિલિએસ્ટ! પાસ્કલ નામે ભૌતિકશાસ્ત્રીએ કહ્યું છે કે હાર્ટ હેઝ રીઝન્સ ધેટ રીઝન કેનનોટ અન્ડરસ્ટેન્ડ. અને કોઈ ભલા માણસે ભાખેલું છે કે તમે ઉઘાડી આંખે જે જુઓ છો તે છે ‘રિયાલિઝમ’ અને આંખો બંધ કરો ત્યારે જે દેખાય તે છે ‘સર–રિયાલિઝમ.’ યાને તમારા મનમાં જિંદગીની જે છબિ છે તે સાચું ‘સત્ય’ છે. માઇન્ડ યુ, સા–ચું સત્ય! ને તે સત્ય કપાળેકપાળે ભિન્ન ભિન્ન છે, કાચું સાચું નોન એકઝિસ્ટન્ટ! અમે અવારનવાર જેનો ઉલ્લેખ કરીએ છીએ તે ન્યુ યોર્ક ટાઇમ્સના સ્વનામધન્ય નાટ્ય સમીક્ષક વોલ્ટર કેર કહેતા કે તમે થિયેટરમાં જાઓ ત્યારે નેવું ટકા નાટક તમારા મગજમાં ભરીને જાઓ છો. સ્ટેજ ઉપર જે ભજવાય તે માત્ર દસ ટકા છે. સો વોટ્ટ? રીડ મોર. ગગનવાલાની આંખો બંધ હોય કે ઉઘાડી, મેઇકસ નો ડિફરંસ. આ ભાગ્યપંગુ પ્રેક્ષક સોએ સો ટકા નાટકનો હોલડોલ મગજમાં વીંટીને થિયેટર ઉપર જાય છે, જેમાં અગાઉ જોયેલાં, જોવા ધારેલાં, જોવા ન પામેલાં ને જીવનના પૂર્વાગ્રહોથી ખદબદતા અફસાના ગડી કરીને ગોઠવેલા હોય છે, જેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી, ને છતાં તે જ ‘સાચું’ સત્ય છે. કમાલ તે છે અલ્લાહ મિંયાની કે તે જ પ્રકૃતિ છે, ને તે જ વિકૃતિ. અને સ્ટેજ ઉપર દેખાતો અફસાનો પોતાની ગઠરિયા જેવો છે એવી ગેરસમજથી પોતાની કમનસીબીને બિરદાવે છે. આ બળદના છાણ જેવો બે મતલબ ફલસફો ફાડવાનું પ્રયોજન તે કે અમે ગયા અઠવાડિયે કેટલીક સિનેતારિકાઓ સુરૈયા, મધુબાલા, નરગિસ, અને વહીદા રહમાન સામે કુરનિશ બજાવેલી હમારી જવાનીને આબાદ કરવા, મીન્સ કે બરબાદ કરવા બદલ, તથા અન્ય નાજનીનોને બી બાઅદબ સલામ કીધેલી દિલના દરિયા બહેલાવવા બદલ. પરંતુ હમારી બચકાના નાદાનીમાં અમે ચૂકી ગયેલા એક પ્રચંડ અદાકારને, શાયર, અને તીવ્ર સંવેદનોથી તરફડતી ઇન્સાનિયતને: દાયરાની, બૈજુ બાવરાની, સાહેબ બીબી ગુલામની, પાકીઝાની મીના કુમારીને. તેથી અહીં છાતીએ હાથ રાખીને, તે ચૂક યાદ કરીને, એમને નમન કરીએ છીએ, માહજબિન બાનો ઉર્ફ મીના કુમારીને. કથા છે કે તે કારમી ગરીબીમાં ઊછરી હતી, માત્ર 18 વર્ષે પોતાનાથી જૈફ વયના મશહૂર રાઇટર, ડાયરેક્ટરની સાથે નિકાહ થયેલો માસૂમનો! કમાલ અમરોહી તેને ભીંસ લાગે તેવી તીવ્રતાથી ચાહતા હતા, તેમણે પોતે બાંધેલી ઇશ્કિયા તુરંગમાં પત્નીને કૈદી રાખ્યાના એકરાર તરીકે એમણે ફિલ્મ બનાવી દાયરા (કુંડાળું). આ લાઇનો લખનારે મીના કુમારી, નસિર ખાન અને કુમારની તે ફિલ્મ અત્યંત કોમળ વયે જોયેલી અને તે સમયની ગાણાબજાણા છાપ ફિલ્મોથી તદ્દન જુદી કદાચ નિયો રિયાલિઝમનો અર્લી નમૂનો હતી, એવું તે વખતે નહોતું સમજાયું પણ હવેની સુફિયણી થિયરીઓનો હોલડોલ ખોલતાં તેવાં વિશેષણોના પરપોટા ઉછલકૂદ થાય છે. અને તરત તે પછી બૈજુ બાવરામાં મીના કુમારી ફિલ્મફેયર એવોર્ડ જીતી... અને તે પછી લગ્નજીવનની, રક્ષકભાવની, માલિકીભાવની, ઇર્ષા, જુનૂન ને સાડિઝમ–મેસોકિઝમ (પરપીડન–આત્મપીડન)ને બ્રાન્ડ લવની બ્લડી અનરીઝનેબલનેસથી ચિક્કાર જિંદગીને સહન કરવા મીના કુમારી રિયાલિટીને સતત કોચકોચ કરીને શરાબથી, શાયરીથી તિલમિલાતી રહી.... માત્ર 38 વર્ષે મૃત્યુ પામેલી આ હસ્તી તેના મોત પછી અરધી સદી વીતી ગયા છતાં હિન્દી ફિલ્મની ટ્રેજિક રાજરાણી છે. અને અંતે પાકીઝાની મીના કુમારી! પૈર જમીન પે મત રખિયેગા, મૈલે હો જાએંગે કહેનાર સામે મેસોકિસ્ટિક વેર લેવા કાચના કટકાઓ ઉપર નાચીને જાનફેસાનીથી પૈર લહૂલુહાણ કરતી મીના કુમારી, આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે! વિધિની વક્રતા તે કે પાકીઝાના રાઇટર ડાયરેક્ટ બી કમલા અમરોહી! ફિલ્મ ઉતરતાં દરમિયાન મીના કુમારીના અવૈધ સંબંધો બંધાયા હતા ને છૂટી ગયા હતા, અને મિંયા કમાલ અમરોહી સાથે છૂટાછેડા થઈ ગયેલ હતા, પણ ફિર ભી જૈફ વયના કમાલ અમરોહીએ પેલા ગેબી સાડો–મેસોકિસ્ટિક ઝનૂનથી પોતે લખેલી ‘સિલિએસ્ટ’ દાસ્તાનમાં ધરાર લાખ અવરોધો છતાં ઉતારી હતી મીના કુમારીને, જેને પોતે બેહિસાબ સફરિંગ આપ્યું હશે અને જેના થકી પોતે બેહિસાબ સફરિંગ ઝીલ્યું હશે. ક્યા કરેં, દિલ હૈ, નિગોડા નાદાં હૈ, શેક્સપીયરે કહ્યું છે કે ધેર ઇઝ નો ફૂલ લાઇક એન ઓલ્ડ ફૂલ! - There is no fool like an old fool. કેટલાક ભાગ્યપંગુ ભાવુક આત્માઓ જાતે વહોરેલાં, ઉઘાડી આંખે દીવાનગીથી ઓઢેલાં દુ:ખોને અરીસો બતાવીને તે દુ:ખો કોઈ પારકી એક્ટ્રેસનાં હોય એવું અફીમ ઘૂંટે છે, કેમકે સુંદર કા ધ્યાન કહીં સુંદર. આહ, આપણે જાણીએ જ છીએ કે પરદા ઉપર જે ભજવાય છે તે કેવળ મીના કુમારી કે સુરૈયા કે મધુબાલાની કમાલ નથી. ફિલ્મ એટલે કથાસાહિત્ય, ફિલ્મ એટલે દૃશ્યકાવ્ય, ફિલ્મ એટલે શાયરી, ફિલ્મ એટલે મૌસિકી, ફિલ્મ એટલે ફોટોગ્રાફી, ફિલ્મ એટલે નૃત્ય ને ફિલ્મ એટલે અંધારા ઓરડામાં છુપાયેલી કાળી બિલાડી જે કાળી નથી ને હયાત હોતી બી નથી. જે છે તે જોનારું માથામાં લઈને જોવા ગયું છે. જય ઓલ્ડ ફૂલ!
    Click here to Read More
    Previous Article
    સહજ સંવાદ:રામમનોહર લોહિયા અને રમા મિત્રાની અનોખી પ્રણય-કથા!
    Next Article
    ઓક્સિજન:પુત્રીનિર્ભર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment