Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી…

    2 days ago

    ડૉ. જય નારાયણ વ્યાસ આસામના ચાના બગીચામાં કામ કરનાર એક સામાન્ય મજદૂર કરીમૂલ હક. મૂળ વતની પશ્ચિમ બંગાળના એક નાનકડા ગામડાનો. વર્ષો પહેલાંની વાત કરીએ તો એની મા ગંભીર બીમારીમાં સપડાઈ. કોઈ એમ્બ્યુલન્સ તો હતી નહીં, પાસે એવા પૈસા પણ નહોતા અને જ્યારે જીવન અને મરણ વચ્ચેનો જંગ હોય ત્યારે સ્વાભાવિક રીતે સમય પણ મર્યાદિત હોય એટલે ગંભીર બીમારીમાં સપડાયેલ પોતાની માને એણે હૉસ્પિટલમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ રસ્તામાં જ એને મોત આંબી ગયું. વ્યક્તિગત રીતે એને પડેલ ખોટનો આઘાત કરીમૂલ હકને કાંઈક એવી પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરી ગયો, જે બેનમૂન હતી. એણે મનોમન પ્રતિજ્ઞા કરી. એનો કોઈ પણ પડોશી સારવાર મેળવવા માટે જરૂરી ટ્રાન્સપોર્ટ નહીં મળવાને કારણે હવે ક્યારેય મોતને નહીં ભેટે. કરીમૂલની રોજની આવક માંડ 100 રૂપિયા હતી. એમાંથી બચત કરીને એણે એની જૂનીપુરાણી મોટરસાઇકલનો જુગાડ કરીને એક એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરી, જેમાં એક સ્ટ્રેચર રહી શકે અને એક હોર્ન હોય, જે લોકોને રસ્તામાંથી હટી જવા માટે ચેતવણી આપે. તમને આ જુગાડની વાત સાંભળીને કદાચ હસવું આવશે પણ એણે આ જુગાડ કરેલી મોટરસાઇકલથી છેલ્લા બે દાયકામાં 5,000 દર્દીઓને જંગલો, નદીનાળાં અને ઉબડખાબડ રસ્તાઓ પસાર કરી ડૉક્ટર સુધી પહોંચાડ્યા છે, જેમાં ગર્ભવતી મહિલાઓ, અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિઓ, વૃદ્ધો વગેરેનો સમાવેશ થાય. મજાની વાત તો એ છે કે એણે ક્યારેય કોઈનીય પાસેથી આ સેવાઓ પૂરી પાડવા માટે એક પૈસો લીધો નથી. આ પ્રકારનાં કામ માટે જરૂરી નાણાં ઊભા કરવા એ વધારાના કલાકો કામ ખેંચી કાઢે, ક્યારેક જમવાનું ચૂકી જાય અને આમ છતાંય પોતાના નિર્ધારમાંથી એને કોઈ ડગાવી શક્યું નહીં. 2017માં એની આ કામગીરી માટે પદ્મશ્રીનું સન્માન એને મળ્યું અને છતાંય કરીમૂલ તો એવો ને એવો જ રહ્યો, સીધો, સાદો, સરળ. એ દ૨રોજ પોતાની મોટર સાઇકલને ભગાવતો રહે છે. એના મનમાં સંકલ્પ છે, ‘મારી પાસે ઝાઝું નથી, આમ છતાંય હું જિંદગીઓ બચાવી શકું છું.’ કરીમૂલ વિશે સાંભળીએ ત્યારે બાળકોનું પેલું પ્રાર્થના ગીત અનાયાસે, મગજમાં ઝબકી જાય છે, જેની શરૂઆતની પંક્તિઓ છેઃ ‘મને કહો ને પ્રભુજી કેવા હશે? કેવા હશે ને ક્યાં રહેતા હશે? મને કહોને પ્રભુજી કેવા હશે?’ હવે કોઈ બાળકને આ પ્રાર્થનાની પંક્તિઓ ગાતું સાંભળો તો બિન્દાસ કરીમૂલનું નામ અને સરનામું આપી શકાય ને? ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નથી શકતો એટલે કદાચ એ કરીમૂલ જેવા ફરિશ્તાઓને આ દુનિયામાં મોકલે છે, જેથી એના પ્રતિનિધિ તરીકે એ દેવદૂત બનીને કામ કરી શકે. કરીમૂલનું આ ઉદાહરણ, ગાંધીજીનો સંદેશ, ‘ટનબંધ ઉપદેશ કરતાં અધોળ આચરણ આગળ વધે છે’, ચરિતાર્થ કરી જાય છે. પાંચ હજાર જિંદગીઓ બચાવવી અને તે પણ કોઈની પાસે પાઈ-પૈસો લીધા વગર માત્ર પોતાની મજૂરીના પૈસામાંથી એ કોઈ નાની-સૂની વાત નથી. આવી દુર્ગમ જગ્યાએ એમ્બ્યુલન્સ તો ક્યાંથી પહોંચવાની હતી અને પહોંચે તો પણ સાવ કંગાલિયતમાં જીવતા આ માણસો એનો ખર્ચો વેઠી શકે ખરા? આ આખોય પ્રયોગ જોઈએ છે ત્યારે પહેલા તો આપણું માથું આવા મહામાનવ તરફ ઝૂકી જાય છે. પેલા સૂરજ અને દીવડાંનું દૃષ્ટાંત મગજમાં આવી જાય છે. અસ્તાચળે જતાં સૂરજનારાયણ જ્યારે મનમાં ને મનમાં મૂંઝાય છે કે હું તો થોડા સમયમાં આથમી જઈશ પણ મારો અસ્ત થયા બાદ આ પૃથ્વી પરનાં જીવનને દોરનાર ઉજાસ પૂરો પાડે તેવું કોઈ છે ખરું? મારો આ પડકાર કોઈ ઉઠાવી શકશે? સમગ્ર વાતાવરણ સ્તબ્ધ છે. સૂરજનારાયણની બરોબર તો કોણ આવી શકે? સ્વાભાવિક રીતે જ સૂરજનારાયણની આ ટહેલ સામે નિઃશબ્દ પ્રતિસાદ સાંપડે છે. ત્યાં અચાનક એક આશ્ચર્ય સર્જાય છે. કોઈ છેવાડેના ખૂણામાં સંધ્યાને આવકારતા પ્રગટી ઉઠેલો એક નાનકડો દીવડો અત્યંત વિનમ્ર ભાવે કહે છે, ‘પ્રભુ! આપની ખોટ તો શેં પુરાય? હું તો એક નાનકડો દીવડો છું પણ આખી રાત ટમટમતો રહીને મર્યાદિત તો મર્યાદિત પણ અંધકારને ભેદતો રહીશ.’ કરીમૂલ કદાચ આવો એક નાનકડો ખૂણામાં ટમટમતો દીવડો છે, જે અત્યાર સુધીમાં પોતાની સેવા અને સમર્પણ થકી ખૂબ જ ટાંચા સાધનોથી પાંચ હજાર જેટલી જિંદગી બચાવી શક્યો છો. દોસ્તો! કોઈ ને કોઈ રીતે દરેક વ્યક્તિમાં કરીમૂલ છુપાયેલો છે. કોઈક એવી ક્ષણ આવે છે જ્યારે એક નાનકડો બનાવ પારસમણિનો સ્પર્શ બની એને ઝગારા મારતા સોનામાં રૂપાંતરિત કરી જાય છે. નાનું તો નાનું પણ આપણાથી બને તેટલું કરીએ તોય ક્યારેક કરીમૂલની માફક ઘણું મોટું કામ થઈ જાય છે. દરેક વ્યક્તિ પોતાનું ઘર અને આંગણું સ્વચ્છ રાખે તો સરવાળે ફળિયું સ્વચ્છ રહે છે અને જો ફળિયું સ્વચ્છ અને જો બધાં ફળિયાં સ્વચ્છ રહે તો સ૨વાળે નગર સ્વચ્છ રહે છે. કામ નાનું છે પણ પરિણામ ખૂબ મોટું મેળવી શકાય છે એ વાતમાં કોઈ શંકા નથી. આપણે ભલે સૂરજ ના થઈ શકીએ પણ ઘરદીવડો થઈને કોઈકનું જીવન ઉજાળીશું તો અનેક જિંદગીઓ ઝળકી ઊઠશે, ખરું ને?
    Click here to Read More
    Previous Article
    ‘From 4 cr to 3 cr deletions’, SP says 1 cr names ‘hastily added’, EC rejects charge
    Next Article
    ઓફબીટ:અજાણી લાગણી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment