Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી-દલખાણીયા રેન્જમાંથી સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:મોતનું કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે, સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલ, કલાકો પછી પહોંચી RFO ટીમ

    1 day ago

    અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જમાં એક સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. દલખાણીયા ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વન વિભાગની ટીમે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. સિંહના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે. ગીર પૂર્વ ડિવિઝનમાં અગાઉ પણ સિંહોના મોતના બનાવો સામે આવ્યા હતા. ઘટનાસ્થળે વન વિભાગની ટીમ મોડે મોડે પહોંચી હોવાના આક્ષેપો થયા છે. દલખાણીયા રેન્જના RFO કલાકો પછી પહોંચતા સિનિયર અધિકારીઓમાં પણ નારાજગી જોવા મળી હતી. ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવે સિંહના મોતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે. સ્થાનિક સ્તરે દલખાણીયા રેન્જમાં પેટ્રોલિંગના અભાવ અંગે પણ ગણગણાટ ચાલી રહ્યો છે. અગાઉ ગીર પૂર્વ અને પશ્ચિમ ડિવિઝનમાં સિંહોના શંકાસ્પદ મોત થયા બાદ વનમંત્રીએ મુલાકાત લીધી હતી. તે સમયે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ હજુ સુધી રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર સિંહનું શંકાસ્પદ મોત થતા દલખાણીયા રેન્જ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એક મહિના પહેલાં 8થી વધુ સિંહના શંકાસ્પદ મોત થયા હતા ઉલ્લેખનીય છે કે, ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં સિંહોમાં 8થી વધુ સિહોના મોત થયા હતા. સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઘટનાની ગંભીરતા દિલ્હી સુધી પહોંચી હતી અને રાજ્યના વન મંત્રીએ પણ જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. 31 મેએ વન મંત્રીએ કહ્યું હતું- પરિસ્થિતિ નિયંત્રણમાં છે ઉલ્લેખનીય છે કે, 31 મેએ વન મંત્રીએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ત્રણ દિવસથી એક પણ સિંહના મૃત્યુના સમાચાર નથી. 31 મે મંત્રીએ X પર ટ્વીટ કરી માહિતી આપી હતી. ----- આ પણ વાંચો 5 સિંહબાળ અને 3 સાવજ CDV-બેબેસિયા બીમારીથી તડપીને મર્યા ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે એક મહિના પહેલાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા હતા. દરમિયાન રાજ્યના વનમંત્રી બે સિંહના મોત બેબેસિયાથી થયાની પુષ્ટિ કરી હતા, જ્યારે બાકીની અન્ય કારણોથી મોત થયાનું જણાવ્યું હતું. જુદી-જુદી રેન્જમાં સિંહોના મોતથી ફફડાટ મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહના ભેદી રોગથી મોત થયા હતા. આ ઉપરાંત, ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાયા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… આ બેબેસિયા રોગ શું છે? બેબેસિયા એ એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે, જે મનુષ્યોની સાથે-સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે. તે 'બેબેસિયા' નામના પરોપજીવી (પ્રોટોઝોઆ) દ્વારા ફેલાય છે. મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો (RBCs) પર સીધો હુમલો કરીને તેમનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે, જે આખરે મોતમાં પરિણમે છે. CDV અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) એ એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ છે. સામાન્ય રીતે આ વાયરસ કૂતરાઓમાં જોવા મળે છે, પરંતુ તે સિંહ, વાઘ અને ચિત્તા જેવા વન્યજીવો માટે પણ એટલો જ ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ગીરના સિંહોમાં પણ ભૂતકાળમાંઆ વાયરસના કારણે ઘણા સિંહોના મોત થયા હતા, જેના લીધે આ વિષય ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ભૂતકાળની ઘટનાઓથી વનવિભાગ સતર્ક અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં પણ દલખાણીયા રેન્જમાં સીડીવી (CDV) નામના વાયરસના કારણે 23 કરતા વધુ સાવજોના ટપોટપ મોત થયા હતા, જેના કારણે તત્કાલીન વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. તે જ રીતે ગયા વર્ષે સિંહ વસ્તી ગણતરી બાદ પણ શેત્રુંજી ડિવિઝનના રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં બીમારીના કારણે 15 જેટલા સિંહોના મોત નીપજ્યા હતા. વનવિભાગ અને નિષ્ણાતોનું શું કહેવું છે? ગાંધીનગર વનવિભાગના પીસીસીએફ (PCCF) જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ ઋતુમાં સામાન્ય રીતે સિંહબાળમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળતું હોય છે. જોકે, સિંહોને બેબેસિયા અને અન્ય રોગોથી બચાવવા માટે અમારું સતત મોનિટરિંગ અને ટ્રેકિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ, પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ આ ઘટના અંગે ઊંડો આઘાત વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે પણ આવા સમાચાર મળે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે? સિંહો એ ગુજરાતનું ઘરેણું અને દેશની શાન છે. વનવિભાગ અને સરકારે આ દિશામાં નક્કર પગલાં ભરીને વાયરસ અને આવી બીમારીઓનો કોઈ કાયમી ઉકેલ લાવવો જોઈએ જેથી દર વર્ષે થતા સિંહોના અકાળ મોત અટકાવી શકાય. ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 8થી વધુ સિંહોના શંકાસ્પદ મોત બાદ આ મુદ્દો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. મૃત સિંહોના સેમ્પલ લેવાયા હતા અને કેટલાક સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. રાજ્યના વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ વાયરસ ન હોવાનો દાવો કર્યો છે, જોકે સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી. આ બધા વચ્ચે, ધારી ગીર પૂર્વના વન અધિકારી (DCF)ની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 20 દિવસ પહેલાં નવો વિવાદ ઊભો થયો હતો. DCF ફેસબુક પેજ પર પોસ્ટ કરી ધારી ગીર પૂર્વ DCF વિકાસ યાદવના સત્તાવાર ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ગીરમાં વાયરસ બાદ સિંહ પરિવારના દર્શન: ખાપટ ગામ નજીક તંદુરસ્ત પાંચ સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ." આ પોસ્ટમાં ગીરમાં વાયરસની હાજરીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… અગાઉ વનમંત્રીએ વાયરસની પુષ્ટિ ન થઈ હોવાનું નિવેદન આપ્યું મહત્વની બાબત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા મૃત સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ, વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ અગાઉ વાયરસની પુષ્ટિ ન થઈ હોવાનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન DCFના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થયેલી પોસ્ટ અને સરકારના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં પણ નારાજગી વ્યાપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન સતત વિવાદમાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સરસિયા રેન્જના લુવારિયા વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનું મોત થયું હતું. વનવિભાગની બેદરકારીથી સિંહણનું મોત થયાના આરોપ લાગ્યા હતા. આ મામલે 20 દિવસ પહેલાં પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાને પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) રામરતન નાલાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ફોરેસ્ટર ધારીથી અપ-ડાઉન કરતા હોવાથી પેટ્રોલિંગમાં બેદરકારી થઈ હોવાનો ખુલાસો થયો છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) 17માંથી 11 સિંહ જંગલમાં મુક્ત કરાયા 21 દિવસ પહેલાં જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે, જામવાળા એનિમલ કેર સેન્ટર પરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ, કુલ 11 સિંહને મુક્ત કરાયા હતા અને 6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) સારવાર હેઠળ છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યૂ નથી કરી રહ્યો:ભારતે આયર્લેન્ડ સામે ટૉસ જીતીને બોલિંગ લીધી: શ્રેયસની કેપ્ટનશીપમાં પહેલીવાર મેદાનમાં ઉતરી T20 ટીમ
    Next Article
    ગુનાહિત ઇતિહાસ અને મજબૂત પુરાવાની કોર્ટે નોંધ લીધી:રાજકોટના કોઠારીયામાં થયેલ હત્યા કેસમાં મુખ્ય આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment