Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તટસ્થ તપાસ અને વળતરની માંગ કરાઇ:રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થીઓના આપઘાત મુદ્દે NSUI દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો; સિવિલમાં પાન-માવાની પિચકારી મારતા 40 દંડાયા

    18 hours ago

    રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ઘટેલી 2 દુઃખદ ઘટનાઓમાં સોબર્નિકા વેંકટેશ અને હેમંત ગંધમ નામના 2 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બનાવને પગલે રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખિમસુરિયાની આગેવાની હેઠળ એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં NSUIના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ યુનિવર્સિટીના 100 જેટલા વિદ્યાર્થીઓ સ્વયંભૂ જોડાયા હતા અને મૃતક વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. NSUIનાં જિલ્લા પ્રમુખ ગૌરવ ખિમસુરિયાએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા આ સમગ્ર મામલે સરકાર સમક્ષ આ ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે. આ સાથે યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મૃતક વિદ્યાર્થીઓના શોકગ્રસ્ત પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. NSUI એ કૅમ્પસમાં સુરક્ષિત અને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે બાબત પર પણ ભાર મૂક્યો છે. બંને આશાસ્પદ વિદ્યાર્થીઓના આકસ્મિક અવસાનથી કૅમ્પસ અને પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આરોગ્ય મંત્રીની ટકોર બાદ તંત્ર જાગ્યું: સિવિલમાં પાન-માવાની પિચકારી મારતા 40 લોકો દંડાયા રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ અને ઝનાના હોસ્પિટલ કેમ્પસમાં આરોગ્ય મંત્રીની ટકોર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગંદકી કરનારાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. ત્રણ દિવસ પહેલા મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના ધ્યાને પાન-માવાની પિચકારીઓ અને ગંદકી આવતા તેમણે સ્વચ્છતા જાળવવા તેમજ દંડનીય કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. મંત્રીની સૂચના મળતા જ કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ તંત્ર જાગ્યું હતું. અને સિવિલ અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા દ્વારા તાત્કાલિક કડક અમલવારી શરૂ કરાવાઈ હતી. સિક્યોરિટી સુપરવાઈઝર જગદીશ ચાંડેગ્રા અને તેમની ટીમે હોસ્પિટલ પટાંગણ સહિત તમામ વોર્ડમાં ખાસ તપાસ ડ્રાઇવ યોજી હતી. તપાસ દરમિયાન દર્દીના સ્વજનો પાન-માવો ખાધેલી હાલતમાં મળતા તેમને બહાર મોકલાયા હતા, જ્યારે જ્યાં-ત્યાં થૂંકતા ઝડપાયેલા 40 લોકોને રૂ. 100-100 મુજબ દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટમાં ડેંગ્યુના 3 નવા કેસ સહિત વિવિધ રોગોનાં 1859 દર્દી, મચ્છર ઉત્પત્તિ બદલ 320ને નોટિસ રાજકોટમાં ભાદરવાના તડકા વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના કુલ 1859 કેસ નોંધાયા છે. જેમાં ડેંગ્યુના 3 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે શરદી અને ઉધરસના 875, સામાન્ય તાવના 803 અને ઝાડા તેમજ ઉલ્ટીના 178 દર્દી નોંધાયા છે. આ સપ્તાહે ટાઇફોઇડ અને કમળાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે રોગચાળા નિયંત્રણ માટે મહાપાલિકાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા ડ્રોન તથા એઆઈ ટેકનોલોજીની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. મચ્છર ઉત્પત્તિ બદલ 349 મિલકતોની તપાસ કરી રહેણાંકના 256 અને કોમર્શિયલ 64 મળી કુલ 320 આસામીઓને નોટિસ ફટકારાઈ છે. ઉપરાંત, આરોગ્ય તંત્ર દ્વારા 1,33,574 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 352 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનાં પ્લોટનો વિવાદ, TP સ્કીમમાં કામચલાઉ પુનઃરચનાની દરખાસ્ત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નિર્મલા કોન્વેન્ટ શાળા વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા જમીન સંપાદન કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જમીન ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંતર્ગત પ્રવર નગર નિયોજક દ્વારા રાજકોટ TP સ્કીમ નં.1 (ત્રીજો ફેરફાર) માટે કામચલાઉ પુનઃરચનાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ ટીપી યોજનામાં મહાપાલિકાની આખરી TP સ્કીમ નં.1 ના અંતિમખંડ નં.423 અને 424 ની જમીનનો સમાવેશ થાય છે. પ્લે ગ્રાઉન્ડના હેતુ માટે હાલની જ જગ્યા પર રહેલો આ પ્લોટ બજાર ભાવ મુજબ કિંમત વસૂલીને શાળાને સોંપવાની ધારણા છે. આ સંદર્ભે અસરકર્તા જમીન માલિકો અને હિત સંબંધ ધરાવતા લોકોને રૂબરૂ સુનાવણી માટે 21 સપ્ટેમ્બરથી નોટિસ બજાવવામાં આવી હતી. ત્યારબાદ વાંધા-સૂચનો રજૂ કરવા માટે 28 સપ્ટેમ્બરે 7 દિવસની આખરી સમયમર્યાદા સાથે જાહેર નોટિસ આપાઈ હતી. આ મુદ્દે કોઈ વાંધા કે રજૂઆત ન મળતા ઉપલબ્ધ રેકોર્ડ મુજબ નિયત રકમ વસૂલી પ્લોટ સોંપવાની આખરી કાર્યવાહી શરૂ કરાઈ છે. ડામરના ભાવ ભડકે બળતા રાજકોટમાં રૂ. 30 કરોડના રસ્તાનાં કામો અટવાયા રાજકોટ મહાનગરમાં બે વર્ષથી ચોમાસાના સરેરાશ વરસાદ બાદ પણ ડામર રોડની બિસ્માર હાલતે લોકોને પરેશાન કર્યા છે. દરમિયાન ખાડી દેશોમાં ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના લીધે ડામરના ભાવ પ્રતિ મેટ્રિક ટન રૂ. 35000 થી વધીને રૂ. 80000 પર પહોંચતા મનપાના એક્શન પ્લાન હેઠળના રોડકામ અટકી પડ્યા છે. ટેન્ડર પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર એજન્સીઓએ પ્રથમ વખત 80% અને રી-ટેન્ડરમાં 62% જેવી તોતીંગ ઓન માંગતા વહીવટી તંત્ર અને શાસકો મુશ્કેલીમાં મુકાયા છે. મનપા દ્વારા ત્રણેય ઝોન માટે રૂ. 30 કરોડના ડામર કામના ભાવ મંગાવાયા હતા, જેમાં રૂ. 18 કરોડ જેટલી વધારાની રકમ ચૂકવવી પડે તેમ હોવાથી કામ સ્થગિત જેવી સ્થિતિમાં આવી ગયું છે. એજન્સીઓ ઊંચા ભાવે કામ કરવા મક્કમ છે જ્યારે મનપા આટલા ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવા તૈયાર નથી. હાલમાં નવરાત્રી હોવા છતાં પેચવર્ક કે નવા કામો શરૂ થઈ શક્યા નથી, જેથી ચાલુ નાણાકીય વર્ષમાં નવા ડામર રોડ બનશે કે નહીં તે અંગે મોટો સવાલ ઊભો થયો છે. મોઢ વણિક સમાજનાં "વેલકમ નવરાત્રી મહોત્સવમાં Gen-Z ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમ્યા રાજકોટમાં મોઢ વણિક મહાજન, મોઢ વણિક સમાજ અને મોઢ વણિક યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સમસ્ત મોઢ જ્ઞાતિજનો માટે 'વેલકમ નવરાત્રી મહોત્સવ 2026'નું અત્યંત દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાલાવડ રોડનાં ન્યારી નજીક આવેલા યુ.વી.એમ.સી. પાર્ટી લૉન ખાતે યોજાયેલા આ મહોત્સવમાં રાજકોટમાં વસતા મોઢ જ્ઞાતિજનોએ પરિવાર સાથે ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી આગામી નવરાત્રી પર્વના રંગેચંગે વધામણા કર્યા હતા. જેમાં Gen-Z ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માતાજીના જયઘોષ બાદ ઢોલના તાલે અને ગરબાની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહસભર બની ગયું હતું. આ ભવ્ય આયોજનનું મુખ્ય આકર્ષણ જ્ઞાતિના Gen-Z યુવાઓ અને યુવતીઓ રહ્યા હતા, જેણે મોટી સંખ્યામાં હાજરી આપીને દિલ ખોલીને આ ગરબાની મજા માણી હતી. વડીલોના આશીર્વાદ, બાળકોની કિલકારીઓ અને યુવાનોના જોશ વચ્ચે આખો સમાજ એક તાલે અને એક લયે માં અંબાના ગરબે ઝૂમી ઊઠ્યો હતો. ઉત્સાહી ખેલૈયાઓની રમત-ગમત અને કૌશલ્યને બિરદાવવા માટે શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામોની વણઝાર વરસાવી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    यूपी-एमपी-महाराष्ट्र-गुजरात के यात्रियों को तोहफा, मुंबई से सुल्तानपुर-वाराणसी और वालसाड-गोमतीनगर स्पेशल ट्रेन
    Next Article
    વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શિક્ષક સસ્પેન્ડ:ગણિતના શિક્ષકે 14 વર્ષની સગીરાને નાપાસ કરવાની ધમકી આપી ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment