Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિજિત દીપકેએ ગુજરાતી છોકરાનો ફોટો હાથમાં ઊંચો કરી બધાને બતાવ્યો:NEET પેપર લીક બાદ આત્મહત્યા કરી હતી, સોનમ વાંગચુકે તોડેલા ઉપવાસ અંગે કહાનના પિતા શું બોલ્યા?

    1 day ago

    સૌથી પહેલા નીચેના દૃશ્યો જુઓ. જે હાથે દીકરાને રમાડ્યો હોય, 17 વર્ષ સુધી લાડકોડથી ઉછેર કર્યો હોય એ જ હાથે દીકરાના નશ્વર દેહને અગ્નિદાહ આપવો પડ્યો હોય એ પિતાની આંખોમાંથી આંસુ સરી રહ્યાં છે. 'ડેડી, સોરી. તમને ફોન કરવાનું ભૂલી ગયો. આજે બહુ ખુશ છું, અમે ફ્રેન્ડ્સ ડિનર કરવા જઇએ છીએ.' NEETની પરીક્ષા આપીને પપ્પાને આવો ફોન કરનારા કહાનના અવાજમાં એક ઉત્સાહ હતો. 2 વર્ષ સુધી તમામ શોખ, રમત ગમતને કોરાણે મૂકીને રાત દિવસ એક કરનારા કહાનને ડૉક્ટર બનવું હતું. પરીક્ષા આપીને તેને લાગ્યું કે હવે તેનું સપનું પૂરૂં થઇ જશે પણ તેને નહોતી ખબર કે પેપર ફૂટી ગયું છે. જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી. NEET પેપર લીક મામલે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે ત્યારે દિવ્ય ભાસ્કરે કહાનના પિતા પ્રશાંત પટેલ સાથે વાત કરીને તેમની પીડા સાંભળી હતી. કહાન ભણવામાં ટોપર હતો ભણવું એ જ કહાનનો ધ્યેય હતો. તે ચોથા ધોરણ સુધી ક્લાસમાં પણ ફર્સ્ટ જ આવતો હતો. કહાનનો ચોથા ધોરણ સુધીનો અભ્યાસ સુરતમાં થયો એ પછી ભણવા માટે તે મહારાષ્ટ્ર ગયો હતો. જ્યાં 4 વર્ષ રહ્યો હતો. 9માં ધોરણમાં તે અમદાવાદ આવ્યો હતો ને બાકીનો અભ્યાસ પણ તેણે અહીં જ કર્યો હતો. તે જાતે જ ભણતો ને ટોપર રહેતો હતો. જ્યારે કહાનનું ધો.10નું પરિણામ આવ્યું ત્યારે તેણે પિતા સાથે સિરિયસ વાત કરી હતી અને કહ્યું હતું કે ડેડી મારે હવે સાયન્સ સ્ટ્રીમ લેવી છે જેમાં બાયોલોજી લઇને મેડિકલ ફિલ્ડમાં જવું છે. આ અંગે પ્રશાંત પટેલે જણાવ્યું કે, પિતા તરીકે ત્યારે મેં તેને એમ કહ્યું કે બેટા આપણાં આખા ઘરમાં કોઇએ સાયન્સ લીધું નથી, થોડું હાર્ડ છે. તું જોઇ લેજે. ત્યારે પણ તેનો કોન્ફિડન્સ ખૂબ જ પોઝિટિવ હતો. તેણે કહ્યું હતું કે પપ્પા હું હેન્ડલ કરી લઇશ. ફૂટબોલ અને મ્યૂઝિકનો શોખ હતો તેના પિતા કહે છે કે, કહાને તેના છેલ્લા 2 વર્ષ ભણવા પાછળ હોમી દીધાં હતા. કાયમ બુક્સમાં જ રચ્યો પચ્યો રહેતો. કિશોરાવસ્થાની જિંદગીના છેલ્લા 2 વર્ષ એ જીવી જ નથી શક્યો. તેને ભણવા ઉપરાંત ફૂટબોલનો ખૂબ જ શોખ હતો. મ્યૂઝિકનો પણ શોખ હતો. કહાને કહ્યું- ડેડી મારો પ્લાન પછી તમને કહીશ નીટની પરીક્ષા આપીને કહાન કેટલો ખુશ હતો તે વાત કરતાં તેના પિતાએ કહ્યું, કહાન 2 વર્ષથી સતત દિવસ રાત જોયા વગર નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષા આપીને તે વર્ણવી ન શકાય તેમ ગાંડાની જેમ ખુશ હતો. એ દિવસે હું સુરત હતો એટલે તેણે મને ફોન કર્યોને કહ્યું કે ડેડી સોરી, હું તમને ફોન કરવાનું ભૂલી ગયો કેમ કે અમે બધા ફ્રેન્ડસ ડિનર કરવા માટે જઇએ છીએ. આજે અમે ફૂલ એન્જોય કરવાના છીએ ત્યારે મેં તેને કહ્યું હતું કે બેટા શાંત થઇ જા. હવે સુરત ક્યારે આવવાનું છે? ત્યારે તેણે કહ્યું કે ડેડી અત્યારે કંઇ જ નહીં હું મારો પ્લાન તમને પછીથી કહીશ. એ પછી 10મી મેએ કહાનના પરિવારજનો સુરત ગયા હતા અને 11મી તારીખે એક હવન રાખ્યો હતો. જેમાં કહાન પણ હાજર રહ્યો હતો. જેના પછી એ ફ્રેન્ડસ સાથે ફાર્મ હાઉસ પર જતો રહ્યો હતો. આ દિવસ તો ખૂબ જ ખુશીઓ સાથે પૂરો થઇ ગયો. પેપરલીકના સમાચાર વાંચી પિતાએ અખબાર છુપાવી દીધું તેના પિતા કહે છે કે, 12 તારીખની સવાર પડે છે. હું રોજની જેમ પેપર હાથમાં લઉં છું. બાજુમાં મારા પપ્પા બેઠા હતા. મેં પેપર વાંચવાની શરૂઆત જ કરી હતી તેવામાં એક સમાચાર વાંચ્યા કે નીટની પરીક્ષાનું પેપર લીક થયું છે. એટલે મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા આવા સમાચાર આવ્યાં છે. હવે ખબર નહીં આમાં શું થશે. હમણાં આપણે આ બાબતે કહાનને કંઇ વાત નથી કરવી એમ કહીને મેં એ પેપર જ છૂપાવી દીધું હતું. ટ્રેકિંગ અને ફરવાના પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું તેમણે આગળ કહ્યું કે, અમે કહાનને કોઇ સમાચાર આપ્યાં નહોતા પણ તેના મોબાઇલ પર કોચિંગ ક્લાસમાંથી મેસેજ આવ્યો કે બધા છોકરાઓ પાછા આવી જાવ, નીટનું પેપર લીક થયું છે. આ દરમિયાન હું કોર્ટ પર હતો ને કહાનનો ફોન આવ્યો કે ડેડી, મમ્માને કહો ફાર્મ હાઉસથી સીધા જ મને લઇ જાય. એની એક્ઝામ પૂર્ણ થઇ એટલે બુક્સ અને મટિરિયલ પણ તેના જુનિયર્સને આપી દીધું હતું કેમ કે 2 મહિના સુધી અમદાવાદવાળા ઘરે તે આવવાનો નહોતો. આ 2 મહિના દરમિયાન તેણે ટ્રેકિંગથી લઇને યુએસએ અને ઓસ્ટ્રેલિયા જવાનું પણ પ્લાનિંગ કર્યું હતું. જ્યારે કોચિંગમાંથી કોલ આવ્યો એટલે તેને બુક્સ અને નોટ્સની ચિંતા થવા લાગીને. તે તરત જ પ્રશાંતભાઇને મળ્યાં વિના 12 તારીખે સુરતથી અમદાવાદ આવવા માટે નીકળી ગયા હતા. પહેલી વખત કહાન ગુસ્સે થયો તેઓ કહે છે કે, ફોન ઉપર મેં તેને સમજાવ્યો હતો કે દીકરા હજી કંઇ પણ ડિક્લેર નથી થયું. જે બાળકને મેં 17 વર્ષ સુધી ક્યારેય ગુસ્સે થતાં નહોતો જોયો તેને એ વખતે મેં ગુસ્સે થતાં જોયો હતો. મેં તેને ત્યારે સાંત્વના આપી કે બધું સરખું થઇ જશે. આ તરફ 17મી તારીખે સરકારે જાહેર કર્યું કે નીટની પરીક્ષા રદ કરાઇ છે. હવે ફરીથી લેવામાં આવશે. પરીક્ષા રદ થઇ એ પછીના લગભગ મહિના બાદ કહાને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ કહ્યું, આની પાછળ જવાબદાર તરીકે હું સિસ્ટમને જ ગણું છું. કેમ કે 5 દિવસમાં પેપર લીક થયું છે તે સિસ્ટમે શોધી લીધું પણ એ પછી સિસ્ટમે નિર્ણય પણ કરી લીધો કે બધા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. કહાન છેલ્લા 2 વર્ષથી મહેનત કરતો હતો પણ કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ હતા જે 4-5 વર્ષથી મહેનત કરતાં હતા. કહાન જ્યારે તૈયારી કરતો હતો ત્યારે તેના પિતાએ ભારપૂર્વક તેને કહ્યું હતું કે સમર વેકેશન છે તો 3-4 દિવસ માટે આપણે ફરવા જઇએ પણ કહાન એમ જ કહેતો કે મારૂં 3-4 દિવસનું કોચિંગ બગડશે. મમ્મીને કહેતો- હું સૂઇ જઉં તો જગાડજો નીટની એક્ઝામની તૈયારી વખતે તેની દિનચર્યા કેવી રહેતી એ અંગે તેમણે કહ્યું, તેની દિનચર્યા ફિક્સ નહોતી. અમે પણ તેને ક્યારેય બાંધતા નહીં. સ્કૂલે જવાના સમયે તે જતો રહેતો, ક્લાસના ટાઇમે ક્લાસ જતો રહેતો. જ્યારે બાકીના સમયમાં તે પોતાના રૂમમાં એકલો જ વાંચતો હતો. ક્યારેક તે તેના મમ્મીને કહેતો કે 2 કલાક પછી મારા રૂમમાં આવીને ચેક કરી જજો. જો હું સૂઇ ગયો હોઉં તો મને જગાડજો. અમે ક્યારેય એની દિનચર્યામાં ખલેલ પાડી જ નથી. કહાન જ્યારે 11માં ધોરણમાં હતો ત્યારે એક વાર ટ્રાયલ માટે પણ નીટની પરીક્ષા આપી હતી. અમને છેલ્લે સુધી કોઇ અણસાર જ નહોતોઃ પિતા તેમણે કહ્યું કે, કહાને જે પગલું ભર્યું અને ક્યારેય આવું વિચારશે એ બાબતે અમને ધારણાં પણ નહોતી. 18 જૂને વહેલી સવારે તેણે આ પગલું ભરી લીધું. 17મી તારીખે સાંજે મારા પપ્પા ઓસ્ટ્રેલિયા પહોંચ્યાં હતા એટલે તેમની સાથે તેણે વીડિયો કોલમાં વાત કરી હતી. મારી સાથે પણ વાત કરી હતી ત્યારે તેનું બિહેવિયર ખૂબ નોર્મલ હતું. અમને છેલ્લે સુધી કોઇ અણસાર નહોતો. આ કારણથી કહાનના પિતા જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં જોડાયા ‘આ ઘટના પછી હું કોઇપણ જગ્યાએ મીડિયામાં નહોતો આવ્યો. હું મારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. થોડા દિવસોમાં મારા ધ્યાને આવ્યું કે સોનમ વાંગચુક અને અભિજિત દીપકે સહિતના લોકો દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યાં છે અને સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. મને હતું કે સરકાર કંઇક જવાબ આપશે પણ સરકાર તરફથી કોઇ જવાબ ન આવ્યો અને આ બધું 28 તારીખ સુધી ખેંચાયું જે બાદ સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરી હતી.’ જંતર મંતર પર ચારે બાજુ ભીડ હતી દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન 2 એવી ઘટના બની જેના કારણે કહાનના પિતા તરત ત્યાં પહોંચ્યા હતા. તેઓ કહે છે કે, 18મી જુલાઇએ કહાનની માસિક પુણ્યતિથિ હતી. એ દિવસે સોનમ વાંગચુકને ઉપવાસના સ્થળેથી ઉપાડીને લઇ જવાયા હતા. અભિજિત ઉપર શાહી પણ ફેંકાઇ હતી. આ 2 ઘટનાને કારણે હું એ જ દિવસે તાત્કાલીક ફ્લાઇટની ટિકિટ કરાવીને દિલ્હી પહોંચી ગયો હતો. હું જંતર મંતર પર પહોંચ્યો ત્યારે ચારે બાજુ પબ્લિક જ પબ્લિક હતી. ઘણા લોકો સપોર્ટમાં આવ્યાં હતા. 'આ દરમિયાન રેલિંગ પાસે બધા લોકો વેવ કરી રહ્યાં હતા. એ સમયે એક ભાઇએ બૂમ પાડી કે મેં પંજાબ સે આયા હુ. એટલામાં મારાથી પણ બોલાઇ ગયું કે મેં ભી ગુજરાત સે આયા હુ. એટલે કેટલાકે પૂછ્યું કે તમે ગુજરાતથી આવ્યાં છો. મેં કહ્યું કે હા આવવું જ પડે ને. કેમ કે જે લોકો અહીં આંદોલન કરી રહ્યાં છે તેમને પણ કહાન જેવા જ બાળકો છે.' 'દિલ્હીમાં એકતરફી પોલીસ દમન થયું હતું' જે દિવસે જંતર મંતર પર પોલીસ અને RPFના જવાનોએ લાઠીઓ વરસાવી હતી એ દિવસે ત્યાં શું બન્યું હતું તે અંગે તેમણે કહ્યું, સવારથી જ બધી જગ્યાએ ભીડ હતી. વિદ્યાર્થીઓ સાથે ત્યાં વાલીઓ પણ હાજર હતા. આ દરમિયાન પોલીસ જ્યાં સુધી બાળકોને જવા દે ત્યાં સુધી તેઓ જતાં એ પછી નીચે બેસી જતાં હતા. છતાં પોલીસ તેમને ત્યાંથી ઢસડી જતી હતી ને લાકડી મારતી હતી. આ છોકરાઓએ આટલી ઉંમરમાં જે સંયમ બતાવ્યો છે એ મારી આટલી ઉંમરમાં મેં ક્યારેય નથી જોયો. મારો પગ પણ થોડો મચકોડાઇ ગયો હતો. એ દિવસે એકતરફી પોલીસ દમન થયું હતું. તેમણે વધુમાં કહ્યું, સાંજે બધા લોકો થાકના માર્યા ત્યાંથી જતાં હતા ત્યારે એક પોલીસ અધિકારી મળ્યાં. તેમણે કહ્યું કે હવે તો બધું ખતમ થઇ ગયું છે. એટલે અમે પણ રૂમ પર જતાં રહ્યાં હતા. ત્યાં જઇને મેં પણ પાછા આવવાની ટિકિટ કરાવી લીધી હતી. આ દરમિયાન અમે સમાચારમાં જોયું કે, આશુતોષ અને સૌરભ જે.પી.નડ્ડાને મળ્યાં હતા. જ્યાં તેમણે 3 માગણીઓ મૂકી હતી. નડ્ડાએ તેમને કહ્યું હતું કે અમે ઉપર વાત કરીને જણાવીશું. મારાથી રહેવાયું નહીં એટલે હું સૂતેલો પાછો ઊભો થયો અને જંતર મંતર પહોંચ્યો. પોલીસવાળા ત્યાં હતા. મને એવું હતું કે પાછી મારામારી ન થાય તો સારું પણ બધું જ શાંતિપૂર્ણ રહ્યું. 'પરીક્ષા રદ થવા પાછળ ગુનેગાર કોણ?' સોનમ વાંગચુકે સતત 27 દિવસ પછી જે.પી નડ્ડાના હાથે જ્યૂસ પીને તોડેલા ઉપવાસ અંગે તેમણે કહ્યું, હું ખુદ પણ ઇચ્છતો હતો કે તે ઉપવાસ તોડે. મેં માત્ર એટલું જ વાચ્યું છે કે તેમણે ઉપવાસ તોડ્યાં છે અને કહ્યું કે છે કે જો હજી ઉપવાસ ખેંચીશ તો હેલ્થને પણ નુકસાન થશે અને તેના કારણે બાળકોમાં પણ વધારે ગુસ્સો આવશે. જે મુદ્દાઓ સરકારે સ્વીકાર્યા છે તે ગોળ ગોળ છે. વડાપ્રધાને વીડિયો જાહેર કર્યો એ પણ આખું રાજકીય સ્ટેટમેન્ટ છે. રાજકીય રીતે આમાં શું હોય એ તેમનો વિષય છે. હું બસ એટલું જ પૂછવા માંગુ છું કે નીટની પરીક્ષા કેન્સલ થવા પાછળ ગુનેગાર કોણ અને 20 તારીખે બાળકોને જેણે માર્યા એના જવાબદાર કોણ? બાળકો માટે સિસ્ટમ બદલવી પડશેઃ કહાનના પિતા કહાન જેવા દેશના અન્ય બાળકોને ન્યાય મળે એ માટે કેવી અપેક્ષા છે એ અંગે તેમણે કહ્યું કે, આ માટે આપણે સૌથી પહેલાં સિસ્ટમ બદલવાની જરૂર છે. અત્યારે જવાબો મળી રહ્યાં છે કે ઉપર વાત કરીને જણાવીશું પણ આ ઉપર એટલે શું? આ સિસ્ટમ બાળકો માટે બદલવાની છે. ક્યાં સુધી બાળકો ઉપરના જવાબની રાહ જોતા રહેશે આમા ને આમાં બાળકો ઉપર જતાં રહ્યાં હવે તો ઉપરની વાતો બંધ કરો, નડ્ડા સાહેબ. તમારા ઉપર કોણ છે? તમે પોતે હેલ્થ મિનિસ્ટર છો. તમારો પક્ષ પણ બહુમતીમાં છે. હવે શેનું પોલિટિક્સ કરો છો? 'જંતર મંતર પર બાળકોનો જુસ્સો જોઇને મને થયું કે મારા ગળા નીચે કેવી રીતે ખાવાનું ઉતરે, હું લિક્વીડ ઉપર જ રહીશ. ખાવાનું હજી પણ મારા ગળે ઉતરતું નથી. મેં કોઇ શપથ નથી લીધા પણ કંઇ ખાવાનું મન નથી થતું. બીજો વિચાર એ પણ આવ્યો કે હું દિલ્હીથી અમદાવાદ જઇશ ત્યાં પણ વિરોધ ચાલી રહ્યો છે તેમાં પણ હું જઇશ, ભલે ત્યાં પોલીસવાળા દંડા મારે, ભલે દોડા દોડી થાય.' કહાનના પિતાએ આ અપીલ કરી તેમણે સ્કૂલ, કોલેજના શિક્ષકો, પ્રિન્સિપાલને ભાવુક અપીલ કરતાં કહ્યું કે, તમારી સામે જ્યારે બાળકો હોય ત્યારે તેના નાનામાં નાના બિહેવિયરનું પણ ધ્યાન રાખો. બાળકોને કહેવા માંગુ છું કે તમારી સાથે કંઇ પણ થાય ત્યારે બોલજો. સરકારને કહેવા માંગુ છું કે તમે પણ આ બાળકોના વાલી છો એટલે ગોળ ગોળ જવાબ ન આપો, તેમને સાંભળો. તેમણે કેટલાક સવાલ ઉઠાવતાં કહ્યું કે, મારો સરકાર અને સિસ્ટમ સામે સવાલ હતો કે તમે 5 દિવસમાં નિર્ણય લઇ લીધો કે આનો ગુનેગાર કોણ છે. શું 23 લાખ બાળકો ગુનેગાર હતા? આવી જ ઘટના 2024માં પણ થઇ હતી, ત્યારે કેટલાક સેન્ટરો રદ કરવામાં આવ્યાં હતા પણ આમાં તો જેનો કોઇ વાંક નથી અને ગુનો પણ નથી તેને પણ ફરીથી પરીક્ષા આપવાની? કહાનને આનો જ ગુસ્સો સૌથી વધારે હતો. પિતાનો કહાન સાથેનો યાદગાર કિસ્સો તેઓ કહે છે કે, એક મિત્ર તરીકેનો કહાનનો કિસ્સો મારા દિલની ખૂબ નજીક છે. અમે બન્ને ભેગા થઇને મારા નાના દીકરાની ખૂબ મસ્તી કરતાં હતા. ગયા વર્ષે લક્ષદ્વિપ ફરવા ગયા હતા. જ્યાં ક્રૂઝ પર હતા ત્યારે કહાનને સ્કૂબા ડાઇવિંગ કરવું હતું. મારો નાનો દીકરો કહાન વગર ન રહે. કહાન જ્યાં જાય ત્યાં તેને જવા જોઇએ પણ સ્કૂબા ડાઇવિંગ માટે નાના દીકરાની ઉંમર નાની પડી. એટલે હું અને કહાન તેને ગમે તેમ પટાવીને બીજી બાજું લઇ ગયા અને કહાનને સ્કૂબા ડાઇવિંગ કરવા મોકલ્યો હતો. આ કિસ્સો ખૂબ જ યાદગાર હતો. એ પછી ફેમિલી સાથે આવી રીતે બહાર જવાનો કોઇ પ્રસંગ બન્યો નહોતો. કહાનના પિતા પ્રશાંત પટેલના મનમાં ઊઠેલા સવાલો આજે દેશના લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓના અવાજનું પ્રતિબિંબ બની ગયા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટને હાઇકોર્ટ બેન્ચની માંગ સાથે વધુ એક બેઠક મળી:સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસોસિએશનના હોદેદારો આવી લડતમાં જોડાવવા ટેકો જાહેર કર્યો, થોડા સમય પૂર્વે કાયદા મંત્રી સાથે મળી રજુઆત કરવામાં આવી'તી
    Next Article
    "Jo Darr Gaya, Woh Mar Gaya": Salman's Cryptic Note After Backing Students Protest

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment