Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યમદૂત બનીને શહેરોમાં ફરતી કચરાની ગાડીઓથી સાચવજો:મોટાભાગના ડ્રાઇવર MPના; લાયસન્સ વેરિફાય ન થયા; દંડ લેતી મનપા જ લીલો-સૂકો કચરો ભેગો કરી દે છે

    20 hours ago

    તમારી સોસાયટી કે શેરીમાં દરરોજ સવારે સ્વચ્છ ભારતના ગીતો વાગાડતી ગાડી આવે ત્યારે તેમાં કચરો નાખવા દોડતા પહેલાં ધ્યાન રાખજો. કારણ કે દિવ્ય ભાસ્કરના ખાસ ઇન્વેસ્ટિગેશનમાં જે હકીકત સામે આવી છે તે કોઈ પણ નાગરિકના રુંવાડા ઊભા કરી દે તેવી છે. દિવ્ય ભાસ્કરની તપાસ પ્રમાણે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કચરો ઉપાડતી 349 મિનિવાન ફરે છે. અમદાવાદમાં આવા 7 ઝોન અને 48 વોર્ડ છે. મનપાએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ 800થી 1200 મકાન હોય તો એક ગાડી ફાળવાય છે. એટલે આવી મિનિવાન હજારોની સંખ્યામાં દોડી રહી છે. પરંતુ કચરો ઉપાડવા નીકળતી આ ગાડીઓએ જીવલેણ અકસ્માત કર્યાના દાખલા પણ ઓછા નથી. નીચેના બે દ્રશ્યો પરથી તેની ગંભીરતાનો અંદાજો લગાવી શકો છો. આ તો એવી ઘટનાઓ છે જે સીસીટીવી કેમેરામાં કાદ થઇ છે. અવારનવાર થતા આવા ઘણા અકસ્માતોને ધ્યાને રાખીને દિવ્ય ભાસ્કરે અમદાવાદમાં કચરાની ગાડીઓ હાંકનારા ડ્રાઈવરોની યોગ્યતા, તેમના લાયસન્સથી માંડીને આખી સિસ્ટમમાં ચાલતી મોટી ગોલમાલનો પર્દાફાશ કરવા માટે એક મોટું ઇન્વેસ્ટિગેશન ઓપરેશન હાથ ધર્યું. જેમાં એવું ભોપાળું બહાર આવ્યું છે કે મનપાના અધિકારીઓથી લઈને કોન્ટ્રાક્ટરો સુધીના તમામ લોકો કઠેડામાં આવી જાય તેમ છે. રિયાલિટી ચેકમાં કેવા-કેવા ઘટસ્ફોટ થયા? ગુજરાતના મોટા શહેરોમાં જ્યાં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યાં કચરાની ગાડીઓ છેક સોસાયટીઓ, શેરીઓ અને સાંકડા ફળિયાઓની અંદર સુધી જાય છે. ગાડીઓ જ્યારે સોસાયટીમાં આવે ત્યારે રમતા નાના બાળકો, સિનિયર સિટીઝન્સ અને સામાન્ય રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમારી ટીમે રાણીપ, નારણપુરા, સેટેલાઇટ જેવા વિસ્તારોમાં ફરતી કચરાની ગાડીઓના ડ્રાઈવરોના લાયસન્સ ચેક કર્યા. આ તપાસ દરમિયાન જે વિગતો સામે આવી તે આંખો ઉઘાડી દેનારી હતી. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કચરાની ગાડીઓ ચલાવનારા મોટાભાગના ડ્રાઈવરો મધ્યપ્રદેશના વતની હતા. જ્યારે અમારી ટીમે તેમની પાસે ડ્રાયવિંગ લાયસન્સ માગ્યા ત્યારે કોઈ પણ ડ્રાઈવર પાસે અસલ લાયસન્સ નહોતું. કેટલાકે લાયસન્સની કલર કોપી બતાવી તો કેટલાકે પોતાના મોબાઇલમાં પાડેલા ફોટા અમારી સામે ધરી દીધા. મધ્યપ્રદેશથી ઇશ્યૂ થયેલા આ તમામ લાયસન્સ પ્રાથમિક નજરે જ અત્યંત શંકાસ્પદ જણાતા હતા. ડ્રાઇવર પાસે અસલ લાયસન્સ નહોતું, મોબાઇલમાં ફોટો બતાવ્યો અમે જ્યારે અન્ય એક કચરાની ગાડીના ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનું નામ વિષ્ણુ કટારા જણાવ્યું. વિષ્ણુ પાસે લાયસન્સ માગતા તેણે ઓરિજનલ લાયસન્સ હાલ પોતાની પાસે ન હોવાનું કારણ ધર્યું. ત્યારબાદ વાતચીત દરમિયાન જ તેણે પોતાના મોબાઈલમાંથી લાયસન્સનો ફોટો બતાવ્યો હતો. આ લાયસન્સમાં તેની જન્મતારીખ 1 જાન્યુઆરી 2002 લખેલી હતી, પરંતુ તેમાં બ્લડ ગ્રુપની કોઈ જ માહિતી નહોતી. કેટલાક સવાલ પૂછતા જ ડ્રાઈવરે આખી પોલ ખોલી નાખી. જ્યારે અમે લાયસન્સ નંબર મેળવીને મધ્યપ્રદેશના ટ્રાન્સપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર વિગતો સર્ચ કરી, ત્યારે સ્ક્રીન પર “નો રેકોર્ડ ફાઉન્ડ” લખેલું આવી ગયું. ત્યારબાદ રાણીપ વિસ્તારના એક ડમ્પિંગ સ્ટેશન પર અરવિંદ ભૂરિયા નામનો ડ્રાઈવર મળ્યો. તેને અમે લાયસન્સ બાબતે સવાલ કર્યા. અરવિંદે પોતાના ફોનમાં રાખેલો લાયસન્સનો ફોટો બતાવ્યો, જેમાં જન્મતારીખ 1 જાન્યુઆરી 1999 હતી. મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ પર સર્ચ કરતા આ એક જ ડ્રાઈવરનું લાયસન્સ સાચું હોવાનું વેરિફાય થઈ શક્યું. આવી જ તપાસ દરમિયાન ત્રીજો ડ્રાઈવર રામપ્રસાદ કરાટા મળ્યો. રામપ્રસાદના લાયસન્સ પર જન્મતારીખ 1 જાન્યુઆરી 2008 લખેલી હતી. તેના લાયસન્સ પર પણ બ્લડ ગ્રુપનો કોઈ ઉલ્લેખ નહોતો. આ લાયસન્સ ગત માર્ચ મહિનામાં જ મધ્યપ્રદેશથી ઇશ્યૂ થયું હોવાનું કાગળ પર દેખાતું હતું. પરંતુ જ્યારે મધ્યપ્રદેશ પરિવહન વિભાગની વેબસાઇટ પર લાયસન્સ નંબર નાખીને વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે કોઈ વિગતો ન મળી. એટલે સરકારી સિસ્ટમમાં કોઈ ડેટા જ નહોતો. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના રસ્તા પર જોવા મળ્યો. રાહુલ સિંગોડ નામના ડ્રાઈવરે કચરાની ગાડી ઉભી રાખીને તેનું ડ્રાયવિંગ લાયસન્સ બતાવ્યું. આ લાયસન્સ પણ ઓરિજનલ નહોતું પરંતુ કલર ઝેરોક્ષ હતી. મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા ઇશ્યુ કરાયેલા આ લાયસન્સનો લેઆઉટ જ શંકાસ્પદ લાગતો હતો. રાહુલના લાયસન્સમાં જન્મતારીખ 1 જાન્યુઆરી 2004 લખેલી હતી અને તેમાં પણ બ્લડ ગ્રુપનો ઉલ્લેખ નહોતો. જ્યારે મધ્યપ્રદેશના વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ પર આ લાયસન્સ નંબર નાખીને તપાસ કરવામાં આવી ત્યારે કોઈ જ રેકોર્ડ કે ડેટા મળ્યો નહીં. તમામ ડ્રાઇવરની જન્મતારીખ 1 જાન્યુઆરી અહીં એક અચરજ પમાડે તેવો સંયોગ સામે આવ્યો. અમે જેટલા પણ ડ્રાયવિંગ લાયસન્સ ચેક કર્યા, તે તમામ ડ્રાઈવરોની જન્મતારીખ 1 જાન્યુઆરી જ લખેલી હતી, માત્ર વર્ષ અલગ-અલગ હતા. ચારમાંથી ત્રણ લાયસન્સની વિગતો મધ્યપ્રદેશના પરિવહન વિભાગની વેબસાઇટ પર વેરિફાય ન થઇ શકી. વળી, ઓરિજનલ લાયસન્સ ન હોવા અંગે તમામ ડ્રાઈવરોએ એક જ રાગ આલાપ્યો કે તેમના લાયસન્સ સુપરવાઇઝર પાસે જમા છે. આ વાતની સત્યતા ચકાસવા અમે ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા. જ્યાં અમારી મુલાકાત સુપરવાઇઝર સાથે થઈ. ઓનરેકોર્ડ તો તેમણે કાંઈપણ બોલવાનો ઇન્કાર કરી દીધો પરંતુ સ્ટિંગ ઓપરેશનમાં કેટલીક બાબતોની ચોખવટ થઈ ગઈ. વાંચો, સુપરવાઇઝર સાથેની વાતચીતના કેટલાક અંશ, જેમાં તેઓ અમદાવાદમાં ભડકેલા હાથીની જેમ ફરતી કચરાની ગાડીઓમાં રાખવામાં આવતી બેદરકારીની પોલ ખોલે છે. કોન્ટ્રાક્ટરને જો ડ્રાઈવર ભાગી જવાનો ડર હોય તો તેના માટે રુટીન પોલીસ વેરિફિકેશનનો નિયમ છે. પરંતુ કાયદાને હાંસિયામાં મૂકીને અનધિકૃત રીતે લાયસન્સ જમા રાખવામાં આવી રહ્યા છે. એમાં પણ આ લાયસન્સ સાચા છે કે ખોટા એ પણ મોટો સવાલ છે. તેની મનપાએ તપાસ કરવી જોઈએ. આ અંગે જ્યારે અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે મિટિંગમાં હોવાનું કારણ બતાવીને વાત કરવાનું ટાળી દીધું હતું. પશ્ચિમ ઝોનમાં ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાનો કોન્ટ્રાક્ટ 'જીગર ટ્રાન્સપોર્ટ' નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો ખુલાસો પણ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન દરમિયાન થયો હતો. આ કામગીરી દરમિયાન એક સગીર કેમેરા સામે ઝડપાઈ ગયો. ઓન-કેમેરા પૂછપરછ દરમિયાન તેણે પોતાની ઉંમર 15 વર્ષ અને મૂળ વતન મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું. એટલે સવાલ એ ઊભો થાય છે કે શું કોર્પોરેશન પોતે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કોઈ વિશેષ ડ્રાઇવ કે તપાસ ઝુંબેશ ચલાવે છે કે નહીં? ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે આ પ્રકરણમાં ઊંડા ઉતર્યા તો વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. જેમાં કચરાના નિકાલ અંગે મનપાના દંભની પોલ પણ ડમ્પિંગ સાઇટ પર ખૂલી ગઈ. અમદાવાદ મહાનગરપાલિકાએ નિયમ બનાવ્યો છે કે તમામ લોકોએ લીલો અને સૂકો કચરો અલગ નાખવો, જેથી પ્લાન્ટમાં પણ તેનો અલગ-અલગ રીતે નિકાલ થઇ શકે. જો કોઈ આવું નથી કરતું તો તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવાની પણ જોગવાઈ છે. પરંતુ અમદાવાદ મનપા પોતે જ બનાવેલા નિયમોના ધજાગરા ઉડાડતી હોય એવું દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયું. તમામ સોસાયટીમાંથી લીલો અને ભીનો કચરો અલગ-અલગ કરીને ઉપાડ્યા બાદ મિનિવાન જુદા-જુદા વિસ્તારોમાં બનેલા ડન્પિંગ સ્ટેશને પહોંચે છે. જ્યાંથી મોટા ટ્રકમાં કચરો ભરીને પીરાણા સુધી મોકલવામાં આવે છે. આવું જ એક ડમ્પિંગ સ્ટેશન અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલું છે. અમે ત્યાં પહોંચ્યાં. અહીં વ્યવસ્થા એવી છે કે કચરાની મિનિવાન આવે એટલે તેમાંથી કચરો સીધો ભોંયરામાં ઉભેલા ટ્રકમાં પડે. એક જગ્યાએ ભીનો કચરો ઠાલવે અને બાજુમાં જ સુકો કચરો ઠાલવી શકાય. આ જગ્યાને ઘંટી તરીકે ઓળખવામાં આવે છે. જો કે સામાન્ય લોકો લીલો અને સૂકો કચરો ભેગો કરે તો દંડ લેવામાં આવે. પરંતુ અહીંયાં કચરો અલગ રાખવાના બદલે ડ્રાઈવરો પોતાની અનુકૂળતા મુજબ મનફાવે એ ઘંટીમાં કચરો નાખી દે છે. એટલે લોકો ભલે અલગ કચરો રાખીને કચરા ગાડી સુધી પહોંચાડે, પણ ડમ્પિંગ સ્ટેશને પહોંચ્યા પછી તેનો કોઇ અર્થ રહેતો નથી. ડમ્પીંગ સાઇટ પર અમને અમદાવાદ મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ હાજર ન મળ્યા. તેઓ ક્યારે આવે છે અને ક્યારે જાય છે તેની કોઈને પણ ખબર હોતી નથી. એ જ કારણે લીલો અને સૂકો કરચો ભેગો જ ઠલવાઇ રહ્યો છે. હવે જરૂરી બને છે કે તમામ ડ્રાઈવરોને લાયસન્સ સાથે રાખવા માટે આદેશ આપવામાં આવે અને તેનું વ્યવસ્થિત વેરિફિકેશન પણ થાય. જેથી સામાન્ય લોકોની સલામતી જળવાઇ રહે. એક જરૂરી જાણકારી: જો અમદાવાદમાં ગાર્બેજ વાન તેમજ સફાઇ બાબતે કોઈ ફરિયાદ હોય તો 155303 નંબર ડાયલ કરીને મહાનગરપાલિકાના કોલ સેન્ટરનો સંપર્ક કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, રાહુલ ગાંધી સૂઇ જતાં પોલીસે અધરોઅધર ઊંચક્યા, કૉંગ્રેસના સિક્રેટ પ્લાન સામે સરકાર થાપ ખાઇ ગઇ
    Next Article
    0%, 100%, 200%: Trump's New Generic Drug Tariff Plan May Impact India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment