Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં MLA જયેશ રાદડિયા VS મહામંત્રી પ્રશાંત કોરાટ:લોધિકા સહકારી સંઘની ચૂંટણી બની બે સિનિયર નેતાની પ્રતિષ્ઠાનો જંગ, ચેરમેન બનવા રૈયાણી અને ઢાંકેચા વચ્ચે રેસ

    19 hours ago

    રાજકોટના લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી 8 સપ્ટેમ્બરે યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. 17થી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અને 29 ઓગસ્ટે ફાઈનલ યાદી જાહેર કરવામાં આવશે. આ વખતની સંઘની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઈ છે. ઉમેદવારોની પસંદગી અને ચેરમેન સુધીની નિમણૂક માટે એક તરફ જેતપુર જામકંડોરણાના MLA જયેશ રાદડિયા તો બીજી તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પોતાના સમર્થકોને ગોઠવવા મથામણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સહકારી સંઘ માત્ર બે તાલુકા પૂરતો મર્યાદિત છે, પરંતુ સહકારી વિભાગની આ ચૂંટણી હવે રાજકીય રીતે ખૂબ જ મહત્વની બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય હરીફોની રડારમાં જયેશ રાદડિયા રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કોઈપણ નિમણૂક હોય તેમાં રાદડિયાનો હાથ હંમેશા ઉપર રહ્યો છે, પરંતુ સી.આર. પાટીલ દ્વારા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જાહેરાત કરાયા બાદ રાદડિયાની પાંખો થોડા અંશે કપાઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાદડિયાના રાજકીય હરીફો પણ આ વાતનો લાભ ઉઠાવી નિશાન તાકી રહ્યા છે જેમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ બાકાત નથી. અરવિંદ રૈયાણીની નજર ચેરમેન પદ પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ ગત ટર્મમાં ચેરમેન બનવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ તેમને સફળતા મળી ન હતી. હવે ફરી ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ત્યારે અરવિંદ રૈયાણીએ ગત સપ્તાહ યોજાયેલી ડિરેક્ટર પદની સેન્સ પ્રક્રિયામાં સેન્સ પણ આપી હતી. અરવિંદ રૈયાણીની નજર ચેરમેન પદ પર છે અને એટલા માટે તેઓ પોતાના સમર્થિત ડિરેક્ટરોને મેન્ડેટ મળે તે માટે પ્રયત્નશીલ છે. આ વખતની ચૂંટણીમાં જયેશ રાદડિયાના સમર્થક ડિરેક્ટર પદના ઉમેદવાર સામે અરવિંદ રૈયાણી મેદાને ઉતર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 'સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલનોનું હિત સર્વોપરી': રાદડિયા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની વાતનો અનેક સહકારી આગેવાનો વિરોધ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ 15 ઓગસ્ટના રોજ રાજકોટ ડેરીના એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાનું ખૂબ જ સૂચક નિવેદન સામે આવ્યું હતું. મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલનોનું હિત સર્વોપરી છે. તેમાં કોઈ રાજકારણ ન હોવું જોઇએ. જેથી સહકારી ક્ષેત્રનું સૂકાન ખેડૂતો-પશુપાલનો સાથે જોડાયેલા લોકોને સોંપવામાં આવે. અરવિંદ રૈયાણીને પ્રદેશ તરફથી પ્રશાંત કોરાટનો ટેકો એક સમયે જયેશ રાદડિયાના વિરોધી ગણાતા લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા હવે રાદડિયા જૂથમાં જોવા મળી રહ્યા છે. આ પદ માટે અરવિંદ રૈયાણીની સાથે નિતીન ઢાંકેચા પણ પ્રયત્નશીલ છે તેવામાં રૈયાણીને પ્રદેશ તરફથી પ્રશાંત કોરાટનો ટેકો મળી રહ્યો છે. બીજી તરફ નિતીન ઢાંકેચા જયેશ રાદડિયાના ટેકે આગળ વધી રહ્યા છે. જયેશ રાદડિયા સીધી રીતે આ રેસમાં નથી પરંતુ પોતાનું સહકારી નેતૃત્વ અકબંધ રાખવા રાજકીય લોબિંગ કરી રહ્યા છે. કોરાટ પરિવારની ગણાતી સીટ પર રાદડિયાનો દબદબો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા બંને એક જ વિસ્તારમાંથી આવે છે. જે સીટ પર રાદડિયા ધારાસભ્ય છે તે બેઠક પર એક સમયે પ્રશાંત કોરાટના પિતા અને માતા બંને ધારાસભ્ય રહી ચૂક્યા હતા. જોકે, નવા સમિકરણોને કારણે કોરાટ પરિવારની ગણાતી સીટ પર જયેશ રાદડિયાને સ્થાન મળ્યું છે. પ્રશાંત કોરાટને ભાજપે સમયાંતરે સંગઠનમાં સ્થાન આપ્યું છે અને હાલમાં મહત્વના હોદ્દા પર છે. તેઓ જિલ્લામાં થતી રાજકીય ગતિવિધીઓમાં પોતાની દખલ ગીરી બખૂબી દર્શાવી રહ્યા છે. જેના કારણે રાદડિયાની સહકારી ક્ષેત્રમાં પકડ ઘટે અને પ્રશાંત કોરાટનું વર્ચસ્વ વધે. બંને નેતાઓએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો વર્ષ 2027ની ચૂંટણી નજીક છે ત્યારે જો સહકારી ક્ષેત્રમાં રાદડિયાની પક્કડ તૂટે તો રાજકીય ડેમેજ થાય અને જો પ્રશાંત કોરાટનો હાથ ઉપર રહે તો કરોટનું જિલ્લામાં વર્ચસ્વ વધે. વિધાનસભાની ચૂંટણી પહેલા બંને નેતાઓએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બંને બાહુબલી નેતાઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને સામાન્ય ચૂંટણીમાં પણ દિલ્હી સુધી ફોન રણક્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ચૂંટણીના મેદાનમાં ભાજપ તરફથી મેન્ડેન્ટ કોને મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. લોધિકા સહકારી સંઘની 16 બેઠકો પર ચૂંટણી યોજાશે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોધિકા સહકારી સંઘ લી.ની ચૂંટણી-2026નો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલી મંડળી ગત મતજૂથમાંથી 15 અને વ્યક્તિગત જૂથમાંથી 1 એમ કુલ 16 બેઠકો માટેની ચૂંટણી યોજાશે. ઉમેદવારીપત્રો મેળવવાની પ્રક્રિયા તા.17 ઓગસ્ટથી તા.20 ઓગસ્ટ દરમિયાન સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારી પત્રો તૈયાર કરવા માટેની છેલ્લી તા.20 ઓગસ્ટના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. 8 સપ્ટેમ્બરના મતદાન અને 9 સપ્ટેમ્બરના મતગણતરી તા. 21 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે અને તા.22 ઓગસ્ટના સવારે 11 વાગ્યે યાદી જાહેર કરાશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે તા.22થી તા.27 ઓગસ્ટના બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ તા.29 ઓગસ્ટના સવારે 11 વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો મતદાન જરૂરી બનશે તો તા. 8 સપ્ટેમ્બરના સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તા. 9 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એચ.ટી. મકવાણાની બદલી રોકવા 15 ગામના લોકો મેદાને:સ્થાનિકોએ કહ્યું-'ચોટીલા પ્રાંત અધિકારી દિવસના 18-18 કલાક કામ કરે છે, કાર્યકાળ પુરો કરવા દો'
    Next Article
    ભાવનગર જિલ્લા પોલીસ વડાએ મહુવાના PSIને સસ્પેન્ડ કર્યા:બુટલેગર પાસે નાણાંની માંગણી કર્યાનો ઓડિયો વાઈરલ થતાં કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment