Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી:IT કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી 1.07 કરોડ પડાવ્યા, કેમિકલના વેપારીના 18 કરોડ દબાવ્યા, શેરબજારમાં રોકાણના નામે સોનું પડાવ્યું

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા વેપારીને દુબઈમાં સફળ પ્રોજેક્ટ અને ગુજરાત સરકારમાં પ્રોજેક્ટના કામ કરવાના હોવાનો દાવો કરી IT કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને 1.07 કરોડ પડાવી લીધા હતા. જ્યારે અન્ય બનાવમાં વટવામાં કેમિકલના વેપારી પાસેથી કેમિકલ ખરીદી અને તેની ડાઇન બનાવીને બજારમાં વેચ્યા બાદ 18.03 કરોડ ચૂકવ્યા ન હતા. જેને લઈને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. વેપાર ધંધો કરવા નફાની લાલચ અને ઉધારમાં માલ લઇ અને બાદમાં ચેક આપીને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરવામાં આવે છે. વેપારીઓ સાથે છેતરપિંડીની અલગ અલગ ત્રણ ઘટના સામે આવી છે. આઈટી કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા 43 વર્ષીય તેજસ મગન પટેલને વર્ષ 2018-2019માં એક જીમમાં મયુર પ્રમોદસિંગ રાજપૂત અને માધવ પ્રમોદસિંગ રાજપૂત સાથે મુલાકાત થઈ હતી. તેઓએ નાના નાણાકીય વ્યવહારો કરી તેમનો વિશ્વાસ જીત્યો હતો. જાન્યુઆરી 2025માં માધવ દુબઈથી પરત આવ્યો અને તેણે ફરિયાદીને વિદ્યાસેતુ પ્રા.લી.નામની આઈટી કંપનીમાં રોકાણ કરવા જણાવ્યું હતું. જેની વેલ્યુ ટૂંક સમયમાં 140 કરોડ રૂપિયા થવાનું હોવાની લાલચ આપી હતી. AI સોફ્ટવેર અને દુબઈમાં સફળ પ્રોજેક્ટ્સ ચાલતા હોવાનું કહી તેમજ પોતાની ઓફિસ બતાવી રોકાણ કરવા માટે લાલચ આપી હતી. અધિકારીઓ સાથે પ્રોજેક્ટમાં કમિશન એજન્ટ તરીકે કામ કરવાનો ખોટો દાવો કર્યો આરોપીઓએ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રોજેક્ટમાં કમિશન એજન્ટ તરીકે કામ કરવાનું હોવાનો ખોટો દાવો કરી ફરિયાદીને વધુ વિશ્વાસમાં લીધા હતા. તેઓએ ફરિયાદીને કંપનીમાં 4 ટકા શેર અને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી અંગ્રેજીમાં લખેલા લખાણો પર સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી ફેબ્રુઆરીથી એપ્રિલ 2025 સુધી 23,00,000 રોકડા રૂપિયા અને બેંકથી 35,00,000 રૂપિયા સહિત કુલ રૂપિયા 58,00,000 પડાવી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદીના મિત્ર મયુર મનસુખ પટેલ પાસેથી પણ 49,50,000 રૂપિયા સહિત બંને પાસેથી કુલ રૂપિયા 1.07 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ચેક આપી બેંકમાં જમા ન કરાવવા ધમકી આપી થોડા સમય બાદ કંપનીમાં કામ કરતા એક માણસ દ્વારા જાણવા મળ્યું કે, આ કંપની કોઈ સાચા પ્રોજેક્ટ્સ કરતી નથી અને તે માત્ર લોકોના રૂપિયા પડાવીને વિદેશમાં ટ્રાન્સફર કરવાનું કૌભાંડ છે. જ્યારે ફરિયાદીએ પોતાના રૂપિયા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ તેમને બેંક ઓફ બરોડાનો એક ચેક આપ્યો હતો પરંતુ ફોન પર ધમકી આપી હતી કે, ચેક બેંકમાં જમા કરાવવો નહીં અને તેઓ કોઈ રૂપિયા પાછા આપવાના નથી. અંતે આરોપીઓ પોતાની ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. જેના કારણે ફરિયાદીએ પોતાની અને અન્ય લોકોની રકમ પરત ન મળતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેમિકલના વેપારી સાથે કરોડોની છેતરપિંડી અન્ય અક બનાવ જોઈએ તો શહેરના હેબતપુર વિસ્તારમાં રહેતા સંજય લાલજી ગુપ્તા સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ કલર બનાવવાના રો-મટીરીયલ અને કેમિકલનો વેપાર કરે છે. વટવા ખાતે આવેલી એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક ભાનુપ્રસાદ મોતીલાલ પટેલે તેમની પાસેથી એપ્રિલ 2024થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ રૂપિયા 70,17,92,907ના અલગ અલગ કેમિકલોની ખરીદી કરી હતી. આ ખરીદીના બીલો પેટે ભાનુપ્રસાદ પટેલે ફેબ્રુઆરી 2026 સુધીમાં ટુકડે ટુકડે રૂપિયા 52,13,93,090ની ચૂકવ્યા હતા. પરંતુ બાકીની રકમ રૂપિયા 18,03,99,817 ચૂકવવાની બાકી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી ખરીદેલા આ કેમિકલમાંથી ડાઈસ બનાવીને બજારમાં વેચી દીધી હતી અને તેમાંથી મળેલા રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી લીધા હતા. 179 ચેક આપ્યા તમામ રિટર્ન થયા બાકી નીકળતા રૂપિયા 18,03,99,817ની વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપી દ્વારા બહાના અને વાયદાઓ કરીને આજદિન સુધી રકમ ચૂકવવામાં આવી નથી. ખરીદીના બાકી બીલ પેટે આરોપીએ ડિસેમ્બર 2025થી ફરિયાદીને કુલ 179 ચેક આપ્યા હતા, પરંતુ બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી આ તમામ ચેક રિટર્ન થયા હતા. આ બાબતે ફરિયાદીએ પોતાના વકીલ દ્વારા રજીસ્ટર એ.ડી.થી કુલ 64 નોટિસ મોકલી હોવા છતાં આરોપીએ કોઈ જવાબ આપ્યો ન હતો કે રકમ ચૂકવી ન હતી. આ અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ હવે ભાનુપ્રસાદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મિહિર શાહ અને ભૂમિ શાહ સામે વધુ એક પોલીસ ફરિયાદ લોકો સાથે અલગ અલગ બહાને છેતરપિંડી કરનારા મિહિર શાહ અને ભૂમિ શાહ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માણેકબાગ વિસ્તારમાં રહેતા અને બીપી લુબ્રિકન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની ધરાવનારા બિરવા ગાંધીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મિહિર શાહ અને ભૂમિ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, શેરબજારમાં રોકાણ કરવા જણાવ્યું હતું. જોકે, રોકાણ કરવા માટે બીરવા ગાંધીએ તેમની પાસે પૈસા નથી તેવું કહ્યું હતું. બિરવા ગાંધી પાસે તેમનું વડીલોનું આપેલું સોનું હતું જેથી સોના-ચાંદીના વાયદા બજારમાં પણ વળતર આપવાનું કહી તેમની પાસેથી 1300 ગ્રામ જેટલું સોનુ જેની અંદાજિત કિંમત 1.74 કરોડ રૂપિયા હતી જે મેળવી લીધું હતું. સોનાના બિસ્કીટ મેળવી લીધા બાદ લખાણ કરવાની વાત કરતા તેમના જ કોઈ માણસ હોવાનું કહી અને બીજા વ્યક્તિના નામે લખાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોકાણ કરવા ઉપર વળતર આપવાની વાત કરતા તેઓ દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા. ભેગો હિસાબ આપી દઈશું અને પછી આપીશું એવી વાત કરી હતી. ત્યારબાદ મિહિર શાહ અને ભૂમિ શાહ અલગ અલગ બહાને છેતરપિંડી કરતા હોવાની સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી તેઓને જાણ થતા આ મામલે તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી 'ચિન્મય અમૃત મહોત્સવ'ના સમાપન કાર્યક્રમમાં પહોંચ્યા:PMનું સંબોધન શરુ, સંસ્થાના 75 વર્ષ પૂર્ણ, દુનિયાભરમાં 350થી વધુ કેન્દ્રો
    Next Article
    લઘુમતી કલ્યાણ સમિતીની ત્રિમાસિક બેઠક, શિષ્યવૃત્તિ, રોજગારી, આવાસ યોજનાની સમીક્ષા:તાપી જિલ્લામાં લઘુમતી લાભાર્થીઓને યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment