Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગેસ ચોરીનું કૌભાંડ, HPCLનો કર્મી ચલાવતો:ગેરકાયદે ટેન્કરમાંથી જીવના જોખમે ગેસ સિલિન્ડર ભરી 700માં વેચતા, 9 આરોપીનો અલગ અલગ રોલ

    9 hours ago

    સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરી જીવનું જોખમ ઊભું કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાલ પોલીસ ટીમે ભેસાણ-હજીરા હાઇવે રોડ નજીક દરોડો પાડીને ટેન્કરમાંથી ગેસ ચોરી કરી બાટલા ભરતા રંગેહાથ 9 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ટેન્કર, લક્ઝુરિયસ કાર, પીકઅપ ડાલા, મોબાઈલ ફોન અને ગેસ સિલિન્ડર સહિત કુલ ₹56,69,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેન્કરમાંથી પાઇપો જોડીને સિલિન્ડરો ભરતાં પાલ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ભેસાણ હજીરા રોડ પર દીપિકા માર્બલની બાજુમાં આવેલા જૂના રિલાયન્સ ગોડાઉનના પાર્કિંગમાં મોટા ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે બાટલામાં ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. જેથી પોલીસે પંચોને સાથે રાખી તાત્કાલિક સ્થળ પર રેડ કરતા ત્યાં ભારત પેટ્રોલિયમના ટેન્કરમાંથી પાઇપો જોડીને સિલિન્ડરો ભરવાનું જોખમી નેટવર્ક ઝડપાઈ ગયું હતું. કંપનીમાંથી નીકળતું ટેન્કર પાર્ક કરાવી સિલિન્ડર દીઠ 700 અપાતા પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય સૂત્રધાર પવનસિંગ ગુજ્જર છેલ્લા ત્રણ વર્ષથી હજીરા સ્થિત કંપનીમાં નોકરી કરે છે. તેણે ગોડાઉનના વોચમેન મહેશ જંજવાડીયા પાસેથી માલિકની જાણ બહાર દર મહિને ₹12,000 ભાડું ચૂકવી આ જગ્યા રાખી હતી. ટેન્કર ચાલક લક્ષ્મણસિંગ ગેલ કંપનીમાંથી એલપીજી ભરી બીપીસીએલ કંપનીમાં ખાલી કરવા જતો હતો, તે દરમિયાન તે અહીં ટેન્કર લાવી પાર્ક કરતો હતો. પવનસિંગ તેને સિલિન્ડર દીઠ ₹700 આપીને ગેસ ચોરી કરાવતો હતો અને ત્યારબાદ સુરેશ બોરીવાલા સાથે મળીને આ ગેસ સિલિન્ડરો બજારમાં બારોબાર વેચી મારતો હતો. પકડાયેલા 9 આરોપીઓ પોલીસે સ્થળ પરથી (1) પવનસિંગ અતુલસિંગ ગુજ્જર (ઉં.વ. 26), (2) સુરેશભાઈ કાલુરામ બોરીવાલા (ઉં.વ. 35), (3) મહેશભાઈ ગોવિંદભાઈ જંજવાડીયા (ઉં.વ. 35), (4) પંકજસિંગ ધીરેનસિંગ ઠાકુર (ઉં.વ. 26), (5) દેવાસિંગ મેવાલાલ સિંગ (ઉં.વ. 28), (6) સુભાષસિંગ જગદીશસિંગ રાજપુત (ઉં.વ. 28), (7) વિશાલભાઈ છનુભાઈ ભાભોર (ઉં.વ. 24), (8) દીપક રમેશભાઈ ભાભોર (ઉં.વ. 26) અને (9) લક્ષ્મણસિંગ દેવીસિંગ રાવત (ઉં.વ. 53, ટ્રક ડ્રાઇવર)ની ધરપકડ કરી છે. 84 ગેસના સિલિન્ડર 56.69 લાખનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે ટાટા કંપનીનું એલપીજી ગેસ ટેલર (કિ. ₹18 લાખ), મહિન્દ્રા XUV 7XO કાર (કિ. ₹21 લાખ), બોલેરો પીકઅપ ડાલુ (કિ. ₹7 લાખ), અન્ય ફોરવ્હીલર કાર (કિ. ₹8 લાખ), 84 નંગ ભરેલા ગેસના સિલિન્ડર (કિ. ₹1.26 લાખ), 4 ખાલી સિલિન્ડર, રિફિલિંગ પાઇપો, 8 સ્માર્ટફોન અને રોકડા ₹7,240 મળીને કુલ ₹56,69,240નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 287, 305(સી), 316(3), 316(4), 317(2), 61, 3(5) તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારો 1955 ની કલમ 3, 7 અને એલપીજી રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આખા ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર HPCLનો કર્મીનો પવન સિંહ ગુર્જર ડીસીપી શેફાલી બરવાલે કહ્યું હતું કે, આ આખા ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર પવન સિંહ ગુર્જર છે, જે હજીરા ખાતે એચપીસીએલ (HPCL) કંપનીમાં કામ કરતો હતો. કંપની અને પ્લાન્ટ સાથે સંકળાયેલો હોવાને લીધે તેને ગેસ ટેન્કરોની અવરજવર અને સમયની સંપૂર્ણ માહિતી રહેતી હતી. તેણે અન્ય આઠ સાથીઓને સાથે રાખીને ચોરી છૂપે ગેસ કાઢવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. આ ટોળકી પહેલાં ચોક્કસ રેકી કરતી હતી ઝડપાયેલા તમામ આરોપીઓને ગુનામાં ચોક્કસ કામગીરી વહેંચવામાં આવી હતી. જેમાં સુરેશભાઈ ડિલિવરી બોય તરીકે, મહેશભાઈ અને પંકજ સિંહ વોચમેન તરીકે, દેવ સિંહ ગેસ ભરવાનું કામ અને સુભાષ સિંહ, વિશાલભાઈ, દીપકભાઈ તથા લક્ષ્મણ સિંહ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. આ ટોળકી પહેલાં ચોક્કસ રેકી કરતી હતી કે ટેન્કર ક્યારે આવશે, કયા સમયે તેનો ડ્રાઈવર ત્યાં નહીં હોય અને પાર્કિંગનો ચોકીદાર ક્યારે હાજર નહીં હોય કે ઊંઘતો હશે. આ તમામ પરિસ્થિતિઓનો લાભ લઈને તેઓ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. કોઈપણ સમયે ભયંકર આગ કે વિસ્ફોટ થવાની શક્યતા હતી આરોપીઓ દ્વારા અત્યંત જ્વલનશીલ એવા એલપીજી ગેસને અનધિકૃત રીતે પાઈપ અને કટર જેવા જોખમી સાધનોનો ઉપયોગ કરીને નાના સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો. આ પ્રકારનું ગેરકાયદે રિફિલિંગ ખુલ્લા વિસ્તારમાં સામાન્ય સાવચેતી વગર કરવામાં આવતું હોવાથી તેમાં કોઈપણ સમયે ભયંકર આગ કે વિસ્ફોટ થવાની શક્યતા હતી, જે માનવ જીવન માટે અત્યંત ઘાતક અને મોટો ખતરો સાબિત થઈ શકે તેમ હતું. આ ગંભીર જોખમને ધ્યાને રાખીને જ પોલીસે માનવ જીવનને જોખમમાં મૂકવા બદલ બીએનએસની કલમ 287 સહિતની કડક કલમો લગાવી છે. કંપનીના કર્મચારીઓની સંડોવણીની તપાસ થશે આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય કોઈ એજન્સી કે કંપનીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે જાણવા આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ સાથે સંબંધિત ગેસ કંપની અને ડીએસઓ કચેરીને પણ આગળની કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને ટામેટા મળ્યા:મેસમાં સ્ટુડન્ટ્સની રેડ, એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી; ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા જવાબદાર સામે કાર્યવાહીની માંગ
    Next Article
    'Bigger Than Their Day 1 Collection': Ameesha Patel Takes A Dig At Female Stars' Entourages

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment