Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જહાંગીરપુરામાં નવું પોલીસ સ્ટેશન બનશે, મનપાએ જમીન ફાળવી:GETCOના 4 પાવર સબસ્ટેશન માટે પણ ફાળવાઈ, SMCને રૂ. 158.86 કરોડની આવક થશે

    1 day ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક ખુબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા હસ્તકની કરોડો રૂપિયાની કિંમતી જમીનોને જાહેર હિતના પ્રોજેક્ટ્સ માટે ફાળવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ને 4 નવા 66 KV વીજ સબસ્ટેશનો સ્થાપવા માટે અને ગૃહ વિભાગને 1 નવા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન માટે મોંઘીદાટ જગ્યાઓ એલોટ કરવામાં આવી છે. આ જમીન ફાળવણીના કારણે સુરત મહાનગરપાલિકાને પ્રીમિયમ અને 99 વર્ષના એડવાન્સ ભાડા પેટે કુલ આશરે રૂ. 158.86 કરોડની માતબર આવક થશે. મ્યુનિસિપલ કમિશનરના અંગત રસ અને સઘન પ્રયાસોના કારણે આ જમીન ફાળવણીની પ્રક્રિયાને આખરી ઓપ આપીને એલોટમેન્ટ લેટર પણ પાઠવી દેવામાં આવ્યા છે. GETCOને કયા વિસ્તારોમાં કેટલી જમીન મળી? સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રોકેટ ગતિએ વધી રહેલી વીજળીની માંગને પહોંચી વળવા માટે GETCO ને કુલ 4 મહત્વના લોકેશન પર જમીન આપવામાં આવી છે. જેમાં (1) જહાંગીરપુરાની ફાયનલ TP સ્કીમ નં. 46 ના પ્લોટ નં. 99 માં 3656 ચોરસ મીટર જગ્યા "66 KV જહાંગીરપુરા-2 સબસ્ટેશન" માટે ફાળવાઈ છે. (2) મોટા વરાછા ખાતે પ્રિલિમીનરી TP સ્કીમ નં. 84 ના પ્લોટ નં. 325 માં સૌથી મોટી 7962 ચોરસ મીટર જમીન "66 KV મોટા વરાછા વીજ સબસ્ટેશન" માટે આપવામાં આવી છે. (3) લિંબાયત-ડીંડોલીની પ્રિલિમીનરી TP સ્કીમ નં. 40 ના પ્લોટ નં. 139 માં 5540 ચોરસ મીટર જમીન "66 KV લિંબાયત વીજ સબસ્ટેશન" માટે નક્કી કરાઈ છે. (4) ઉધના-મજુરાની ફાયનલ TP સ્કીમ નં. 01 ના પ્લોટ નં. 79 માંથી 3000 ચોરસ મીટર જગ્યા "66 KV ગોવાલક-2 સબસ્ટેશન" માટે ફાળવવામાં આવી છે. પાવર સેક્ટરમાં ફાળવાયેલી જમીનની કરોડોની કિંમતનું ગણિત GETCOને ફાળવવામાં આવેલી આ 4 જમીનોના બદલામાં સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની કમાણી થવાની છે, જેનાથી માત્ર વીજ માળખું જ નહીં પરંતુ પાલિકાનું બજેટ પણ મજબૂત થશે. વિગતવાર જોઈએ તો, જહાંગીરપુરાની જમીન માટે પ્રીમિયમ પેટે રૂ. 20,98,36,120 અને ભાડા પેટે રૂ. 3,61,944 મળશે. મોટા વરાછાની વિશાળ જગ્યા માટે સૌથી વધુ રૂ. 70,67,46,930 પ્રીમિયમ અને રૂ. 7,88,238 ભાડું વસૂલાશે. SMCને કુલ રૂ. 158.86 કરોડની આવક થશે લિંબાયત સબસ્ટેશનની જમીન માટે રૂ. 25,40,92,100 પ્રીમિયમ અને રૂ. 5,48,460 એડવાન્સ ભાડું નક્કી થયું છે. જ્યારે ગોવાલક-2 સબસ્ટેશન માટે રૂ. 29,08,95,000 પ્રીમિયમ અને રૂ. 2,97,000 ભાડું ચૂકવવું પડશે. આમ, પાવર સબસ્ટેશનોની જમીનમાંથી જ માત્ર સુરત મનપાને કુલ રૂ. 146.35 કરોડની અધધ આવક પ્રાપ્ત થશે. જહાંગીરપુરામાં નવું પોલીસ સ્ટેશન બનશે શહેરમાં સતત વધી રહેલી વસ્તી અને ભૌગોલિક વિસ્તારની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગને પણ કિંમતી જમીનની ફાળવણી કરવામાં આવી છે. જહાંગીરપુરા-પીસાદ વિસ્તારમાં ક્રાઈમ કંટ્રોલ અને ગુનાખોરી નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા નવા પોલીસ સ્ટેશનની માંગણી કરવામાં આવી હતી. મનપાએ જમીન ફાળવી દીધી સુરત મનપાએ આ માંગ સ્વીકારીને ફાયનલ TP સ્કીમ નં. 45 ના કૉમર્શીયલ યુઝ માટેના પ્લોટ નં. 122 માંથી 1791 ચોરસ મીટરની કિંમતી જમીન "નવા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન" માટે ફાળવી દીધી છે. આ જમીન માટે પોલીસ વિભાગ પાસેથી પ્રીમિયમ પેટે રૂ.12,19,58,145 અને 99 વર્ષના એડવાન્સ ભાડા પેટે રૂ. 1,77,309 મેળવવામાં આવશે, જેનાથી મનપાને કુલ રૂ. 12.51 કરોડની કમાણી થશે. મ્યુનિસિપલ કમિશનરના પ્રયાસોથી ફાસ્ટ ટ્રેક પર નિર્ણય આ તમામ પ્રોજેક્ટો જાહેર હિત અને લોકોની પ્રાથમિક સુવિધાઓ સાથે જોડાયેલા હોવાથી સુરત મ્યુનિસિપલ કમિશનરે આ બાબતમાં વ્યક્તિગત રસ દાખવ્યો હતો. તેમના સક્રિય માર્ગદર્શન અને યોગ્ય સંકલનના કારણે જમીન ફાળવણીની ફાઈલો સરકારી બાબુશાહીમાં અટવાઈ નહોતી. "શહેરી/વિસ્તાર વિકાસ સત્તામંડળોના (ડીસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ) રેગ્યુલેશન-2002" ની કાયદાકીય જોગવાઈઓ હેઠળ રચાયેલી ખાસ કમિટીની 10 જૂન, 2026ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ કાયદાકીય પાસાઓની ચકાસણી કરીને જરૂરી ઠરાવો તાત્કાલિક અસરથી મંજૂર કરવામાં આવ્યા હતા અને કમિશનરશ્રીની સત્તાવાર મંજૂરી બાદ તમામ પ્લોટ્સના એલોટમેન્ટ લેટર સબંધિત વિભાગોને મોકલી દેવાયા છે. આ નિર્ણયોથી સુરતીલાલાઓને આ ફાયદો થશે આ જમીન ફાળવણી બાદ જ્યારે પાંચેય પ્રોજેક્ટ્સ જમીન પર સાકાર થશે, ત્યારે સુરતના નાગરિકોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવશે. 4 નવા 66 KV ના સબસ્ટેશનો કાર્યરત થવાથી સુરતની વીજ પુરવઠા ક્ષમતામાં અકલ્પનીય વધારો થશે. ઉનાળા દરમિયાન કે પીક અવર્સમાં સર્જાતી લો વોલ્ટેજની સમસ્યાઓ કાયમ માટે ભૂતકાળ બની જશે અને સ્થાનિક રહીશો, મોટા વેપારીઓ તેમજ ટેક્સટાઈલ-ડાયમંડ ઉદ્યોગોને 24 કલાક ગુણવત્તાસભર અને સ્થિર પાવર સપ્લાય મળશે. બીજી તરફ, નવું જહાંગીરપુરા પોલીસ સ્ટેશન શરૂ થવાથી તે વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધશે, ગુનેગારોમાં ફફડાટ ફેલાશે અને સામાન્ય જનતા પોતાની જાતને વધુ સુરક્ષિત અનુભવશે. ટૂંક સમયમાં જ આ તમામ પ્લોટ પર બાંધકામની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં હનીટ્રેપ જેવો જ નવો કીમિયો:‘Grinder’ એપથી સમલૈંગિક યુવકને અવાવરું જગ્યાએ બોલાવી પટ્ટાથી માર્યો, રાત્રે વટવા કેનાલ પાસે લઈ જઈ રોકડ-વીટીની લૂંટ ચલાવી
    Next Article
    Nuclear Weapons 'Only' Guarantee Against Global War: Russia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment