Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારી તેલ કાઢશે:ભાવ એ જ-માલ ઓછો, FMCG કંપનીઓનો નવો ખેલ, તહેવારોમાં ખિસ્સાં ખાલી થઇ જશે, બચવાની 4 સ્માર્ટ ટ્રિક

    12 hours ago

    તમે ધ્યાને લીધું હોય તો ગઈ દિવાળી હતી ત્યારે 10 રૂપિયાના પડિકામાં જેટલા ચિપ્સ કે બિસ્કિટ આવતા હતા એટલા આજે નથી આવતા. તમારો પગાર વધ્યો હોય કે ન વધ્યો હોય પણ FMCG માર્કેટ એટલે કે ખાણી પીણીની વસ્તુઓ કે કરિયાણાનું બિલ પાક્કું વધ્યું જ છે. આ કોઈ જાદુ નથી પણ એવી ખતરનાક ગેમ છે જેમાં મોટી કંપનીઓ ચાલાકીથી તમારું ખિસ્સું કાપી રહી છે અને તમને ખબર પણ નથી પડી શકતી. થોડા સમયમાં જ દિવાળીની સિઝન આવી જશે ત્યારે તમારાં બજેટને આ બધી વસ્તુઓ કેવી રીતે અસર કરવાની છે અને મોંઘવારીના સમયમાં વધુ એક ફટકાથી બચવા કેવી રીતે સ્માર્ટ શોપિંગ કરવું જોઈએ ચાલો તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર... હમણા થોડા દિવસોથી દેશની સૌથી મોટી બ્રિટાનિયા, હિંદુસ્તાન યુનિલિવર, ડાબર અને મેરિકો જેવી FMCG કંપનીઓના મોટા સાહેબો એટલે કે CEO અને CFOએ વર્ષ 2026-2027ના ક્વાર્ટર 1ના પરિણામો આવતા જ ધડાકા કરી દીધા છે. જાહેરાતો વિશે ડિટેઈલમાં ચર્ચા કરીએ તેના પહેલા જાણી લઈએ કે આ કંપનીઓ કરે છે શું? તો આ લોકો સાબુ, શેમ્પૂ, ચાર, તેલ, બિસ્કિટ જેવી વસ્તુઓ જે તમે સવારથી સાંજ વચ્ચે ખાવ છો કે વાપરો છો તે બનાવે છે. હવે ફરી ધડાકા મામલે વાત કરીએ તો આ કંપનીઓના સીઈઓ અને મોટા સાહેબોએ પોતાના ઈન્વેસ્ટર્સ સામે ખુલ્લા શબ્દોમાં કબૂલાત કરી છે કે ભાઈ હવે પામ ઓઈળ, ખાંડ અને ક્રુડ જેવો કાચો માલ હદ કરતાં મોંઘો થઈ રહ્યો છે. એટલે અમે ભાવ વધારવાના છીએ અને અત્યારથી જ આ મામલે પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું છે. FMCG કંપનીઓએ ફોડ્યા ધડાધડ બોમ્બ બ્રિટાનિયાના MD અને CEO રક્ષિત હરગવે કહ્યું, "Q2માં કંપની 5 અને 10 રૂપિયાના બિસ્કિટના પેકમાં વધુ 1.5%થી 2%નો ભાવવધારો અથવા વજનમાં ઘટાડો કરશે." પેપ્સીકોના બોટલર વરૂણ બેવરેજીસના ચેરપર્સન રવિ જયપુરિયાએ કહ્યું કે, "કંપનીએ ભાવ વધારાના બદલે ધીમે ધીમે બજારમાંથી ડિસ્કાઉન્ટ ખેંચવાનું શરૂ કર્યું છે." હિંદુસ્તાન યુનિલિવરના સીઈઓ પ્રિયા નાયર અને સીએફઓ નિરંજન ગુપ્તા સહિત ડાબર ઈન્ડિયાના ગ્લોબલ સીઈઓ મોહિત મલ્હોત્રાએ પણ આ મામલે પોતાની વાત રાખી છે. મોંઘવારી RBIના અંદાજ બહાર પહોંચી આ બધો મામલો સમજવા આપમે રિઝર્વ બેંકના આંકડા અને હકિકતની રિયાલિટી જોઈએ. આરબીઆઈના સરકારી ચોપડે મોંઘવારીનો ટાર્ગેટ 4.45 ટકા આંકવામાં આવ્યો છે પણ રોજબરોજની ખાવાપીવાની ચીજ વસ્તુઓની મોંઘવારી જેને ફૂડ ઈન્ફ્લેશન કહેવાય છે એ તો 5.52 ટકાને પણ પાર કરી ગયું છે. ટૂંકમાં ફૂડ ઈન્ફ્લેશન રિઝર્વ બેંકના ટાર્ગેટને ઠેકી ગયું છે. તમને જાણીને સૌથી મોટો ઝટકો લાગશે કે મોટી સિટી (3.96%) કરતાં નાના ગામડાઓમાં (4.84%) ફૂડ ઈન્ફ્લેશનનો વધુ માર પડી રહ્યો છે. એક તો ગામડાઓમાં પહેલેથી વધુ કમાણી નથી અને તેમને આવો ફટકો પડે તો કેવા હાલ થાય એનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે. તો આનાથી મને શું ફેર પડ્યો? મારા પર કેવી રીતે સીધી અસર પડી કે પડશે? તો જવાબ છે હમણા દિવાળી અને તહેવારોની સિઝન આવવાની છે. આ એવો સમય છે જ્યારે ઘરની મોટાભાગની ખરીદી થતી હોય છે. આ મોટી એફએમસીજી કંપનીઓ સામે મોટી ચેલેન્જ છે કે જો તે 10 રૂપિયાના બિસ્કિટ કે સાબુનો ભાવ સીધો 12 કે 15 રૂપિયા કરી દે તો આપણે લેવાનું જ બંધ કરી દઈએ. એટલા માટે આ કંપનીઓ એક સ્માર્ટ ગેમ રમે છે. કંપનીઓ જાણે છે કે આપણે સૌ રાઉન્ડ ફિગરથી ટેવાયેલા છીએ. જેમ કે 5, 10, 15 કે પછી 20 રૂપિયા. કારણ કે આપણે કે દુકાનદારોને છૂટા પૈસાની માથાકૂટમાં નથી પડવું હોયતું. તો આ કંપનીઓ પોતાનો નફો કઈ રીતે કરે? આ જવાબથી જ શરૂ થાય છે તમારી સાથે અદ્રશ્ય છેતરપિંડી, એ લોકો 10 રૂપિયાની કે 20 રૂપિયાની વસ્તુની કિંમતો તો એવી ને એવી જ રાખે છે પણ અંદર રહેલી ખાવાની વસ્તુની ક્વોલિટી અને ક્વોન્ટીટી ઘટાડી દે છે. જુઓ ફોટોથી તમને આસાનીથી સમજાઈ જશે. ભાવ એ જ પણ બિસ્કિટ ગાયબ જે કિંમત વધે છે અને તમને દેખાતી નથી તેને અર્થશાસ્ત્રઓ પોતાની ભાષામાં આને શ્રિંકફ્લેશન કહે છે. કંપનીઓ પેકેટની પ્રિન્ટેડ કિંમત 10 રૂપિયા જ રાખે છે, પણ અંદરથી બે બિસ્કિટ ગાયબ કરી દે છે. સાબુનું વજન 100 ગ્રામથી ઘટાડીને 80 ગ્રામ કરી દે છે અને પેકેટમાં હવા વધારે ભરી દે છે. તમને એમ લાગે છે કે.... ચલો સારું છે, ભાવ નથી વધ્યાં, પણ હકિકતમાં તો તમે એટલા જ પૈસામાં ઓછો સામાન લઈને ઘરે આવો છો. હરખાવાની નહીં જાગૃત થવાની જરૂર છે. કારણ કે આ જ FMCG કંપનીઓનો રિપોર્ટ કહે છે કે લોકો હવે વધારે સામાન નથી ખરીદી રહ્યા પણ જે ખરીદે છે તેના માટે અગાઉ કરતા વધુ રૂપિયા ચૂકવે છે. FMCG કંપનીઓ પોતાનો નફો અને શેરબજારનું સ્ટેટસ બચાવવા માટે બધો જ બોજો તમારા માથે નાખી દે છે. પણ આવું કરવું એ FMCG કંપનીઓ માટે નફાખોરી છે કે તેમની મજબૂરી છે? ચાલો આપણે આખી વાત ડેટાથી જ સમજી લઈએ... કંપનીઓ તમારી સાથે છેતરપિંડી નથી કરતી કે નફાખોરી નથી કરી રહી એવું કહેવા માટે દલીલ કરે છે કે ભાઈ, "કાચો માલ તો મોંઘો થઈ ગયો છે અમે શું કરી શકીએ? અમારે તો ભાવ વધારવો પડશે, અમારો કોઈ વાંક નથી." તો ચાલો આપણે પણ તેમની વાતમાં ન આવીને ડેટાથી આખો મામલો સમજી લઈએ. સવારે આંખ ખુલતાથી રાતે આંખ બંધ થવા સુધીમાં તમે કેટલી FMCG વસ્તુઓ વાપરો છો? FMCG તમારી લાઈફ સ્ટાઈલનો ભાગ બની ગયું છે સૌથી પહેલા તમે ઉઠીને બ્રશ કરવા જાવ છો ત્યારે ટૂથ પેસ્ટ અને ટૂથ બ્રશ વાપરો છો. પછી નહાવા જાવ ત્યારે સાબુ, શેમ્પૂ વગેરે વાપરો છો પછી માથામાં તેલ નાખો છો. નહાવા પછી તમે બ્રેડ, બિસ્કિટ, ચા, કોફી કે નૂડલ્સ વગેરે નાસ્તામાં ખાવ છો. બપોરે જમવા બેસો ત્યારે કૂકિંગ કે પામ ઓઈલ કે સાઈડમાં કોઈ પડિકાં ખાવ છો. પછી ઘરે જાવ ત્યારે કપડા ધોવામાં સાબુ કે ડિટર્જન્ટ પાઉડર વાપરો છો. અને છેલ્લે રાતે સૂતા પહેલા પણ બ્રશ કરો ત્યારે ટૂથપેસ્ટ વાપરો છો. આ બધી જ વસ્તુઓ તમે જે વાપરો છો એ FMCG પ્રોડક્ટ જ છે. એટલે હકિકતમાં તો આપણે FMCG ખરીદીએ છીએ એવું નથી પણ FMCG આપણી રોજની લાઈફ સ્ટાઈલનો ભાગ બની ગયું છે એવું કહીએ તો વધુ બરોબર લાગશે અને આ બધુ જ દેશના 140 કરોડ લોકો રોજ કરે છે એટલે આ વિષય જાણવો આપણા માટે અતિ મહત્વનો છે. રાતોરાત તેલના ભાવ કેમ વધી ગયા? આને મોટા લેવલે સમજીએ તો મોટા શહેરોમાં સાહેબો સાદું તેલ નહીં પણ પામ તેલ ખાતા હોય છે. મોટા ભાગે આ તેલ ઈન્ડોનેશિયા કે મલેશિયાથી આપણા દેશમાં પહોંચે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દુનિયાના સૌથી મોટા પ્રશાંત મહાસાગરમાં અલનીનોનો ખતરો સામે આવ્યો છે, જેના કારણે ભયાનક દુકાળ પડવાની પણ આવનાર સમયમાં સંભાવનાઓ રહેલી છે. તમને ખબર છે આ જ અલનીનોની સીધી અસર પામ ઓઈલ બજારમાં એવી પડી છે કે તેના ભાવ લગભગ 7 ટકા જેટલા વધી ગયા છે. કાચો માલ જ મોંઘો થયો છે એટલે સાબુ અને બિસ્કિટ બનાવવાનો ખર્ચો પણ વધવાનો જ છે. ચોકલેટનો પણ આ જ હાલ છે. આફ્રિકામાં ખરાબ હવામાનના કારણે કોકો કે જેમાંથી ચોકલેટ બને છે એનું પ્રોડક્શન જ ઘટી ગયું છે. એટલે કોકો સાથે જોડાયેલી કંપનીઓ પાસે ચોકલેટ મોંઘી કરવા અથવા ચોકલેટનું પેકેટ નાનું કરવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. એ લોકો પણ મજબૂર છે. લો ફોટો જોઈને જ સમજો આખી વાત. તો હવે તમે સમજી ગયા હશો કે ક્યાં કેવો ખેલ ચાલી રહ્યો છે. પણ આપણે જે વાત કરીએ દુનિયાની છે અને એમાં આપણે હવામાનનો વાંક કાઢી શકીએ છીએ પણ જે વસ્તુઓ આપણા ઘર આંગણે જ પાકે છે એનું શું ભાઈ? 1 રૂપિયાનું શેમ્પૂ Vs 100 રૂપિયાની બોટલ અને એમાંય ઉપરથી હવે જે વાત જાણીશું ને તો એ સમજીને તો તમે ચક્કર ખાઈ જશો. તમે જ્યારે મોલમાં કે તાલુકામાં કરિયાણાની દુકાનમાં મહિનાનું કરિયાણું લેવા જાવ છો ત્યારે તમારા મગજમાં એક વાત હોય છે કે મોટા પેકિંગમાં કોઈ વસ્તુ વધારે લઈએ તો એ સસ્તું પડશે. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ એક મોટો ભ્રમ છે. બજારના ડેટાનું કહેવું છે કે જો તમે મોલમાંથી 150 રૂપિયાની શેમ્પૂની મોટી બોટલ ખરીદો છો તો તમે વધુ નિકસાનમાં છો કારણ કે તમે જો એ જ કંપનીના શેમ્પૂના 1-1 કે 2-2 રૂપિયાવાળા નાના પાઉચ જેને શેશે કહેવાય છે એ ખરીદો તો 150 રૂપિયામાં પેલી બોટલમાં જેટલું શેમ્પૂ આવે છે એના કરતાં કમ્પેરેટિવલી વધુ શેમ્પૂ તમને મળશે. શેમ્પૂની બોટલ લેવી કે પાઉચ? તો આપણને થાય કે આવું કેમ? તો એનો જવાબ છે કે આ શેમ્પૂ બનાવતી કંપનીઓને ખબર છે કે 1 કે 2 રૂપિયાના પાઉચ ગામડાઓમાં વધુ ખરીદવામાં આવે છે. ગામડાના માણસની આવક શહેરના વ્યક્તિ કરતાં ઓછી હોય છે એ આપણને બધાને ખબર છે. તો એ ફેક્ટર અહીં કંપની લગાવે છે અને ખોટ ખાઈને પણ ગામડાના માણસને પોતાની કંપનીનું શેમ્પૂ પડીકામાં વપરાવવા ટેવ પાડે છે. તમને ખબર છે કે આ ખોટની વસૂલી કોની પાસેથી થાય છે? જે લોકો મોલમાં પેલી 150 રૂપિયાની શેમ્પૂની મોટી બોટલ ખરીદે છે ને તેની પાસેથી. કારણ કે કંપનીને ખબર છે 1 કે 2 રૂપિયાના પડીકાં દાંતેથી તોડવા કરતાં મોટી પંપવાળી બોટલ વાપરવી લોકો એક સ્ટેટસ તરીકે જુએ છે. તમારું બજેટ બચાવવા આ માયાજાળ સમજો ટૂંકમાં કવિતા એકદમ ક્લિયર છે. ક્યાંક કાચો માલ મોંઘો છે એ સાચી વાત છે પણ ક્યાંક તહેવારના નામે તો ક્યાંક મોટા પેકિંગના નામે મોંઘવારીનો માર સીધો તમારા બજેટ પર પડી રહ્યો છે. તો પછી આ બધામાંથી બચવાનો પણ કંઈક રસ્તો તો હશે જ ને? ચાલો હવે આપણે વાત કરીએ કે FMCG કંપનીઓની ચાલબાજીથી બચવા અને આપણા ઘરનું બજેટ બચાવવા માટે આપણે આખી માયાજાળથી બચવા માટે શું કરવું જોઈએ? તો વાત એમ છે કે આ મોંઘવારી અને કંપનીઓની સ્માર્ટ ગેમથી બચવા આપણે પણ સ્માર્ટ થવાનું છે. અને અહિંયા જ આવે છે સૌથી મોટી કામની વાત.... જે મોટો ભાગના લોકોને ખબર જ નથી હોતી. આનાથી બચવા માટે આપણા હાથમાં એક મોટું બ્રહ્માસ્ત્ર છે જે સરકારે જ તમને આપ્યું છે બસ આપણે જોતા નથી એ વસ્તુ અલગ છે. MRP નહીં, યુનિટ પ્રાઈસ જોવાની ટેવ પાડી લો નેક્સ્ટ ટાઈમ હવે તમે જ્યારે પણ મોલમાં કે મોટી કરિયાણાની દુકાનમાં મહિનાનું કરિયાણું લેવા જાવ ત્યારે પેકેટ પર મોટા અક્ષરે લખેલી MRP જોવાનું જ બંધ કરી દો. ભારત સરકારના કન્ઝ્યુમર મંત્રાલયે કાયદામાં એક મોટો ફેરબદલાવ કર્યો છે. જેનું કહેવું છે કે કોઈ પણ કંપનીએ પેકેટની પાછળ યુનિટ પ્રાઈસ ફરજિયાત લખવી પડશે. એટલે કે સાદી રીતે સમજીએ તો 1 ગ્રામ કે 1 મિલિગ્રામનો ભાવ શું છે એ છાપવું જ પડશે. જ્યારે તમે બે બ્રાન્ડ વચ્ચે બે અલગ અલગ સાઈઝના પડિકાને કમ્પેર કરો છો ત્યારે બરોબર સરખામણી કરવામાં આ જ યુનિટ પ્રાઈસ કામે લાગે છે. કંપની ભલે કિંમત 10 રૂપિયા જ રાખે પણ જો તેણે અંદર વજન ઘટાડ્યું હશે તો યુનિટ પ્રાઈઝ વધેલી જ નજરે પડશે. FMCG કંપનીઓની ચાલાકીથી બચવાનો અને તેને પકડી પાડવાનો આ રામબાણ ઈલાજ છે. લો ફોટોથી સમજો... બાય વન ગેટ વનનું ગણિત બીજી એક માયાઝાળ છે જેમાં આપણે બધા ફસાયેલા છીએ એ છે ડિસ્કાઉન્ટ.... બાય વન ગેટ વનની બોગોનું પાટિયું જોઈએ આપણે બધા લલચાઈ જઈએ છીએ. અને લાલચમાં આપણે તે વસ્તુ વિચાર્યા વગર ઉપાડી લઈએ છીએ. પણ આવું કરતાં પહેલા તમારે એ જાણી અને સમજી લેવું પડશે કે કંપનીઓ આ વસ્તુઓ ફ્રીમાં આપતા પહેલા જ મૂળ કિંમત વધારી ચૂકી હોય છે. વળી, FMCG કંપનીઓએ વૈશ્વિક લેવલે કાચા માલના ભાવ વધારાના કારણે હવે ધીમે ધીમે આવા ડિસ્કાઉન્ટ પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે. એટલે ઓફરની લાલચમાં આવીને ખરીદી કરવાનું તમારે બંધ જ કરી દેવું પડશે, કાં તો અજાણ્યે નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે. ઈન્વેસ્ટર્સને ખુશ રાખવા FMCG ખોટ નહીં ખાય શરૂઆતમાં આપણે જે ક્વાર્ટર વનના આંકડાઓની વાત કરી એની અસર હજુ પણ ત્રણ કે છ મહિના રહેવાની શક્યતા છે, જેમાં દિવાળીની સિઝન પણ સમાઈ જાય છે. તો મોંઘવારી રહેવાની જ છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટાર્ગેટની ઉપર આપણે મોંઘવારીમાં પહોંચી ગયા છીએ. મોટી-મોટી FMCG કંપનીઓ શેરબજારમાં પોતાના આંકડાઓ ચમકાવવા પોતાના નફામાં ક્યારેય બાંધછોડ નહીં કરે. ઈઝરાયલ-ઈરાન કે રશિયા યુક્રેન જંગ હોય કે અલનીનોના કારણે ખરાબ થતું દુનિયાનું હવામાન, કે પછી મોંઘું થયેલું ક્રુડ કે પામ ઓઈલ... આ બધું તમારા ઘરનું બજેટ વિંખતું જ રહેશે પણ તમારે એટલું સ્માર્ટ રહેવાનું છે કે કોઈ કંપની તમને છેતરી ન જાય. જેના માટે તમારે... બ્રાન્ડના પ્રેમને સ્વાહા કરી દો આપણે આપણા લેવલે તો જાગૃત રહીશું કારણ કે સરકારે પોતાના લેવલે જે નિયમો બનાવ્યા છે એમાં ભલે ગમે ત્યાં છીંડા હોય એમાં આપણે જરા પણ ભરાવાનું નથી. આ માટે જ બે જ સાચા રસ્તા છે... પહેલું, મોટી બ્રાન્ડ માટેનો તમારો આંધળો પ્રેમ અત્યારે જ સ્વાહા કરી દો અને બીજું કે જો મોલની પોતાની બ્રાન્ડ કે કોઈ લોકલ બ્રાન્ડ 20 ટકા સસ્તી અને સારી મળતી હોય તો ક્વોલિટી પારખીને એ જ ખરીદવાનું ચાલું કરી દો. જો સિંગતેલના ભાવ દિવાળી પહેલા ભડકો થઈ જાય તો ઓપ્શનમાં ખાલી એક સિઝન માટે કપાસિયા કે સૂરજમુખીનું તેલ વાપરવાનું ચાલું કરી દો. આપણે આ FMCGના ઘાણવામાં બચી તો નહીં શકીએ પણ આપણી પાસે ઓપ્શન્સ છે તેનો જરૂરથી ઉપયોગ કરી શકીશું. આ ઓપ્શન્સ જ તમારી અસલી તાકાત છે. પડીકા પડતાં મૂકો તાજો નાસ્તો પકડો આટલું જ નહીં હોં! પડીકા ખાવાનું તો બંધ જ કરી દો. એમાં મોટાભાગે સસ્તું પામ ઓઈલ અને મેંદો જ હોય છે. જ્યારે કંપનીઓ આ પડીકામાં વજન ઘટાડીને તમને લૂંટી રહી છે ત્યારે એ જ પડીકાને પડતાં મૂકને દેશી તાજો સિંગચણા, મખાના કે ફળ જેવો નાસ્તો ખાવાની ટેવ પાડો. ખિસ્સું પણ બચી જશે અને દવાખાનાના લાખો રૂપિયાના બિલ પણ બચશે. આ ફ્રી બજાર છે અહીં માહિતી ન હોવાની કિંમત આપણે એટલે કે ગ્રાહકે આપણા ખિસ્સામાંથી જ ચૂકવવી પડે છે. એટલા માટે જાગૃત બનીને સ્માર્ટ શોપિંગ કરશો તો આ દિવાળીમાં તમારા ઘરનું જ બજેટ બચવાનું છે. અને છેલ્લે... હવે FMCGની નહીં પણ જેનઝીની વાત. જે એકદમ આનાથી વિરુદ્ધ છે. ‘લિવ નાવ પે લેટર’ના ચક્કરમાં એ વિદેશ ટૂર અને મ્યૂઝિકલ કોન્સર્ટ પાછળ બેફામ ખર્ચ કરી રહ્યા છે. ઘર કે ગાડી માટે લોન નહીં પરંતુ મોજમસ્તી માટે વધી રહેલા ક્રેડિટ કાર્ડના ઉપયોગથી RBIને પણ પરસેવો છૂટી ગયો છે. આને જ ચાર્વાક દર્શનમાં કહેવાયું છે ‘દેવું કરીને પણ ઘી પીવું’. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી:કોઈમ્બતૂરના ઈશા યોગ કેન્દ્રમાં તિરંગાના રંગોમાં ઝળહળી ઉઠ્યા આદિયોગી
    Next Article
    “મારે તારી પાસે જ સારવાર લેવી છે”:ગૂગલ એડમાંથી નંબર મેળવી મહિલા ડોક્ટર્સને ત્રાસ આપતો શખસ ઝડપાયો, અશ્લીલ વીડિયોમાં દેખાતા ટેટૂથી આરોપીની ઓળખ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment