Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારીના રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર!:ટ્રમ્પે ટેરિફનું ટ્રિગર દબાવ્યું! પેટ્રોલ-EMI કેટલા વધશે? રશિયન તેલની બબાલમાં ભારત લાલઘૂમ

    6 hours ago

    મોદીના મિત્ર અને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની એક સહિ પર ભારતનું ભવિષ્ય ટકેલું છે. કારણ કે અમેરિકાની સંસદના બંને ગૃહમાં લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ એક્ટ 2026 નામનું બિલ બહુમતિથી પાસ થઈ ગયું છે. ઓગસ્ટમાં 86–11ની બહુમતિથી અમેરિકન સેનેટમાં અને ગઈકાલે 262–159ની બહુમતીથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં. જો કે અહીં ચોંકાવનાર એ છે કે એકબીજાના વિરોધી પક્ષો એટલે કે ટ્ર્મ્પની રિપબ્લિક અને ઓબામાની ડેમોક્રેટિક એ બંને પાર્ટીએ ભેગા મળીને ભારતનો ભરડો લેવાનું બિલ બહુમતિથી પાસ કરાવ્યું છે. અમુક ફોર્માલિટી જ બાકી છે. જેમ કે હવે આ બિલ ટ્રમ્પના ટેબલ પર આવશે, ટ્રમ્પ સહિ કરશે અને બિલ કાયદો બની જશે. આનાથી ભારતને કેવી અસર પડશે? આ કેમ મોદી-ટ્રમ્પની દોસ્તીની આર્થિક કસોટીનું બિલ છે? આની સાથે ક્રુડની સદીથી મોંઘવારીના ખપ્પરમાં હોમાવા કેટલી તૈયારી રાખવી? આજે આપણે તેની વાત કરીએ… નમસ્કાર… આખી રમતમાં મેઈન ખેલાડી છે અમેરિકાની દાદાગીરી અને રશિયાનું સસ્તું તેલ. અમેરિકાએ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્કશનિંગ એક્ટ 2026 નામનું નવું બિલ પસાર કર્યું છે. આ બિલ ટ્રમ્પના ટેબલ પર જશે જો તે સહિ કરે તો તે કાયદો બની જશે. ભારતની ઊર્જા સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં ટેક્નિકલ બાબતોમાં ન પડીને સાદી રીતે સમજીએ તો જો કોઈ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે તો અમેરિકા તેના પ્રોડક્શન પર 100 ટકા સુધીનો ટેરિફ ઝીંકી દેશે. અમેરિકા ઓલરેડી ભારત પર 10 ટકા ટેરિફ તો લગાવે જ છે. જેમાં 100 ટકા ઉમેરીએ તો કુલ 110 ટકા ટેરિફ થશે જે સૌથી વધારે હશે. આ ટેરિફના બિલના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે કે, “ભારત અમેરિકાના કાયદાની આગળની કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. ભારતની 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સર્વોચ્ચ છે અને તે માટે વિવિધ દેશોમાંથી તેલ ખરીદી ચાલુ રહેશે. સાથે જ ભારત પોતાના વેપાર અને આર્થિક હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે.” સવાલ થાય કે આ ટેરિફથી થશે શું? તો આ નિર્ણયથી આપણે જે વસ્તુઓ બનાવીને અમેરિકા મોકલીએ છીએ તે અમેરિકામાં મોંઘી થઈ શકે. સીધી વાત છે મોંઘી વસ્તુઓ કરતાં લોકો સસ્તી વસ્તુઓ લેવાનું વધારે પસંદ કરે. જેના લીધે આપણી વસ્તુઓ અમેરિકામાં ઓછી વેચાઈ શકે અને તેનાથી આપણા વેપારીઓને નુકસાન થશે. કૂલ મળીને એક્સપોર્ટર્સ અને ટ્રેડ બંનેને જોરદાર ફટકો પડી શકે એમ છે. ટેરિફ સહિત ક્રુડના ભાવની પણ લટકતી તલવાર ઉપરથી આ ઘટના ત્યારે બની છે જ્યારે ઓલરેડી જેમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે તે બ્રેન્ટ ક્રુડનો ભાવ સદી પાર કરી ચૂક્યો છે. આજે એક બેરલની બ્રેન્ટ ક્રુડની કિંમત 105 ડોલર આસપાસ ગોથા ખાય છે. કહેવાનો મતલબ એ છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાના એંધાણ છે તેની વચ્ચે ટેરિફનો ઝટકો લાગતા ભારતની ઈકોનોમીને ગંભીર નુકસાન થઈ શકે એમ છે. ગુજરાતની જ વાત કરીએ તો હિરાની ઈન્ડસ્ટ્રી અને ટેક્સટાઈલ સેક્ટરને મોટો ફટકો પડી શકે એમ છે. પણ આ વચ્ચે સવાલ થાય કે આવું કેમ થઈ રહ્યું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં દુનિયા બે મોટા મોરચે સળગી રહી છે. એક બાજુ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલે છે અને બીજી બાજુ અમેરિકા-ઈરાન બાખડી રહ્યા છે. બંનેના કારણે આખી દુનિયામાં ઓઈલ સપ્લાય રૂટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારત રશિયા પાસેથી જ કેમ ક્રુડ ખરીદે છે? જ્યારે દુનિયામાં ઓલરેડી તેલની કમી થઈ રહી છે અને બ્રેન્ટ ક્રુડ ઓઈલ 100 ડોલરની સપાટી ફટકારી ચૂક્યું છે ત્યારે પણ અને તેના પહેલા પણ ભારતે પોતાની જનતાની જરૂરિયાતોને પૂરી પાડવા માટે રશિયા પાસેથી સસ્તું ક્રુડ ઓઈલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પણ અમેરિકાને આ વાત ન ગમી. એટલા માટે અમેરિકા આ નવું બિલ લઈને આવી. આ બિલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માપ વગરની સત્તા આપે છે કે તેને મજા આવે ત્યારે તે ભારત પર ગમે એટલું ટેરિફ ઝીંકી શકે છે. એવામાં અમેરિકાની સત્તા પર કોણ બેઠું છે? ડોનાલ્ડ ટ્રમ્પ. જેમની નીતિ અમેરિકા ફર્સ્ટ અને એક હાથ સે દો, એક હાથ સે લોવાળા વિચારોની છે. જો કે આ પહેલીવાર નથી, અમેરિકા અગાઉ પણ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવી ચૂક્યું છે. તો… ભારતની ઈકોનોમીના પરખચ્ચા ઉડી જાય આ કાયદાની સૌથી ભયાનક અસર ભારતની 140 કરોડથી વધુની જનતા પર પડવાની છે. ભારત પોતાની જરૂરિયાતનું 88.6 ટકા તેલ બીજા દેશો પાસેથી એટલે કે બહારથી મગાવે છે. જો અમેરિકાના દબાણમાં આવીને આપણે સસ્તું રશિયન તેલ લેવાનું બંધ કરી દઈએ અને 100 ડોલરને પાર પહોંચેલું મોંઘું ક્રુડ ઓઈલ ખરીદવા લાગીએ તો રાતોરાત આપણી ઈકોનોમીના પરખચ્ચા ઉડી જાય. પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાના ભણકારા અર્થશાસ્ત્રમાં કહેવાય છે કે ઈન્ટરનેશનલ બજારમાં ક્રુડનો ભાવ 1 ડોલર પણ વધે છે તો ભારતનું ઈમ્પોર્ટ બિલ 2 અબજ ડોલર વધી જાય છે. જ્યારે મોંઘા ક્રુડના ભાવ ઓઈલ કંપનીઓ સહન ન કરી શકે, સરકાર ન સહન કરી શકે તો આપણે તો પડ્યા પર પાટું જેવું થાય. જો પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે તો તેની સીધી ડોમિનો ઈફેક્ટ ટ્રાન્સપોર્ટેશન પર પડશે. જો તેના પર અસર પડે તો આપણી જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધે, જો આવું થાય તો મોંઘવારીનો એક નવો અને ખતરનાક સમય ફરી શરૂ થાય. 10 દેશો માથે ટ્રમ્પના 100% ટેરિફનો ખતરો આપણે હવામાં વાતો નહીં કરીએ સીધું ડેટાનું જ ચિત્ર દેખાડી દેશું જેના આંકડાઓ ટેરિફના ઝટકા વિશે ઘણું કહી જાય છે. MODS ટ્રેડના ઓગસ્ટ 2026ના ડેટા ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી, અઝરબૈજાન, UAE, તુર્કિયે, સિંગાપોર, કઝાકસ્તાન અને કિર્ગિસ્તાન એવા દેશો છે જે રશિયા પાસેથી સૌથી વધુ ક્રુડ ઈમ્પોર્ટ કરે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ એટલે કે GTRIનો રિપોર્ટ કહે છે કે અમેરિકાના નિશાન પર આમ તો રશિયા છે પણ તેમાં ભારત અંટાઈ રહ્યું છે. ભારત મોંઘું તેલ ખરીદે એવો ટ્રમ્પનો પ્લાન આપણે એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે લગભગ 134.7 અબજ ડોલરનું ક્રુડ ઓઈલ ખરીદ્યું, જેમાંથી 40.8 અબજ ડોલરનું ક્રોડ તો ખાલી રશિયા પાસેથી જ આવ્યું છે. ટૂંકમાં આપણે જેટલું પણ ક્રુડ ખરીદીએ છીએ એમાંથી 30 ટકા તો રશિયા એકલું પહોંચાડે છે. જો કે જુલાઈ મહિના સુધીમાં આ આંકડો વધીને 51 ટકા જેટલો પહોંચી ગયો હતો. ટ્રમ્પ વારંવાર ટેરિફની ધમકી કેમ આપે છે? એક વાત એવી પણ છે કે ટ્રમ્પ આ બધુ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેને ભારત સાથેનો બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ સહિ કરાવવો છે. વાત અહીં જ નથી અટકતી હો! ટ્રમ્પને આ ભારતની સહમતિથી નહીં પણ પોતાની દાદાગીરીથી અને પોતાની શરતો મુજબ સહિ કરાવડાવવો છે. માટે ટ્રમ્પ અવાર-નવાર આવા ગતકડાં કરતા રહે છે. હવે વિચાર કરો આપણે રશિયાનું સસ્તું તેલ ન ખરીદવાની જગ્યાએ 105 ડોલરે પહોંચેલું બ્રેન્ટ ક્રુડ ખરીદીએ તો કેટલી મોટી ખોટ જાય? કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં ઉછાળઃ ક્રુડના ભાવમાં 10 ડોલર વધે તો ભારતની CADમાં જીડીપીના 0.4 ટકાનો વધારો થાય. રૂપિયાનું ધોવાણઃ રૂપિયો અત્યારે ડોલર સામે 95થી 97 વચ્ચે ગોથા ખાઈ રહ્યો છે. મોંઘું તેલ ખરીદવા વધુ ડોલર આપવા પડે તો રૂપિયો ડોલર સામે સોને પાર પહોંચી જાય. ઉપરથી આયાતી મોંઘવારીને ઈન્વિટેશન મળે એ તો અલગ જ મામલો છે. બીજીવાત એવી છે કે જો ટેરિફનો ઝટકો લાગશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ભળકે બળશે. આ ટેરિફથી આપણો કેવો હાલ થશે? હવે કરીએ મેઈન વાત... જો જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટેરિફનો કોરડો વીંઝો તો આપણા કેવા હાલ થાય? તો ભાઈ આપણે દર વર્ષે અમેરિકામાં અંદાજે 79.4 અબજ ડોલરની નિકાસ કરીએ છીએ. જે આપણી કૂલ નિકાસના અંદાજે 18 ટકા જેટલું છે. આ નિકાસમાં સૌથી મોટો હિસ્સો કોનો છે ખબર છે? ટેક્સટાઈલ અને એપેરલઃ ભારતની કૂલ કાપડ નિકાસનો અંદાજે 32 ટકા જેટલો ભાગ અમેરિકા જાય છે. જો 100 ટકા ટેરિફ લાગુ પડે તો ભારતનું કાપડ મોંઘું થશે અને અમેરિકાના વેપારીઓ આપણા કાપડની જગ્યાએ બાંગ્લાદેશ કે વિયેતનામનું કાપડ ખરીદવા લાગશે. આનાથી ભારતના અંદાજે સાડા ચાર કરોડથી વધુ કામદારોને રોજગારી પર તલવાર લટકી શકે. રત્ન અને આભૂષણોઃ સુરતનો ડાયમંડ ઊદ્યોગ તેની આવકના અંદાજે 25 ટકા જેટલા હિસ્સા માટે અમેરિકાની બજારના ભરોસે રહે છે. ભારત દર વર્ષે અમેરિકામાં 9.15 અબજ ડોલરના રત્નો અને આભૂષણો નિકાસ કરે છે. 100 ટકા ટેરિફ સુરતના ડાયમંડ બુર્સ અને ભારતના રત્નકલાકારોને જોરદાર ફટકો આપશે. GTRIના ડેટા કહે છે કે, ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ- ઓટો પાર્ટ્સ, અને ઈલેક્ટ્રોનિક્સ તથા સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સૌથી વધુ પ્રભાવત થશે હવે કરીએ એવી વાત જે તમને બહુ ઓછી જગ્યા પર જાણવા મળશે. શું તમને લાગે છે કે અમેરિકા આટલો મોટો હોબાળો ખાલીને ખાલી તેલ માટે કરી રહ્યું છે? જો તમને લાગે કે હા તો તમે ખોટા છો. કારણ કે અસલી ગેમ તો બીજે જ ક્યાંક રમાઈ રહી છે. જે ગેમ છે અમેરિકન ડોલરના વર્ચસ્વને ખતમ કરવાનું યુદ્ધ . રાજાનો જીવ પોપટમાં ને અમેરિકાનો ડોલરમાં રાજાનો જીવ પોપટમાં છે વાળી વાર્તાની જેમ અમેરિકાની તાકાત તેના ડોલરમાં છે. જ્યારે પણ અમેરિકા કોઈ દેશ પર બેન લગાવે છે ત્યારે તે ખરેખર તો ડોલરમાં થતા ઈન્ટરનેશનલ વેપારને બ્લોક કરી દે છે. પણ આ દાદાગીરીનો કાયમી તોડ કાઢવા બ્રિક્સ દેશો મેદાને છે. જી હાં! એ જ બ્રિક્સ કે જેની મીટિંગ હમણાં થોડા દિવસો પહેલા દિલ્લીમાં મળી હતી અને આવનાર બ્રિક્સ ચીનમાં થશે. આ સંમેલન ખાલી પાંચ દેશોનું કે 11 દેશોનું જોડાણ નથી. આ સંગઠન હવે દુનિયાની 40 ટકા જીડીપી અને અડધી વસ્તીને કંટ્રોલ કરે છે. ઘણા સમયથી ચર્ચાઓ છે કે બ્રિક્સ દેશો પોતાની અલગ કરન્સી લઈને આવશે જેમાં તે પોતાની બ્રિક્સ કરન્સીમાં વેપાર કરશે. ચીન અને રશિયા તો આના માટે તલપાપડ છે. રશિયા અને ભારતનો ડોલરને બાયપાસ કરવાનો પ્લાન? રશિયાની વાત કરી જ છે તો આપણે અને પુતિન ડોલરને બાયપાસ કરવા માટે CBDC નામની ડિજિટલ કરન્સી પર કામ કરી રહ્યા છીએ. રશિયાની સૌથી મોટી બેંક સ્બરબેંક અને આપણી રીઝર્વ બેંક બંને રૂપિયાથી રૂબલમાં સીધા પેમેન્ટ કરવાની મેકેનિઝમ તૈયાર કરી રહ્યા છે. UPI અમેરિકાની પેયમેન્ટ સિસ્ટમનો સફાયો બોલાવશે? અધૂરામાં પૂરું વાતો તો એવી પણ છે કે આપણી યુપીઆઈ સિસ્ટમને બ્રિક્સની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ પેયમેન્ટ મેથડ સક્સેસફુલ રહેશે તો અમેરિકાની સ્વિફ્ટ સિસ્ટમનો અને માસ્ટર કે વિઝા કાર્ડનો સપાટો બોલી શકે એમ છે. પછી અમેરિકા ગમે એટલા કાયદા લાવે પણ તે કાગળ પર વાઘ જ સાબિત થશે. પણ ત્યાં સુધી તો આપણે ટ્રમ્પના ટેરિફના કારણે આકરો સમય જોવાનો રહેશે. અત્યારે ભારત એક દોરડા પર ચાલી રહ્યું છે જેમાં તે બેમાંથી કોઈ સાઈડ જઈ શકે એમ નથી. જો કે ભારતીય વિદેશ મંત્રાલયના જવાબથી સમજી શકાય છે કે ભારત કોઈ પણ ભોગે અમેરિકાના દબાણમાં આવ્યા વગર પોતાની જનતાની ઊર્જા જરૂરિયાત સાથે બાંધછોડ નહીં કરે. જે પોતાનામાં ઘણું કહી જાય છે. અને છેલ્લે... 2023 પછી પહેલીવાર અમેરિકાની ફેડરલ બેંકે વ્યાજ વધાર્યું છે. આખી દુનિયા પર આની અસર થશે ઉપરથી આવતી કાલે બેંક ઓફ જાપાન ઈન્ટરસ્ટ રેટ જાહેર કરશે. જે દુનિયાભરના લેણદારો પર ભયાનક અસર છોડશે. આનાથી ભારતીય શેરબજાર પર કેવી અસર પડશે એ જોવું રહ્યું. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    'અમે કેનેડા પર રાજ કરીશું, કોઈ નહીં રોકી શકે':અમારી ટીમમાં 5000થી વધુ શૂટર્સ, લોરેન્સ ગેંગની કેનેડા સરકારને ધમકી; પત્ર સામે આવ્યો
    Next Article
    મોદીના જન્મદિવસની ઉજવણી, અમદાવાદ દીવડાઓથી ઝળહળશે:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે આરતી કરશે, વરસાદ પડતા કાંકરિયામાં સફાઈ શરૂ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment