Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View યહૂદી Vs ઈસ્લામનું યુદ્ધ:અમેરિકાના ખભે ઈઝરાયલની ધર્મની લડાઈ, નેતન્યાહૂ 'ગ્રેટર ઈઝરાયલ'માટે રઘવાયા બન્યા

    5 days ago

    ઈઝરાયલને તેની આસપાસના દેશોનો વિસ્તાર કબજે કરી લેવો છે. કબજો કર્યા પછી ઈઝરાયલનો નવો નકશો બને, એ છે -ગ્રેટર ઈઝરાયલ. 7 મહિના પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ i24 ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં એમણે કહેલું કે, હું ઐતિહાસિક અને અધ્યાત્મિક મિશન પર છું. હું ગ્રેટર ઈઝરાયલના વિઝનનું સમર્થન કરું છું. આ મિશન પેઢીઓનું છે. સદીઓથી યહૂદીઓ અહીંયા આવવાનું સપનું જોવે છે. આજે આપણે નેતન્યાહૂ અને યહૂદીઓના સપનાં સમાન ગ્રેટર ઈઝરાયલની વાત કરવાની છે, જેના કારણે ઈઝરાયલે અમેરિકા સાથે મળીને ઈરાન યુદ્ધ શરૂ કર્યું છે. નમસ્કાર, ઈઝરાયલે 1967માં પાડોશી દેશો સાથે 6 દિવસનું યુદ્ધ કર્યું હતું. એ વખતે પેહલીવાર 'ગ્રેટર ઈઝરાયલ' શબ્દનો પ્રયોગ થયો હતો. 6 દિવસના એ યુદ્ધમાં ઈઝરાયલે પૂર્વી જેરૂસલેમ, ઈજિપ્તનો સિલાઈ પેનેન્સુલા વિસ્તાર, જોર્ડન પાસેનો વેસ્ટ બેન્કનો વિસ્તાર, સિરિયા પાસેથી ગોલન હાઈટ્સનો એરિયા કબજે કરી લીધો હતો. હજી પણ ઈઝરાયલ ઈચ્છે છે કે લેબનોન, જોર્ડન અને સિરિયાના કેટલાક વિસ્તારો પર કબજો કરી લે. ઈઝરાયલ આવું કેમ કરવા માગે છે? તેની સ્ટોરી દિલચસ્પ છે, તે આપણે આગળ જાણીશું. નેતન્યાહૂનો પડદા પાછળનો અસલી ખેલ અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયલના કહેવાથી ઝંપલાવ્યું હતું. તેને ઓઈલની લાલચ હતી. પણ ઈઝરાયલને ઓઈલનો મોહ નથી. ન તો ઈરાન પર કબજો કરવાનો હેતુ છે કે ન તો અમેરિકાના વર્ચસ્વને હવા આપવી... તેની અલગ જ ગેમ ચાલી રહી છે અને નેતન્યાહૂ બહુ ખૂબીથી આ ગેમ રમી રહ્યા છે. આ યુદ્ધ યહૂદી અને ઈસ્લામનું યુદ્ધ છે. ઈઝરાયલ માટે આ ધર્મનું યુદ્ધ છે. આ યુદ્ધની વચ્ચે છે જેરૂસલેમ. દુનિયાની પવિત્ર જગ્યાઓમાંની એક છે. અહીંયા યહૂદીઓનું ટેમ્પલ માઉન્ટ મંદિર હતું. જે જગ્યાએ યહૂદીઓનું પહેલું અને બીજીવારનું મંદિર હતું ત્યાં આજે ત્રીજું મંદિર બાંધવાની વાત છે. અમેરિકાના કરંટ વોર સેક્રેટરી પિટ હેગસેથ 2018માં ઈઝરાયલ ગયા હતા ત્યારે તેમણે કહેલું કે એવું નથી કે ટેમ્પલ માઉન્ટ પર ત્રીજીવાર મંદિર ન બની શકે. મંદિર તો બની જ શકે. યહૂદીઓને જ્યુડિશ પણ કહે છે. જ્યુડિશ લોકોનું આસ્થાનું મંદિર ઈઝરાયલમાં હતું. આ મંદિરની જગ્યાએ એટલે કે ટેમ્પલ માઉન્ટની જગ્યાએ આજે અલ અકસા મસ્જિદ ઊભી છે. જે ઈસ્લામ ધર્મના લોકો માટે ત્રીજું સૌથી મોટું આસ્થાકેન્દ્ર છે. નેતન્યાહૂ મિડલ ઈસ્ટમાં ઈસ્લામને ખસેડીને યહૂદીઓને ઈઝરાયલમાં અને આસપાસના દેશોમાં વસાવવા માગે છે. ગ્રેટર ઈઝરાયલ એવો પ્રોજેક્ટ છે જેના પર નેતન્યાહૂ વર્ષોથી કામ કરતા આવ્યા છે. 29 મહિનાથી તે લડાઈ લડે છે. હવે ઈરાન પર હુમલો કર્યો છે, ગાઝામાં જે નરસંહાર થયો, લેબનોન પર કબજો ચાલી રહ્યો છે, વેસ્ટ બેન્કમાં જે આતંક ચાલી રહ્યો છે તે આ જ ગ્રેટર ઈઝરાયલ પર કબજો કરવાનો એક ભાગ છે. ઈરાનના યુદ્ધને સમજવું છે તો ઈઝરાયલના મનસૂબાને સમજવા પડશે. 'ગ્રેટર ઈઝરાયલ' શું છે? અત્યારે જે ઈઝરાયલ છે તેની આસપાસના દેશોનો કેટલોક વિસ્તાર પણ ઈઝરાયલ પોતાનો માને છે. સિરિયા અને ઈરાકનો બહુ મોટો ભાગ, 30% જેટલું ઈજિપ્ત, તુર્કીનો થોડો ભાગ અને સાઉદી અરેબિયાનો થોડો ભાગ 'ગ્રેટર ઈઝરાયલ' છે. 1977માં ઈઝરાયલના વડાપ્રધાન મેનાકેમ બેગિન પણ ગ્રેટર ઈઝરાયલના સમર્થક હતા. એ વખતે તેમણે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હતું કે સમુદ્રથી જોર્ડન વચ્ચેનો આખો વિસ્તાર યહૂદીઓનો છે. બેગિન એ જ લિકુડ પાર્ટીના હતા જે પાર્ટીના નેતન્યાહૂ છે. એટલે આ યહૂદીની વિચારધારા તો છે જ, સાથે લિકુડ પાર્ટીની પણ વિચારધારા છે. ઈઝરાયલમાં ચૂંટણીઓ નજીક છે અને નેતન્યાહૂ પોતાનું અને લિકુડ પાર્ટીનું અસ્તિત્વ બચાવવા મથે છે. ગ્રેટર ઈઝરાયલના વિચાર પાછળ યહૂદીઓની આ રસપ્રદ કહાની જોડાયેલી છે... યહૂદીઓનો પવિત્ર ગ્રંથ છે, હિબ્રુ બાઈબલ. તેમાં આ કહાની લખેલી છે. આજથી 4 હજાર વર્ષ પહેલાં યહૂદી સંત થઈ ગયા. નામ એનું અબ્રાહમ. તેમને ઈશ્વરે પ્રગટ થઈને દર્શન આપ્યાં અને તેમની પેઢીઓને મહાન દેશ બનાવવાની જવાબદારી સોંપી. આ અબ્રાહમના દીકરા આઈઝેક હતા. આઈઝેકના દીકરાનું નામ જેકબ. જેકબ પણ દાદા અબ્રાહમના પગલે અધ્યાત્મના માર્ગે ચાલ્યો. દાદા અબ્રાહમે તેનું નામ જેકબમાંથી બદલીને ઈઝરાયલ રાખ્યું. ઈઝરાયલના 12 દીકરા થયા તેમાંથી એક દીકરાનું નામ હતું જુડાહ. જુડાહનું નામ જ્યુશ પણ હતું. તેના સમર્થકો અને વંશજો જ્યુડિશ કહેવાયા. જ્યુડિશ એટલે યહૂદીઓ. એ વખતે સૌથી વધારે યહૂદીઓ ઈજિપ્તમાં રહેતા હતા. ઈજિપ્તમાં જ્યુડિશને કુદ્રષ્ટિથી જોવામાં આવતા હતા. ઈજિપ્તના લોકો એવું માનતા હતા કે જ્યુડિશ અલગ છે. રેફ્યુજી છે. અહીંયા આવીને રહે છે. ઈજિપ્તમાં જ્યુડિશ લોકોને નોકર બનાવીને રાખતા હતા. ઈજિપ્તના રાજાએ આદેશ આપ્યો કે જેટલા જ્યુડિશ બાળકો છે તેમાં ખાસ કરીને જે છોકરા છે તેને મારી નાખવામાં આવે. છોકરીઓને નહિ. ઈજિપ્તની સેનાએ જ્યુડિશ બાળકોને મારવાનું શરૂ કર્યું, પણ મોસેસ નામનું બાળક બચી ગયું. તે ઈજિપ્તમાં જ મોટા થયા પણ ઈજિપ્તમાં તેમના પર અત્યાચાર ચાલુ રહ્યો. અંતે એકવાર તે ઈજિપ્ત છોડીને ભાગી ગયા. તે ભાગતા ભાગતા ઈજિપ્તની બહાર પહોંચ્યા તો એક ઝાડમાં આગ લાગેલી જોઈ પણ આગ ઠરતી નહોતી અને ઝાડ પણ સતત સળગતું હતું. આ જોઈને મોસેસને નવાઈ લાગી કે આગ ઠરતી કેમ નથી? તે વિચારતા હતા ત્યાં એક દેવદૂત નીકળ્યો. તે એન્જલે કહ્યું કે તમારે ઈજિપ્તમાં પાછા જવાનું છે અને તમારું એક કામ છે. ઈજિપ્તમાં જઈને તમામ જ્યુડિશ લોકોને લઈને પાછા અહીંયા આવવાનું છે. સંત મોસેસે ઈજિપ્ત પાછા જઈને ત્યાંના રાજાને કહ્યું કે, મને અમારા ભગવાને આવીને આદેશ આપ્યો છે કે મારે ઈજિપ્તમાં રહેતા તમામ જ્યુડિશ લોકોને પાછા લઈને જવાનું છે. ત્યારે ઈજિપ્તના રાજાએ કહ્યું કે, એ કેવી રીતે બને? હું બધાને કેવી રીતે લઈ જવા દઉં? રાજાએ ના પાડી દીધી. પછી ઈજિપ્તમાં એક પછી એક મહામારી આવી. દસ મહામારી આવી. ત્યારે ઈજિપ્તના રાજાને સમજાયું કે મોસેસની વાત માની નહિ એટલે આ મહામારી આવી. રાજાએ મોસેસને બોલાવીને કહ્યું કે હું ઈજિપ્તમાંથી તમામ જ્યુડિશને લઈ જવાની છૂટ આપું છું. મોસેસ બધાને લઈને ઈજિપ્તમાંથી નીકળ્યા.આ ઘટનાને 'એક્સોડસ' કહે છે. એક્સોડસ એ યહૂદીઓના ઈતિહાસની સૌથી મોટી ઘટના છે. આ બધા જ્યુડિશ માઉન્ટ સિનાઈમાં ગયા. બધા સિનાઈ પહાડ પર બેઠા હતા ત્યાં દેવદૂત ફરી પ્રગટ થયા અને તેમણે જ્યુડિશને આદેશ આપ્યો કે તેમણે કેવી રીતે જીવન જીવવાનું છે. આને 10 કમાન્ડમેન્ટ ઓફ જ્યુશ કહે છે. હવે એવું હોવું જોઈએ કે એક એવી જગ્યા હોય જ્યાં બધા જ્યુડિશ લોકો રહેતા હોય. ત્યાં જ્યુડિશ સરકાર હોય અને દેવદૂતે બતાવેલા 10 નિયમોનું પાલન કરીને તમામ યહૂદી લોકોનું સંચાલન કરતી હોય. પણ એવું થયું નહિ. 40 વર્ષ સુધી યહૂદી લોકો મોસેસની સાથે અલગ અલગ વિસ્તારમાં ફરતા રહ્યા અને જીવન જીવતા રહ્યા. પછી એ લોકો ચોક્કસ જગ્યાએ પહોંચ્યા જ્યાં સંત મોસેસની અંતિમ ઘડી નજીક આવી. સંત મોસેસ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેની સામેની જમીન તરફ આંગળી ચિંધીને કહ્યું કે આ સામેનો પ્રદેશ પ્રોમિસ્ડ લેન્ડ છે જે ઈશ્વરે આપણને આપી છે. તમે આ જમીન પર રહો ને રાજ કરો. જ્યુડિશ (યહૂદી)ઓ આ જમીન પર પહોંચ્યા. ત્યાં યહૂદીઓનું રાજ્ય (કિંગડમ) બન્યું. તેને નામ આપવામાં આવ્યું કિંગડમ ઓફ ઈઝરાયલ. જે અબ્રાહમના પૌત્ર જેકબનું બીજું નામ હતું. આ કિંગડમ ઓફ ઈઝરાયલમાં ગાઝા, પેલેસ્ટાઈન, ઈઝરાયલ, જોર્ડન, લેબનોન મળીને કિંગડમ ઓફ ઈઝરાયલ બન્યું. આ એ જ પ્રદેશો છે જેને ફરી ગ્રેટર ઈઝરાયલ બનાવવાની વાત છે.ખ્રિસ્તીમાં જેમ જિસસ ક્રાઈસ્ટ સર્વોપરી છે. ઈસ્લામમાં સર્વોપરી મોહમંદ પયગંબર છે તે રીતે જ્યુડિશ ધર્મમાં સર્વોપરી છે - સંત મોસેસ. ગ્રેટર ઈઝરાયલ સંભવ છે કે નથી? કિંગડમ ઓફ ઈઝરાયલમાં ત્રણ મહત્વના રાજા બન્યા. કિંગ સોલ, ડેવિડ અને સોલોમન. થોડા વર્ષો પછી આ વિસ્તારમાં ક્રિશ્ચાનિટી આવી. તેના થોડા સમય પછી ઈસ્લામ ધર્મ આવ્યો. મૂળ યહૂદીઓ આસપાસ માઈગ્રેટ થઈ ગયા. એટલે એ લોકો કિંગડમ ઓફ ઈઝરાયલમાં જોવા મળ્યા નહિ. ઓછા થઈ ગયા. આજની તારીખે ઈઝરાયલ એવો દાવો કરે છે કે એક સમયે કિંગડમ ઓફ ઈઝરાયલ હતું એ જ વિસ્તાર અમારો હતો. હવે ઈઝરાયલનો વિસ્તાર કરીને ગ્રેટર ઈઝરાયલ બનાવવું છે. નેતન્યાહૂ તો કહે જ છે કે અમારે અમારો જૂનો વિસ્તાર પાછો જોઈએ છે. યહૂદીઓને થયું કે આ તો આપણી વસ્તી ઓછી થતી જશે, એટલે તેમણે પોતાનો ધર્મ ઊભો કર્યો યહૂદી ધર્મ અને અંગ્રેજીમાં ઝાયનિઝમ. મોટાભાગના યહૂદી એટલે જ્યુડિશ પોતાની જમીન પર પાછા ફરવા લાગ્યા. આ જમીન પર જ ઈઝરાયલ દેશે આકાર લીધો. ઝાયનિઝમ ધર્મના આધારે જ ઈઝરાયલની રાજધાનીનું નામ જેરૂસલેમ પડ્યું. અત્યારે જે ગ્રેટર ઈઝરાયલની વાત છે તે વિસ્તાર તો બહુ મોટો છે અને વિવાદાસ્પદ પણ છે. એટલે ભવિષ્યમાં પણ ગ્રેટર ઈઝરાયલ સંભવ નથી. છતાં તે ગ્રેટર ઈઝરાયલનું સપનું જોવે છે. ગ્રેટર ઈઝરાયલનો વિસ્તાર ઈજિપ્તની નાઈલ નદીથી સિરિયાની યુફ્રેટિસ નદી સુધીનો વિસ્તાર માનવામાં આવે છે. ગ્રેટર ઈઝરાયલ માટે યુદ્ધો થયા, હજી પણ થાય છે સમય જતાં જમીન માટે લડત ચાલુ થઈ. યુદ્ધ થવા લાગ્યા. 1967માં 6 દિવસનું યુદ્ધ થયું.જેમાં એક તરફ ઈઝરાયલ અને બીજી તરફ અરબ દેશો. અરબ દેશોમાં ઈજિપ્ત, જોર્ડન, લેબનોન, સિરિયા સામેલ હતા. એ યુદ્ધમાં ઈઝરાયલે અરબ દેશોને હરાવ્યા. એ પછી ઈઝરાયલે કેટલાક વિસ્તારો કબજે કરી લીધા. તેમાં ઈજિપ્તનો સિલાઈ પેનેન્સુલા, જોર્ડન પાસેનો વેસ્ટ બેન્કનો વિસ્તાર, સિરિયા પાસેથી ગોલન હાઈટ્સનો એરિયા. પછી તો સિલાઈ પેનેન્સુલા વિસ્તાર ઈજિપ્તને પાછો આપી દીધો. પણ વેસ્ટ બેન્ક અને સિરિયાનો વિસ્તાર પાછા ન આપ્યા. ઈઝરાયલ દિવસે દિવસે આક્રમક બનતું જાય છે. 2023માં હમાસે હુમલો કર્યા પછી ગાઝાનું યુદ્ધ થયું. હવે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું છે. ઈઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મટરિચે એકવાર પેરિસમાં સ્પીચ આપી હતી. સ્પીચ આપતી વખતે લાકડાંનું સ્ટેન્ડ (પોડિયમ) હતું તેના પર મેપ દોર્યો હતો તે ગ્રેટર ઈઝરાયલનો હતો. 'ગ્રેટર'ની આઈડિયોલોજી માત્ર ઈઝરાયલ પૂરતી સિમિત નથી ગ્રેટર ઈઝરાયલની આઈડિયોલોજી માત્ર ઈઝરાયલ પૂરતી સિમિત નથી. અગાઉ પણ ગ્રેટર બાંગ્લાદેશની વાત થઈ છે, ગ્રેટર નેપાળની વાત થઈ છે હવે ગ્રેટર ઈઝરાયલની વાત થઈ રહી છે. ગ્રેટર ઈઝરાયલમાં બીજા દેશોના ભાગ લેવા બિલકુલ સહેલું નથી. આ વાત ઈઝરાયલ પણ જાણે છે. એટલે લેબનોન, સિરિયા, જોર્ડન જેવા દેશોમાં સ્થિરતા નહિ આવવા દે. ઈઝરાયલ અત્યારે એવું ઈચ્છે છે કે લેબનોન, સિરિયા અને જોર્ડનને ઈરાન સપોર્ટ કરે છે. તે ખતમ થઈ જાય તો ગ્રેટર ઈઝરાયલનો રસ્તો સહેલો થઈ જશે. પણ એવું સહેલું નથી, કારણ કે લેબનોનમાં હિઝબુલ્લાહનો દબદબો છે. સિરિયામાં ISIS મજબૂત છે. ઈઝરાયલ ઈચ્છે છે કે પેલેસ્ટિનિયન લોકો અહિથી ચાલ્યા જાય પણ એવું તાત્કાલિક નહિ થાય. કારણ કે વેસ્ટ બેન્ક અને ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન લોકો પાડોશી દેશો ઈજિપ્ત અને લેબનોન જઈ શકે તેમ નથી. આ દેશ તેમને સ્વિકારશે નહિ. ઈઝરાયલના આ ધર્મયુદ્ધમાં અમેરિકાને કેમ રસ છે? ટ્રમ્પ યુદ્ધ પૂરું કરવા ધમપછાડા કરે છે. સોશિયલ મીડિયા પર દેકારા કરે છે કે અમેરિકાની મદદે કોઈ આવતું નથી. આ સમયે ઈઝરાયલે લેબનોનમાં ગાઝા પાર્ટ-2 શરૂ કરી દીધું છે. લેબનોન પર વ્હાઈટ ફોસ્ફરસ જેવા પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેબનોનમાંથી 30 લાખ લોકો હિજરત કરી ગયા છે. ઈરાન કરતાં ય વધારે તબાહી લેબનોનમાં થઈ છે. નેતન્યાહૂ જાણતા હતા કે ગ્રેટર ઈઝરાયલનું સપનું પૂરું કરવું હોય તો ઈરાનને નબળું પાડવું પડે અને આના માટે અમેરિકાનો સાથ લેવો પડે. ઈઝરાયલ વર્ષોથી આ પ્રયાસ કરતું હતું કે કોઈ એવો અમેરિકી રાષ્ટ્રપતિ આવી જાય કે અમે કહીએ તેમ કરે... અત્યાર સુધી ઈઝરાયલે દરેક અમેરિકી રાષ્ટ્રપતિને મનાવવા પ્રયાસ કરી લીધા પણ કોઈએ મચક ન આપી ને ટ્રમ્પ શીશામાં ઉતરી ગયા. યહૂદીઓનું પહેલું મંદિર કિંગ સોલોમને બંધાવ્યું હતું અને બેબિલિયન્સે ધ્વસ્ત કર્યું હતું. બીજીવાર મંદિર તોડવામાં આવ્યું ખ્રિસ્તીઓના આગમન બાદ. જેને રોમન લોકોએ તોડ્યું. સવાલ એ છે કે આ બધામાં અમેરિકાને કેમ રસ છે? જવાબ એ છે કે- કેટલાક અમેરિકન ક્રિશ્ચિનનું માનવું છે કે જેરૂસલેમમાં ટેમ્પલ બનવાથી જિસસની વાપસીનો રસ્તો ખુલી જશે. આમાં માત્ર ધર્મની વાત નથી, પોલિટિક્સ પણ છે. પિટ હેગસેથે 2018માં જેરૂસલેમ જઈને એવું કહેલું કે ડોનાલ્ડ ટ્રમ્પ તમારા માટે પાવરફૂલ છે. તે જે ધારે તે મિડલ ઈસ્ટમાં કરી શકે છે. હકીકતે અમેરિકાને મિડલ ઈસ્ટના ઓઈલ-ગેસના ખજાનામાં રસ છે. ત્યાં તેણે અધિપત્ય જમાવવું છે. ઈરાન સામેનું યુદ્ધ પોલિટિકલ ઓછું, ધાર્મિક વધારે છે એક રિપોર્ટ મુજબ ઈઝરાયલના સોલ્જર અને અમેરિકન સોલ્જર પોતાના યુનિફોર્મ પર થર્ડ ટેમ્પલના પેચિસ લગાવે છે. ઈઝરાયલી સેના પોતાની જીપ પર અલ અકસા મસ્જિદના ફોટા લગાવીને 'અમારી જીત' એવું લખીને ફરે છે. આ પોલિટિકલ ઓછું ને ધર્મ યુદ્ધ વધારે છે તે ખ્યાલ ત્યારે આવે છે જ્યારે યુદ્ધ શરૂ થયું તેના બીજા જ દિવસે દુનિયાભરના શિયા મુસલમાનના લીડર અયાતુલ્લા અલી ખામેની પર મિસાઈલ ફેંકવામાં આવી ને તેનું મોત થઈ ગયું. તેને જાણીજોઈને રમઝાનના મહિનામાં જ મારવામાં આવ્યા. ઈઝરાયલની મનશા છે કે મિડલ ઈસ્ટના દેશો અંદર અંદર લડી મરે એટલે ઈઝરાયલ જ મિડલ ઈસ્ટનો ડોન બની જાય. અમેરિકાનો ઉપયોગ કરીને ઈઝરાયલ મિડલ ઈસ્ટનો સુપર પાવર બનવા માગે છે. ઈઝરાયલ અંદરખાને ઈચ્છે છે કે અમેરિકાને પણ નુકસાન પહોંચે જેથી તેની સુપર પાવરની છબિ ભૂંસાઈ જાય. દુનિયામાં જ્યુડિશ સુપ્રીમસી હોય અને દુનિયાને પોતે કંટ્રોલ કરે.. પણ નેતન્યાહૂની આ મનશા આ જનમમાં તો પૂરી થાય તેવું લાગતું નથી. છેલ્લે, નવાઈની વાત એ છે કે જે ઈજિપ્તે યહૂદીઓ પર જુલમ ગુજાર્યો તે યહૂદીઓનો અલગ દેશ બન્યો- ઈઝરાયલ. 1948માં ઈઝરાયલની રચના થઈ ત્યારે તેને દેશ તરીકે પેહલી માન્યતા ઈજિપ્તે જ આપી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    પવન સિંહના અડપલાં પર મહિલા આયોગ સખત:ચેરપર્સને કહ્યું- અંજલી અને ભોજપુરી સ્ટારને રૂબરૂ બોલાવશે; એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
    Next Article
    ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ સીઝન 2ની મેચો વડોદરામાં રમાશે:કોટંબી સ્ટેડિયમમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, સંગાકારા જેવા દિગ્ગજ ક્રિકેટરો ફરી રમતા જોવા મળશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment