Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: યુદ્ધ રોકવા ડ્રેગનનો પાંચ પોઈન્ટનો પ્લાન:ચીની દખલગીરી ઈઝરાયલ-અમેરિકાથી સહન થશે? લાશોના ઢગલા ને લાખોનું માઈગ્રેશન, USની જીત-હારનો હિસાબ ને ગલ્ફની ગડમથલ

    9 hours ago

    શું તમે કલ્પના કરી શકો છો કે જે ગલ્ફમાં એટલે કે ઈસ્લામિક દેશોમાં 80 વર્ષથી અમેરિકાની મિસાઈલોનો દબદબો હતો, ત્યાંની શાંતિની સ્ક્રિપ્ટ આજે બેજિંગમાં લખાઈ રહી છે? આજની તારીખે બોમ્બ ભલે ઈરાન પર વરસે પણ તેનો આર્થિક આંચકો બધે લાગ્યો છે. ખાસ તો અમેરિકાના મહાન હોવાના દાવાને. કારણ કે જેમ વર્ષો પહેલા બ્રિટન જેવી મહાસત્તાનું પતન થયું હતું, તેવી જ કટોકટીમાં આજે અમેરિકા મુકાયું છે. અમેરિકાના દાવા મુજબ તેમણે ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને પરમાણુ મથકો તોડી પાડ્યા છે પણ હોર્મુઝમાં રહેલા જહાજો આજે પણ અમેરિકા પાછા નથી લાવી શકી. અને જ્યારે આ બધુ જ ચાલી રહ્યું છે ત્યારે ચીન અને પાકિસ્તાને સાથે મળીને યુદ્ધને રોકવા પાંચ પોઈન્ટનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. જે અમેરિકાને કરવાનું હોય (જો કે હાલની પરિસ્થિતિ મુજબ ઈચ્છા છતાં કંઈક કરી નથી શકતું તે વાત અલગ છે) તે ચીન કરી રહ્યું છે તે જોઈને અમેરિકાનો ઈગો ઘવાયો છે. માટે આજે આપણે વાત કરીશું કે અમેરિકા કેવી રીતે જીતવાની કગાર પર હોવા છતાં હારી ગયું છે? ચીન અને પાકિસ્તાનનો શું પ્લાન છે? શું ચીન અમેરિકાને પાડીને દુનિયાનો ધણીધૂરી બનશે? નમસ્કાર... આજે એપ્રિલફૂલના દિવસે મિડલ ઈસ્ટમાં દુનિયા અને ખાસ કરીને અમેરિકાની અગ્નિ પરીક્ષા ચાલી રહી છે. લાગે છે કે ઈસ્લામિક દેશોમાં અમેરિકાનો દબદબો ઓગળી રહ્યો છે અને ચીનનો પાવર વધી રહ્યો છે. આવું એટલા માટે કારણ કે અમેરિકાએ ઈઝરાયલને આગળ ધરીને યુદ્ધ તો શરું કરી દીધું પણ રોકવાના ફાંફાં પડી ગયા છે. વોશિંગ્ટનમાં બેસીને ટ્રમ્પ યુદ્ધ જીતી ગયા હોવાની વાતો કરી રહ્યા છે પણ ઈરાન ટસનું મસ નથી થઈ રહ્યું અને હુમલા ઉપર હુમલા કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની બંધ બારણે બેઠક એવામાં ઈન્ટરનેશનલ જગતમાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટની અગન જ્વાળાઓ રોકવા ચીન ફાયરમેન બનીને આગળ આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક ડાર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેજિંગમાં એક બંધ બારણે બેઠક મળી. આ બેઠકમાં પાંચ મુદ્દાનો એક પ્લાન બન્યો છે જેનાથી ઈઝરાયલ ઈરાન યુદ્ધ રોકાઈ જાય. આ પ્લાનમાં ટ્રમ્પની ધાકધમકી નહીં પણ લોકોને ફાયદો થાય અને શાંતિથી વાત થાય એવા મુદ્દાઓ છે. ઉપરથી અમેરિકાના બધા મુસ્લીમ દેશો સાથે સંબંધો છે જ્યારે ચીનના બધા ઈસ્લામિક કન્ટ્રી જોડે સારા સંબંધો છે. યુદ્ધનું અતથી ઈતિ યુદ્ધની અપડેટ માહિતીની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ ઈઝરાયલના એડવાન્સ્ડ ફાઈટર જેટ્સથી ઈરાનના ન્યુક્લિયર સેન્ટર્સ પર અને આર્મી બેઝ પર હુમલાઓ કર્યા હતા. દુનિયાને લાગ્યું કે યુદ્ધ થોડા દિવસોમાં પૂરું થઈ જશે પણ એવું ન થયું. ઈરાને હિંમત હાર્યા વગર અમેરિકાના આર્મી બેઝ અને ઈઝરાયલ પર જોરદાર હુમલાઓ કર્યા. ઈરાને પણ અમેરિકાની જેમ દુનિયાને તેલના કૂવાઓ પર હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટથી સપ્લાય ચેઈન રોકીને હેરાન કરી. લાશોના ઢગલા અને લાખોનું માઈગ્રેશન 2 માર્ચે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે મોરચો માંડ્યો. 16 માર્ચે ઈઝરાયલે લેબનોનની જમીન પર આક્રમણ કરી જમીન હડપી. કહેવાય છે કે શરૂઆતથી અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 1200થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી રિપોર્ટ્સ મુજબ મોટાભાગના તો સામાન્ય નાગરિકો છે. યુદ્ધના કારણે પોતાના પર આંચ ન આવે તે માટે 10 લાખથી વધુ લોકોએ ઘરબાર છોડી ચૂક્યા છે. હારની કગાર છતાં ઈરાને અમેરિકાને હંફાવ્યું ટ્રમ્પ સરકારે દાવો કર્યો હતો કે 4-5 અઠવાડિયામાં યુદ્ધ પૂરું થશે પણ બે મહિના થઈ ગયા છે. યુદ્ધ પૂરું થવાના કે શાંતિના કોઈ એંધાણ નથી દેખાતા. ઈરાનના ટોપ લીડર્સને મારવામાં અને ઈરાનને નબળું પાડવામાં અમેરિકા સક્સેસફૂલ રહ્યું છે પણ યુદ્ધ રોકવામાં અમેરિકાને ફીણાં આવી ગયા છે. ઉપરથી ઈરાનના સતત હુમલાથી અમેરિકા અને ઈઝરાયલને પણ ખૂબ જ નુકસાન થયું છે. ઈન્ટરનેશલ મીડિયા રિપોર્ટમાં તો એવા સમાચારો છે કે યુદ્ધ લડવા અમેરિકાનો દારૂગોળો અને રૂપિયા પૂરા થવા આવ્યા છે. માટે જ ટ્રમ્પ મિડલ ઈસ્ટના દેશો પાસે યુદ્ધ લડવાના રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. ગૂગલના ડેટાસેન્ટર્સ ઉડાવી દેવાની ઈરાની ધમકી આજના જ લેટેસ્ટ રિપોર્ટ્સની વાત કરીએ તો ઈરાની સેના IRGCએ અમેરિકાને ચોખ્ખી ધમકી આપી છે કે જો તે હુમલાઓ ચાલુ રાખશે, તો ઈરાન મિડલ ઈસ્ટના ગૂગલ કે માઈક્રોસોફ્ટ જેવા જેટલા પણ અમેરિકી ટેક જાયન્સના માળખા છે તેના પર મિસાઈલનો મારો ચલાવશે. આજના સમયમાં બિલ્ડિંગના માળખા કરતા ડેટા સેન્ટરની ઈમ્પોર્ટન્સ વધુ છે. યુદ્ધ રોકવું ચીનનું ઈમેજ મેકઓવર આ જૂની વાતો કરવાની જરૂર એટલા માટે છે કારણ કે તેનાથી સમજી શકાય કે અમેરિકા જીતની કગાર પર હોવા છતા કેવી રીતે યુદ્ધ રોકવામાં હારી ગયું છે. એવામાં હવે યુદ્ધ રોકવાનો રસ્તો ચીને સાફ કરી આપ્યો છે. અત્યાર સુધી ચીન આર્થિક મહાસત્તા હતું પણ યુદ્ધ રોકવાના નિર્ણયના કારણે પશ્ચિમમાં ચીનની ઈમેજ ડિપ્લોમેટિક મીડિયેટર તરીકે પણ બની આવી છે. અમેરિકાનું એગ્રેશન ને ચીનની ચાલાકી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પ્લાન એવો છે કે કોઈ પણ ઈસ્લામીક દેશના અંદરૂની મામલામાં હસ્તક્ષેપ કર્યા વગર શાંતિથી અને વાતચીતથી યુદ્ધ પૂરું કરી શકાય. સામેની બાજુ અમેરિકા સેનાની કાર્યવાહી અને ધમકીઓનો ઉપયોગ કરીને યુદ્ધ રોકવા માગે છે. ચીનની વિદેશ નીતિ આમ તો એવી રહી છે કે પહેલો હુમલો અમે નહીં કરીએ પણ જો તમે પહેલો હુમલો કરશો તો અમે બીજો હુમલો કરવા લાયક નહીં છોડીએ. જો કે એક બીજી બાજુ પણ છે જેની આપણે વાત કરવી બને. ડ્રેગનની ડિપ્લોમેટિક સક્સેસનો ઈતિહાસ ICJ-UNSCને હટાવી IOMedને પહેલવાન બનાવવાનો પ્લાન 2025માં હોંગકોંગમાં ચીને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર મીડિયેશનનું ઉદ્ઘાટન કર્યું. આ ફોરમનો પ્લાન હતો કે દુનિયામાં એક એવી ઈન્ટરનેશનલ પ્લસ સરકારી સંસ્થા બને જે માત્રને માત્ર વાતચીતથી ઝઘડાઓ બંધ કે પૂરા કરાવે. સામાન્ય રીતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અથવા UNની સિક્યોરિટી કાઉન્સિલ આ પ્રકારના ઝઘડાઓ પૂરા કરે છે પણ તેમાં પશ્ચિમ દેશોનો વધુ દબદબો છે. અમુકવાર નાના દેશોની વાત દબાઈ પણ જાય છે. મિડલ ઈસ્ટ તો વેસ્ટર્ન ઓર્ગેનાઈઝેશન્સને પક્ષપાતી અને સામ્રાજ્યવાદી માને છે. સામેની બાજુ ચીન IOMedથી એવું પ્લેટફોર્મ બનાવવા માગે છે જેમાં પશ્ચિમી દેશોનો દબદબો ન હોય અને વિવાદ વધાર્યા વગર વિવાદનો અંત આવી શકે. યુદ્ધથી ચીન-રશિયાને કોઈ મોટી અસર નહીં! અમેરિકાએ ઈરાન પર મેક્સિમમ પ્રેશરથી પ્રતિબંધો લાદીને તેની રિયાલ કરન્સીને તોડી નાખી છે, પણ ચીને તેના BRI પ્રોજેક્ટ્સ અને રશિયા-મિડલ એશિયા પાઈપલાઈન્સથી પોતાની ઊર્જા સુરક્ષા કવચ બનાવી લીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થવા છતાં ચીન કે રશિયાની ઈકોનોમીને કોઈ ખાસ મોટી અસર નથી થઈ. જે પણ બેજિંગને સોદાબાજી માટે મજબૂત ઓપ્શન તરીકે રજૂ કરે છે. યુદ્ધ રોકવા પાછળ ચીનનો અસલી આશય પણ ચીન આ બધુ સમાજ સેવા કરવા નથી કરી રહ્યું. ચીનનું સૌથી વધુ તેલ સાઉદી અરેબિયા અને ઈરાનથી આવે છે. ચીન તેની જરૂરિયાતનું 40% થી 45% તેલ મિડલ ઈસ્ટના દેશો પાસેથી ખરીદે છે એટલે જો મિડલ ઈસ્ટમાં કોઈ છમકલું થાય તો સીધું નુકસાન ચીનને પણ થાય. ઉપરથી આ જ વિસ્તારમાં ચીનનો BRI એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પ્રોજક્ટ ચાલી રહ્યો છે જેમાં ચીન રૂપિયાનો વરસાદ કરી રહ્યું છે. જેમાં ચીન નુકસાન ન થાય તેના માટે મિડલ ઈસ્ટમાં શાંતિ ઈચ્છી રહ્યું છે. મુસ્લીમ દેશોના રજનીકાંત ચીન કે અમેરિકા? હવે આપણે વાત કરીએ મુસ્લીમ દેશો અમેરિકા બાજુ વધુ છે કે ચીન બાજું? જ્યાં યુદ્ધ ચાલુ છે તે ઈરાનની જ વાત કરીએ તો 2021માં 25 વર્ષના કરાર અને SCOમાં મેમ્બરશીપ પછી તે પૂરી રીતે રશિયા અને ચીન બાજુ છે. પાકિસ્તાને ચીનના પ્લાનમાં પણ શામેલ થયું અને અમેરિકા સાથે મળીને યુદ્ધ પૂરું કરવા મીટિંગ કરી. એટલે તે દૂધ અને દહીં બંનેમાં રહેવામાં માને છે. સાઉદી અરેબિયા અને યુએઈની વાત કરીએ તો તે પણ અમેરિકા અને રશિયા-ચીન મામલે ન્યુટ્રલ છે. આ બંને દેશો સિક્યોરિટી માટે અમેરિકા પર નિર્ભર છે પણ ટેક્નોલોજી મામલે ચીન તરફ ઝુકેલા છે. 2023ના બેજિંગ કરારથી સમજી શકાય છે કે આ બંને દેશો એક રીતે જોવા જઈએ તો અમેરિકાની સામે ચીન રશિયા બાજુ વધુ નમેલા છે. ઈસ્લામિક દેશોમાં સોફ્ટવેર અમેરિકાન, હાર્ડવેર ચીની ટૂંકમાં સમજીએ તો મીડલ ઈસ્ટ દેશો કે ઈસ્લામિક કન્ટ્રીમાં સોફ્ટવેર અમેરિકાના છે અને હાર્ડવેર રશિયા-ચીનના છે અને તે બંનોનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે આપણે ચાર મુદ્દાથી સમજીએ કે જો ચીન યુદ્ધ રોકવામાં બાજી મારી જાય તો અમેરિકાને ઈન્ટરનેશનલ લેવલે શું નુકસાન થઈ શકે તેની. પેટ્રો ડોલર નહીં હવે પેટ્રો યુઆન? જો ચીન યુદ્ધ રોકી દે તો સાઉદી અને બીજા ખાડી દેશોને લાગશે કે તેમને પોતાની સુરક્ષા માટે અમેરિકાના મોંઘા શસ્ત્રો અને મથકોની બિલકુલ જરૂર નથી. જો આવું થાય તો અમેરિકાના ડોલરને મોટો ઝટકો લાગી શકે તેમ છે. કારણ કે આપણે પેટ્રો ડોલરનો કરાર જોયો જ હતો કે અમેરિકા સુરક્ષા આપશે અને મીડલ ઈસ્ટ ડોલરમાં તેલ વેચશે. જો ચીન યુદ્ધ રોકી દે તો ભવિષ્યમાં સાઉદી જેવા તેલ દેશો અમેરિકા કરતા ચીન બાજુ વધુ ઢળી શકે. જો આવું થાય તો પેટ્રો-યુઆન નામનો કોઈ કોન્સેપ્ટ પણ બની શકે કે દુનિયા સામે રજૂ થાય. પાકિસ્તાન પહેલા ઈરાનથી ભીખ માગતું હતું પણ સાઉદીની તાકાત વધી તો સાઉદીના ખેમામાં જતું રહ્યું. જો ચીન ઉદ્ધ રોકી દે તો એવું પણ બની શકે કે પાકિસ્તાન અમેરિકાની દોસ્તી તોડીને ચીનના ખોળામાં બેસી જાય. જો ચીન યુદ્ધ રોકે તો ટ્રમ્પ માટે કાબુલ કરતા પણ ખરાબ હાલત થશે. કારણ કે અમેરિકાની જનતા ટ્રમ્પને પૂછશે કે યુદ્ધમાં તમે અમારા ટેક્સના અબજો રૂપિયા ફૂંકી માર્યા અને જશ ચીન કેમ ખાટી ગયું? અમેરિકા-પાકની યુદ્ધ ડિપ્લોમસી ફેલ હમણા થોડા દિવસ પહેલા આપણે વાત કરી હતી કે કેવી રીતે પાકિસ્તાન યુદ્ધ રોકવા મધ્યસ્થી કરવાનું હતું અને અમેરિકા સાથે બેસીને મીટિંગ પણ કરી. આ પ્લાન કાગળનો વાઘ સાબિત થયો કારણ કે ટ્રમ્પની શરતો ઈરાન માટે શાંતિ મંત્રણા ઓછી અને ધમકી વધુ હોય તેવી હતી. તો શું ચીનનો પ્લાન સક્સેસફૂલ રહેશે કે કેમ તે મોટો સવાલ બની શકે. અમેરિકા નહીં ઈચ્છે યુદ્ધનો શ્રેય ચીન લઈ જાય તો અહીં અમુક સવાલો ઉભા થાય છે. કારણ કે અમેરિકા પાસે મિડલ ઈસ્ટમાં કન્ટ્રોલ કરવા પોતાની આર્મી અને બેઝ છે. ચીન પાસે મિડલ ઈસ્ટમાં અમેરિકાની જેમ મોટું સૈન્ય બળ નથી તો હોર્મુઝમાં જહાજોને કેવી રીતે સુરક્ષા મળશે તે મોટો સવાલ બની શકે. બીજી બાજુ અમેરિકા ક્યારેય નહીં ઈચ્છે કે યુદ્ધ રોકવાનો શ્રેય ચીનને મળે. માટે તે પોતાના 15 મુદ્દાના પ્લાનનું દબાણ ફરી વધારી શકે કે કોઈ મોટો હુમલો કરીને યુદ્ધને વધુ ભડકાવી શકે તેમ છે. ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો આટલા ભયાનક હાલ થયા બાદ પણ ઈરાન ડગ દેવા તૈયાર નથી. અને ઈઝરાયલને તો ઈરાનનો ખાત્મો જ જોઈએ છે. આગળ શું થશે તે કહેવું અંધારામાં તીર મારવા જેવું છે. હવે યુદ્ધની તંગદિલીથી હટીને આપણે એવી વાતોનું વિશ્લેષણ કરીએ જે ખરેખર ચોંકાવનારું છે. જ્યારે 2026ની શરૂઆત થઈ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની ન્યૂ યર સ્પીચમાં પશ્ચિમ દેશોનું નામ લીધા વગર કહ્યું હતું કે, "અમે વિશ્વ પર નિયંત્રણ મેળવવા નથી માંગતા, પરંતુ તેને એવા લોકોથી મુક્ત કરવા માંગીએ છીએ જેઓ માને છે કે વિશ્વ તેમનું છે." અમેરિકાની ધમકી ને ચીનની ભાઈબંધી હાથીના દાંત ખાવના અને દેખાડવાના અલગ હોય છે પણ ડ્રેગનની આગમાં કેટલી સચ્ચાઈ હોય શકે તે ગંભીર ચર્ચાનો વિષય છે પણ આનાથી એક એંગલ એવો વિચારી શકાય કે ચીન પોતાની જાતને નેતા બનાવવા માગે છે પણ અમેરિકાની જેમ ધાક ધમકી કે થોપી બેસાડેલા ઓર્ડર્સથી નહીં પણ સબ કા સાથ સબકા વિકાસની જેમ. ચીન પોતાની વિસ્તારવાદી નીતિના કારણે બીજા દેશોના મામલામાં ડખા કરે છે પણ અહીં પાંચ મુદ્દાઓથી મીડલ ઈસ્ટ માટે એક વાત એવી સામે આવી શકે કે ચીન બીજા દેશોની સૌવેર્નિટીનું સન્માન કરે છે. ખૈર, એક્સપર્ટનું આ મામલે શું કહેવું છે તે પણ જાણીએ ચીનના વધતા પાવર પર એક્સપર્ટની વાત ફાઈનાન્શિયલ ટાઈમ્સના ઈકોનોમિક ઈશ્યુના રાઈટર તેજ પરીખનું કહેવું છે કે, "ચીનની લાંબા ગાળાની વિચારસરણી અને આર્થિક લવચીકતા તેને પશ્ચિમ એશિયાની અસ્થિરતાનો લાભ લેવા માટે શ્રેષ્ઠ સ્થાને રાખે છે." હૂવર ઈન્સ્ટિટ્યૂશનના ડૉ. એલિઝાબેથ ઇકોનોમીનું માનવું છે કે, "ચીનને સુપરપાવર બનવાના અધિકારો ગમે છે, પરંતુ તે વૈશ્વિક સુરક્ષા અને વિકાસનો બોજ અમેરિકાની જેમ ઉપાડવા માંગતું નથી." તો બ્રિટિશ હિસ્ટોરિયન અને પોલિટિકલ સાયન્ટિસ્ટ રાણા મિત્તરનું કહેવું છે કે, "ચીન અમેરિકાની સૈન્ય નબળાઈઓને આર્થિક અને રાજદ્વારી જીતમાં બદલવામાં માહિર છે." પોલીસ નહીં મેનેજર બનવામાં ચીનને રસ? સાવ સાદી રીતે સમજીએ તો બીટવીન ધ લાઈન એક્સપર્ટનું માનવું છે કે, જો ચીન આ યુદ્ધ અટકાવી શકે, તો તે વિશ્વની સુપરપાવર શક્તિ જ નહીં, પણ મલ્ટી પોલર સેન્ટર તરીકે પણ ઉભરી શકે તેમ છે. ચીન અમેરિકાની જેમ વિશ્વના પોલીસમેન બનવાને બદલે વિશ્વના મેનેજર બનવાનું વધુ પસંદ કરશે. હવે આપણે ચીનની શક્તિની વાત કરીએ. એપ્રિલ 2026 સુધીમાં ચીના ખાલી ડિપ્લોમેટિક લેવલે જ નહીં પણ ટેક્નોલોજી અને ઈકોનોમી લેવલે પણ મોટા તીર માર્યાં છે. રાજનીતિ નહીં ટેક દુનિયામાં પણ ચીની ડંકો ચીને મેડ ઈન ચાઈના 2025ના 86 ટકા કામો પૂરા કર્યા છે. જેના કારણે દુનિયામાં ચીન AI, સોલર પાવર અને ઇલેક્ટ્રિક વાહનોમાં હવે અજેય છે. 2026માં ચીને પોતાની જીડીપીનો ટાર્ગેટ 4.5થી 5 ટકાનો જાળવી રાખ્યો છે. જે જણાવે છે કે ચીન ઈકોનોમીની દ્રષ્ટિએ દુનિયાના સ્ટેબલ દેશોમાંનું એક છે. ચીને પોતાના 14 પાડોશીઓમાંથી 12 જોડે પોતાના બોર્ડર ઝઘડાઓ સંકેલી લીધા છે માત્ર ભારત અને ભુટાન સાથે ઝઘડાઓ છે. જો આમાં પણ કંઈ સેટલમેન્ટ થાય તો ચીનના કોઈ પાડોશી દેશો સાથે બોર્ડર મામલે ઝઘડાઓ નહીં રહે. પણ જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ ચીન પાસે દેવું અને વસ્તી જેવા પડકારો આજે પણ પર્વતની જેમ સામે ઉભા છે. આપણે ક્યારના ચીનની જ વાત કરી રહ્યા છીએ. જો કે મીટિંગ ચીન અને પાકિસ્તાન બંને વચ્ચે થઈ હતી. પુસ્તકના લેખક ભલે ચીન છે પણ પુસ્તક ઘરે પહોંચાડનાર ફેરિયો તો અહીં પાકિસ્તાન છે. તો નિષ્પક્ષ થઈને પાકિસ્તાનની વાત કરવી પણ બને. ચીન-અમેરિકા જાની દુશ્મન પણ પાકિસ્તાનના દોસ્ત ચીનના ઈરાન અને પાકિસ્તાન બંને દેશો સાથે સારા સંબંધો છે. પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર હોવાના કારણે સાઉદી અરેબિયા સાથે પણ એક ટેબલે બેસી શકે છે અને ઈરાન સાથે પણ. જો કે આ મામલે પાકિસ્તાન બેલેન્સ નથી જાળવી શક્યું તે વાત અલગ છે. પાકિસ્તાન નાટો દેશોમાં નથી છતાં અમેરિકા સાથે નોન નાટો તરીકે સારા સંબંધો છે. ઉપરથી અમેરિકા અને ચીન એકબીજાના જાની દુશ્મન છે તો પણ પાકિસ્તાનના બંને દેશો સાથે સારી બને છે. ટ્રમ્પે ચીનથી કેમ દૂરી બનાવી? યાદ હોય તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આવતા મહિનાની 14-15 તારીખે મીટિંગ હતી. પણ યુદ્ધના કારણે આ મીટિંગ લંબાવી દેવાઈ છે. જેનો સીધો મતલબ એવો થઈ શકે કે આવતા દોઢ મહિના સુધી પોતાના ઓવર એગ્રેશનના અમેરિકાનો તો યુદ્ધ રોકવાનો કોઈ પ્લાન સફળ જાય તેમ લાગતું નથી. તો વધે ચીનના પાંચ મુદ્દાનો એકલો ઓપ્શન જે બની શકે કે ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ રોકી શકે. દુનિયાનો ધણી અમેરિકા નહીં પણ ચીન? ચીન અને પાકિસ્તાનનો પાંચ મુદ્દાનો શાંતિ પ્લાન અત્યારે વિશ્વ માટે એક આશાનું કિરણ પણ છે અને અમેરિકા માટે ખતરાની ઘંટડી પણ. કારણ કે જો આ પ્લાન જમીન પર ઉતરે છે અને હોર્મુઝની સામુદ્રધુની ખુલે છે, તો 21મી સદીના ઇતિહાસના પુસ્તકોમાં 2026નું વર્ષ એવા વર્ષ તરીકે લખાશે જ્યારે પશ્ચિમી વર્ચસ્વનો સૂર્ય આથમ્યો અને પૂર્વીય સત્તાનો ઉદય થયો. પણ અહીં મોટો ટ્વિસ્ટ એ છે કે યુરોપ દેશોને ચીન પર પૂરો ભરોસો નથી. આજે પણ યુરોપ ચીનને શંકાની નજરે જ જુએ છે. જો ભવિષ્યમાં દુનિયાની ધૂરા ચીન સંભાળે તો યુરોપ તે માનશે કે નહીં તે મોટો સવાલ છે. યુદ્ધ રોકાવાથી નેતન્યાહુને ભારે નુકસાન અહીં સૌથી મોટો પેચ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો છે. આ વર્ષે ઇઝરાયેલમાં ચૂંટણીનો માહોલ છે, તારીખો જાહેર નથી થઈ એ વાત અલગ છે. પણ નેતન્યાહુના શાસનના કારણે ઈઝરાયલી જનતામાં ભારે આક્રોશ છે. 70 ટકા ઈઝરાયલીનું માનવું છે કે ઈરાન તેમના માટે ખતરો છે પણ તે જ 50 ટકા ઈઝરાયલીઓનું કહેવું છે કે તેમને નેતા તરીકે નેતન્યાહુ નથી પસંદ. નેતન્યાહુની લિકુડ પાર્ટીની લોકપ્રિયતામાં 15% નો ઘટાડો નોંધાયો છે. એટલે તેમના માટે આ યુદ્ધ એક એવું કવચ છે જે તેમને સત્તા પર ટકાવી રાખે છે. જો યુદ્ધ રોકાઈ જાય, તો જનતાના સવાલોના તીર ફરી તેમના તરફ વળશે. ઈઝરાયલ ચીનના યુદ્ધ રોકવાના પ્રયાસને પડકારશે? બીજી તરફ, ચીનના પાંચ મુદ્દામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાની કોઈ વાત નથી. ઇઝરાયેલ માટે પાડોશમાં બેઠેલું પરમાણુ શક્તિ સંપન્ન ઈરાન અને હુથી-હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી ગ્રુપ્સ કાયમી માથાનો દુખાવો છે. આવી સ્થિતિમાં, શું નેતન્યાહુ પોતાની રાજકીય કારકિર્દી અને દેશની લાંબાગાળાની સુરક્ષાને દાવ પર લગાવીને ચીનના શાંતિ મંત્રને સ્વીકારશે? આ સવાલ જ ચીનના પ્લાન માટે સૌથી મોટો સ્પીડ બ્રેકર છે. અને છેલ્લે... સૌથી મોટી વાત અહીં એ છે કે શું અમેરિકા આ યુદ્ધ રોકવાના પાંચ મુદ્દાને સ્વીકારશે કે અહમ ઘવાવાના કારણે નહીં સ્વીકારે? આર્થિક અને હથિયારોના નુકસાનના કારણે અત્યારે અમેરિકાને પણ યુદ્ધ રોકવું જ છે પણ પોતાને મોટું દેખાડીને જીત દેખાડવી છે. પણ તો'ય જો અમેરિકા અને ઈઝરાયલ ચીનની વાત ન માનીને હથિયારોના પાવરના જોરે ઈરાન પર મિસાઈલ્સ ધડાકા ચાલુ રાખશે તો અમેરિકા દુનિયા સામે હિરો નહીં પણ વિલન બનીને સામે આવશે. જે થાય તે પણ એક વાત નક્કી છે કે દુનિયા હવે વોશિંગ્ટન બાજુ જ નથી જોતું બેજિંગના નિર્ણયો પર પણ તાકતી બાજ નજર રાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે LSG vs DC:રિષભ પંત લખનઉ તરફથી ઓપનિંગમાં ઉતર્યો, ત્રીજી ઓવરમાં રન આઉટ થઈ ગયો
    Next Article
    વાપી પાલિકાએ 662 મિલકતો સીલ કરી કડક વસૂલાત:રૂ. 44.28 કરોડની વેરા વસૂલાત, રૂ. 50.10 કરોડના લક્ષ્યાંકની નજીક પહોંચ્યું તંત્ર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment